કૉલમ: સમજદારી વધી શકે

28 April, 2019 01:38 PM IST  |  મુંબઈ | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કૉલમ: સમજદારી વધી શકે

દેશ ચૂંટણીના માહોલમાં ગળાડૂબ છે. કયો પક્ષ કેટલી સીટ મેળવી શકે, કોણ વડા પ્રધાન બની શકે વગેરે પ્રાણપ્રશ્નો બની ગયા છે. ઈવીએમ મશીન બિચારું રિઝલ્ટ આવ્યા પહેલાં જ ધૂત્કારનો ભોગ બની રહ્યું છે. જો ભૂલેચૂકે પણ ઈવીએમ મશીનની મા હોત તો અત્યારે જ ધ્રુસકે ધ્રુસકે રોઈ હોત. ગરમી કાળઝાળ બનીને વરસી રહી છે. ૨૩મી એપ્રિલે ઊજવાયેલો વિશ્વ પુસ્તક દિન ફરી પાછો હાંસિયામાં જતો રહ્યો છે. આ બધા સંજોગોમાં ડૉ. નટુભાઈ પંડ્યા કેટલીક વિપરીત સંભાવનાઓને જોડી આપે છે...

હજી લગ પુરાણા જ બીબે પુરાણા

નવા કોઈ ઢાળામાં ઢળવું હવે છે

બધું એકસાથે બની જો શકે તો

પલળવું, પીગળવું ને બળવું હવે છે

પુરાણા શબ્દના અહીં બે અર્થ ફલિત થાય છે. એક તો જૂનું અને બીજું પુરાઈ જવું. જિંદગીને બીબાઢાળ બનતાં રોકવી હોય તો આપણે સતર્ક રહીને વિચારવું પડે. કશુંક નવું નવું વિચારીએ નહીં તો મન કટાઈ જાય. બીજા સામે પુરવાર કરવા નહીં, પણ સ્વ-વિકાસ માટે પણ એ જરૂરી છે. બધા પાસે બહુમુખી પ્રતિભા હોય એ જરૂરી નથી, પણ જે કંઈ પ્રતિભા હોય એનો યોગ્ય વિનિયોગ થાય તો જ એ દીપી ઊઠે. જિજ્ઞેશ વાળા માનવીય પ્રકૃતિની વાત છેડે છે...

સલામત જાતને વરસો સુધી

રાખી શકે ના કોઈ પણ માણસ

અચાનક ખળભળી જઈએ,

હકીકતમાં રમકડાં રાખનાં છઈએ

જિંદગી છે એટલે ઉતારચઢાવનો સામનો તો બધાએ કરવો પડે. ગમે એટલો મહાકાય સમુદ્ર હોય છતાં એણે પણ ભરતીઓટની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે. વિશાળ વૃક્ષ પણ પાનખરમાં પાન ખેરવીને પોતાને વસંત માટે તૈયાર કરે છે. જિંદગી જીવવા માટે ઘણું બધું શીખવું પડે. નાનું બાળક અનેક વાર પડીને, ડગુમગુ કરતાં કરતાં આખરે ચાલતાં શીખી જ લે છે. શૈલેન રાવલ સંજોગો સામે બાથ ભીડવા આવડત જરૂરી છે એની શીખ આપે છે...

તને જીતવાની શરત આવડી ગઈ

મને હારવાની રમત આવડી ગઈ

સમયની વિષમતા ન સ્પર્શી શકે છે

સ્વયંની હવે માવજત આવડી ગઈ

વિષમતા એ કુદરતનો નિયમ છે. વિષમતા કહેવાને બદલે વિવિધતા કહેવું વધારે યોગ્ય ગણાય. કુદરતે •તુઓનો મિજાજ અલગ અલગ રાખ્યો છે. સવારનો સૂરજ પણ સાંજના સૂરજથી અલગ હોય છે. પાણીનાં પણ કેટલાં બધાં સ્વરૂપ છે. કૂવામાં હોય ત્યારે ધીરગંભીર લાગે. નદીમાં વહેતું હોય ત્યારે અલ્લડ છોકરી જેવું લાગે. તળાવ કે સરોવરમાં પોતાની મર્યાદામાં રહીને મસ્તી કરતું હોય. વાદળમાં બંધાઈને એ કાયાપલટનો અહેસાસ કરતું હશે. બરફના રૂપે જામીને કોઈ •ષિની જેમ તપ કરવા બેઠું હોય એવું પ્રતીત થાય. ભાવિન ગોપાણી ગતિ અને સ્થિતિને સાંકળે છે...

શંકા છે જેને ભીતર ઊઠતી વરાળ પર

મૂકે એ એના હાથને મારા કપાળ પર

પળમાં દડી શકે છે જે એવો દડો છું પણ

લઈ સ્થિરતાનો શાપ હું ઊભો છું ઢાળ પર

કશું ન હોય તો પણ શંકા કરવા આપણું મન પ્રેરાતું રહે. ચોકસાઈ કરવી એ જુદી વાત છે અને શંકા કરવી એ જુદી વાત છે. કેટલીક વાર ઢાળ પર ઊભેલા દડાની જેમ જિંદગી સ્થગિત થઈ જાય. એને એક ધક્કાની જરૂર પડે, જે એને પાછી ગતિ આપી શકે. આપણી જિંદગીમાં પણ આવા સંજોગો આવે ત્યારે ઉગારવા મિત્ર કે અંગત સ્વજન જોઈએ. પાણીમાં ડૂબતા માણસને કોઈ હાથ આપે તો એ ઊગરી જાય. જિંદગીનો ઉદ્દેશ માત્ર સ્વકેન્દ્રી ન હોવો જોઈએ. જરૂર હોય ત્યાં બીજાને સાથ આપવાનો હોય ને જરૂર પડે ત્યારે હાથ પણ આપવાનો હોય. અન્યથા કેટલાય લોકો ગુલામ અબ્બાસ નાશાદ કહે છે એવી હતાશાનો ભોગ બનતા હોય છે...

લાવી શકે છે બોલ ઝલક વીતી કાલની?

તારું ગજું નથી કે હસાવી લે તું મને

હું આજ છું એ જાણ્યા પછી વાજબી નથી

ગઈ કાલ સમજી ભીંતે સજાવી લે તું મને

અતીતને ભૂલવું સહેલું નથી. મૂળ વાત અતીતમાંથી શીખવાની છે. વિવિધ અનુભવોને આધારે જિંદગી ઘડાતી જાય. કેટલીક વાર આપણા જ લોકો દગો કરે તો કેટલીક વાર અજાણ્યો આવીને પડખે ઊભો રહે. રાકેશ સગર સાગર વ્યક્તિગત અનુભવ સાથે રાષ્ટ્રીય પરિસ્થિતિને સાંકળે છે...

મને પહેરી લીધો એણે નવા શણગારની માફક

ઉતારી પણ શકે કાલે જૂના ઉતારની માફક

હૃદય એનું બરાબર લોકશાહી રીતે ચાલે છે

મને ઊથલાવી દીધો પાછલી સરકારની માફક

સરકારો આવે-જાય, પણ દેશ પ્રત્યેની નિષ્ઠા ટકી રહેવી જોઈએ. જેને ભાણામાં ભારતનો નકશો દેખાતો હોય એ ક્યારેય દેશ સાથે ગદ્દારી નહીં કરે. વિશ્વ આજે આતંકવાદથી પરેશાન છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટોમાં ૩૦૦થી વધુ લોકો હોમાઈ ગયા. આ ઘટના ખતરાની ઘંટડીસમાન છે. આતંકીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી હુમલા કરી શકે છે. એક કૉમોડિટીની જેમ આતંકવાદની આયાત-નિકાસ થાય છે.

ઇસ્લામિક સ્ટેટનું નામ આમાં બહાર આવ્યું છે. આ કુખ્યાત સંગઠને સિરિયાને બરબાદ કરી નાખ્યું ને ઇરાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું. કંસના સામ્રાજ્યને તોડવા કૃષ્ણ જોઈએ એમ આવાં આતંકવાદી સંગઠનોનો સફાયો કરવા પ્રત્યેક દેશે પોતાના કૃષ્ણને સાધવો પડશે. વિવિધ દેશોના જે વિસ્તારોમાં નિર્દોષ નાગરિકો ઝપટમાં આવ્યા છે તેમની જિંદગીમાંથી સુખ અને શાંતિ નામના બે શબ્દો ઓઝલ થતા જાય છે. લક્ષ્મી ડોબરિયા એ વ્યથા બયાં કરે છે...

હાથમાં ના હોય એ બાબતનો લાગે ભાર તો

આંખ આડા કાન રાખીને ઘણું કરવું પડે!

સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ એ

હૂંફ માટે દર્દનું બસ, તાપણું કરવું પડે!

ક્યા બાત હૈ

ઇતિહાસ લખવા પૂરતો તો તું લખી શકે

વ્યવહાર વચ્ચે વારતા ક્યાંથી ટકી શકે?

ક્યાં સ્થિર રહેવું અઘરું છે કોઈ સવાલ પર

મન પણ અમારું સ્હેજમાં ક્યાંથી ડગી શકે?

બોલ્યા વગર તું બેસવાની રીત પૂછને

વાતો કરીને તો સમજદારી વધી શકે

ટપટપ અવસ્થા એક જોવા જેવી હોય છે

સામે ધરું તો આયનો પાછો રડી શકે

આ પણ વાંચો : શું હંમેશાં સારું પરિણામ લાવવાનું શક્ય હોય છે?

બસ મોતની સાથે જ રહેવું છે સતત હવે

ના શ્વાસ મારો કોઈ કારણથી લડી શકે

શૈલેશ પંડ્યા ‘ભીનાશ’

(સંગ્રહ: નિખાલસ)

columnists