ઈશ્વરોલૉજી - પ્રકરણ - 27

Published: Oct 20, 2019, 14:36 IST | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક | મુંબઈ

સંજયના ઘરેથી ભગવાન અચાનક જ ગાયબ થઈ જાય છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક...

સંજયના ઘરેથી ભગવાન અચાનક જ ગાયબ થઈ જાય છે. સંજય જ્યારે ઈશ્વરને શોધવા નીકળે છે ત્યારે તેને અનુભવ થાય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની સાથે જેકાંઈ ઘટ્યું છે એવું કશું બન્યું જ નથી. અચાનક તેનો ઍક્સિડન્ટ થાય છે અને આસ્તેય નામનો યમદૂત તેનો જીવ કાઢે છે. વૈતરણી નદી પુણ્યના તરાપાથી પાર કરી તે આગળ આવે છે. ત્યાં તેને નારદમુનિ મળે છે અને તે તેને વૈકુંઠમાં લઈ જાય છે. ત્યાં પણ ભગવાન હોતા નથી. નારદમુનિ અને ઇન્દ્ર એવું જાહેર કરે છે કે ભગવાનનું ફરમાન છે કે આજથી ભગવાનની જગ્યાએ સૃષ્ટિનો વહીવટ સંજય કરશે.

હવે આગળ...

‘તમને બહુ શંકા હતીને કે ભગવાન કેમ બધા સાથે આમ કરે છે? તો હવે તમે જ એનું નિવારણ કરો અને અમને સૌ દેવોને શીખવાડો કે આ સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થઈ શકે?’

નારદમુનિના બોલેલા છેલ્લા શબ્દો તેના કાને પડ્યા ત્યાં તો તેને ચક્કર આવ્યાં અને તે ત્યાં જ ઢળી પડ્યો.

જ્યારે તે ભાનમાં આવ્યો અને થોડોઘણો સ્વસ્થ થયો ત્યારે તેણે જોયું કે તે એક અતિવિશાળ અને ખૂબ જ અદ્ભુત શય્યા પર સૂઈ રહ્યો છે. મસ્તમજાની મોરપીંછની રજાઈ ઓઢેલી છે. આટલી આરામદાયક પથારીમાં તે આજ સુધી કોઈ દિવસ સૂતો નહોતો. હજી તો તે કશું વિચારી શકે ત્યાં તો કોઈ ડોશીમાનો તીણો અવાજ જોરથી તેના કાને પડ્યો...

કાનકુંવર જાગોને,

જોને સવાર થઈ, જાગો,

દુઃખ સૌનાં ભાંગો ને

જોને સવાર થઈ, જાગો.

અવાજ એટલો બેસૂરો હતો કે સંજય પથારીમાંથી બેઠો થઈ ગયો. હજી તો કશું વિચારે એ પહેલાં તો જોરજોરથી ઘંટ અને તાળીઓના અવાજ તેના કાને પડ્યા. જોરજોરથી જુદા-જુદા લોકોનાં પ્રભાતિયાં ગાવાનો અવાજ આવવા લાગ્યો. જુદી-જુદી લૅન્ગ્વેજમાં ગવાતાં આ પ્રભાતિયાંઓનો અવાજ વધતો હતો  અને તેને કશી ખબર જ ન પડી અને જોરથી કાન પર હાથ દઈને તેણે બુમ પાડી, ‘બસ, બંધ કરો.’

અને અચાનક બધું જ બંધ થઈ ગયું. તેને વિચાર આવ્યો કે શું ઈશ્વરની સવાર આવી રીતે પડતી હશે! પથારીના એક છેડેથી ઊતરતાં તેણે નક્કી કર્યું કે હમણાં જ ભગવાન ઇન્દ્રને જઈને કહેશે કે તેને ભગવાનની જગ્યા નથી જોઈતી. તેણે તો એવો કોઈ વિચાર પણ નથી કર્યો. ઈશ્વર સાથેની તેની ફરિયાદો તો ફક્ત તેના હૃદયમાં ઊઠેલા પ્રશ્નો જ હતા. પોતે આ કામ કરી શકશે નહીં અને તાત્કાલિક ઈશ્વરની માફી માગી આ બધું બંધ કરાવો.

ભગવાન ઇન્દ્રને જઈને શું કહેવાનું છે એ નક્કી કરતો જેવો સંજય તેની જગ્યાએથી ઊભો થયો કે અચાનક જ તેના પર ખૂબબધું દહીં પડ્યું. ઉપર જોયું તો તેની ઉપર સહેજ પાણી પડ્યું. જોકે એ પાણી વડે દહીં શરીર પરથી ગયું નહીં. આ શું થઈ રહ્યું છે એ કંઈ સમજાય એ પહેલાં તો મધ, દૂધ, ખાંડ અને ઘીનો તેના પર અભિષેક થવા માંડ્યો. અને જ્યારે તે આ પંચામૃતથી નીતરતો હતો ત્યારે અચાનક જ તેના પર પાણીનો ધોધમાર વરસાદ થયો. પછી તો અચાનક અત્તરની સુગંધ આવી. સંજયને હરખાવું કે રડવું એની ખબર જ નહોતી પડી રહી.

જ્યારે તે એ જગ્યાએથી બહાર આવ્યો તો અચાનક ઢોલ-નગારા, ત્રાંસાં અને દુંદુભીનાદ થવા માંડ્યા. લગભગ ૧૦૮ પ્રકારની વાનગીઓ તેની સામે એક પછી એક મૂકવામાં આવી. આ ફક્ત સવારનો નાસ્તો હતો એવું રોજ સવારે ચામાં ભાખરી બોળીને ખાતા સંજયને સમજવામાં ખૂબ વાર લાગી.

અત્યારે તેના ગળે કોળિયો ઊતરી શકે એમ નહોતો. તેને તો કેમેય કરીને ઈશ્વરને મળીને માફી માગવી હતી. તેણે મનોમન વિચાર્યું કે અત્યારે ને અત્યારે ભગવાન ઇન્દ્રને મળવું જ છે.

હજી તો તેનો વિચાર પત્યો ત્યાં તો ભગવાન ઇન્દ્ર તેની સામે ઊભા હતા. તેમના અવાજમાં અને આંખોમાં સંજય પ્રત્યેનો ગુસ્સો અકબંધ હતો. ખાલી ઈશ્વરના આદેશને લીધે અત્યારે ઈશ્વર બનેલા આ ટેમ્પરરી બૉસને સાંભળવા પડે એમ હતું.

તેમણે સંજય સામે જોઈને કહ્યું, ‘તમે મને યાદ કર્યો?’

ઇન્દ્રને જોઈને સંજય રડું-રડું થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘હા પ્રભુ, જુઓ આપણી વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. માન્યું કે હું જરા ગુસ્સામાં ઈશ્વરની જોડે કશું બોલી ગયો હોઈશ, પણ એ પ્રશ્નો જુદા હતા. મારે કંઈ ભગવાન બનવું નથી અને ભગવાન બનવાની મારી લાયકાત જ નથી. હું તો માણસ બનીને ભગવાનને પ્રશ્નો કરી શકું. બાકી આ ભગવાન બનવાની તો મારી ઇચ્છા જ નહોતી. તમે જરા ઈશ્વરને સમજાવોને.’

ઇન્દ્ર ભગવાને તરત જ કહ્યું કે અત્યારે તો ઈશ્વર આપ જ છો. અમને એવો મૂળ ઈશ્વરનો આદેશ છે. રહી વાત તેમને મળવાની તો તેમની ઇચ્છા અને આદેશ વિના કોઈ તેમને મળી શકતું નથી.  એટલે તમારા માટે સૌથી અગત્યનો રસ્તો એ જ છે કે ઈશ્વર આમ કરીને પણ તમને કશું સમજાવતા હશે એટલે તમે તેમનો આદેશ પાળો. જો તમારા કામથી તેઓ ખૂશ થશે તો આપોઆપ તમારી સામે પ્રગટ થશે એટલે હવે ઈશ્વરનું સોંપેલું કામ કર્યા સિવાય તમારો છૂટકો નથી.

ઇન્દ્રને સાંભળતાં સંજયનું મોઢું ખુલ્લું જ રહી ગયું. જતાં-જતાં ઇન્દ્રે બીજી વાત કરી.

‘હવે જરા જલદી કરો. સૃષ્ટિના સંચાલન માટે દરેક દેવો તમારી આજ્ઞાની રાહ જોઈ રહ્યા છે.’

એક મોટા પ્રકાશપુંજ તરફ તેમણે ઇશારો કર્યો. સંજય જેવો એ તરફ ગયો કે તેની નજર સામે ખૂબ બધા દેવો ઊભા હતા. ત્યાં ગઈ કાલે મૂકેલા સિંહાસન તરફ ઇશારો કરતાં નારદમુનિએ કહ્યું કે તમારું સ્થાન ગ્રહણ કરો. ભગવાનના શેષનાગની આગળ પાંચ ફુટ નીચે મૂકેલા સિંહાસન તરફ તેણે જોયું. તો સૌ દેવો ત્યાં ઊભા હતા અને પોતાને બેસવા ત્યાં આટલું વિશાળ સ્થાન. સંજયને ત્યાં બેસવું યોગ્ય ન લાગ્યું એટલે તે સિંહાસનને પગે લાગીને એની આગળ નીચે બેઠો.

નારદમુનિ મનોમન બબડ્યા. ચાલો આટલી તો અક્કલ છે આનામાં.

બેઠા પછી શું કરવું એની સમજણ સંજયને ન પડી. તેણે નાછૂટકે ખૂબ સંકોચ સાથે સૌની સામે સ્માઇલ આપી.

એકસાથે આટલાબધા દેવોની નજરે તેને વીંધી નાખ્યો. એની અસમંજસ જોઈને ઇન્દ્રએ ઇશારો કર્યો. નારદમુનિએ પાસે આવીને સામે ઉપરની તરફ ઇશારો કરતાં કહ્યું કે તો પછી ભગવાન તમારા કામે લાગો. આ રહી આજની પ્રાથનાઓ, માગ અને ફરિયાદો...

સંજય આભો બની ગયો. તેની નજર સામે એકસાથે હજારો સ્ક્રીન ખૂલી ગઈ. દરેક સ્ક્રીન પર કોઈ ને કોઈ પ્રાથના કરી રહ્યું હતું. કોઈ પોતાના બિઝનેસમાં ફાયદો માગી રહ્યું હતું, તો કોઈ લૉટરીમાં જીત માગી રહ્યું હતું. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે ૧૧ રૂપિયાની લાંચ ઑફર કરી રહ્યું હતું તો કોઈ પોતાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ભાવતી પાણીપૂરી ન ખાવાનું વચન આપતું હતું.

તે કન્ફ્યુઝ થઈ ગયો. તેણે નારદમુનિ સામે જોઈને આંખોથી મદદ કરવાનો ઇશારો કર્યો. નારદમુનિએ બન્ને ખભા ઊંચા કરતાં કહ્યું, ‘હું કશું ન કરી શકું. તમે કહો આ લોકો સાથે શું કરવું?’

સંજય લગભગ શૂન્યમનસ્ક થઈ ગયો હતો. નિર્ણય લેવાની બધી જ શક્તિ જાણે તે ખોઈ બેઠો હતો. તેને અચાનક યાદ આવ્યું. એક દિવસ મિત્રો સામે તે બોલ્યો હતો, ‘આપણે ભગવાન હોઈએને તો કશું પણ કરી શકીએ... હવે જોને આટલા લોકો ભગવાનની જોડે કશું ને કશું માગે છે તો તેમને આપતા જાય શું? જો તે આપણો બાપ હોય અને આપણે તેમના દીકરા તો દીકરાની ડિમાન્ડ પૂરી કરતાં ભગવાનનું જાય શું?’

આ વાત યાદ આવતાંની સાથે જ તેણે કંઈક વિચાર્યું, ઊંડો શ્વાસ લીધો અને પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મનમાં લાવતાં કહ્યું, ‘આ દરેક માણસની ઇચ્છાઓ અને ફરિયાદો પૂરી કરી દો.’

હવે આશ્ચર્યચકિત થવાનો વારો દરેક દેવોનો હતો. સૌની આંખો પહોળી થઈ ગઈ. આખા વૈકુંઠમાં સન્નાટો ફેલાઈ ગયો. આભા થઈ ગયેલા દેવો એકબીજાને મનોમન દિવ્ય વાણીથી પૂછી રહ્યા હતા કે આપણે શું કરવાનું? અને જવાબ એક જ હતો, ‘અત્યારે તે ભગવાન છે. તે કહે એમ કરવું પડશે, પણ જે તેમણે કહ્યું એ કરીશું તો થશે શું?’

સંજયને ઈશ્વરને મળવાની ઉતાવળ હતી એટલે હવે સૃષ્ટિને ચલાવ્યા સિવાય કોઈ રસ્તો નહોતો.  એટલે તેણે સૌની સામે જોઈને કહ્યું, ‘આ માણસની પ્રાર્થના પ્રમાણે તમારામાંથી જેના ડિપાર્ટમેન્ટને લગતી ડિમાન્ડ હોય એ જોઈ તાત્કાલિક ધોરણે આ સૌની ડિમાન્ડ પૂરી કરો.’

અચાનક આવેલા કૉન્ફિડન્સને લીધે ઑર્ડર તો આપી દીધો, પછી સંજયને થયુ કે હું તો ટેમ્પરરી ઈશ્વર છું અને આ બધા ઓ‌રિજિનલ... એટલે તેણે પછીથી ઉમેર્યું, ‘પ્લીઝ...’

સૌ ત્રાંસી નજરથી ભગવાન ઇન્દ્રને જોવા લાગ્યા. ભગવાન ઇન્દ્રએ સૌને સંબોધીને કહ્યું કે હવે આમનું સાંભળવું એ આપણી ફરજ છે. ઈશ્વરનો આદેશ છે. તો તે જે કહે છે એ કરો.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 26

છેલ્લા શબ્દો સાંભળતાંની સાથે જ દેવો સૌ પોતપોતાના કામમાં લાગી પડ્યા. સંજયે જોયું કે બે ક્ષણમાં તો સામે કોઈ જ નહોતું.

સંજયને મનોમન થયું કે ઈશ્વર જોડે રહીને એટલું તો શીખ્યો કે તે જેકાંઈ પણ કરે છે એની પાછળ કોઈ કારણ હોય છે એટલે પોતાને ઈશ્વર બનાવવા પાછળ પણ એ ચક્રધારીનું કોઈ ચક્કર હશે જ. અને રહી વાત આજના નિર્ણયની તો ખરેખર તો પોતાને ભગવાન બનાવી ઈશ્વરે કેટલું સરસ કામ કરાવ્યું છે. આજે જગતભરમાં કેવો મોટો બદલાવ આવશે! સૌકોઈ ખુશ હશે. સૌ‍કોઈની ઇચ્છાઓ અને ફરિયાદો મટી ગઈ હશે. ચોતરફ ખાલી આનંદ અને સંતોષ જ હશે અને સૌથી મજાની વાત એ છે કે આ જગતભરના આનંદનું કારણ પોતે હશે.

આ વિચારની સાથે જ તે મલકાઈ ગયો, પણ ત્યાં તો...

(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK