દેશનું સૌથી મોટું હિલ-સ્ટેશન મિઝોરમ

દર્શિની વશી - ટ્રાવેલ-ગાઇડ | મુંબઈ | Jun 30, 2019, 14:06 IST

નૉર્થ ઈસ્ટનું સુંદર ઘરેણું કહેવાતા આ સ્થળે ટૂરિસ્ટ અટ્રૅકશન ઓછાં છે છતાં અહીંની પ્રાકૃતિક સુંદરતા જ ટૂરિસ્ટોના મનને મોહી લેવા માટે પૂરતી છે. જંગલો અને પર્વતોની વચ્ચે વસેલા મિઝોરમમાં ભૂલા પડવા જેવું છે

મિઝોરમનું પાટનગર આઈઝોલ છે. આઈઝોલને જોઈને થાય છે કે ખરેખર આ જગ્યા પાનગર બનવાને લાયક છે. પહાડી પર બનાવવામાં આવેલાં ઘર દૂરથી એવા લાગે છે જાણે આકાશમાં ઢગલાબંધ તારા એકસાથે ચળકી રહ્યા હોય
મિઝોરમનું પાટનગર આઈઝોલ છે. આઈઝોલને જોઈને થાય છે કે ખરેખર આ જગ્યા પાનગર બનવાને લાયક છે. પહાડી પર બનાવવામાં આવેલાં ઘર દૂરથી એવા લાગે છે જાણે આકાશમાં ઢગલાબંધ તારા એકસાથે ચળકી રહ્યા હોય

ટ્રાવેલ-ગાઇડ

આજે નૉર્થ ઈસ્ટ તરફ ફરવા જનારાઓનો જુવાળ ઘણો વધી ગયો છે, પરંતુ આ જુવાળ માત્ર એક જ રેખામાં આગળ વધી રહ્યો છે એમ કહીએ તો ચાલે. અર્થાત્ ટૂરિસ્ટોનો ઘસારો આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ તરફ જ વધી રહ્યો છે. પરંતુ નૉર્થ ઈસ્ટનાં સેવન સિસ્ટર તરીકે ઓળખાતાં અન્ય ચાર સ્ટેટ ત્રિપુરા, નાગાલૅન્ડ, મણિપુર અને મિઝોરમ ઇગ્નૉર થઈ રહ્યાં છે; જ્યારે પ્રાકૃતિક સુંદરતા અને અલૌકિક વિશેષતાની બાબતે આ ત્રણ સ્ટેટ પણ એની અન્ય બહેનો કરતાં પાછળ પડી જાય એવાં નથી તેમ છતાં ટૂરિઝમની બાબતમાં આ રાજ્યો તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. કદાચ એનું એક કારણ આ રાજ્યો વિશેની જાણકારીનો અભાવ પણ હોઈ શકે છે. ખેર, જે હશે એ, પરંતુ આજે આપણે આમાંના જ એક અને ઇગ્નૉર થઈ રહેલા રાજ્ય મિઝોરમની વાત કરવાના છીએ.

મિઝોરમનો અર્થ થાય છે પહાડી લોકોની જમીન. આખું રાજ્ય પહાડથી ઘેરાયેલું હોવાથી એનું નામ મિઝોરમ રાખવામાં આવ્યું હતું. મિઝોરમ એની ખુશનુમા અને તાજગીભરી ક્લાઇમેન્ટ લઈને વિશ્વભરમાં જાણીતું છે. મિઝોરમની સુંદરતા અને આકર્ષણોને માણીએ એ પૂર્વે રાજ્ય વિશે થોડી માહિતી મેળવી લઈએ. મિઝોરમ એક પર્વતીય પ્રદેશ છે. આશરે ત્રીસેક વર્ષ પૂર્વે જ મિઝોરમ ભારતનું ૨૩મું રાજ્ય બન્યું હતું. મિઝોરમ એ પૂર્વે આસામનો જ એક ભાગ હતું. હજી થોડા પાછળ જઈએ તો બ્રિટિશકાળ દરમિયાન મિઝોરમનો અડધો ભાગ આસામમાં હતો, જ્યારે અડધો ભાગ પશ્ચિમ બંગાળની અંદર આવતો હતો. બ્રિટિશરો ગયા બાદ આ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ થોડાં વર્ષ બાદ ભારત સરકાર અને મિઝો નૅશનલ ફ્રન્ટ વચ્ચે કરાર થયા બાદ મિઝોરમ ભારતનું એક રાજ્ય બની ગયું હતું. મિઝોરમ દેશની બૉર્ડર પર આવેલું છે, જેને લીધે એ બંગલા દેશ અને મ્યાનમાર એમ બે દેશની આંતરરાષ્ટ્રીય સીમાને સ્પર્શે છે જ્યારે સેવન સિસ્ટરનાં ત્રિપુરા, આસામ અને મણિપુર એમ ત્રણ રાજ્યની સીમાને સ્પર્શે છે. મિઝોરમનું પાટનગર આઇઝૉલ છે, જ્યારે મુખ્ય ભાષા મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમનાં મોટા ભાગનાં શહેર અને ગામ પહાડી પર આવેલાં છે, જેને લીધે મિઝોરમની ખૂબસૂરતી ખીલી ઊઠે છે. આ સિવાય અહીં વસતા વિવિધ જાતિના લોકોના વર્ષ દરમિયાન અનેક તહેવાર ઊજવાતા રહે છે જેને લીધે અહીં બારે મહિના હષોલ્લાસનું વાતાવરણ જામેલું રહે છે. આ કારણે રાતના સમયે પહાડી પર આવેલાં ગામો અને શહેરો દીપી ઊઠે છે. ઍડ્વેન્ચર્સની વાત કરીએ તો હિલી એરિયા હોવાથી અહીં પણ ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરવા મળવાના ઘણા સ્કોપ છે અહીં ફરવા માટે વધુ સ્થળો નથી, પરંતુ જેટલાં છે એટલાં જોવા જેવાં છે.

આઇઝૉલ

મિઝોરમનું પાટનગર આઇઝૉલ છે. આઇઝૉલની ગણના પૂર્વોત્તરના સૌથી જૂના શહેરમાંના એક શહેર તરીકે પણ કરવામાં આવે છે. જૂનું એટલું સોનું એવી કહેવત અહીંના માટે સાચી ઠરે છે. બ્રેથટેકિંગ વ્યુની સાથે સુંદરતા, સાદગી અને શાંતિનો સુંદર સમન્વય અહીં જોવા મળે છે. અહીં આવવા માગતા ટૂરિસ્ટોએ એક વાત ખાસ યાદ રાખવી કે મિઝોરમ સહિતના નૉર્થ ઈસ્ટમાંનાં મોટા ભાગનાં સ્થળોમાં વધુ ને વધુ પ્રાકૃતિક સૌંદર્ય જ માણવા મળશે. એ સિવાય અહીં વિશેષ અટ્રૅક્શન ખાસ જોવા મળશે નહીં. હવે મૂળ વાત પર આવીએ તો પહાડી પર બાંધવામાં આવેલાં ઘરો તમારી આંખને કંઈક નવું પીરસશે. બહુમાળી મકાનો અને અફલાતૂન ટાવર જોઈને કંટાળી ગયેલા લોકોને આવા નવીન પ્રકારે બાંધવામાં આવેલાં ઘરો અને ઘરોના બાંધકામની એકરૂપતા જોવાની ચોક્કસ ગમશે જ. ઘરો સિવાય અહીં મિઝોરમ સ્ટેટ મ્યુઝિયમ પણ આવેલું છે જે રાજ્યના ઇતિહાસની છબી સમાન છે.

