વડલાના ટેટા અને તરબૂચના વેલા - અદલાબદલી થાય ખરી?

07 July, 2019 08:49 AM IST  |  મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

વડલાના ટેટા અને તરબૂચના વેલા - અદલાબદલી થાય ખરી?

આપણે જ્યારે એમ કહીએ છીએ કે અમુકતમુક વ્યક્તિ, તેનો સ્વભાવ, તેના ગમા-અણગમા, તેનું વ્યવહારવર્તન આ બધું મને મુદ્દલ અનુકૂળ નથી. એવું બને કે જે વ્યક્તિ વિશે આપણે આ વાત કરીએ છીએ તે વ્યક્તિ આપણાં માતા-પિતા, પતિ-પત્ની કે સંતાનો પૈકીની પણ એક હોઈ શકે છે. જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે આપણે આ સિક્કાની બીજી બાજુ જોતા નથી. મારી પત્ની મને અનુકૂળ નથી એમ જ્યારે હું કહું છું ત્યારે તરત જ એનો સીધોસાદો અર્થ એ જ થાય છે કે મારી પત્નીને પણ હું અનુકૂળ નથી.

અનુકૂળતાના મુદ્દે આપણે આપણા માપદંડો, પસંદગીઓ અને ગમા-અણગમાને ઊંચું સ્થાન આપી દઈએ છીએ. જે રીતે સામેવાળી વ્યક્તિ અનુકૂળ નથી એમ કહેતી વખતે તે વ્યક્તિમાં પૂર્વગ્રહો પ્રધાનપદે રહ્યા છે એવું ધારી લઈએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આપણે ગમે એટલા ઉદાર ચિત્તે વિચારીએ તો પણ કેટલાક પૂર્વગ્રહો આપણને પણ છોડતા નથી. આપણે જે જોઈએ છીએ એ અને એવું જ બીજાઓ પણ જોતા હશે એવું માનીને આપણે આપણી ધારણાઓને બીજાઓની ધારણાઓ સાથે એકરૂપ કરવાના પ્રયત્ન કરીએ છીએ, પરિણામે અનુકૂળતા ઓછી થાય છે. પત્ની એવું ઇચ્છે છે કે પતિ ઑફિસથી સીધો જ ઘરે આવે અને પછી કૉફીનો એક કપ પીધા પછી પતિ-પત્ની બન્ને શાકભાજી કે એવું કંઈક ખરીદવા કે ટહેલવા જાય. કોઈક સગાંસંબંધીને ત્યાં આંટો મારે, બસ, બહુ જ નાનકડી આ ઇચ્છા. પણ પતિ એ પૂરી નહીં કરી શકે, કેમ કે ઑફિસથી નીકળ્યા પછી કોઈક ગ્રંથાલય કે શૈક્ષણિક વર્તુળમાં કલાક-બે કલાક જવાનું અને સેવા આપવાનું તેને ગમે છે. આ વાત તે પત્નીથી છુપાવતો નથી, પણ પત્ની આવી કામગીરીને પારકી પંચાત કે ચોવટ કહે છે. પતિ ખોટો છે કે પત્ની ખોટી છે એમ એકધડાકે કહી શકાય એમ નથી, પણ નાનો મુદ્દો ધીમે-ધીમે મોટો થતો જાય છે અને પછી આ એકના અનેક ફણગા ફૂટવા માંડે છે. બન્નેને લાગવા માંડે છે કે તેઓ પરસ્પરને અનુકૂળ નથી.

અનુકૂળતા એટલે શું એ વાત પણ જરા ટાઢા કોઠે સમજવા જેવી છે. શિયાળામાં ઠંડી પડતી હોય છે ત્યારે આપણે ગરમ સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ. વર્ષાઋતુમાં આપણે છત્રીને ઉપયોગમાં લઈએ છીએ. શિયાળામાં જેટલું સ્વેટર અનુકૂળ છે અને ચોમાસામાં જેટલી છત્રી અનુકૂળ છે એથી વિરુદ્ધ શિયાળામાં છત્રી અને ચોમાસામાં સ્વેટર અનુકૂળ નથી. આ છે અને નથીની અનુકૂળતા પ્રાકૃતિક છે. પ્રકૃતિ આપણને અનુકૂળ ન થાય, પણ આપણે પ્રકૃતિને અનુકૂળ થવું જોઈએ. શિયાળામાં ઠંડી સામે ફરિયાદ કરીને ઋતુ અનુકૂળ નથી કે ચોમાસામાં વરસાદનાં ઝાપટાં સામે ફરિયાદ કરીને બહાર નીકળાતું નથી એમ કહીએ એને બદલે સ્વેટર કે છત્રીનો ખપ પૂરતો ઉપયોગ કરીને પ્રકૃતિ સાથે અનુકૂળ થઈ જઈએ તો વધુ સારું એમ નથી લાગતું?

ઉનાળાના ધોમધખતા તાપનુંય એવું જ છે. ઉનાળો એ ઉનાળો જ છે. ઉષ્ણતામાનનો પારો આપણી ઇચ્છા પ્રમાણે આગળ-પાછળ થવાનો નથી. આથી ઊલટું, ક્યાંક દૂર શાંતિથી બેસીને ઓગળતા આકાશને માણવાથી કદાચ વધુ આનંદ પ્રાપ્ત થશે.

શાંતિનિકેતનનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે. ગુરુદેવ ટાગોર પોતાના ઘરની પરસાળમાં આરામખુરસી ઢાળીને બેઠા હતા. ઉનાળાની બપોરનો એ સમય હતો. ગુરુદેવ લાંબે સુધી પથરાયેલા તડકાને એકધ્યાનથી જોઈ રહ્યા હતા. બરાબર એ જ સમયે કાકાસાહેબ કાલેલકર ત્યાંથી નીકળ્યા. તેમણે ધ્યાનસ્થ ગુરુદેવ તરફ ક્યાંય સુધી જોયા કર્યું અને પછી પૂછ્યું, ‘શું જોઈ રહ્યા છો ગુરુદેવ?’

‘મધ્યાહ્નનાં કિરણો માણી રહ્યો છું. કેવો સરસ તડકો છે.’

‘રવિને પોતાનાં કિરણો તો ગમે જને!’ કાકાસાહેબે રવિ શબ્દનો શ્લેષ કરતાં કહ્યું.

નાળિયેરનું મીઠું અને ઠંડું પાણી પીવું આપણને બધાને ગમે છે. નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. નાળિયેરીનાં પાન, એના રેસા એ બધું જ સમૃદ્ધિવર્ધક માનવામાં આવે છે. આમ છતાં નાળિયેરીનું વૃક્ષ છાંયડો નથી આપી શકતું. એની પાસેથી છાંયડાની અપેક્ષા રાખી શકાય નહીં. એનાં ફળ ઉતારીને એનો માલિક બાજુના લીમડાના ઝાડ હેઠળ બાંકડો નાખીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. કલ્પવૃક્ષ જેવા નાળિયેરીના વૃક્ષનો માલિક હોવા છતાં તેણે ગુજરાન ચલાવવા માટે લીમડાના વૃક્ષના છાંયડાનો આશરો લેવો પડે છે. લીમડાનું વૃક્ષ છાંયડો આપી શકે છે, પણ જેનાથી એ વૃક્ષના માલિકને કંઈક વળતર મળે એવું કંઈ આપી શકતો નથી. નાળિયેરી પાસેથી ફળની અપેક્ષા રખાય અને લીમડા પાસેથી માત્ર છાંયડાની કે શુદ્ધ હવાની.

હવે અહીં જો પેલી અનુકૂળતાવાળી વાત વિચારીએ તો ભારે ગરબડ થઈ જાય. જે છે એ જેવું છે એવું જ સમજી લઈને એનો આપણી અનુકૂળતા પ્રમાણે વિનિયોગ કરીએ તો પ્રશ્ન હળવો થઈ જાય છે. આપણી આસપાસ જેકાંઈ છે એ બધું માત્ર છે અને જે માત્ર છે એની પાસેથી જેટલું મને અનુકૂળ છે એટલું હું સ્વીકારું અન્યથા અપેક્ષાઓ ઓછી કરી નાખું તો જે છે એ કુરૂપ નહીં લાગે.

આ પણ વાંચો : તમને ખબર છે 3 હજાર વર્ષ અગાઉ ચૉકલેટને પાણીમાં ભેળવીને પીવાની પ્રથા હતી

તરબૂચનું ફળ વેલા પર થાય છે અને ઘેઘુર વડલા પર અંગૂઠા જેવડા ટેટા થાય છે. એની અદલાબદલી ન થઈ શકે. નીચેથી પસાર થતા કે પછી ઉનાળાની બપોરે વૃક્ષની છાયામાં ઘડીક પોરો ખાતા શ્રમજીવીના મસ્તક પર ટેટો ટપકી પડે તો કંઈ હાનિ થતી નથી, પણ પેલું તરબૂચ જો ટેટાને બદલે ટપકી પડે તો?

જે છે એમાંથી જેટલું આપણું છે કે જેટલું આપણને અનુકૂળ છે એને આપણું બનાવી લઈએ પછી અનુકૂળતાનો પ્રશ્ન હળવો થઈ જશે.

columnists weekend guide