વિશ્વજિતે કઈ શરત જીત્યા બાદ કિશોરકુમારને કહ્યું...

15 September, 2019 03:59 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

વિશ્વજિતે કઈ શરત જીત્યા બાદ કિશોરકુમારને કહ્યું...

વિશ્વજિત

મનુષ્યમાત્રને ભૂતકાળ વાગોળવો ગમતો હોય છે, કારણ કે એની સાથે અનેક મીઠાં સ્મરણો સંકળાયેલાં હોય છે. એ સમયની મીઠી યાદો વર્તમાનની વિષમતાને સ્વીકારવામાં એક કુશન તરીકે મદદ કરતી હોય છે. વિશ્વજિત પોતાના અતીતની વાતોનું અનુસંધાન આગળ વધારતાં કહે છે, ‘ફિલ્મ ‘દો કલિયાં’માં નીતુ સિંહ એક બાળકલાકાર તરીકે હતી. અંગ્રેજી ફિલ્મ ‘પેરન્ટ ટ્રૅપ’ પરથી પ્રેરણા લઈને તામિલ અને તેલુગુ ભાષામાં ફિલ્મો બની એ હ‌િટ ગઈ એટલે એ.વી.એમ.ના એસ. એસ. વાસને આ જ વિષય પર હિન્દીમાં ફિલ્મ બનાવી. નીતુ સિંહ ચાઇલ્ડ આર્ટિસ્ત તરીકે સોનિયા સિંહના નામે કામ કરતી. મેહમૂદ તેને સમજાવતો, ‘આમ નાક ચડાવીને કામ કરીશ તો વાત આગળ નહીં વધે.’ જોકે તે ખૂબ રમતિયાળ હતી. હિરોઇન બન્યા પછી પણ તે એવી જ હરકતો કરતી. ફિલ્મ ‘દો દિલ’ની હિરોઇન રાજશ્રી પણ નાની ગુડિયા જેવી હતી. મહાન ડિરેક્ટર વી. શાંતારામની પુત્રી હોવા છતાં તે સરળ સ્વભાવની. મિલનસાર વ્યક્તિ હતી. ગ્રેગરી સાથે લગ્ન કર્યા બાદ તે અમેરિકા સેટલ થઈ ગઈ.

 મીનાકુમારી પછી જો ઍક્ટિંગની ડેપ્થ મેં કોઈનામાં જોઈ હોય તો એ રાખીમાં હતી. કલકત્તાથી મારી તેની સાથે ઓળખાણ હતી. ફિલ્મ ‘આસરા’માં અમે સાથે કામ કર્યું છે. એના પ્રીમિયરમાં જ મેં તેની ઓળખાણ સત્યેન બોઝ સાથે કરાવી અને તેને ધર્મેન્દ્રની સામે ફિલ્મ ‘જીવન મૃત્યુ’માં મોકો મળ્યો. રાખી રસોઈ ખૂબ સારી બનાવે. સેટ પર આવે ત્યારે દરેકને માટે ઘેરથી જમવાનું લઈને આવે. બબીતા સાથે કામ કરવાની મજા આવી. ફિલ્મ ‘કિસ્મત’ના ક્લાઇમૅક્સ સીનમાં અમારે કીચડમાં કામ કરવાનું હતું. તે એટલી મસ્તીખોર હતી કે શૂટિંગ દરમ્યાન તેણે મારાં આંખ, કાનમાં કીચડ ભરી દીધો. અમારું ગીત ‘કજરા મોહબ્બતવાલા’ એટલું હ‌િટ થયું કે લોકો સ્ક્રીન પર પૈસા ફેંકતા હતા.                                                

સુબોધ મુખરજીની હિટ ફિલ્મ ‘જંગલી’માં શમ્મી કપૂર હીરો હતો એ છતાં તેમની ફિલ્મ ‘એપ્રિલ ફુલ’માં મને હીરો તરીકે રોલ મળ્યો એટલે મારો કૉન્ફિડન્સ હાઈ હતો. આ એક લાઇટ રોમૅન્ટિક ફિલ્મ હતી. દરેક હિરોઇન સાથે મારું સારું બૉન્ડ‌િંગ હતું એટલે શૂટિંગ સમયે કોઈ ટેન્શન ન હોય. ફિલ્મમાં બ્યુટી ક્વીન સાયરા બાનુ હિરોઇન હતી. એમાં જર્મન વૉટર બેલે ડાન્સરના અદ્ભુત સીન હતા. એક સીનમાં સાયરાએ મારી જાણ બહાર મને સ્વ‌િમિંગ-પૂલમાં ધક્કો માર્યો અને હું ખૂબ પાણી પી ગયો. સેટ પર આવી મસ્તીમજાક ચાલતી રહેતી. ફિલ્મ ‘મેરે સનમ’ની હિરોઇન આશા પારેખે એક દિવસ કમાલ કરી. અમે આઉટડોર શૂટિંગ માટે કાશ્મીર ગયાં હતાં. તેણે રાતના  દરેકના ભોજનમાં જમાલ ગોટો (જેના કારણે પેટ સાફ આવે) મિક્સ કરી દીધો. મને આ વાતની ખબર હતી, પણ યુનિટના માણસોની બીજા દિવસે સવારે જે હાલત થઈ એ જોવા જેવી હતી.

‘મેરે સનમ’માં મુમતાઝ સાથે કામ કર્યું. એ સમયે તે નવીસવી હતી. પ્રાણ મને કહે, આ છોકરી ખૂબ આગળ જશે. તેમનું જજમેન્ટ સાચું હતું. દારા સિંહ અને મેહમૂદ સાથે કામ કરતાં-કરતાં તે ટૉપની હિરોઇન બની ગઈ. તે દિલ લગાવીને કામ કરતી. ખૂબ મહેનતુ હતી. તે પાછળથી ફિલ્મ ‘શરારત’ અને ‘પરદેસી’માં મારી હિરોઇન બની. એ છતાં તેના ઍટિટ્યુડમાં કોઈ ફરક નહોતો પડ્યો. આજે પણ મારી આ હિરોઇનોની સાથે મુલાકાત થાય છે ત્યારે અમે વીતેલા દિવસોનાં  સ્મરણોને યાદ કરીને ભૂતકાળને તાજો કરીને એનો આનંદ લઈએ છીએ.

સંગીતકાર ઓ. પી. નૈયર સાથે મારે સારી દોસ્તી હતી. મોટા ભાગે તેમનાં ગીતોનું રેકૉર્ડિંગ ફેમસ લૅબમાં હોય. મારા ગીતોના રેકૉર્ડ‌િંગ પહેલાં તે મને હંમેશાં ત્યાં બોલાવે. ગીત માટે બે-ત્રણ ધૂન બનાવી હોય એ સંભળાવે અને મારો અભિપ્રાય પૂછે કે કઈ ધૂન વધારે સારી લાગે છે. તેમની કામ કરવાની સ્ટાઇલ એકદમ અલગ હતી. ટાઇમના પાકા. મોડા આવનારને રેકૉર્ડ‌િંગ રૂમમાં અંદર પ્રવેશ ન મળે. મ્યુઝશ્યિન્સને કામ પતે એટલે તરત પેમેન્ટ મળવું જ જોઈએ એ પ્રથા તેમણે શરૂ કરાવી. તે ‌રિધમ કિંગ કહેવાતા. મને કહે, ‘વિશ્વજિત, આ ઘોડાગાડીના ઠેકાવાળાં ગીતોની પ્રેરણા મને પંકજ મલિકનાં ગીતો પરથી મળી છે (સંગીતપ્રેમીઓને પંકજ મલિકનાં આ ગીતો યાદ હશે - ‘પિયા મિલન કો જાના’, ‘ચલે પવન કી  ચાલ, જગ મેં ચલે પવન કી ચાલ’ અને ‘આયી બહાર આજ આયી બહાર’). તેમની એક ખાસ‌િયત હતી. પહેલા જ ટેકમાં ગીત ઓકે લાગે તો બીજા ટેક ન કરાવે. તેમનું માનવું હતું કે જે ફ્રેશનેસ પહેલા ટેકમાં હોય એ પાછળથી ન આવે. તેમના સંગીતમાં મારે માટે  મોહમ્મદ રફી અને મહેન્દ્ર કપૂરના અવાજમાં ગવાયેલાં અનેક ગીતો લોકપ્રિય થયા છે.’

વિશ્વજિત જ્યારે ઓ. પી. નૈયર સાથેની તેમની યાદો મારી સાથે શૅર કરી રહ્યા હતા ત્યારે યાદ આવ્યું કે ખુદ ઓ. પી. નૈયરે મારી સાથેની મુલાકાતોમાં  તેમના સ્ટ્રિક્ટ ડ‌િસ‌િપ્લ‌િનના આગ્રહ (કે દુરાગ્રહ)ના અનેક કિસ્સાઓ મને કહ્યા છે જેના શિકાર મોટા-મોટા કલાકારો થયા છે. એમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, મોહમ્મદ રફી અને બીજા અનેક નામી–અનામી લોકોનો સમાવેશ થાય છે. આવા અનેક કિસ્સાઓ, તેમના વિશે વિગતવાર લખ્યું હતું ત્યારે લખી ચૂક્યો છું.

અશોકકુમારને પોતાના ગુરુ માનતા વિશ્વજિત તેમને યાદ કરતાં કહે છે. ‘એક સમય એવો હતો કે જ્યારે ફિલ્મના સુપરસ્ટાર તરીકે અશોકકુમારનું નામ આવતું. દિલીપકુમાર હોય કે દેવઆનંદ, કોઈ પણ નવો કલાકાર જ્યારે ફિલ્મોમાં આવે ત્યારે તેની એક જ ઇચ્છા હોય કે તે દાદા મુની જેવો કલાકાર બને. બંગાળી ફિલ્મ ‘હૉસ્પિટલ’માં મને પહેલી વાર તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો‍. સુપ્રિયા સેન એમાં હિરોઇન હતી. મારો રોલ નાનો હતો, પરંતુ તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. એક સમય એવો હતો કે દિલીપકુમાર હોય કે દેવ આનંદ, આ દરેક ફુરસદના સમયમાં  દાદા મુનીના શૂ‌‌ટ‌િંગમાં એટલા માટે આવતા કે તેમને જોઈને, મળીને અભિનયના નવા પાઠ શીખવા મળે. સમય જતાં દાદા મુની મારા ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ બન્યા. હું અવારનવાર તેમની સલાહ લેતો. મને કહેતા, આપણે સ્ટાર નથી, અભિનેતા છીએ. દરેક પ્રકારના રોલ કરવા જોઈએ. હું હીરો બન્યો છું, વિલન બન્યો છું, કૉમેડી કરી છે, કૅરૅક્ટર ઍકટર બન્યો છું. એ ગ્રેડ, બી ગ્રેડ, સી ગ્રેડ, જલપરી, લાલપરી, ગમે તે ટાઇપની ફિલ્મ હોય, ના નથી પાડી. ફિલ્મ નહીં, રોલ અગત્યનો હોય છે. તમે કૉન્ફિડન્ટ હો તો કંઈ પણ કરી શકો છો. 

તે સેટ પર આવતાં પહેલાં પૂરતું હોમવર્ક કરીને આવતા. પ્રોડ્યુસરને કહેતા કે શૂટિંગના આગલે  દિવસે મને ડાયલૉગ મળી જવા જોઈએ નહીં તો હું શૂટિંગમાં નહીં આવું. 

 કિશોરકુમાર સાથે મારે સારી દોસ્તી હતી. હું તેમને પગલાબાબુ કહીને બોલાવતો અને તે મને  બ‌િશુબાબુ કહેતા. ફિલ્મ ‘મૈં સુંદર હૂં’માં મારાં ગીતો માટે તેમણે પ્લેબૅક આપ્યું છે. (‘મુઝકો ઠંડ લગ રહી હૈ મુઝસે દૂર તૂ ન જા’ અને બીજું ગીત ‘દો દીવાને દો મસ્તાને, એક મૈં ઔર એક તૂ’ – બન્ને ગીતો આશા ભોસલે સાથેનાં ડ્યુએટ) ખૂબ લોકપ્રિય થયાં. મારી જ પ્રોડ્યુસ કરેલી એક ફિલ્મ ‘કહતે હૈં મુઝકો રાજા’ (સંગીતકાર આર. ડી. બર્મન)માં એક મસ્તીભર્યું ગીત હતું, બમ ચીક ચીક બમ’ જે મારા પર પિક્ચરાઇઝ થવાનું હતું એ માટે પંચમને તેમણે પ્લેબૅક આપવાની ના પાડી. મને કહે, આ ગીત માટે હું તને પ્લેબૅક નહીં આપું, કારણ કે આ  ધમાલવાળું ગીત છે. એમાં તું લિપ સિન્ક્રોનાઇઝ (હોઠ અને શબ્દોનો તાલમેલ) નહીં કરી શકે. મેં તેમને ચૅલેન્જ આપી કે હું કરી બતાવીશ. તેમણે ગીત રેકૉર્ડ કર્યું. અમે નવ દિવસ મહેનત કરીને આ ગીતનું શુટિંગ પૂરું કર્યું. ફિલ્મની ટ્રાયલમાં મેં તેમને બોલાવ્યા. તે કહે, હું નહીં આવું. મેં ચૅલેન્જ યાદ કરાવી. મને કહે, કેવળ આ ગીત જોઈને જતો રહીશ. આવીને જ્યારે ગીત જોયું ત્યારે એટલા ખુશ થઈ ગયા કે મને ભેટી પડ્યા. કહે, ‘તુમ ચૅલેન્જ જીત ગયે.’ મેં કહ્યું, ‘તુમ ખંડવા કે બંગાલી હો, મેં કલકત્તા કા અસલી બંગાલી હૂં.’

અમે કલકત્તામાં ફલડ રિલીફ ફન્ડ માટે એક શોનું આયોજન કર્યું હતું. મેં તેમને પર્ફોર્મ કરવાનું કહ્યું અને એ વાતની ચોખવટ કરી કે પૈસા નહીં મળે, ચૅરિટી શો છે. ધર્મેન્દ્ર, નર્ગિસ, વહીદા અને બીજા ઘણા સ્ટાર્સ આવવાના છે. તો કહે, ‘આ લોકોનાં ઘરબાર ઉજડી ગયાં છે એ પાછાં મળી જશે?’

‘મેં કહ્યું, ‘એ માટે તો શો કરીએ છીએ.’ પહેલાં તો ના પાડી. તેમને સ્ટેજ પર પર્ફોર્મ કરવામાં ડર લાગતો. કહેતા, ગીત ગાઉં તો ક્રેડ‌િટ હીરોને મળે અને જો ગરબડ થાય તો મને ગાળો. મેં સમજાવ્યા કે તમે આવશો તો સારું કલેક્શન થશે. તો કહે, ‘મારી એક શરત છે. મારે સ્ટેજ પર પિયાનો જોઈએ. મેં હા પાડી. મને કહે, ‘જો ત્યાં આવીશ અને પિયાનો નહીં હોય તો ભાગી જઈશ.’ મેં કલકત્તાની ગ્રૅન્ડ હોટેલમાંથી પિયાનોની વ્યવસ્થા કરાવી આપી. શ્રોતાઓ માટે તો આ એક નવું આકર્ષણ હતું. એ દિવસે તે ગજબના મૂડમાં હતા. શો સુપરહિટ ગયો.

અમે ઘણા ચૅરિટી શો કર્યા છે. સુનીલ દત્ત સાથે જવાનો માટેના શોમાં હું અનેક વાર ગયો છું. તે એકદમ સરળ સ્વભાવના અને સાચા દેશપ્રેમી હતા. નર્ગિસ, મનોહર દીપક, મધુમતી અને બીજા કલાકારો સાથે અમે શો કરતા. સંજય દત્ત નાનો હતો ત્યારે હું તેની સાથે અમારા કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતો. વર્ષો પહેલાં એક દિવસ તેમનો ફોન આવ્યો. કહે, ‘વિશ્વજિત, સંજુને લૉન્ચ કરવા માટે એક ફિલ્મ બનાવું છું. જે સ્ટોરી છે એ માટે ‘રૉકી’ ટાઇટલ એકદમ ફ‌િટ છે. મારે આ ટાઇટલ જોઈએ છે. કેટલા પૈસા લેશો?’ મેં કહ્યું, આપણા તો ફૅમિલી રિલેશન છે. સંજુ મારા દીકરા જેવો છે. એ તો આનંદની વાત છે કે તેની કરીઅરની શરૂઆત થાય છે. આ ટાઇટલ મારું નહીં, તમારું છે. પૈસાની કોઈ વાત જ નથી. મારી વાત સાંભળી તે ભાવવિભોર થઈ ગયા.’

અમુક સંગીતપ્રેમીઓના મનમાં થતું હશે કે વિશ્વજિત અને સુનીલ દત્તની વાતોમાં (અમદાવાદની ભાષામાં કહું તો) બહુ ટપ્પો  નથી પડતો. આ વાત થોડી ટેક્નિકલ છે એટલે એનો ખુલાસો કરી દઉં. પ્રોડ્યુસર પોતાની ફિલ્મ બનાવતાં પહેલાં એનું ટાઇટલ ઇમ્પા (પ્રોડ્યુસરનું અસોસિએશન)માં રજિસ્ટર કરાવે જેથી એ નામ પરથી બીજો કોઈ પ્રોડ્યુસર ફિલ્મ ન બનાવી શકે. એક વાર એ ટાઇટલ રજિસ્ટર થાય ત્યાર બાદ એક સમય એવો હતો કે (હું ભૂલતો ન હોઉં તો)  દસ વર્ષ સુધી એ ટાઇટલ પર એ પ્રોડ્યુસરનો હક રહેતો (વર્ષો વીતતાં ગયાં એમ આ સમયની અવધિ બદલાઈ છે એવા સમાચાર છે). દસ વર્ષ બાદ ફરી એક વાર એને રજિસ્ટર કરાવવું પડે જે માટે પહેલો હક એ પ્રોડ્યુસરનો રહે. જો એ નામ રિન્યુ ન થાય તો પછી અન્ય કોઈ પ્રોડ્યુસર એ નામ રજિસ્ટર કરાવીને ફિલ્મ બનાવી શકે. રાજ કપૂર આ બાબતમાં ખૂબ ચોક્કસ હતા. નિશ્ચિત સમય પૂરો થાય એટલે પોતાની ફિલ્મોનાં ટાઇટલ ફરી પાછાં તે રજિસ્ટર કરાવી લેતા. આ કારણે તેમની ફિલ્મોનાં ટાઇટલવાળી બીજા પ્રોડ્યુસરની ફિલ્મો નથી આવી (‘બરસાત’ આમાં અપવાદ છે). આ જ કારણે આજ સુધી ‘મેરા નામ જોકર’ કે પછી ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ અને  આરકેની બીજી ફિલ્મોનાં ટાઇટલવાળી બીજા કોઈ પ્રોડ્યુસરની ફિલ્મ આવી નથી. આ ફિલ્મોની  વાત થાય ત્યારે કેવળ અને કેવળ રાજ કપૂર જ યાદ આવે.

આ પણ વાંચો : કૅસેટ-કાંડ

જ્યારે ‘દેવદાસ’ ફિલ્મની વાત થાય ત્યારે કઈ ‘દેવદાસ’? કે. એલ. સૈગલ કે પછી દિલીપકુમાર કે પછી શાહરુખ ખાન? આ પ્રશ્નો ઊભા થાય. એવું પણ બનતું કે ટાઇટલ રજિસ્ટર કરાવ્યા બાદ પ્રોડ્યુસર અમુક કિંમત લઈને તે ટાઇટલ બીજાને વેચી નાખતા. વિશ્વજિત ‘રૉકી’ ટાઇટલ પરથી ફિલ્મ બનાવવાના પ્લાનમાં હોવાથી તેમણે આ ટાઇટલ રજિસ્ટર કરાવ્યું હતું. જે તેમણે સુનીલ દત્ત માટે રિલીઝ કર્યું.

columnists weekend guide