બારા બઝાર પણ એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, કારણ છે અહીંની બજારમાં મળતી વસ્તુઓ. ખાસ કરીને ટ્રેડિશનલ વસ્તુઓ તો ખરી સાથે મ્યાનમાર અને ચીનની બૉર્ડર પણ નજીક હોવાથી ત્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી વસ્તુઓ પણ અહીંની બજારમાં મળી રહે છે. જો કંઈક અવનવું ખરીદવું હોય તો અહીં લટાર મારવા જેવી ખરી. મિઝોરમ સરકારની મહત્ત્વની ઑફિસો સહિત એસેમ્બલી હાઉસ પણ અહીં આવેલાં છે. બાઇકિંગ અને ટ્રેકિંગ માટે અહીં હવે ટૂરિસ્ટો વધુ વળી રહ્યા છે. હુઇફંગ હિલ આ માટે બેસ્ટ ગણાય છે. ૧૫૨૪ મીટર ઊંચી આ પહાડી પર કુદરતી રીતે એવા રસ્તા બનેલા છે જે બાઇકિંગની મજાને બમણી કરી મૂકે છે. એવી જ રીતે જંગલોની વચ્ચે ટ્રેકિંગ કરવાનો ચાન્સ પણ દુર્લભ જેવો બની રહે છે. ઍડ્વેન્ચર પ્રિય લોકોને આ અનુભવ યાદગાર બની રહેશે. ફોન્ગપુઈ અને બ્લુ માઉન્ટન નૅશનલ પાર્ક ટ્રેકિંગ અને કૅમ્પિંગ માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન ગણાય છે.

વાનતાંગ ફૉલ્સ

મિઝોરમનું આ સૌથી ઊંચે આવેલું અને સૌથી ખૂબસૂરત ઝરણું છે અને મિઝોરમની રાજધાનીથી ૧૩૭ કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી પાણી ૨૩૦ મીટરની ઊંચાઈ પરથી નીચે પડે છે જે ખૂબ જ સુંદર દૃશ્યનું નિર્માણ કરે છે. ફૉલ્સની બાજુમાં બાબુ ફૉરેસ્ટ આવેલું છે. આ સ્થળ ટૂરિસ્ટ માટે એક યાદગાર અનુભવ સમાન બની રહેશે. અહીં ઓવરનાઇટ સ્ટે કરવા માટેની પણ વ્યવસ્થા છે.

લૂંગલેઈ

લૂંગલેઈ મિઝોરમના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું છે. અહીંના લોકો સ્થાનિક ભાષામાં એને લૂંગલેહ પણ કહે છે જેનો અર્થ પથ્થરોનો પુલ એવો પણ થાય છે. આઝાદી પૂર્વે લૂંગલેઈનું મહત્ત્વનું ઘણું હતું, કારણ કે ત્યારે આ શહેર મોટા શહેરની સાથે સીધો સંપર્ક ધરાવતું હતું. આજે પણ આ શહેર શિક્ષણ અને બિઝનેસનંગ મુખ્ય કેન્દ્ર ગણાય છે. આઇઝૉલ પછી લૂંગલેઈ રાજ્યનું બીજું સૌથી મોટું શહેર છે. આઇઝૉલ કરતાં પણ વધુ ઊંચાઈ પર સ્થિત છે. હાઇટ પર હોવાને લીધે અહીંની સુંદરતા ચોક્કસ સરસ જ છે. આ સિવાય અહીં રૉક બ્રિજ, વન્યજીવ અભયારણ્ય જોવા જેવાં છે.

ચમ્ફાઈ

મ્યાનમાર અને મિઝોરમની બૉર્ડર પર આવેલું ચમ્ફાઈ સુંદર પર્યટન સ્થળ છે, જે એક સપાટ વિસ્તારમાં આવેલું છે જેની ફરતે વીંટળાયેલા પહાડો એની ખૂબસૂરતી વધારે છે. શરૂઆતમાં મ્યાનમારથી ઘણા શરણાર્થીઓ અહીં જ આવતા હતા. પર્વતોની વચ્ચે ખીણમાં જેવું વસેલું ચમ્ફાઈ હંમેશાં ટૂરિસ્ટોથી ઘેરાયેલું રહે છે. અહીં જોવા માટે મુરલેન નૅશનલ પાર્ક છે જ્યાં અનેક પ્રકારનાં પશુપક્ષીઓ, આયુર્વેદિક છોડવા તેમ જ ઑર્કિડનાં ફૂલોની ઢગલાબંધ વરાઇટી છે. બીજું એક સ્થળ છે મુરા પાર્ક, જ્યાં છ ગુફા છે. કહેવાય છે કે અગાઉ લોકો આ ગુફાનો ઉપયોગ છુપાવા માટે કરતા હતા. આ સિવાય ચમ્ફાઈ ખાતે ફળોના વિશાળ બગીચા પણ આવેલા છે. મિઝોરમમાં અહીં ચમ્ફાઈ ખાતે સૌથી વધુ ફળો થાય છે. આ જ કારણસર મિઝોરમને ફળોની બાસ્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સેરછીપ

સેરછીપ મિઝોરમની પસંદગીની કેટલીક ટૂરિસ્ટ પ્લેસમાંનું એક સ્થળ છે. આ પ્લેસ મટ અને તુઈકમ નદીની વચ્ચે આવેલી છે. પહાડી ખૂબસૂરતી ઉપરાંત આ સ્થળ આઠમી સૌથી ઊંચી પહાડી તરીકે પણ જાણીતું છે. આ જિલ્લો મ્યાનમારની સીમાને સ્પર્શે છે. સેરછીપ નામ પડવા પાછળનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. સેરછીપની અહીંની ભાષામાં સંધિ છૂટી પાડવામાં આવે તો એનો અર્થ થાય છે સાઇટ્રસ ઑન ટૉપ. એટલે કે અહીં પહાડીની ટોચ પર સાઇટ્રસનું ઝાડ મળી આવ્યું હતું ત્યારથી આ સ્થળનું નામ સેરછીપ પડી ગયું હતું. થોડા સમય અગાઉ અહીં પૅરાગ્લાઇડિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને લીધે હવે વધુ ટૂરિસ્ટ અહીં આવી રહ્યા છે.

લોન્ગતલાઈ

અહીંનાં સ્થળોનાં નામ જેટલાં અટપટાં છે એટલી જ દર્શનીય અહીંની જગ્યા છે. લોન્ગતલાઈ મિઝોરમ અને બંગલા દેશની બૉર્ડર પર આવેલી જગ્યા છે, જેનો પશ્ચિમ વિસ્તાર ઘેરાં જંગલોથી આચ્છાદિત છે જ્યાં ફૉરેસ્ટ ઍડ્વેન્ચર્સનો લાભ લઈ શકાય છે જે તમને પ્રકૃતિની નજીક લઈ જશે. આ સિવાય અહીં ફરવા માટે લેગપુઈ પીક, લોહાવાકા વન્યજીવ અભયારણ્ય, સિનેમોન વન્યજીવ અભયારણ્યનું સ્થાન આવે છે.

મિઝોરમના તહેવાર

આગળ કહ્યું તેમ મિઝોરમમાં આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો ઊજવાય છે, જેથી એને તહેવારોનું રાજ્ય પણ કહી શકાય છે. અહીં ઊજવવામાં આવતા દરેક તહેવાર ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસથી ઊજવાય છે. મિઝોરમના મોટા ભાગના લોકોની રોજગારી કૃષિ આધારિત છે, જેને લીધે મોટા ભાગના તહેવારો કૃષિને સંબધિત જ રહેતા હોય છે. મુખ્ય તહેવારોની વાત કરીએ તો મીમ કુટ અહીંનો સૌથી મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર ગણાય છે. મકાઈનો પાક લેતી વખતે આ તહેવાર ઊજવાય છે. આ તહેવારની ઉજવણી ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થાય છે. એવું કહેવાય છે આ તહેવાર દરમિયાન મરનાર લોકોનો આત્મા આવે છે. એ સમયે તેમને વિવિધ વસ્તુઓ પણ ચડાવવામાં આવે છે.

સૌપ્રથમ તો મિઝોરમ આવવા માગતા ટૂરિસ્ટોએ ઇનર લાઇન પરમિટ લેવી પડે છે.

- ખરેખર જાણીને નવાઈ લાગશે, પરંતુ મિઝોરમમાં સાક્ષરતાનું પ્રમાણ દેશનાં અન્ય રાજ્યો કરતાં ઘણું ઊંચું છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ ૮૯ ટકા છે, જે કેરળ પછી બીજા ક્રમાંકે આવે છે.

૨૦૧૧માં કરવામાં આવેલી જનગણના પ્રમાણે મિઝોરમ વસ્તીની દૃષ્ટિએ દેશનું ૨૮મું રાજ્ય છે. એટલે બીજું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે.

- નૉર્થ ઈસ્ટમાં રહેતા લોકો અને એમાં પણ વિશેષ કરીને સ્ત્રીઓ દેખાવે સુંદર હોય જ છે, પરંતુ મિઝોરમની સ્ત્રીઓના દેખાવ માટે એવું કહેવાય છે કે તેઓ સેવન સિસ્ટર રાજ્યોમાં સૌથી સુંદર હોય છે.

- અહીંનો લગભગ ૯૧ ટકા જેટલો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય વાંસનો છે, જેમાંથી તેઓ વિવિધ વસ્તુઓ બનાવીને વેચે છે અને ગુજરાન ચલાવે છે.

મિઝોરમમાં મોટા ભાગની વસ્તી ક્રિશ્ચિયન ધર્મ ફૉલો કરે છે, જેને લીધે મોટા ભાગના લોકો નૉનવેજ જ ખાય છે. વેજ ફૂડ મળવું અહીં મુશ્કેલ બની રહે છે.

નૉર્થ ઈસ્ટનાં મોટા ભાગનાં રાજ્યોના રસ્તા, દુકાનો, હોટેલો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા સાંજે ૭ વાગ્યા પછી લગભગ બંધ થઈ જતાં હોય છે; જે થોડું મુશ્કેલ બની શકે છે.

બંગલા દેશ અને મ્યાનમારની વચ્ચે મિઝોરમ સ્થિત હોવાથી અહીં આ બન્ને દેશોમાંથી આવેલા શરણાર્થીઓની સંખ્યા પણ ઘણી છે.

આ પણ વાંચો : કુલુ-મનાલીને ઝાંખાં પાડી દેશે એનાં આ પાડોશી ડેસ્ટિનેશન

ક્યારે અને કેવી રીતે જવું?

નૉર્થ ઈસ્ટનાં રાજ્યોમાં જવું આમ પણ થોડું કઠિન જ છે, પરંતુ મિઝોરમ સુધી આવવું થોડું વધુ મુશ્કેલ છે, જેનું કારણ છે કનેક્ટિવિટી. નૉર્થ ઈસ્ટમાં એકદમ તળિયે આવેલું હોવાથી અહીં સુધી રેલવે નેટવર્ક પહોંચી શક્યું નથી. અને જે બનાવવામાં આવ્યું છે એ માત્ર માલસમાનની હેરફેર માટે કરવામાં આવે છે. અહીંના લોકો બહાર જવા માટે તેમ જ બહારથી આવતા લોકો મિઝોરમ આવવા માટે આસામમાં આવેલા સ્ટેશન સિલચરનો ઉપયોગ કરે છે. આ તો થઈ રેલવે કનેક્ટિવિટીની વાત, પરંતુ આ સિવાય હવાઈ અને રોડ પરિવહન પણ સહેલા નથી. હવાઈ માર્ગે આવવું હોય તો અહીં આઇઝૉલ ઊતરવું પડે છે જ્યાં એકમાત્ર ઍરપોર્ટ આવેલું છે. આ સિવાય આસામના ગુવાહાટી ઍરપોર્ટ પર ઊતરીને પણ અહીં આવી શકાય છે. આ સિવાય થોડાં વર્ષ અગાઉ અહીં પવનહંસ નામક હેલિકૉપ્ટર સેવા પણ શરૂ કરી છે જે મિઝોરમનાં મુખ્ય શહેરોને જોડે છે. અહીં મેથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસું રહે છે. કેટલાક સમયમાં તો ભારે વરસાદ પણ નોંધાય છે, જેને લીધે આ સમયગાળા દરમિયાન ઍડ્વેન્ચર ઍક્ટિવિટી ઉપરાંત ટ્રાવેલિંગ કરવું પણ થોડું મુશ્કેલ બની રહે છે. એને લીધે આ સમયગાળા દરમિયાન અહીં આવવાનું ટાળવું યોગ્ય રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK