ઈશ્વરોલૉજી - પ્રકરણ - 28

27 October, 2019 03:20 PM IST  |  મુંબઈ | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 28

ઈશ્વરોલૉજી

ગતાંક...

ઈશ્વરને ચૅલેન્જ આપીને એક સામાન્ય માણસ બનાવીને પોતાની સાથે રાખનાર સંજય અત્યારે વૈકુંઠમાં ઈશ્વરની જગ્યાએ છે. ઈશ્વરની બનાવેલી કાર્યપદ્ધતિથી તેને ઘણી ફરિયાદ હતી એટલે ઈશ્વર અચાનક ગુમ થઈ જાય છે અને સંજય ઈશ્વરની જગ્યાએ પહોંચી જાય છે. ઈશ્વરે ભગવાન ઇન્દ્રને સૂચના આપ્યા મુજબ સંજયને સૃષ્ટિ ચલાવવાના બધા જ પાવર આપવામાં આવે છે અને દરેક દેવોએ ઈશ્વરની જગ્યાએ પૃથ્વી પરથી આવેલા સંજયનો આદેશ માનવાનો છે. દુનિયાના અનેક લોકોની પ્રાર્થનાઓ અને ફરિયાદો તેની સામે આવે છે. આ બધા લોકો ખુશ થઈ જાય એ માટે કંઈ જ વિચાર્યા વગર સંજય કહે છે કે આ દરેકની ઇચ્છાઓ અને પ્રાર્થનાઓ પૂરી થાય.

હવે આગળ...

પોતે લીધેલો નિર્ણય ખરેખર તો ભગવાને દરરોજ લેવો જોઈએ એમ સંજય સ્પષ્ટપણે માનતો હતો. ભૂતકાળમાં પણ તે કેટલીય વાર વિચારી ચૂક્યો હતો કે આ ભગવાનની આખી સિસ્ટમમાં જ કોઈ પ્રૉબ્લેમ છે, નહીં તો કોઈની પ્રાર્થના તરત જ સ્વીકાર થઈ જાય અને કોઈ બિચારો ભગવાનને કહી કહીને મરી જાય તોય એનું તે સાંભળે નહીં. આના કરતાં તો ખરા મનથી ભગવાનને જેકાંઈ માગો એ તે તરત જ આપી દેવામાં ભગવાનનું જાય છે શું?

અને આજે એ પ્રશ્નનું નિરાકરણ જાતે જ લાવી દીધું. ઈશ્વરની જગ્યાએ પોતાને નિર્ણય લેવાનો વારો આવ્યો એટલે જગતભરમાંથી આવેલી પ્રાર્થનાઓ અને ફરિયાદોને એકસાથે પૂરી કરી દેવાનો આદેશ આપી દીધો.

સંજય મનોમન ખુશ હતો કે આજે તેને કારણે જગતભરમાં કેટલાય લોકો ખુશ હશે. પોતાનો નિર્ણય તેને યોગ્ય અને અદ્ભુત લાગી રહ્યો હતો. તેનું માનવું હતું કે આ જ રીતે ભગવાને સદીઓથી નિર્ણય લેવાની જરૂર હતી તો દુનિયામાં દુઃખ-દર્દને કોઈ સ્થાન જ ન રહેત. ખરેખર સતયુગ તો આમ ચપટી વગાડતાં જ સર્જી શકાય.

તે આનંદમાં હતો અને આ વિચારોની સાથે જ તે મલકાઈ ગયો... પણ ત્યાં તો તેણે જોયું તો ગુસ્સામાં લાલચોળ આંખો ધરાવતા નારદમુનિ તેની સામે અદબ વાળીને તેને તાકી રહ્યા હતા.

ચહેરા પર આવેલી બધી ખુશી સમેટીને તેણે થોડા સંકોચ સાથે પૂછ્યું, ‘શું થયું? દેવર્ષિ મારાથી કોઈ ભૂલ થઈ?’

જાણે કાંઈ બન્યું જ ન હોય એ રીતે સાવ ભોળા ચહેરે પૂછેલો સવાલ સાંભળીને નારદજીને મનમાં થયું કે ઈશ્વરનો આ માણસ પર આટલો વિશેષ પ્રેમ ન હોત તો તેને રૌરવ નર્કમાં નાખવાનો શ્રાપ આપી દેત.

પોતાના ગુસ્સા પર કાબૂ કરતાં તેમણે કહ્યું, ‘ના કંઈ હોય? તમે તો અત્યારે ઈશ્વરની જગ્યાએ બેઠા છો તો તમારાથી તે કાંઈ ભૂલ થાય?’

સંજયને થયું કે નક્કી કંઈ લોચો પડ્યો છે, નહીં તો આ રીતે ખિજાય‌ નહીં. તેણે વધારે સંકોચ સાથે પૂછ્યું, ‘શું થયું એ તો કહો.’

નારદજીએ કહ્યું કે જે સમયે તમે આ અદ્ભુત આદેશ આપ્યો એ વખતે પૃથ્વી પર કુલ ૧ લાખ બોંતેર હજાર સાતસો ને બાર લોકો પ્રાર્થના કરી રહ્યા હતા.

સંજયની તાલાવેલી વધી, તેણે પૂછ્યું, ‘તો... શું થયું પછી?’

‘થાય શું? તમે તો અત્યારે ભગવાન, અને ભગવાનનો આદેશ તો સૌ દેવોએ માનવો જ પડેને.’

‘એટલે એમાં ખોટું શું થયું? દુનિયાના આટલા લોકોની ડિમાન્ડ પૂરી થઈ, કેટલા બધા લોકો ખુશ થયા હશે નહીં!’

નારદજીને થયું કે આ માણસમાં અક્કલનો છાંટો પણ નથી અને ઈશ્વરે તેને કેમ આમ માથે ચડાવ્યો હશે! પોતાનો ગુસ્સો દબાવતાં નારદજી બોલ્યા કે ‘એ તો ચાલો પૃથ્વી પર લટાર મારીએ એટલે ખબર...’

આટલું બોલતાંની સાથે જ નારદ સંજય પાસે આવ્યા. તેમણે સંજય સામે હાથ લંબાવ્યો અને જેવો સંજયે તેમનો હાથ પકડ્યો કે બીજી જ ક્ષણે તેણે જોયું તો બન્ને જણ પૃથ્વીથી થોડે ઉપર એકદમ સૂક્ષ્મ સ્વરૂપે હતા. નીચેની તરફ એક ખેતર પાસે જૂનું ઝૂંપડું હતું. એની આસપાસ ખૂબ પોલીસના માણસો હતા. આખાય ઝૂંપડાને ચારે બાજુથી કૉર્ડન કરવામાં આવ્યું હતું. લોકોનાં ટોળેટોળાં ત્યાં હતાં. ઝૂંપડાના દરવાજે એક પચાસેક વર્ષના ખેડૂત જેવા દેખાતા એક માણસની લાશ પડી હતી. 

આ બધું શું થઈ રહ્યું છે એની સંજયને ખબર ન પડી અને તેણે નારદમુનિ સામે પ્રશ્નાર્થભર્યા ચહેરે જોયું. નારદમુનિએ ઝૂંપડાની અંદરની તરફ ઇશારો કર્યો. આખું ઝૂંપડું પૈસાથી ભરેલું હતું. એટલી બધી નોટો એમાં હતી કે અંદર દાખલ થવાય એમ જ નહોતું.

સંજયને હજી સમજણ ન પડી. નારદમુનિએ આકાશ તરફ ઇશારો કર્યો. તરત જ આકાશમાં એક સ્ક્રીન દેખાઈ જેના પર એ જ  વ્યક્તિ જેની લાશ અત્યારે નીચે પડી છે તે દીવોબત્તી કરીને પ્રાર્થના કરી રહ્યો હતો, ‘હે ભગવાન, એક વાર એવું કંઈક કર કે મારું આ ઝૂંપડું આખું પૈસાથી છલોછલ ભરાઈ જાય પછી તારી પાસે કોઈ દી કંઈ નહીં માગું, બસ.’

સંજયને ખ્યાલ આવ્યો કે આ પેલી લાખો પ્રાર્થનાઓમાંની એક છે જે તેના કહેવાથી પૂરી થઈ. તે કશું બોલવા જાય ત્યાં તો નારદજીએ કહ્યું કે હજી ઊભા રહો. તેમણે મનોમન એક મંત્ર જાપ્યો અને બીજી જ ક્ષણે ચિત્રગુપ્તજી તેમની બાજુમાં હાજર થયા. ચિત્રગુપ્તે નારદજીને ભાવથી પ્રણામ કર્યા અને આ ઈશ્વરની જગ્યાએ આવી ગયેલા તુચ્છ મનુષ્યને જોઈને ખાલી બે હાથ જોડ્યા.

નારદમુનિએ કહ્યું, ‘ચિત્રગુપ્તજી, જરા આ માણસનાં કર્મો અને તેના નસીબ વિશે વાત કરશો?’

ચિત્રગુપ્તે હવામાં હાથ હલાવ્યા અને પછી હવામાં કશું વાંચતા હોય એમ સંજયને લાગ્યું, પણ આંખ સામે કશું હતું નહીં. ચિત્રગુપ્તે કહ્યું કે એ માણસનું નામ પશો ભગત હતું અને તે ખેડૂત હતો. સાવ સામાન્ય કૅટેગરીના આ જીવના ભાગ્યમાં મહેનત કરીને કમાવવું એમ લખ્યું હતું. આમ તો જો મહેનત કરીને કમાય તો જીવનમાં બીજું કશું દુઃખ હતું નહીં, પણ તેના દુર્ભાગ્યના ખાનામાં લખ્યું હતું કે તે સ્વભાવે લોભી છે એટલેતે ગમે તેટલો લોભ કરે તેનાં કર્મ કરતાં વધારે તેને આપવું નહીં. નહીં તો સઘળું નામ ગુમાવશે.

સંજયે કહ્યું કે ‘અહીં તો નામ ગુમાવશે એમ લખ્યું છે, પણ આ તો આખ્ખો ને આખ્ખો મરી ગયો. એમાં નામ ક્યાં ગુમાવ્યું?’

ચિત્રગુપ્તે સંજય સામે તિરસ્કાર સાથેની સ્માઇલ આપી અને દૂર ઊભા રહેલા લોકોની વાતો તરફ તેનું ધ્યાન દોર્યું.

જુદા-જુદા લોકો અંદર-અંદર વાતો કરી રહ્યા હતા...

‘આ ભગત આપણને કેટલો સારો લાગતો હતો, પણ આખરે તો તે ચોર નીકળ્યો.’

‘અરે જુઓ તો ખરા, કેટલો માલ ચોરી-ચોરીને ભર્યો છે.’

‘હું તો કહું છું કે આટલા રૂપિયા ભેગા કરવા તેણે કેટલાંય પાપ કર્યાં હશે. આવા પાપીને તો નરકમાંય જગ્યા નહીં મળે...’

ચિત્રગુપ્તે સંજય સામે જોઈને કહ્યું કે આ એ લોકો છે જે હમણાં સુધી પશા રબારીને પશા ભગત કહેતા હતા. તેને ખૂબ સારો માણસ ગણતા હતા.

સંજયે તરત જ સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછ્યું, ‘તો શું દુનિયાના દરેક માણસનું ભાગ્યની સાથે-સાથે દુર્ભાગ્યનું પણ ખાનું હોય છે? જરા ડિટેલમાં આ સિસ્ટમ સમજાવોને.’

ગમે તેમ તોય સંજય એક સામાન્ય માણસ હતો અને ઈશ્વરની બનાવેલી સિસ્ટમ એક સામાન્ય માણસને કહી દેવામાં ચિત્રગુપ્તને સંકોચ થયો. તેણે નારદમુનિ સામે જોયું. નારદજી બોલ્યા, ‘કહી દો કહી દો, અત્યારે તો ઈશ્વરની જગ્યાએ બેસાડ્યા છે એટલે પૂછે એટલું કહેવું પડે ભાઈ.’

ચિત્રગુપ્તે એ રહસ્ય કહેવા માંડ્યું જે દુનિયાના કોઈ સામાન્ય માણસને જાણવું મુશ્કેલ હતું.

તે બોલ્યા, ‘હા ઈશ્વરના ચોપડે દરેક માણસનું ભાગ્યનું અને દુર્ભાગ્યનું અલગ-અલગ ખાનું હોય છે. આ બન્ને ખાનામાં થતું લખાણ એ માણસનાં કરેલાં કર્મો પ્રમાણેનું વધ-ઘટ થતું રહેતું હોય છે. દરેક માણસના દુર્ભાગ્યના ખાનામાં લખેલું હોય છે કે કઈ વસ્તુ એને માટે અને તેના જીવન માટે દુર્ભાગ્યને બોલાવે છે. હવે જો જીવનમાં એ જ વસ્તુ એ માણસ ઈશ્વર પાસે માગે તો ઈશ્વર તેનું કદી સાંભળતો જ નથી. પછી છોને તે માણસ ગમ એટલી પૂજા-અર્ચના કે મોટા-મોટા યજ્ઞ કરે. ખરેખર તો કોઈ માણસ બહુ જ ઈશ્વર પાસે માગે અને તેને ન મળતું હોય તો તેણે સમજવું કે એ વસ્તુ તેના ભાગ્ય માટે સારી નથી એટલે જ કદાચ ઈશ્વર તેને એ આપતા નથી. બાકી કર્મ મુજબનું ફળ આપવામાં ઈશ્વરે ક્યારેય ના પાડી નથી. ઊલટાનું એ તો કહે છે કે તમે કર્મ કરો એને અનુરૂપ ફળ આપવાની જવાબદારી મારી છે.’

સંજયે તેના જીવનમાં અનેક વાર આ કર્મ શબ્દ સાંભળેલો એટલે તેણે તરત જ ચિત્રગુપ્તને રોક્યા.

‘એ બૉસ, ઊભા રહો. એક તો આ કર્મ અને એનો સિદ્ધાંત આજ સુધી મારી સમજણમાં આવ્યાં નથી. આ અનેક દાઢીવાળા અને જટાવાળા બાવાઓ એમ કહ્યા કરે છે કે આ જન્મે સારાં કર્મો કરશો તો ફળ તમને આવતા જન્મે મળશે અને આવતો જન્મ સુધરશે અને આ જન્મમાં જે ખરાબ ફળ મળે છે એ ગયા જન્મનાં ખરાબ કર્મો છે. તે આવતો જન્મ કોણે જોયો? આ બધી સિસ્ટમ જ કન્ફ્યુઝિંગ છે.’

‘તમને કોણે કહ્યું કે આવતા જન્મમાં એનું ફળ મળે?’

‘એટલે શું મેં સાંભળેલું ખોટું? બધા તો એમ જ કહે છે.’ સંજયે માથું ખંજવાળ્યું.

ચિત્રગુપ્તે કહ્યું કે ‘તમે શું સાંભળ્યું છે? અને તમે એનો શો મતલબ કાઢ્યો છે એ તો હું નથી જાણતો, પણ મને એટલી ખબર છે કે કર્મનું ફળ તો આ જ જન્મમાં મળે છે.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 27

સંજયને આ વાત અત્યાર સુધી સાંભળેલી વાતો કરતાં તદ્દન જુદી જ લાગી. તેણે પૂછ્યું, ‘તો પછી આમ અમુક કામ કરો તો સ્વર્ગ મળે અને અમુક કામ કરો તો નર્ક મળે એ બધું શું છે? માણસ ઉપર આવીને સ્વર્ગ અને નર્કમાં કઈ રીતે જાય?’

ચિત્રગુપ્તે કહ્યું, ‘તમને કોણે કહ્યું કે સ્વર્ગ કે નર્ક ઉપર છે?’

( વધુ આવતા અંકે)

columnists weekend guide