કલ્યાણજીભાઈને સ્ટેજ પર બોલતા કરવા આણંદજીભાઈએ શું રસ્તો કાઢ્યો?

14 July, 2019 01:50 PM IST  |  મુંબઈ | રજની મહેતા

કલ્યાણજીભાઈને સ્ટેજ પર બોલતા કરવા આણંદજીભાઈએ શું રસ્તો કાઢ્યો?

કલ્યાણજી આનંદજી

વો જબ યાદ આએ

એમ કહેવાય છે કે જો તમે તમારા નાનપણની સ્મૃતિઓ સાથે જીવશો તો ઘડપણ તમારી નજીક આવતાં પહેલાં બે વાર વિચાર કરશે, કારણ કે શૈશવની સીઝન એ દુનિયાની સૌથી વધુ સુંદર મોસમ છે. મનમાં ઘણી વાર એવી જ ઇચ્છા થાય કે નાનપણની થોડી સ્મૃતિઓને ફૂંક મારીને, એનું એક મોટું બલૂન બનાવીને, હંમેશ માટે એમાં જ રહેવા મળે તો કેવું સારું? 

એક વરસાદી સાંજે આણંદજીભાઈ પણ પોતાના નાનપણની સ્મૃતિઓ પરની ધૂળ હળવા હાથે ખંખેરીને, એને પંપાળીને કલ્યાણજીભાઈને યાદ કરતાં કહે છે, ‘કલ્યાણજીભાઈ નાનપણમાં શરીરે ભરાવદાર હતા. ૧૯૪૪ની સાલમાં તેઓ ચોથા ધોરણમાં માટુંગા જૈન બોર્ડિંગમાં ગયા. મોટા વાળ અને કપાળ પર  લટકતી લટ લઈને અડધી ચડ્ડીમાં ફરતા આ બાળક પર સૌની નજર ચડતી. સ્વભાવે શાંત, શરમાળ અને કેવળ સંગીતનો શોખ. ભણવામાં બહુ રસ નહીં એટલે ક્લાસમાં ગૂટલી મારી, ચોરીછૂપી સંગીતની પ્રૅક્ટિસ કરે. માથું દુખે છે, પેટમાં દુખે છે એવાં બહાનાં કાઢી સ્કૂલમાં ન જાય. તેમને બદલે તેમનો રૂમ-પાર્ટનર હાજરી પુરાવે.’
‘સંગીતની ખૂબ લગની હતી એટલે બોર્ડિંગના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંગીતનો વિભાગ સંભાળતા. આ ઉપરાંત સ્કૂલમાં તેમનું પાંચ-છ મિત્રોનું ગ્રુપ હતું. તેઓ બધા સ્કાઉટમાં જોડાયા. એ દિવસોમાં તેઓ ખૂબ એક્સરસાઇઝ કરતા. એ આખું ગ્રુપ સાહસી હતું. બીજી સ્કૂલમાં જ્યાં ફંક્શન હોય ત્યાં જાય. કુસ્તી કરવી, આગથી ભરેલી રિંગમાંથી નીકળવું, હાઈ જમ્પ મારવી જેવાં જોખમી કામો કરે. અમારા કચ્છી સમાજના કાર્યક્રમોમાં આ બધી કરામત દેખાડે. લાંબી રજાઓમાં તેઓ  કચ્છની સ્કૂલોમાં જતા અને ત્યાં આનો ડેમો આપતા, સેમિનાર કરતા. અમુક ગ્રુપ સાથે વૉલન્ટિયર તરીકે જતા. સાથે-સાથે તેમનો સંગીતનો શોખ પણ આગળ વધતો ગયો. બોર્ડિંગમાં હાર્મોનિયમ, ક્લેરોનેટ વગાડતાં શીખ્યા.
જેમ-જેમ સમય વીતતો ગયો એમ આ લોકોનાં ઍડ્વેન્ચર્સ વધતાં ગયાં. સર્કસ જોવા ગયા તો ત્યાં ઘણાં જોખમી કામ જોયાં તો એ કરવાનો મૂડ આવ્યો. ઘણી વખત તો કાચનો બલ્બ તોડીને ખાઈ જાય, બ્લૅડના નાના ટુકડા કરીને ખાય. ગરમ પાણીની બૅગને ફૂંક મારીને એટલી મોટી કરે કે ફુગ્ગો બનીને ફૂટી જાય. જેમ સંગીતના કાર્યક્રમમાં તેમની વાહ-વાહ થાય તેમ તેમનાં