ઈશ્વરોલૉજી - પ્રકરણ - 17

Published: Aug 04, 2019, 13:15 IST | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યાજ્ઞિક | મુંબઈ

વૈકુંઠમાં ભૂલથી પહોંચેલા સંજય નામના વ્યક્તિની ચૅલેન્જ સ્વીકારી ઈશ્વર તેની સાથે પૃથ્વી પર રહેવા આવે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક...

વૈકુંઠમાં ભૂલથી પહોંચેલા સંજય નામના વ્યક્તિની ચૅલેન્જ સ્વીકારી ઈશ્વર તેની સાથે પૃથ્વી પર રહેવા આવે છે. સંજયને પણ ખ્યાલ આવે છે કે સંપૂર્ણ સમર્પણ વગર ઈશ્વરને ઓળખવા અઘરા છે. ઈશ્વર એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે સંજયને પહેલાં તો કશું જ ન સમજાય, પણ અંતમાં જીવનનો એક નવો પાઠ તે શીખે છે. હમણાં જ ભગવાનના મંદિરમાંથી ચોરાયલાં કડાં અનાયાસ તેના ખિસ્સામાં હોવા છતાં એ સિક્યૉરિટીથી બચીને બહાર નીકળે છે ત્યારે ઈશ્વર તેને સમજાવે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા અને સ્વયંમાં વિશ્વાસ હોય તો ક્યારેય તે વ્યક્તિનું કોઈ કશું બગાડી શકતું નથી... અચાનક તે ભગવાનને પેલાં કડાં પાછાં આપે છે...

હવે આગળ...

અચાનક, ઓચિંતું અને આકસ્મિક આ ત્રણેય શબ્દો માણસના જીવનનાં અભિન્ન અંગ છે. અચાનક ઘટતી ઘટનાઓ અને એનો ઓચિંતો મળતો પ્રત્યુત્તર હોય કે પછી આકસ્મિક રીતે અપાતો પ્રતિભાવ દરેક માટે ખૂબ અગત્યનો બની રહે છે, કારણ કે પરિણામ વિશેની કોઈ જ ધારણા એ વખતે હોતી નથી, આખરમાં હોય છે તો સ્તબ્ધતા.

સંજયની આંખોમાં અને મોઢામાંથી નીકળેલો નાનકડો હાયકારો આ જ સ્તબ્ધતાનું પરિણામ હતું. કારણ કે જેવાં તેણે પેલાં કડાં ભગવાનને આપ્યાં એટલે તેમણે એ કડાંમાંથી એક કડું બાજુમાં વહેતી નહેરમાં નાખ્યું.

સંજય વિસ્મય સાથે બોલ્યો, ‘પ્રભુ આ શું કર્યું? આ કડા માટે તો તમે મને આટલી મુશ્કેલીમાં નાખ્યો અને હવે જ્યારે આ કડાં તમારી પાસે છે ત્યારે તમે એમાંથી એક ફેંકી દીધું? અને એ પણ વહેતી નહેરમાં કે એ પાછું પણ ન મળે. તમે આમ કરી જ કેવી રીતે શકો?’

હતપ્રભ સંજયની આંખોમાં આંખો મેળવીને એ જ સરસમજાની સ્માઇલ સાથે ભગવાને બીજું કડું લઈને વહેતી નહેરમાં એ જ રીતે પાણીમાં ફેંક્યું અને બોલ્યા, આવી રીતે કરી શકું...’

સંજયને થયું કે ભગવાને આ શું માંડ્યું છે? ઈશ્વરે તો પોતે જ કહ્યું હતું કે આ કડાં તેમને ખૂબ ગમી ગયાં હતાં. પોતાને પડેલી આટલી બધી અગવડ પછી બચેલાં આ કડાં તેમને સોંપ્યાં તો તેમણે એ ફેંકી દીધાં. આમ તો કેમ કરીને ચાલે!

અંદર-અંદર સંજયને એટલું દુઃખ થયું જાણે પોતે પોતાની મહેનતથી કમાયેલાં કડાં ઈશ્વરનાં ચરણોમાં ધરાવ્યાં હોય અને ઈશ્વરે એને ફેંકી દેતાં સંજયનું પોતાનું બહુ મોટું નુકસાન થઈ ગયું હોય.

તેની મનની વાત જાણી ઈશ્વર ખડખડાટ હસવા લાગ્યા. તેમણે કહ્યું, ‘તને ખબર છે, માણસ હોવું અને ઈશ્વર હોવા વચ્ચેનો ફરક શું છે?’

સંજયની આંખો ચમકી, આ તો એ ભેદ હતો જે કોઈ આજ સુધી જાણી શક્યું નહોતું.

ઈશ્વરે બોલવાનું શરૂ કર્યું, ‘હજી હમણાં જ એ કડાં માટે તું મુશ્કેલીમાં મુકાયો હતો. એ કડાં મેં જ તારા ખિસ્સામાં સરકાવ્યાં. એ કડાં મારા કહેવાથી જ સિક્યૉરિટી જોડે પકડાયા વગર તું બહાર લાવી શક્યો અને મારાં હોવાને કારણે તેં મને એ પાછાં આપ્યાં, પણ જેવું મેં એને ફેક્યાં તો જીવ તારો બળવા લાગ્યો.’

સંજય ધ્યાન રાખીને સાંભળવા લાગ્યો કે આખરે ઈશ્વર શીખવાડવા શું માગે છે?

‘છોડવું બહુ અઘરું છે. માણસની સૌથી મોટી તકલીફ એ છે કે જે તેણે પકડવું જોઈએ એ પકડતો નથી અને જે તેણે છોડવું જોઈએ એ છોડતો નથી. આ કડાં પર તારો હક ક્યાંય અને ક્યારેય હતો જ નહીં. તું ફક્ત એક માધ્યમ હતો, એ કડાંને મૂર્તિથી લઈને મારા સુધી પહોંચાડવાનો એટલે એ કડાં હું પહેરું કે ફેંકી દઉં એમાં તારો જીવ બળવો જોઈતો નહોતો. માણસના જીવનમાં એવા અનેક પ્રસંગ આવે છે જ્યારે તે સમૃદ્ધિથી લઈને સપનાંઓને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાનું માધ્યમ હોય છે, પણ અનાયાસ તે પોતાને એ જ સમૃદ્ધિથી લઈને સપનાંઓનો માલિક સમજી બેસે છે. સ્વાભાવિક છે કે જે તેનું પોતાનું નથી એ તેને નથી જ મળવાનું, પણ જ્યારે  એ તેને મળતું નથી ત્યારે એ માણસ એનું જ દુઃખ વ્યક્ત કરે છે...’

સંજયને ઈશ્વરની વાત સોંસરવી ઊતરી રહી હતી, પણ સાથે મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવતા. તેણે પૂછ્યું, ‘ચાલો માન્યું કે મારો એમાં કોઈ માલિકી હક નહોતો એટલે મારે જીવ બાળવો જોઈએ નહીં, પણ તમે કોઈ અમૂલ્ય કીમતી વસ્તુ આમ ફેંકી કઈ રીતે શકો?’

ઈશ્વરે ઈશ્વરોલૉજી આગળ ચલાવી, ‘કારણ કે હું આ બધાથી પર છું. હું ઈશ્વર છું. એવી કોઈ ચીજની માગ મારા ભીતરમાં છે જ નહીં જેના વગર હું ન રહી શકું. એવો કોઈ લોભ નથી જે મને આવી શકે. એવી કોઈ ઇચ્છા નથી જે મારે કરવી પડે, કારણ કે મને ખબર છે કે તારાથી લઈને પેલાં વહી ગયેલાં કડાં સુધીનું બધું જ મારામાંથી જ તો ઉત્પન્ન થયું છે. મારું-મારું કહીને સંઘરવા કરતાં ત્યજી દેવાની તાકાત માણસમાં આવી શકે તો એ પણ ઈશ્વર સમો બની શકે છે.’

