Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમને ખબર છે 3 હજાર વર્ષ અગાઉ ચૉકલેટને પાણીમાં ભેળવીને પીવાની પ્રથા હતી

તમને ખબર છે 3 હજાર વર્ષ અગાઉ ચૉકલેટને પાણીમાં ભેળવીને પીવાની પ્રથા હતી

07 July, 2019 08:21 AM IST | મુંબઈ
સંજય પંડ્યા

તમને ખબર છે 3 હજાર વર્ષ અગાઉ ચૉકલેટને પાણીમાં ભેળવીને પીવાની પ્રથા હતી

ચૉકલેટ

ચૉકલેટ


અત્યારે પંચાવનની આસપાસ પહોંચેલી પેઢીએ એ સમય જોયો છે જ્યારે કરિયાણાની દુકાને પાંચ પૈસાની પાંચ પીપરમિંટ મળતી. સંતરાની પેશીના આકારની એક પૈસાની એક પીપર સ્વાદેન્દ્રિયોને દસેક મિનિટ સુખ આપતી. ઘેરા જાંબલી રંગનું રેપર ધરાવતી અને મરોડદાર અક્ષરે ‘કૅડબરી’ લખેલી મિલ્ક ચૉકલેટ લક્ઝરી ગણાતી. એ વખતે તો બધી મિલ્ક ચૉકલેટ એટલે કૅડબરી! નસીબના કેટલાય બળિયા એ સમયે વિદેશ જતા તો પાછા ફરતાં અવનવા સ્વાદની અને ચમકદાર રેપરમાં પૅક થયેલી મિલ્ક ચૉકલેટ ભારત લાવતા અને એ ચૉકલેટ પાડોશ કે પરિચિતોમાં વહેંચાય એટલે બાળકોને જાણે જલસો પડી જતો! દાયકાઓથી મિલ્ક ચૉકલેટ ફક્ત ટાબરિયાંની નહીં, પણ યુવાન હૈયાંની પહેલી પસંદગી બની રહી છે. યુવાન દિલ માટે તો એમ કહી શકાય કે જ્યાં શબ્દોની સરહદ પૂરી થાય ત્યાંથી  ચૉકલેટની ભાષા શરૂ થાય છે.

નાની ઉંમરથી ચૉકલેટનો જે સ્વાદ દાઢે વળગ્યો હોય એ પાછલી ઉંમરે પણ, શુગર-લેવલની ચિંતા ન હોય તો, છૂટતો નથી! આપણા દેશમાં દર વર્ષે ચૉકલેટનો ઉપયોગ વધી રહ્યો છે. આપણી કેટલીક પરંપરાગત મીઠાઈઓ કે દૂધના માવાની મીઠાઈઓમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું હોવાને કારણે તથા આ મીઠાઈઓની શેલ્ફ લાઇફ ઓછી હોવાને કારણે લોકો ચૉકલેટ તરફ વળ્યા છે. વળી આજથી ૫૦ વર્ષ અગાઉ ચૉકલેટમાં વિવિધતા નહોતી મળતી, જ્યારે આજે નવી પેઢીને અનેક ફ્લેવરમાં ચૉકલેટ્સ મળી રહે છે. રેગ્યુલર ફ્લેવર ઉપરાંત વાઇટ ચૉકલેટ, ડાર્ક ચૉકલેટ, ઑરેન્જ ફ્લેવર્ડ ચૉકલેટ એમ વિવિધ ફ્લેવર્સ તમારા ટેસ્ટ-બડ્સને સંતોષે છે. પાંચ મોટી મલ્ટિનૅશનલ કંપનીઓ આખા ભારતની ચૉકલેટ માર્કેટ પર આધિપત્ય ધરાવે છે! આમાં પ્રથમ નંબરે છે ‘કૅડબરી’ જેની બ્રૅન્ડ છે, એવી મૉન્ડેલેઝ ઇન્ટરનૅશનલ, ત્યાર બાદ માર્સ, ફેરેરો, નેસ્લે અને હર્શીની ચૉકલેટ વધારે વેચાય છે. લિંટનુ નામ પણ ચૉકલેટના ચાહકોથી અજાણ્યું નથી! અમૂલ જેવી દેશી બ્રૅન્ડે પણ મિલ્ક ચૉકલેટ બનાવી પણ કમનસીબે હજી એનો સ્વાદ અને જીભ પર મૂકતાં ઓગળવાની એની ક્ષમતા વિદેશી કંપનીઓની ચૉકલેટ્સ જેવી નથી.



ઇતિહાસ પર એક નજર


આપણી જીભને જેનો સ્વાદ યાદ રહી ગયો છે એવી આ મિલ્ક ચૉકલેટનાં મૂળિયાં ક્યાં છે?ઇતિહાસવિદો ચૉકલેટને પ્રાચીન મેસોઅમેરિકા નામના વિસ્તાર સાથે સાંકળે છે જ્યાં ૩૯૦૦ વર્ષ અગાઉ કેકાઉ (કોકો પાઉડરથી અલગ પાડવા માટે એના બીજને તથા છોડને આ નામે ઓળખવામાં આવે છે)નો વપરાશ થતો. ત્યાંના લોકો એના ગુણોથી વાકેફ હતા એટલે કેકાઉના છોડવા ખાસ ઉગાડવામાં આવતા. જોકે ‘કમ્યુનિકેશન બાયોલૉજી‘નું ૨૦૧૮નું રિસર્ચ-પેપર કેકાઉના છોડવા આજથી ૩૬૦૦ વર્ષથી ૫૩૦૦ વર્ષ અગાઉ ઉગાડવામાં આવતા એવું જણાવે છે. વૉશિંગ્ટન રાજ્યની યુનિવર્સિટીના ઓમર કોર્નેજોની ટીમે અભ્યાસ કરી જણાવ્યું કે સર્વપ્રથમ કેકાઉ ઇક્વાડોર વિસ્તારમાં ઉગાડવામાં આવતા હતા. ઇક્વાડોરની માયો-ચિન્ચાઇપ સાઇટ જે આપણા હડપ્પા અને મોહેંજોદરો જેવી પ્રાચીન છે ત્યાંની શિલા પર કેકાઉ વપરાશનાં ચિહ્‍નો  મળી આવ્યાં છે. તેમના સિરૅમિકના વાસણમાંથી પણ કોકો મળી આવ્યું છે. આ ચિહ્‍નો ૫૩૦૦ વર્ષ જૂનાં છે. એટલે કે મેસોઅમેરિકાના પુરાવાથી ૧૭૦૦ વર્ષ પહેલાંનાં!

chocolate


આપણે ત્યાં તથા વિશ્વમાં અન્ય દેશોમાં પણ જેમ કપાસની જાતિ, એના તાંતણાની લંબાઈ, એની સ્નિગ્ધતા વગેરે સુધારવાના પ્રયત્ન કરી બહેતર ગ્રેડનું કપાસ મેળવવાના પ્રયત્નો થાય છે એમ ૫૦૦૦ વર્ષ અગાઉના માનવીએ પણ કેકાઉની વિવિધ જાત વિકસાવી છે. એમાંની એક મુખ્ય જાત ક્રિઓલો છે. પેઢી દર પેઢી માનવે કોકોની મહેક, એની તુરાશ તથા જીભ પર સ્પર્શ થતાં જ અનુભવાતી વિશિષ્ટ ઉત્તેજના વધે એવા પ્રયત્ન કર્યા છે. ઇક્વાડોરની પ્રજાના મેસોઅમેરિકન પ્રજા સાથે વેપારના સંબંધ હશે એટલે એના છોડવા એ પ્રદેશમાં પહોંચ્યા. ધીરે-ધીરે એનો વ્યાપ અમેરિકા ખંડના સમગ્ર મધ્ય વિસ્તારમાં ફેલાયો.

કેકાઉનાં વૃક્ષો જો જંગલમાં ઊગ્યાં હોય તો ૬૦ ફૂટ સુધીની ઊંચાઈનાં પણ મળી આવે! માનવ દ્વારા સુધારેલી આવૃત્તિ જેવા કેકાઉનાં વૃક્ષો ૨૦ ફૂટની આસપાસની ઊંચાઈનાં હોય છે.  સમગ્ર વિશ્વમાં આજે ચૉકલેટ ડ્રિન્ક કરતાં ચૉકલેટને સૉલિડ ફૉર્મમાં ખાવાનો ક્રેઝ વિશેષ છે, જ્યારે ત્રણેક હજાર વર્ષ અગાઉ ચૉકલેટને પાણીમાં ભેળવીને પીવાની પ્રથા હતી. પ્રાચીન માયા સંસ્કૃતિના માનવીઓ કોકો પાઉડરને પાણીમાં ભેળવતા. એમાં તેઓ તીખાં મરી અને મકાઈનો લોટ ઉમેરતા. દૂધવાળા ભૈયાજી જેમ ગરમ દૂધને એક પાત્રમાંથી બીજા પાત્રમાં, હાથ અધ્ધર લઈ જઈને ઠાલવે એમ એ જમાનામાં આ ચૉકલેટના મિશ્રણને એક પાત્રમાંથી બીજા પાત્રમાં ઊંચેથી ઠાલવતા જેથી વાસણના ઉપરના ભાગમાં ગાઢું ફીણ ભેગું થતું. 

કેકાઉના પીળાશ પડતા કે ક્યારેક લીલાશ ધરાવતા લાંબા ફળની અંદરનાં હારબંધ બીજ (બીન્સ)માંથી જ કોકો પાઉડર બને છે. માયા સંસ્કૃતિમાં તો કેકાઉ બીજના વિવિધ ઉપયોગ થતા. વહીવટી સમારંભો કે ધાર્મિક સમારંભોમાં તો એનો ઉપયોગ થતો જ પણ એ ઉપરાંત એ સમયના વૈદ કે તબીબ પણ એનો ઉપયોગ કરતા. કેકાઉ બીજનો ઉપયોગ વિનિમયના સાધન તરીકે કે કરન્સી તરીકે પણ થતો. ફળોની કે પશુઓની લે-વેચથી લઈને ગણિકાના ઉપભોગ માટેની ચુકવણી માટે કેકાઉ બીન્સ અપાતાં.

સોળમી સદીના આરંભ સુધી તો યુરોપ કોકો કે ચૉકલેટથી અજાણ્યું હતું. ક્રિસ્ટોફર કોલંબસ ઈ. સ. ૧૫૦૨માં અમેરિકાથી સ્પેનની પોતાની ચોથી ખેપથી પાછો ફર્યો ત્યારે કેકાઉ બીન્સ પોતાની સાથે લઈ ગયો હતો. શરૂઆતમાં તો કેકાઉના તૂરા સ્વાદથી સ્પૅનિશ પ્રજા પ્રભાવિત ન થઈ. જોકે પછીથી તેમને સમજ પડી કે મધ ભેળવવાથી એની તુરાશનો અહેસાસ થતો નહોતો. આ નવો સ્વાદ યુરોપિયન્સમાં વધુ પ્રચલિત થવા માંડ્યો. 

માયા સંસ્કૃતિમાં ‘ચૉકોલ’ શબ્દ ગરમના અર્થમાં વપરાતો. બીજી એક પ્રાચીન ભાષામાં ‘એટ્લ’ એટલે પાણી. એના પરથી ચૉકલેટ શબ્દ બન્યાની ધારણા છે.

૧૭મીથી ૧૯મી સદીમાં અંગ્રેજ, ડચ તથા ફ્રેન્ચ પ્રજા પણ વિસ્તારવાદમાં જોડાઈ. એ સાથે જ આફ્રિકા અને લેટિન અમેરિકાની તેમના હસ્તકની કૉલોનીઓમાં કેકાઉ ઉગાડવાનું પ્રમાણ વધ્યું.

coco

કોકો કેમ બને?

આજની યુવા પ્રજાનાં દિલ પર છવાયેલી ચૉકલેટ કોકોમાંથી બને છે, પણ આ કોકો પાઉડર કઈ રીતે બને છે એ સમજીએ. કોકોનાં બીન્સને ફર્મેન્ટેશનની પ્રક્રિયા (એક પ્રકારનો આથો લાવવાની ક્રિયા)માંથી પસાર કરવામાં આવે છે. બીન્સની આસપાસના માવાનું આ પ્રક્રિયાને કારણે આલ્કોહૉલમાં રૂપાંતર થાય છે. ફર્મેન્ટેશનની આ પ્રક્રિયા અગત્યની છે, કારણ કે એનાથી બીન્સની ક્વૉલિટી, ટેસ્ટ કે સુગંધ નક્કી થાય છે. આથો આવેલાં બીન્સને પાંચથી સાત દિવસ સૂકવવામાં આવે છે. આ દરમ્યાન બીન્સ ડાર્ક બ્રાઉન રંગ ધારણ કરે છે. સૂકવેલાં બીન્સને શેકીને પછી એનો પાઉડર બનાવવામાં આવે છે. આ પાઉડરને આપણે કોકો તરીકે ઓળખીએ છીએ. 

સમસ્ત આફ્રિકા ખંડ ઉપરાંત આપણી પૂર્વમાં ઇન્ડોનેશિયા તથા અમેરિકા ખંડના દક્ષિણના દેશો બ્રાઝિલ તથા મેક્સિકોમાં કોકોનું અઢળક ઉત્પાદન થાય છે. એક સમયની ફ્રેન્ચ કૉલોની આઇવરી કૉસ્ટ જે આફ્રિકાના પશ્ચિમ છેડે છે એ વિશ્વના 30 ટકા કોકોનું ઉત્પાદન કરે છે!

કોકો તથા સાકરના પ્રમાણ પર ચૉકલેટનો ટેસ્ટ આધાર રાખે છે. યુરોપમાં બનેલી ચૉકલેટ અને યુએસએમાં બનેલી ચૉકલેટમાં કોકો પાઉડરના તથા દૂધના પ્રમાણમાં ઘણો ફરક હોવાથી બન્નેના સ્વાદમાં પારખી શકાય એવો તફાવત હોય છે. ડાર્ક ચૉકલેટમાં દૂધ નથી હોતું.  એવું કહેવાય છે કે સારી ક્વૉલિટીની ડાર્ક ચૉકલેટ જેમાં સાકર પણ ઓછી હોય તો એમાં ઍન્ટિઑક્સિડન્ટનું પ્રમાણ સારું હોય છે. 

ભારતમાં આગમન

ભારતમાં મિલ્ક ચૉકલેટનું આગમન કૅડબરી કંપની દ્વારા થયું ૧૯૪૬માં. કૅડબરી બ્રિટિશ કંપની છે અને શરૂઆતમાં એ મિલ્ક ચૉકલેટ આયાત કરી ભારતમાં વેચતી અને પછીથી એણે ભારતમાં જ મિલ્ક ચૉકલેટ બનાવવાના પ્લાન્ટ્સ નાખ્યા. કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં હાલમાં કોકોનું ઉત્પાદન થાય છે. ભારતમાં તથા યુએસએમાં થયેલા સર્વે જણાવે છે કે પુરુષ કરતાં સ્ત્રીઓ ચૉકલેટ ખાવાનું વધુ પસંદ કરે છે. આંકડાઓની દૃષ્ટિએ સૌથી વધુ ચૉકલેટ અમેરિકામાં ખવાય છે પણ વ્યક્તિગત રીતે જોઈએ તો સ્વિસ નાગરિક સૌથી વધુ એટલે કે વર્ષની 8.8 કિલો ચૉકલેટ પેટમાં પધરાવે છે. ભારતીય પ્રજામાં ચૉકલેટ ખાવાનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. ૨૦૧૬-’૧૭ના આંકડાઓ પ્રમાણે ભારતમાં ૨,૨૮,૦૦૦ ટન જેટલી ચૉકલેટ ખવાય છે અને પ્રતિવર્ષ આંકડા ૧૩થી ૧૫ ટકા વધી રહ્યા છે. ભારતની ચૉકલેટ-ઇન્ડસ્ટ્રી હાલમાં ૭૦૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવરના આંકને વટાવી ચૂકી છે.

ચૉકલેટના રેગ્યુલર ટેસ્ટ ઉપરાંત ડાર્ક ચૉકલેટ, વાઇટ ચૉકલેટ તથા વિવિધ ફ્લેવર્સમાં ઑરેન્જ,  લાઇમ, લેમન, પેર, રાસ્બેરી, બ્લુ બેરીઝ, મિન્ટ, લેમનગ્રાસ, તજ, કેસર, નટ્સ, બદામ, કાજુ, આદું વિશ્વ માર્કેટમાં ધૂમ મચાવે છે. ભારતીયોના ટેસ્ટને ધ્યાનમાં રાખી પાનના મસાલાના  સ્ટફિંગવાળી ચૉકલેટ પણ રૂપાળા પૅકિંગમાં બજારમાં ઉપલબ્ધ છે.

ચૉકલેટની અંદર phenylethylamine નામનું તત્ત્વ છે જેનાથી વ્યક્તિ સામેની વ્યક્તિથી આકર્ષાય છે અને એના પ્રેમમાં તર હોય એવો ભાવ હૃદયમાં જાગે છે. ડ્રેકસેલ યુનિવર્સિટીનો સર્વે પણ જણાવે છે કે ચૉકલેટ ખાવાથી મગજ ડોપામાઇનનો સ્ત્રાવ કરે છે જેથી તમારો પ્રેમમાં પડવાનો મૂડ જાગ્રત થાય છે. આ બધી જ અસર કુંવારાઓને લાગુ પડે છે. પરણેલાઓને આવી અનુભૂતિ ન પણ થાય!

વર્લ્ડ ચૉકલેટ ડે સાતમી જુલાઈએ ઊજવાય છે જેની શરૂઆત દસેક વર્ષ પહેલાં થઈ છે. ઘાના,  જે કોકોનું મોટું ઉત્પાદક છે ત્યાં ૧૪ ફેબ્રુઆરીએ ચૉકલેટ ડે ઊજવાય છે. જોકે કોઈક એક દિવસની ઉજવણી એ પશ્ચિમની દેન છે. જેમ ફાધર્સ ડે અને મધર્સ ડે આપણા માટે ૩૬૫ દિવસ છે એમ ચૉકલેટ દિવસ પણ ભારતીયો માટે ૩૬૫ દિવસ છે એમ કહી શકાય.

ચોકલેટ વિશે જાણવા જેવું

૧. આઇવરી કોસ્ટ વિશ્વના ૩૦ ટકા કોકોનું ઉત્પાદન કરે છે. 

૨. ૪૦૦ કોકો બીન્સમાંથી ૪૫૦ ગ્રામ જેટલી ચૉકલેટ બને છે. 

૩. કેકાઉનાં વૃક્ષ એટલાં નાજુક હોય છે કે ૩૦ ટકા પાક તો એમનેમ બગડી જાય છે.

૪. ફક્ત પશ્ચિમ આફ્રિકામાં ૧૫ લાખ ખેતરોમાં કેકાઉ ઉગાડાય છે. 

૫. કેકાઉનાં વૃક્ષ ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે, પણ પહેલાં ૨૫ વર્ષ જ એ કોકો બીજ આપે છે. 

૬. વિશ્વની ચૉકલેટ બનાવનારી કંપનીઓનાં પોતાનાં ખેતર છે. 

૭. કેકાઉનાં વૃક્ષને બીજ આવતાં પાંચેક વર્ષ લાગે છે.

આ પણ વાંચો : ડિજિટલ આળસઃ જાગવામાં સાર છે

૮. સ્પૅનિશ પ્રજા બીજને તથા પાઉડર બેયનો ‘કેકાઉ’ તરીકે જ ઉલ્લેખ કરે છે. 

૯. ચૉકલેટ બિલાડી અને કૂતરાને માફક નથી આવતી એટલે એમને ખવડાવવાનો પ્રયત્ન ન કરવો! 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 08:21 AM IST | મુંબઈ | સંજય પંડ્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK