ઈશ્વરોલૉજી - પ્રકરણ - 18

11 August, 2019 03:35 PM IST  |  મુંબઈ | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 18

ઈશ્વરોલૉજી

 

 

 

ગતાંક...

ઈશ્વર અને સંજય બન્ને જણ એકબીજા સાથે પૃથ્વી પરના દિવસો માણી રહ્યા છે. ઈશ્વરની ઈશ્વરોલૉજી જબરદસ્ત રીતે સંજયના જીવનમાં બદલાવ લાવી રહી હતી. સંજયના ઘરે તેના જૂના બૉસ સાહુસાહેબ પોતાનો કરોડોનો બિઝનેસ ત્રણ જમાઈમાંથી કોને સોંપવો એની સલાહ લેવા આવ્યા છે. સંજય ઈશ્વરને બહુ મોટા કન્સલ્ટન્ટ સ્વરૂપે આગળ ધરે છે અને કહે છે કે તેમનો પ્રૉબ્લેમ તેઓ તરત જ સૉલ્વ કરી દેશે. સાહુસાહેબ ઈશ્વરને તેમની મૅનેજમેન્ટ ફર્મનું નામ પૂછે છે અને જવાબ મળે છે ‘કર્મ કન્સલ્ટન્સી.’ 

હવે આગળ...

કર્મ એટલે ઈશ્વરનો માણસજાત સાથેની રમતમાં ફેંકેલો એવો પાસો જેનો તોડ આજ સુધી માણસ માત્ર પાસે નથી. 

કર્મનો સિદ્ધાંત ગમે એટલો સમજીએ પણ માનવસહજ પ્રશ્નોની વણજાર એને માનવા દેતી નથી. આનાથી વિપરીત જે લોકોએ આ સિદ્ધાંત સમજી લીધો છે એને બીજું કશું સમજવાની જરૂર પડતી નથી. 

જો તમે કંઈ મેળવો છો તો પાછલા જન્મનાં સારાં કર્મોના પરિણામે, જો તમે કશું ગુમાવો છો તો એ પણ પાછલા જન્મોનાં ખરાબ કર્મોના પરિણામે... એટલે આખી લાઇફ એમ માનીને સારાં કર્મો કર્યે રાખવાનાં કે આવતા જન્મે આપણને આ જન્મમાંથી કૅ‌રિફૉર્વર્ડ કરેલાં કર્મો કંઈક સારું ફળ આપશે અને એની ગૅરન્ટી શું? તો કહે કશું નહીં... 

કર્મ કન્સલ્ટન્સી શબ્દ સાંભળતાં જ સંજયના મનમાં આ સઘળું તોફાન ચાલ્યું. 

આ તરફ સૌનું ધ્યાન રૂમની અંદરથી નીકળતાં ખૂબ પ્રભાવશાળી મહિલા તરફ હતું જેમણે તેમના પતિની કંપનીનું નામ ‘કર્મ કન્સલ્ટન્સી’ કહ્યું.

સાહુસાહેબની ખુશીનો પાર ન રહ્યો અને તેમણે આવેલાં લક્ષ્મીજી અને ઈશ્વર સામે જોઈને કહ્યું, ‘મોંમાગ્યા રૂપિયા લઈ લો, પણ મને આ અવઢવમાંથી બહાર કાઢો.’

લક્ષ્મીજી અને નારાયણને રૂપિયાની ઑફર થતી જોઈને સંજયને મજા પડી ગઈ. 

સંજયની પત્નીને થયું કે હમણાં સુધી ગામડેથી આવેલા તેમના ભાઈ અચાનક આવડા મોટા કન્સલ્ટન્ટ થઈ કેવી રીતે ગયા? 

અને આ બધાથી ઉપર ઈશ્વર અને લક્ષ્મીજીને મજા આવી રહી હતી. 

બન્ને જણ સાહુસાહેબની સામેના સોફા પર ગોઠવાયાં અને એક પછી એક પ્રશ્નો શરૂ કર્યા. સંજયને આંખના ઇશારાથી જેકંઈ પણ થાય છે એ સમજવાનો ઇશારો કર્યો. સંજયને વળી પાછું ગીતાદર્શનવાળું ચિત્ર યાદ આવ્યું અને થયું કે ઈશ્વરની ઈશ્વરોલૉજી ફરી પાછી શરૂ થઈ રહી છે એટલે તેણે કાન દઈને સાંભળવાનું શરૂ કર્યું. 

ઈશ્વરે પૂછ્યું, ‘તમારા ત્રણે જમાઈમાંથી તમને કોણ ગમે?’ 

સાહુસાહેબનું મોં બગડવા જતું હતું, પણ માંડ-માંડ એને રોકી તેમણે કહ્યું, ‘કેવી વાત કરો છો? મારે તો ત્રણેય સરખા.’ 

ઈશ્વરે ફરી પૂછ્યું, ‘હું ગમવાની વાત કરું છું. મેં પૂછ્યું કે ત્રણેમાંથી કયો જમાઈ તમને વધુ ગમે છે?’ સાહુસાહેબે કહ્યું, ‘અરે તમને કહ્યુંને કે ત્રણેય સરખા...’ 

પણ આમ બોલતાં તેમના મનમાં આવેલું વાક્ય ‘જમાઈ શું કરવા ગમે?’ ઈશ્વર અને માતાજીએ સાંભળી જ લીધું હતું.

માતાજીએ પૂછ્યું, ‘તો પછી સૌને સરખે ભાગે કેમ વહેંચી નથી દેતા?’

સાહુસાહેબે કહ્યું, ‘એ જ તો... મને બીક છે  કે ત્રણે જમાઈ ખૂબ સ્માર્ટ છે, પણ ત્રણેની વિચારધારા અલગ-અલગ છે. હવે જો ત્રણેયને સરખે ભાગે કંપની ચલાવવા આપું તો કંપની બેસી જાય. મારી ત્રણેય દીકરીઓને સરખે ભાગે વહેંચવાની મિલકત તો ક્યારનીય નક્કી કરી દીધી છે, પણ પ્રશ્ન હાલમાં ચાલતી મારી કંપનીનો છે, જે મારે કોઈ યોગ્યના હાથમાં સોંપવો છે. બાકી ફૅ‌મિલીને આપવાનું વસિયતનામું ક્યારનુંય બનાવડાવી લીધું છે. એની સલાહ લેવા હું થોડો અહીં સંજય પાસે આવ્યો છું.’ તેમના શબ્દોમાં રહેલો છણકો અને ગુસ્સો ઈશ્વર અને લક્ષ્મીજી બન્નેએ અનુભવ્યો પણ માણસ છે, ભૂલ તો કરે એમ માની કશું જ ન બોલ્યાં. 

ઈશ્વરે સાહુસાહેબને કહ્યું કે ‘આપની લાગણીઓ હું સમજું છું, પણ કેટલાક પ્રશ્નો એવા હોય છે જે અમારે ક્રૉસ ચેક કરવા પડે. કોઈકને કંઈ આપવાનું હોય અને કોઈકની પાસેથી કશુંક લેવાનું હોય ત્યારે સામેવાળાને અન્યાય ન થાય એ અમારે પહેલાં જોવું પડતું હોય છે.’

સાહુસાહેબને થયું કે આટલું કન્ફ્યુઝિંગ બોલતો માણસ મૅનેજમેન્ટ-કન્સલ્ટન્ટ કેવી રીતે હોઈ શકે? પણ સંજય પ્રત્યેનો તેમનો વિશ્વાસ અતૂટ હતો છતાં મનમાં પ્રશ્ન હતો, પણ ઉપાય શું? 

તેના મનની વાત જાણી ગયેલા ઈશ્વરે તેને પ્રૉમિસ આપ્યું કે આવતી કાલે બપોરે બરોબર ૧૨ વાગ્યે ઉપાય શોધીને તેઓ સંજય સાથે તેમની ઑફિસમાં પહોંચશે. 

સાહુભાઈની સાથે-સાથે સંજયને પણ આખી રાત ઊંઘ ન આવી. સાહુભાઈનું કરોડોનું સામ્રાજ્ય કોઈને આપવાનું હતું એટલે સ્વાભાવિક છે કે તેમને ઊંઘ ન આવે, પણ સંજય તો એ વિચારમાં જ નહોતો સૂઈ શકતો કે ઈશ્વર કાલે કયો રસ્તો કાઢશે!

એક તરફ આવેલાં ભાઈ-ભાભીના આ અચાનક ઊભા થયેલા ધંધા વિશેના પત્નીના પ્રશ્નોથી સંજય અકળાયેલો હતો અને બીજી તરફ હવે ઈશ્વર શું કરશે એનું સસ્પેન્સ ઘેરું થઈ રહ્યું હતું. 

બીજા દિવસે બન્ને જણ તેના સ્કૂટર પર સાહુસાહેબની ઑફિસ પહોંચ્યા,જ્યાં તેમને ઈશ્વરે જણાવ્યું કે તમે ત્રણે જમાઈને બોલાવીને મારી ઓળખ તમારા કન્સલ્ટન્ટ તરીકે કરાવો અને મને ત્યાર બાદ એક પછી એક તેમની સાથે એકલા મળવાની વ્યવસ્થા કરો. 

ઉપાય જાણ્યા વગર આમ કરવાથી થઈ શકનારા નુકસાન પ્રત્યે સાહુસાહેબ સુજાણ હતા, પણ સંજયે આંખના ઇશારે વિશ્વાસ રાખવાનું કહ્યું. 

તેમણે સંજયના ઇશારે અંધારામાં ગોળીબાર કર્યો અને ત્રણેય જમાઈ, એક પછી એક ઈશ્વરને મળવા એકલા કૅબિનમાં આવ્યા. 

આવેલા ત્રણેય જમાઈને ઈશ્વરે એક જ વાત કરી કે તેઓ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને જ આ બિઝનેસ અપાવવામાં મદદ કરશે જેથી એ ત્રણેય જણે એક ચૅલેન્જ પૂરી કરવાની રહેશે. 

ઈશ્વરે ત્રણેયને વ્યક્તિગત રીતે જણાવ્યું કે ‘આજથી ત્રણ દિવસ પછી તમને ત્રણે જણને એક સ્પેશ્યલ રૂમની અંદર પૂરી દેવામાં આવશે જેની અંદર એક ડિજિટલ લૉક લગાવ્યું હશે. આ સાથે ત્રણેય જણને એક પેપર આપવામાં આવશે જેની અંદર સાહુસાહેબના બિઝનેસની નાનામાં નાની ડિટેલથી લઈને એમણે કરેલી મોટામાં મોટી ડીલ સુધીની દરેક વસ્તુમાંથી કોઈ ૫ણ પ્રશ્નો હશે. આ પાંચ પ્રશ્નના જવાબનો પહેલો લેટર એ ડિજિટલ લૉકનો પાસવર્ડ હશે. તમારા ત્રણેયમાંથી જેકોઈ પણ સૌથી પહેલું એ ડિજિટલ લૉક ખોલીને રૂમની બહાર આવી જશે તેને આ બિઝનેસનો માલિક બનાવવામાં આવશે, કારણ કે એ જ માણસ બિઝનેસને સૌથી વધારે જાણે છે એ નક્કી થશે.’

ત્રણે જમાઈ આ સાંભળીને જતા રહ્યા, પણ આ બધું જોઈને સાહુસાહેબને ઝીણો અટૅક આવતો-આવતો રહી ગયો. તેમને થયું કે સંજય પર વિશ્વાસ કરીને સૌથી મોટી ભૂલ કરી છે. આવડો મોટો બિઝનેસ સોંપવાની રીત આવી થોડી હોય? 

તેઓ કશું વધુ વિચારે એ પહેલાં ઈશ્વરે તરત જ કહ્યું, ‘આપ ચોક્કસપણે મારી આ રીત જોઈને ગભરાઈ ગયા હશો, પણ તમારા ત્રણે જમાઈઓ બેસ્ટ છે અને એમાંથી ધી બેસ્ટને શોધવા માટે ઘણી વાર કોઈ નવો રસ્તો પણ અજમાવવો જોઈએ. મારા પર વિશ્વાસ રાખો. આજ સુધી મારા પર વિશ્વાસ મૂકી ચૂકેલા મારા કોઈ પણ ક્લાયન્ટને રડવું નથી પડ્યું.’ 

આ છેલ્લા શબ્દો બોલતી વખતે સંજય સામે ફરીને તેમણે આંખ મારી. 

સાહુભાઈથી તીર છૂટી ચૂક્યું હતું. હવે આ નવા આવેલા અને સંજયના કહેવા પ્રમાણેના માસ્ટરમાઇન્ડ કન્સલ્ટન્ટ પર વિશ્વાસ મૂક્યા વગર છૂટકો નહોતો. 

આ તરફ સંજયને ચિંતા હતી કે ભગવાને આ શું કર્યું? તેને હતું કે ભગવાન કોઈ ધાર્મિક રીતનું સૉલ્યુશન આપશે પણ અહીં તો તેમણે એકદમ પ્રૅક્ટિકલ પણ સાવ વિચિત્ર ઉપાય કહ્યો હતો.  તેની ચિંતા જાણી ગયેલા ઈશ્વરે ચાલુ સ્કૂટરે સહેજ પાછળ તરફ જોઈને કહ્યું કે તેં જ કહ્યું હતું કે મોટી-મોટી ધાર્મિક વાતો કર્યા સિવાય સાવ સાદી રીતે બધું સમજાવવાનું અને હવે તું જ ધાર્મિક રસ્તા શોધે છે. 

સંજયને થયું કે આમની સાથે તો વિચાર કરતાં પણ ૧૦ વાર વિચારવું પડે. 

અને આ મનની વાત પણ સાંભળી ગયેલા ઈશ્વર જોરથી ખડખડાટ હસી પડ્યા. તેમને હસતા જોઈને સંજય પણ હસી પડ્યો. 

આ તરફ સાહુસાહેબના જમાઈઓ આ અજીબની શરત સાંભળી એના સૉલ્યુશન માટેનો વિચાર કરી રહ્યા હતા. 

ત્રણમાંથી બે જમાઈઓ તો આ સાંભળીને ગભરાઈ ગયા હતા. સાહુસાહેબની કૅબિનમાંથી નીકળી કંપનીની હેડ ઑફિસથી લઈને બ્રાન્ચ ઑફિસ સાચવતા મૅનેજરોને મળવા લાગ્યા. ઈશ્વરના કહેવાથી સાહુસાહેબની સૌને પરમિશન હતી કે ત્રણે જમાઈઓને જે પણ ધંધાને લગતી ડીટેલ્સ જોઈતી હોય એ પૂરી પાડવી. 

કંપની શરૂ થઈ એ તારીખ અને સમયથી લઈને કંપનીની મોટામાં મોટી ડીલની તારીખ અને સમય એ સઘળું બન્ને જણ અલગ તારવવા લાગ્યા. ઘરેથી પોતાની પત્નીઓને પણ તેમણે મદદ માટે બોલાવી લીધી હતી.

ત્રીજો જમાઈ આ બધાને મળવા જવાને બદલે પોતાના ઘરે જઈને આરામથી ટીવી જોવા બેઠો. પોતાની બન્ને બહેનો થકી પિતાજીએ કરેલી શરત વિશે તેની પત્નીને પણ જાણ થઈ ગઈ હતી, પણ પોતાના પતિને એ સમયે કશું પૂછવુંતેને યોગ્ય ન લાગ્યું. 

આ તરફ ત્રણ દિવસમાં તો બન્ને જમાઈઓની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. કરોડો રૂપિયાનો બિઝનેસ કોઈ પણ સંજોગોમાં છોડવાનું પોસાય એમ નહોતું. ત્રણ-ત્રણ રાતથી ઉજાગરા અને નજર સામેથી પસાર થતા હજારો નંબર અને માહિતીઓ મોઢે કરી રહેલા બન્ને જણ જીવનની સૌથી મોટી લડાઈ જીતવાની તડામાર તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 17 

આ તરફ ત્રીજો જમાઈ આ ત્રણેય દિવસ દરમ્યાન પોતાનું રૂટીન કામ કરી રહ્યો હતો. મનોમન પોતાના પતિએ હાર સ્વીકારી લીધી છે એમ કદાચતેની પત્નીએ માની લીધું હતું. 

અને આખરે ત્રીજા દિવસે સાંજે ત્રણે જમાઈને કંપનીની એક રૂમમાં મોકલવામાં આવ્યા.

(ક્રમશઃ)

columnists