સાઉથ આફ્રિકામાં આવેલા મૉસેલ બે બીચ વિશે જાણી લો

07 July, 2019 09:46 AM IST  |  | દર્શિની વશી

સાઉથ આફ્રિકામાં આવેલા મૉસેલ બે બીચ વિશે જાણી લો

મૉસેલ બેની સૌથી પ્રખ્યાત જગ્યા છે સેન્ટ બ્લેસ લાઇટહાઉસ. અફાટ દરિયાને સલામી ભરી રહ્યું હોય એવું અડીખમ ઊભું રહેલું લાઇટહાઉસ અહીંનું સૌથી મુખ્ય આકર્ષણ છે. આ સ્થળેથી નીચે જોવા મળતો દરિયો યાદગાર બની રહે છે.

ભલે ગમે તે મોસમ હોય કે ગમે તે ઉંમર હોય, બીચ તો હંમેશાં ફરવા માટે હૉટ ફેવરિટ રહ્યો જ છે એટલે આજે આપણે એક બીચ પર જ ફરવા જવાના છીએ, પરંતુ દેશી નહીં, વિદેશી બીચ પર, જેનું નામ છે મૉસેલ બે. સાઉથ આફ્રિકામાં આવેલું આ સ્થળ અફલાતૂન બીચ વ્યુ તો ધરાવે જ છે સાથે બીજાં અનેક આકર્ષણો પણ પીરસે છે જેને લીધે ટૂરિસ્ટો અહીં ખેંચાઈ આવે છે. મૉસેલ બે નામ ઘણા લોકો માટે અજાણ્યું છે. ફૉરેનમાં ઘણી ટ્રિપ મારી લીધી હોય કે હવે કશું નવું જોવું હોય અથવા તો ફરવા માટે અને થોડું એકાંત મળે એ માટે કોઈ નવું ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશન શોધી રહ્યા હો તો મૉસેલ બે પર વિચાર કરવા જેવો છે. 

મૉસેલ બે સાઉથ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલા ગાર્ડન રૂટ પર આવેલું હાર્બર ટાઉન છે જે સાઉથ આફ્રિકાનું મહત્ત્વનું ટૂરિઝમ અને ફાર્મિંગ ડેસ્ટિનેશન છે. મૉસેલ બે ક્યાં આવ્યું છે એ વિશે તમને જણાવી દઈએ કે આ સ્થળ કેપટાઉનથી ૪૦૦ કિલોમીટર ઈસ્ટમાં અને પોર્ટ એલિઝાબેથથી ૪૦૦ કિલોમીટર વેસ્ટમાં આવેલું છે. કહેવાય છે કે હવાઈ બાદ મૉસેલ બેને વિશ્વનો બીજા ક્રમાંકનો સૌથી સુંદર બીચ તરીકે જોવાઈ રહ્યો છે. મૉસેલ બે વિશાળ દરિયાકિનારો ધરાવે છે જેને લીધે અહીંથી દરિયાઈ સૃષ્ટિને માણવાની મજા આવે છે. અહીંના બીચ ચોખ્ખા અને સુંદર તો છે જ, સાથે અહીંની સૅન્ડ પણ એટલી સ્મૂથ છે કે આળોટવાનું મન થયા કરે. બીચની આગળ ધસમસતો દરિયો જ્યાં વ્હેલ-વૉચિંગ માટે રીતસરની ટૂર આયોજાય છે અને આટલો અફાટ સમુદ્ર હોય એટલે વૉટર-સ્પોર્ટ્‍સની પણ કોઈ કમી હોય નહીં. આટલું ઓછું હોય એમ નજીકમાં આવેલાં ટ્રી પોસ્ટ-ઓફિસ સહિતનાં કેટલાંક જોવાલાયક સ્થળો પછી બીજું શું જોઈએ ટૂરિસ્ટોને. ટૂંકમાં કહીએ તો ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલર માટે મૉસેલ બે ફૅન્ટૅસ્ટિક પ્લેસ છે.

સેન્ટ બ્લેસ ટ્રેઇલ્સ

સેન્ટ બ્લેસ ટ્રેઇલ્સનું નામ મૉસેલ બેમાં જોવા જેવાં સ્થળોની યાદીમાં પ્રથમ ક્રમાંકે આવે છે. આ સ્થળ પ્રખ્યાત છે, અહીં આવેલા લાઇટહાઉસને કારણે. લાઇટહાઉસને લીધે અહીંની સુંદરતામાં અનેકગણો વધારો થઈ ગયો છે, પરંતુ અહીં તમને લાઇટહાઉસમાં ટૉપ પર જવા દેવામાં આવતા નથી, પરંતુ નીચેથી પણ આસપાસનો નજારો ખૂબ જ સરસ દેખાય છે. બ્યુટિફુલ વ્યુની સાથે સુરક્ષિત, ચોખ્ખી અને મેઇન્ટેન ગણાતી ટ્રેઇલ્સ હાઇકિંગ કરનારાને ખૂબ ગમશે, જે લગભગ ૧૩ કિલોમીટર જેટલી છે. આમ તો આ સુરક્ષિત તો છે છતાં ભૂતકાળમાં કેટલીક વાર અકસ્માત થઈ ચૂક્યા હોવાથી અહીં ગ્રુપમાં હાઇકિંગ કરવું સલાહભર્યું રહેશે. અહીંના દરિયાકિનારેથી ડૉલ્ફિન જોવા મળતી હોવાનું કહેવાય છે. યાદ રહે હાઇકિંગ કરતી વખતે સાથે પ્રૉપર શૂઝ અને પાણીની બૉટલ લઈ લેવી.

સેન્ટૉસ બીચ

મૉસેલ બેની સૌથી પૉપ્યુલર જગ્યા એટલે સેન્ટૉસ બીચ. બીચ પૉપ્યુલર હોવાનું એક કારણ અહીંની સુંદર જગ્યા છે જે બીચને અત્યંત આકર્ષક બનાવે છે. બીજું કારણ છે સેફ બીચ એટલે કે સ્વિમિંગ કરવા માટે આ બીચ સેફ ગણાય છે જેને લીધે ટૂરિસ્ટને અહીં આવવાનું ગમે છે. બીચને અડીને આવેલી અનેક રેસ્ટોરાં અને લોકલ અટ્રૅક્શન પૉઇન્ટને લીધે અહીં ટૂરિસ્ટોનું આગમન વધી રહ્યું છે. સૌથી મજેદાર વાત એ છે કે અહીં વ્હેલ માછલી પણ ક્યારેક-ક્યારેક દર્શન આપી જાય છે, પણ જો તમે લકી હશો તો. અહીં આવનારને ઘણી વખત વ્હેલ જોવાનો લહાવો મળી ચૂક્યો છે. સ્વિમિંગ માટે સેફ હોવાથી અહીં ફૅમિલી સાથે આવનારો વર્ગ મોટો છે. દરિયાકિનારે આરામ કરવાનો વિચાર આવે તો અહીં ભાડેથી છત્રી પણ મળે છે. બીચના એક ભાગમાં ગ્રાસ એરિયા પણ છે. આ સાથે સેન્ટૉસ બીચ પિકનિક માટેનું સંપૂર્ણ પૅકેજ પૂરું પાડે છે.

પોસ્ટ-ઑફિસ ટ્રી

નામ પરથી અંદાજ આવી જ ગયો હશે કે પોસ્ટ-ઑફિસ અને ઝાડની વચ્ચે કોઈક સંબંધ હશે. તમારું અનુમાન સાચું છે. અહીં પોસ્ટ-ઑફિસ અને ઝાડ વચ્ચે વર્ષોજૂનો સંબંધ છે. કહેવાય છે કે ૧૫મી સદીમાં એક પોર્ટુગલ દરિયાખેડુ સમુદ્રમાં ફરતો-ફરતો અહીં આવી પહોંચ્યો હતો. ભારે તોફાનને કારણે તેનું શિપ તો સમુદ્રમાં તૂટી ગયું, પરંતુ તે બચી ગયો અને તેણે મૉસેલમાં આવેલા મિલ્કવુડ ઝાડનો આશરો લીધો. આ પોર્ટુગલે બુદ્ધિ વાપરીને પ્રવાસની સમગ્ર માહિતી અને વિગતો એક કાગળ પર લખી અને એ કાગળ બૂટમાં રાખીને ઝાડ પર મૂકી દીધું. ઘણા વખત બાદ આ બૂટ અન્ય એક એક્સપ્લોરના હાથે ચડ્યું અને ત્યાર બાદ આ સ્થળ પોસ્ટ-ઑફિસ તરીકે ઓળખાવા લાગ્યું. આજે અહીં યાદી સ્વરૂપે બૂટ શેપમાં પોસ્ટ-બૉક્સ મૂકવામાં આવ્યું છે અને એની અંદર લેટર પણ નાખવામાં આવે છે. આ પ્લેસ જોવામાં ટૂરિસ્ટોને ખૂબ રસ પડે છે.

વાઇટ શાર્ક બધી જગ્યાએ તમને જોવા નહીં મળે. અહીં શાર્કને જોવા માટે વિશેષ પૅકેજ ઑફર કરવામાં આવે છે. વિશાળ શાર્કને અને એની દરિયા પરની પકડને જોવી હોય તો અહીં આવવું જ પડે.

ધ સાર્ક લૅબ

ધ સાર્ક લૅબ એક પ્રકારનું ઍક્વેરિયમ છે, પરંતુ અન્ય ઍક્વેરિયમ કરતાં વિશેષ છે જેનું કારણ છે અહીં મૂકવામાં આવેલી બે સાર્ક, જે અહીંનું નવલું નજરાણું છે. સાર્ક ઉપરાંત અહીં વિશ્વભરમાંથી લાવવામાં આવેલી અલગ-અલગ જાતની ફિશ અને એક ઑક્ટોપસ પણ છે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી આ ઍક્વેરિયમ ખુલ્લું રહે છે. અહીં ફરવા અને જોવા માટે એક કલાકનો સમય પૂરતો છે જેથી આ સ્થળ ટાઇટ પ્રોગ્રામમાં પણ કવર કરી શકાય.

બાર્ટલૉમ્યુ ડાયસ મ્યુઝિયમ મૉસેલ બેની દરિયાઈ સૃષ્ટિનું દર્પણ છે. દરિયા સંબંધિત વસ્તુઓ અને એની માહિતી અહીં ડિસ્પ્લે કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં લાકડાની વિશાળ બોટ પણ મુકાઈ છે જે વર્ષોજૂની છે.

બાર્ટલૉમ્યુ ડાયસ મ્યુઝિયમ કૉમ્પ્લેક્સ

દરિયાકિનારો છે એટલે એને સંબધિત ઘણી વસ્તુઓ અહીં જોવા મળશે. સમુદ્રની અંદર રહેલી સૃષ્ટિને બારીકાઈથી જાણવી હોય તો આ મ્યુઝિયમમાં જઈ આવજો. અહીં ઘણું બધું છે જેમાંથી તમને કંઈક ને કંઈક તો ચોક્કસ ગમતું નીકળશે જ. મ્યુઝિયમમાં એક છે શેલ મ્યુઝિયમ, જેમાં બહુ જ સરસ છીપલાંઓનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે. આ છીપલાં ફક્ત સાઉથ આફ્રિકામાંનાં જ નથી, દુનિયાભરના બીચ પરથી વીણીને લાવવામાં આવ્યાં છે. આ સિવાય અહીં આવેલું બોટ મ્યુઝિયમ પણ સરસ છે જેમાં લાકડાની બોટ મૂકવામાં આવી છે. અહીં એવું કહેવામાં આવે છે કે આ બોટ એ સમયની છે જ્યારે કેપટાઉન શોધાયું હતું. આ સિવાય ઍક્વેરિયમ પણ છે. બોટનિકલ ગાર્ડન છે જેમાં ઘણા પ્લાન્ટ છે અને એની માહિતી આપવામાં આવી છે અને ઢગલાબંધ માહિતીઓ. બાળકોને અહીં આવવાનું ઘણું ગમશે.

બોટ ટ્રિપ

ઘરઆંગણે વિશાળ દરિયો હોય તો શું શું કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ અહીં છે. મૉસેલ બે એને મળેલા દરિયોનો ભરપૂર લાભ લે છે. અહીં દરિયા સંબંધિત વિવિધ બોટ ટ્રિપ ઑફર કરવામાં આવે છે જેમાં સીલ આઇલૅન્ડ ટ્રિપ (સમગ્ર વર્ષ દરમ્યાન), સનસેટ ક્રૂઝ (નવેમ્બરથી એપ્રિલ) અને બોટ-બેઝ્‍ડ વ્હેલ વૉચિંગ (જુલાઈથી ઑક્ટોબર)નો સમાવેશ છે. સૌપ્રથમ સીલ આઇલૅન્ડ ટ્રિપની વાત કરીએ તો આ ટ્રિપ સવારે ‍૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી હોય છે. સીલ એક ઉભચર દરિયાઈ પ્રાણી છે. અહીં આવેલા એક આઇલૅન્ડ પર એક કે બે નહીં, લગભગ ૪૦૦૦ સીલ છે. આટલી બધી સીલને નજીકથી જોવાનો લહાવો વારેઘડીએ મળતો નથી, પણ આ સીલ આઇલૅન્ડ પર એ લહાવો મળી જશે એટલે સાથે કૅમારા લઈ જવાનું ભુલાય નહીં. આટલા મોટા ઝુંડમાં સીલને જોયા હોવાની યાદગીરી ક્યારેય ભુલાય એવી નથી. બીજી ટ્રિપ છે સનસેટ ક્રૂઝ ટ્રિપ. આ ટ્રિપ યાદગાર બની રહે તો નવાઈ નહીં. બે કલાકની આ ટ્રિપ દરમ્યાન ક્રૂઝ તમને સીલ આઇલૅન્ડ, ડાયસ બીચ, સેન્ટૉસ બીચ વગેરેની ફરતે ફેરવશે. આ ક્રૂઝ એકદમ આરામદાયક અને ફૅસિલિટીયુક્ત છે અને લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ ટ્રિપ એટલે બોટ બેઝ્‍ડ વ્હેલ વૉચિંગ ટ્રિપ. દરિયામાં આવેલી વ્હેલને જોવા માટે અહીં સુધી એ જ બોટ આગળ જઈ શકે છે જેને સ્પેશ્યલ પરમિશન મળી હોય છે. એક બોટની અંદર વધારેમાં વધારે ૩૫ વ્યક્તિને જ આ મહાકાય દરિયાઈ પ્રાણીને જોવા માટે લઈ જવામાં આવે છે. વ્હેલ ખૂબ વિશાળ હોય છે જેથી દરેક બોટમાં પ્રૉપર ટ્રેઇનર ગાઇડ હોય જ છે. સમુદ્રમાં તમારી બોટની બાજુમાંથી કૂદકો મારીને પસાર થતી વ્હેલ જોવી એ એક રોમાંચક અનુભવ સમાન છે. આ ટ્રિપ બે કલાકની હોય છે.

ફુલ ઑન ઍડ્વેન્ચર

ઍડ્‍વેન્ચર ઍક્ટિવિટી માટે અહીં લોકો ગાંડા થઈ જાય છે. ગાર્ડન રૂટ એરિયામાં સ્કાય ડાઇવિંગ ઑફર કરવામાં આવે છે જે વિશ્વમાં સૌથી બેસ્ટ ગણાતા સ્કાય ડાઇવિંગમાંની એક છે. ઊંચાઈ પરથી નીચે દેખાતો અફાટ દરિયો અને એને વળગીને આવેલા બીચ વિસ્તારની ખૂબસૂરતી અવ્વલ દરજ્જાની છે. એવી રીતે અહીં સર્ફિંગ કરવાની પણ તક છે. યોગ્ય માર્ગદર્શન હેઠળ સોનરી રેતી પર સર્ફિંગ કરવાની તક ઝડપી લેવા જેવી હોય છે. સર્ફિંગ કરવાનો ડર લાગે છે, તો પણ વાંધો નહીં, કેમ કે અહીં તમે બેસીને અને હાથ-પગથી ધક્કો મારીને ઢસડીને નીચે સ્લાઇડ પણ કરી શકો છો. એ ઉપરાંત દરિયાના પાણીમાં સર્ફિંગ, વિન્ડ સર્ફિંગ, સ્પીડ બોટ ટૂર, ઇકો સફારી, સ્કૂબા ડાઇવિંગ, ડૉલ્ફિન વૉચિંગ, સેલિંગ ટ્રિપ વગેરેનો સમાવેશ છે.

જાણી-અજાણી વાતો

અહીં મોટી ગૅસ ટુ લિક્વિડ રિફાઇનરી આવેલી છે જે અહીંના અર્થતંત્રનું મુખ્ય ચાલકબળ છે. એ પછી ટૂરિઝમનો ક્રમાંક આવે છે.

અહીં વસતા લોકોમાં ૪૦ ટકા બ્લૅક આફ્રિકન લોકો, ૪૦ ટકા જેટલા કલર્ડ લોકો અને ૧૮ ટકા વાઇટ લોકો રહે છે. અહીંની મુખ્ય ભાષા આફ્રિકન છે. ઇંગ્લિશ બોલતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

મૉસેલ બેમાં એક સ્થાને સ્ટૉનનાં બનેલાં ૨૦૦ જેટલાં ઘર છે.

સાહસિક અને ઍડ્‍વેન્ચર્સપ્રિય લોકો માટે અહીં શાર્ક કેજ ડાઇવિંગ પણ છે.

અહીં એક કરતાં વધુ મ્યુઝિયમ આવેલાં છે જે તમામ કોઈ ને કોઈ વિશેષતા ધરાવે છે.

મૉસેલ બે હાર્બરમાં આવેલા એક જૂના રેલવે-સ્ટેશન પર સ્ક્રૅપ મેટલ આર્ટના નમૂના મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દેશનું સૌથી મોટું હિલ-સ્ટેશન મિઝોરમ

ક્યારે અને કેવી રીતે જશો?

મૉસેલ બેનું ક્લાઇમેટ સમગ્ર વર્ષ દરમ્યાન માઇલ્ડ રહે છે જેથી આખા વર્ષ દરમ્યાન અહીં આવી શકાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અહીં ખૂબ ગિરદી રહે છે જેથી આ સમયગાળા દરમ્યાન અહીં આવવાનું ટાળવું જોઈએ. અહીં આવવા માટે મુંબઈથી કેપટાઉનની ફ્લાઇટ પકડવી પડે છે જ્યાંથી હવાઈ માર્ગે અથવા રોડ કે રેલવે માર્ગે મૉસેલ સુધી પહોંચી શકાય છે. કેપટાઉનથી મૉસેલ લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે એટલે ફ્લાઇટ સહેલી રહેશે.

columnists