આવાં કામ જોઈને લોકો હેરતમાં પડી જાય. જોકે આવી હરકતોને કારણે તેમનું પેટ ખરાબ થઈ ગયું. સ્વિમિંગ કરવા જાય તો એકધારું પાંચ-છ કલાક તરે. સાઇકલ ચલાવવા જાય તો સાત-આઠ કલાક સાઇકલ  ચલાવે. બોર્ડિંગમાં હતા એટલે કોઈ કહેનારું નહીં. ઘરે ખબર બહુ મોડી પહોંચે. એ દિવસોમાં તો લોકો એકસાથે ૧૦૦ ગુલાબજાંબુ ખાઈ જાય, દૂધ ભરેલો આખો હાંડો પી જાય. કેળાંની આખી લૂમ લઈ આવે અને પછી શરત લગાવે કે કોણ વધારે કેળાં ખાઈ શકે છે. જમવા બેસે તો એકલા પોતે ૪૦ રોટલી ખાઈ જાય. બસ, નક્કી કરે કે આજે ખાવાનું ખલાસ કરી નાખવું છે, પછી કોઈ પાછું વળીને જુએ નહીં, જેકાંઈ કરે એ એક્સ્ટ્રીમ કરે.
એક વખત આ લોકો ચાલતાં-ચાલતાં લોનાવલા પહોંચી ગયા. ડુંગર ચડ્યા, ખીણમાં પહોંચ્યા. બે-ત્રણ દિવસે બોર્ડિંગમાં પાછા આવ્યા. જેમ-જેમ મોટા થતા ગયા તેમ આ જોશ વધતું ગયું. લગ્ન પહેલાં તેમને મોટરસાઇકલનો શોખ હતો. એક સમયે તેમના મિત્રો સાથે હું  લોનાવલા ગયો હતો. વરસતા વરસાદમાં ખોપોલી, ખંડાલા રખડીને અમે સૌ પાછા આવતા હતા. કલ્યાણ નજીક એક નદી જોઈને સૌને તરવાનું મન થયું. મારા સિવાય દરેકે ઝંપલાવ્યું. સામે કાંઠે તો પહોંચી ગયા, પરંતુ પાછા આવતી વખતે ફસાયા. નદીનો પ્રવાહ એટલો જોરદાર થયો હતો કે આ લોકો તણાવા માંડ્યા. નસીબજોગે જેમતેમ કરીને પુલનો થાંભલો પકડીને જીવ બચાવ્યો. મેં રસ્તે જતા એક લૉરીના ડ્રાઇવરને બોલાવ્યો. અમે દોરડા ફેંકીને માંડ-માંડ આ લોકોને ઉપર ખેંચી લાવ્યા. રસ્તામાં કલ્યાણજીભાઈ મને કહે, ‘ખબરદાર, ઘરે વાત કરી છે તો.’ હું ચૂપ રહ્યો. જોકે આ લોકોનાં તોફાન ચાલુ જ હતાં. રસ્તામાં મોટરસાઇકલ સ્પીડમાં ચલાવે અને બસની સામે જઈને અચાનક ટર્ન લઈ લે. એ દિવસોમાં મુંબઈમાં ટ્રામ ચાલતી, એની સામે પણ આવા સ્ટન્ટ કરે. એક દિવસ એક જણ બે ટ્રામ વચે એવો ફસાયો કે જીવ જોખમમાં મુકાઈ ગયો. બાપુજીને ઊડતી-ઊડતી આ વાતની ખબર પડી. તેમણે મને પૂછ્યું એટલે મેં કહી દીધું કે ભાઈ પણ આવાં તોફાન કરે છે. બસ, પછી તો બાપુજીએ ફરમાન કર્યું, ‘આ મોટરસાઇકલ વેચી નાખો.’
જોકે આ બધાની સાથે તેમનું સંગીતનું પૅશન હતું એ જરા પણ ઓછું નહોતું થયું. બોર્ડિંગમાંથી પાછા ફરીને દુકાને બેસતા એ સમયે રાત પડતાં જ મિત્રો સાથે સંગીતની દુનિયામાં ખોવાઈ જતા. અમે ખાડિલકર રોડ પર રહેતા હતા. ત્યાં હિન્દી અને મરાઠી ફિલ્મ અને નાટકના અનેક કલાકારો રહેતા એટલે સંગીતનો માહોલ જામતો. સંગીતકાર શંકર ત્યાં જ રહેતા. અભિનેતા સપ્રુના ઘરે કામ કરતા. તેમનાં પત્ની હેમાવતી ડાન્સર હતાં. તેમને રિયાઝ કરવો હોય ત્યારે શંકર તબલાં વગાડતા. એ દિવસોમાં તે દુકાને સામાન લેવા આવતા ત્યારે અમારી વાતો થતી. અમને કહેતા કે હવે હું પૃથ્વી થિયેટરમાં જોડાયો  છું. થોડા સમય બાદ તે રામ ગાંગુલીના અસિસ્ટન્ટ બન્યા અને પછી તો ‘બરસાત’માં શંકર-જયકિશને ધૂમ મચાવી.
કલ્યાણજીભાઈને નાટક જોવાનો ખૂબ શોખ હતો. દેશી નાટક સમાજમાં મોહન જુનિયર પાસે હાર્મોનિયમ શીખવા જતા. અમે ગૅલરીમાં બેઠાં નાટક જોતા હોઈએ ત્યારે મને કહે, ‘આની  આંગળીઓ જો. હાર્મોનિયમ પર કેવી સડસડાટ ફરે છે. તેની પાસે શીખવું જોઈએ.’ તેમનો  ઑબ્ઝર્વેશન-પાવર જબરો હતો. કાન પણ સરવો હતો. કોઈને બે મિનિટ સાંભળે એટલે ખબર પડી જાય કે તેનામાં કેટલી ટૅલન્ટ છે. આને કારણે જ કેટલાય નવા અવાજોને અમે ચાન્સ આપ્યો. તેમની સ્ટોરી-સેન્સ પણ જોરદાર હતી. અમુક પ્રોડ્યુસર અમને સંગીતકાર તરીકે લે અને અમે સ્ટોરી સાંભળીએ તો તરત કહે, ‘આ પિક્ચર હિટ જશે.’ અમુક સ્ટોરી સાંભળીને કહે, ‘આમાં ખાસ દમ નથી. મહેનત કરવી પડશે’ અને તેમનું જજમેન્ટ સાચું જ હોય. 
આણંદજીભાઈ જે રીતે મોટા ભાઈ કલ્યાણજીભાઈની સ્મૃતિને તાજી કરી રહ્યા હતા તે એ વાતની પ્રતીતિ હતી કે મોટા ભાઈ માટે તેમને કેટલો આદર છે. એક સંગીતકાર તરીકે કલ્યાણજી- આણંદજીની જોડીની કમાલને આપણે દિલથી માણી છે, પરંતુ એક વ્યક્તિ તરીકે કલ્યાણજીભાઈને જાણવાનો જે અવસર મળ્યો એની પાછળ આણંદજીભાઈની નિખાલસતા છે. ગુજરાતીમાં એક શબ્દપ્રયોગ છે, ‘પેટછૂટી વાતો.’ એનો અર્થ એ કે ‘ખુલ્લા દિલથી વાતો’ જે આણંદજીભાઈ મારી સાથે કરી રહ્યા હતા. એટલે જ મેં પ્રશ્ન કર્યો કે પૂરી દુનિયાને ખબર છે કે કલ્યાણજી-આણંદજીની જોડીએ કદી નૉન-વેજ કે શરાબને હાથ નથી અડાડ્યો તો પછી આ બેની સરખામણીમાં થોડી નિર્દોષ ગણાતી સિગારેટની આદત કલ્યાણજીભાઈને કેવી રીતે પડી? એના જવાબમાં આણંદજીભાઈએ જે ઘટના કહી એ સાચે જ માનવામાં ન આવે એવી છે. 
‘નાનપણમાં તેમણે ખાવા-પીવાનાં જે પરાક્રમ કર્યાં એના હિસાબે મોટા થયા બાદ તેમને   પેટનો દુખાવો શરૂ થયો. આને લીધે અમુક સમયે તેઓ ખૂબ પરેશાન થતા. સુરતમાં અમારો એક સ્ટેજ-શો હતો ત્યાં પોંક-પાર્ટી હતી. સૌએ પેટ ભરીને ખાધું હતું. ત્યાં કલ્યાણજીભાઈને અચાનક પેટનો દુખાવો ઊપડ્યો. ખૂબ ગૅસ થઈ ગયો હતો. તેમનાથી રહેવાય નહીં. એ સમયે મન્ના ડે અમારી સાથે હતા. તેઓ સિગારેટના શોખીન હતા. મને મનમાં શું સૂઝ્‍યું કે તેમના હાથમાંથી સિગારેટ લઈને મેં ભાઈને આપીને કહ્યું, ‘લે, બે-ચાર ફૂંક મારી લે, સારું લાગશે.’
આ સાંભળી તેઓ ચોંકી ગયા. મને કહે, ‘શું બોલે છે? તને ખબર છેને કે હું પીતો નથી.’
 ફૉર અ ચેન્જ. હું મોટો બની ગયો અને કહ્યું, ‘તને ખબર છે કે અત્યારે આય ઍમ ઇન્ચાર્જ, ચૂપચાપ પી લે તને સારું લાગશે; મારી ગૅરન્ટી છે.’
 જે રીતે મેં આદેશ કર્યો એ જોઈને ચૂપચાપ તેમણે મારી વાત માની લીધી અને બે-ચાર ફૂંક મારી લીધી. મોઢામાંથી ધુમાડો નીકળ્યો એટલે પેટમાંથી થોડો ગૅસ પણ બહાર આવ્યો. તેમને રાહત થઈ એટલે જ્યારે આવું થાય ત્યારે તેઓ સિગારેટના બે દમ મારી લેતા. આમ તેમની સિગારેટ ચાલુ થઈ. જોકે આ આદત એવી હતી કે છેવટ સુધી તેઓ બે કે ત્રણ ફૂંક મારીને સિગારેટ મૂકી દેતા હતા. આવી જ આદત ગીતકાર ઇન્દિવરને હતી. પહેલાં તો તેઓ પુષ્કળ બીડી પીતા. અમારા કહેવાથી એ બંધ કરી અને સિગારેટ શરૂ કરી, પણ મજા નહોતી આવતી એટલે સળગાવે ખરા, પણ ફૂંક ન મારે. કેવળ હાથમાં પકડી રાખે.’
 ન માનવામાં આવે એવી બીજી એક વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘કલ્યાણજીભાઈ સ્વભાવે શાંત એટલે તેમનું બોલવાનું બહુ ઓછું હતું. અમે સ્ટેજ-શો શરૂ કર્યો ત્યારે હું જ કાર્યક્રમમાં અનાઉન્સમેન્ટ કરતો. ગીત ગાતો, કૉમેડી કરતો. હું તેમને કહેતો કે તમારે બોલવું તો પડશે જ, તો કહેતા કે મને નહીં ફાવે. તું જ વાતો કર એટલે મેં એક રસ્તો કાઢ્યો. ધારો કે વડોદરામાં શો હોય તો તેમને બોલાવવા માટે હું તેમને સવાલ પૂછતો, વડોદરા કેવું લાગ્યું? એટલે તેમનો ટૂંકો જવાબ આવે કે બહુ સારું લાગ્યું. પછી મારા સવાલ શરૂ થાય, ‘અહીંનું ઑડિયન્સ કેવું છે? અહીંની કઈ વાનગી તમને વધુ ભાવી? આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? એની ખૂબી શું છે? એટલે મારા સવાલના જવાબ આપતા જાય. આમ ધીમે-ધીમે તેમને બોલતા કર્યા. પછી તો એક સમય એવો આવ્યો કે તેમને સાંભળવા લોકો બેચેન હતા. આનું મુખ્ય કારણ હતું તેમની સેન્સ ઑફ હ્યુમર. તેમના વનલાઇનર્સનો જવાબ નહોતો. ધીમે-ધીમે હું આ કામમાંથી સરકી ગયો. કોઈ પૂછે કે તમે કેમ બહુ બોલતા નથી તો હું જવાબ આપતો કે બડોં કે સામને છોટે નહીં બોલતે.’

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

ભલે જીવનભર આણંદજીભાઈએ મોટા ભાઈ કલ્યાણજીભાઈની આમન્યા રાખી હોય, પણ મારી સાથે તેમણે મોટા ભાઈ વિશેની જે  વાતો શૅર કરી છે એની જાણ બહુ ઓછા  સંગીતપ્રેમીઓને છે. કલ્યાણજીભાઈના અનોખા વ્યક્તિત્વના બીજા કિસ્સાઓ આવતા રવિવારે. 

columnists weekend guide