ચાલવાનું ફાવશે?

19 May, 2019 12:13 PM IST  |  મુંબઈ | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

ચાલવાનું ફાવશે?

તને ફાવશે ને? આ સવાલ ઘણી વાર પુછાતો હોય છે. હિલ સ્ટેશનમાં ફરવા જવાની યોજના બનાવી હોય અને સેકન્ડ એસી - થર્ડ એસી બન્ને ફુલ થઈ ગયા હોય ત્યારે  સેકન્ડ ક્લાસમાં ફાવશે કે નહીં એ સવાલ પફ્યુર્મનું રૂપાંતર પરસેવામાં કરી નાખે. બહારગામ ટૂરમાં ટ્વન શૅરિંગ ધોરણે કોઈક સાથે હોટેલના રૂમમાં રહેવાનું હોય ત્યારે એ વ્યક્તિ સાથે ફાવશે કે નહીં એ પ્રશ્ન આગોતરું સતાવે. મોટા ફ્લૅટમાં મોટી થયેલી કન્યા ભાવિ ભરથારના ઘરે જાય અને નાનું ઘર જોઈને ફાવશે કે નહીં એ પ્રશ્ન પગમાં કપાસીની જેમ કઠે. અશ્વિન ચંદારાણાના શેર સાથે ફાવવા-ન ફાવવાના મધ્યબિંદુને તપાસીએ...

ના ફાવે તો રુખસત આપો

શ્વાસ લેવાની ફુરસત આપો

કાં તો અહીંયાં બરકત આપો

યા કાશીમાં કરવત આપો

કેટલાક લોકોને કોઈની સાથે નથી ફાવતું. સમાજમાં લગ્નપ્રસંગે વહેવાર સાચવવા હાજરી આપવી પડે તોય હૈયે ઘા વાગે. પડોશીઓને જો એકબીજા સાથે ન ફાવતું હોય તો એ સરહદ જેટલો જ વિકટ પ્રશ્ન છે. માંદેસાજે સૌથી પહેલાં પડોશી જ કામમાં આવે. પડોશી સાથેનો સારો સંબંધ ફસ્ર્ટ એઇડ બૉક્સની ગરજ સારે છે. કેટલાંક દંપતી પણ એકમેક સાથે ફવડાવી નથી શકતાં. નીરવ વ્યાસ વ્યક્ત કરવી મુશ્કેલ હોય એવી વેદનાની વાત કરે છે...

કશું એવું કે, કોરી સાવ કોરી આંખ છલકાવે

કશું એવું કે, ચાહો ખૂબ ને ડૂસકુંય ના આવે

કશું એવું કે, છેટા સાવ છેટા, દૂર બેસે સહુ

કશું એવું કે, બેસો સાવ પાસે તો જ બસ ફાવે

પાસે બેસવામાં ને સાથે ચાલવામાં પણ ફાવવું જોઈએ. એક જણની ચાલવાની ગતિ વધારે હોય તો સંગાથીએ ગતિને વત્તીઓછી કરીને સફર સાચવવી પડે. ટ્રૅકિંગ પર આખું ગ્રુપ આગળ નીકળી જાય અને આધેડ વય વટાવી ચૂકેલું દંપતી ધીરે-ધીરે એકમેકને સાચવતું આગળ વધે તો એને પ્રેમની સંપત્તિ ગણવી. ગમે એટલો દોડવીર પિતા હોય, પોતાના નાના ભૂલકાની સાથે તેણે કદમ મિલાવીને ચાલવું પડે. નર્મદની પંક્તિ ડગલું ભર્યું તે ના હટવું યાદ આવે એવો મિજાજ સુનીલ શાહના શેરમાં વર્તાય છે.

છોને મંઝિલ મનગમતી આવે નહીં

પાછી પાની કરવાનું ફાવે નહીં

એનું તો ક્યાં કૈં ખર્ચાવાનું છે?

ખિસ્સામાં જે સપનાંઓ લાવે નહીં!

સપનાંને હકીકત બનાવવાનું ના ફાવે તોય સપનાં જોવાનું છોડી ના દેવાય. સપનાં વગરની આંખ પાણી વગરની નદી જેવી છે. એની હાજરી હોય, પણ નૂર ગુમાવી દીધું હોય. એક લક્ષ્યને હાંસલ કરવા સતત મચી જવું પડે. એક નાની શોધ માટે કેટલીય વાર સંશોધકોએ વરસો હોમવાં પડે છે. અધવચ્ચે જો એ ધૈર્ય ગુમાવી બેસે તો મંઝિલ સુધી પહોંચે નહીં. અશોક જાની ‘આનંદ’ દુ:ખ અને આનંદ વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે છે... 

પાંખ છે પણ ઉડાન બાકી છે

આંખમાં આસમાન બાકી છે

દુ:ખ રડવાની સહુને ફાવટ છે

એક આનંદ ગાન બાકી છે

દુ:ખને રડવાનું આપણને ગમતું હોય છે. નાના બાળકને ટેડી બેર ગમે એમ જાણે-અજાણે સહાનુભૂતિ ઉઘરાવવાની વૃત્તિ આપણને ગમતી હોય છે. પાળેલી બિલાડીને પંપાળ્યા કરીએ એમ આપણે આ વૃત્તિને પંપાળ્યા કરીએ. સોય જેટલી પીડા હોય તો એને તીર જેટલી કરી બતાવવાનું આપણને ગમે છે. કમલેશ ચૌધરી ‘અમન‘ કહે છે એમ આપણે જાતને પણ છળતાં અચકાતા નથી.

આ કેવું હૂનર માનવી પામી ગયો?

દર્પણને કાયમ મોજથી છળતો રહ્યો

નોખી શરત તમને નહીં ફાવે મિયાં

અજવાળું આપીને હું પીગળતો રહ્યો

કોઈને અજવાળું આપતી જિંદગી પ્રશંસાની હકદાર છે. ઈશ્વરે બધાના ભાગે સરખી વહેંચણી કરી નથી. એને કદાચ વિશ્વાસ હશે કે આ લોકો અંદર-અંદર સમજી લેશે. જો ઈશ્વર નિયમિત રીતે ઑડિટ કરાવતો હશે તો તેને ટuુબલાઇટ થઈ હશે કે પોતાનાં કેટલાંયે સર્જનમાં તેણે વધારે પડતો વિશ્વાસ મૂકીને ભૂલ કરી છે. દેવત્વ સાથે દાનવત્વ પણ હાજર રહેવાનું. સીધો સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થાય એ રીતે દેવદાસ શાહ ‘અમીર’ ઈશ્વર પર આરોપ મૂકે છે...

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં?

વિશ્વકર્મા! તારું પણ પહેલાં સમું ધોરણ નથી

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઈ, અમીર?

મારી સમૃદ્ધિનાં કંઈ એક-બે કારણ નથી!

હરીફાઈનો આ જમાનો છે. ૨૩ મેએ ચૂંટણીનાં પરિણામોની પ્રતીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપની પુરબહાર મોસમમાં શાસક-વિપક્ષના વિવાદો ચાલુ છે. ગાદીની સ્પર્ધા ગળાકાપ બનતી જાય છે. પ્રજા કોનો રાજ્યાભિષેક કરશે એના આધારે દેશનું ભવિષ્ય ઘડાશે અથવા ઘડોલાડવો થશે. એક ભૂલ ભારે પડી શકે છે તો એક તક તારી શકે છે. જય એસ. દાવડાનો શેર સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખાયો હોય એવું સ્પષ્ટ લાગે છે...

સ્પર્ધા સતત સફરમાં, ફાવી શકો તો ફાવો

રજૂઆત સાવ જુદી, લાવી શકો તો લાવો

છપ્પનની છાતી રાખી પડકાર સૌ ઊભા છે

છપ્પનની છાતી સાથે આવી શકો તો આવો

સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇકની બે મહત્વની ઘટના પછી છપ્પનની છાતી શબ્દ સાર્થકતા તરફ પ્રયાણ કરવામાં સફળ થયો છે. અચાનક જ સફાળું જાગી કૉંગ્રેસે પોતાના રાજમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોવાની જાહેરાત કરી. રાફેલમાં જેમ જુદા જુદા આંકડા જુદા જુદા સમયે ફંગોળાતા રહ્યા એમ જ સર્જિકલ સ્ટ્રાઇકના જુદા જુદા આંકડા ફેંકાયા. ઘણી વાર થાય કે રાષ્ટ્રીય મંચ પર આ પ્રકારના પાકા પ્રહારો કરતાં પહેલાં પાકું હોમર્વક થતું હશે કે નહીં? બિની પુરોહિતની આ ચૅલેન્જ સમજવા જેવી છે...

તારાપણું સદાય તું સાથે જ રાખે છે

હળવાશ ઝાઝી એટલે બસ ફાવતી નથી

રમતાં તને જ આવડે છે એમ ના સમજ

સારું છે કોઈ દાવ હું અજમાવતી નથી

કોણ, કોને કેટલું ફાવશે એ સંબંધ અને સમય પર નિર્ભર છે. સમય સામે સંજોગોએ ઝૂકવું પડે અને સંજોગો સામે સંવેદનાએ ઝૂકવું પડે. શ્વાસની રમત ચાલુ હોય ત્યારે અડધેથી દાવ મુકાય નહીં. ધૂની માંડલિયા આશાના તાંતણે જિજીવિષાને ઝુલાવે છે...

જે સમય ચાલ્યો ગયો એ આવશે ક્યારેક તો

એ ગલી, એ ઘર, મને બોલાવશે ક્યારેક તો

એ જ આશા પર નિરંતર રણ હજી જીવ્યે જતું

માછલીને ઝાંઝવામાં ફાવશે ક્યારેક તો

ક્યા બાત હૈ 

સાવ નોખી રીતથી સંભારવાનું ફાવશે?

બે મિનિટનું મૌન કાલે રાખવાનું ફાવશે?

 

પાંપણો પાછળ સિફતથી વાદળાં રાખી શકો

કાલથી વરસાદ ત્યાં સંતાડવાનું ફાવશે?

 

અંતરાશો ટાંકણે આવી ચડે એવું બને

નામ મારું એ પળે, ઉચ્ચારવાનું ફાવશે?

 

સાંકડી શેરી હશે ને ઓટલાનો ત્રાસ પણ

વસ્ત્ર સંકોરી, સલામત ચાલવાનું ફાવશે?

 

દૃશ્ય મનગમતું મનોમન ધારવાનું હોય છે

હાજરી મારી હવામાં ધારવાનું ફાવશે?

 

આવશે ઊભા પગે ને બારણાં ખખડાવશે

સ્વપ્ન રીઢું આંગણેથી ટાળવાનું ફાવશે?

 આ પણ વાંચો : કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળામાં ત્રણ પેઢીએ તાલીમ લીધી છે

હું જ જાગીને ભભકતી જ્યોતને સંકોરતો

કાલથી શગ એ રીતે સંકોરવાનું ફાવશે?

કિશોર જીકાદરા

(કાવ્યસંગ્રહ: પાંપણ વચ્ચે)

columnists weekend guide