સંજય હજી કન્ફ્યુઝ હતો એટલે તેણે આગળ ચલાવ્યું, ‘ચલો માન્યું કે સઘળું તમારું જ છે. તમે બધું ત્યાગ કરી શકો છો અને મારું તો કશું હતું જ નહીં એટલે મારે તો જીવ બાળવો જ ન જોઈએ, પણ એમ તો કહો કે જેકોઈ માણસે ખૂબ ભાવથી પેલાં કડાં ધરાવ્યાં, તેનું શું?’

ભગવાન બોલ્યા, ‘ખરેખર તો એ કડાં ત્યાં એટલે કે મારી મૂર્તિને લાયક હતાં જ નહીં. અતુલ સટોડિયો નામનો એક માણસ જુગારમાં ખૂબ કમાયો અને ખોટી રીતે થયેલી અચાનક આવકને લીધે તેણે મારાં આ કડાં બનાવીને નવા બનાવેલા મંદિરમા પધરાવ્યાં હતાં. ખોટી આવક અને કોઈકને નુકસાન પહોંચાડીને કમાવેલા પૈસામાંથી મને સોનાનાં કડાં તો શું, કાંઈ પણ ધરાવે એ મારે માટે તો સદાય અસ્વીકાર્ય હોય. હું એને મારી પાસે રાખું જ નહીં.  

અરે, એ તો છોડ, એક શ્રીફળ અને ૧૧ રૂપિયાની બાધા બદલ કેટલુંય કામ કરાવી લેવાની અરજ કરતા લોકોએ પણ સમજવાની જરૂર છે કે હુ લક્ષ્મીપતિ છું. તમે જે શ્રીફળ અને ૧૧ રૂપિયા મને આપવાની બાધા માનો છો એ પણ મેં જ તમને આપ્યા છે. એના કરતાં માનવી જ હોય તો સારાં કર્મો કરવાની બાધા માનવાથી હું ખુશ થઈશ. સાચા મનથી મને કરેલી પ્રાર્થના હું સાંભળું જ છું અને કર્મોના હિસાબ પ્રમાણે યોગ્ય વ્યક્તિને, યોગ્ય સમયે, યોગ્ય મદદ પહોંચાડું જ છું.’

ઈશ્વરની કહેલી વાતમાં દમ હતો. પોતાના મનના સંશયનો સટીક અને સરળ જવાબ મેળવી સંજય પણ ખુશ હતો. બન્ને જણ ઘરે આવ્યા.

ઘરની બહાર મર્સિડીઝ ગાડી જોઈને તે ચમક્યો. ઈશ્વરે સ્કૂટર ઊભું રાખ્યું એટલે ઊતરતાં જ તે બોલ્યો,

‘સાહુભાઈ આવ્યા લાગે છે. મારા પહેલા પ્રોડ્યુસર. મને ફિલ્મલાઇનમાં લાવનાર એ જ, પણ ઘણાં વર્ષોથી તેમણે ફિલ્મમેકિંગ બંધ કરીને જુદા-જુદા બિઝનેસમાં ઝંપલાવ્યું હતું અને ખૂબ મોટા બિઝનેસમૅન થઈ ગયેલા. આજે અચાનક મારા ઘરે? શું હશે?’

ઈશ્વરે કહ્યું, ‘જા, જો જરા અંદર જઈને.’

અંદર જઈને જોયું તો સંજયની પત્ની સાહુસાહેબની આગતા-સ્વાગતા કરી રહી હતી. સંજયે અંદર જઈને પોતાના પહેલા માલિકને પ્રણામ કર્યા અને ઈશ્વરની ઓળખાણ તેમના કઝિન તરીકે કરાવી.

સાહુસાહેબે સંજય સાથે બેસીને પોતાના દિલની વાત કરી.

‘જો સંજય, તને ખબર છે કે હું તને કેટલો માનું છું. મને તારી સ્પષ્ટ અને જે હોય એ મોઢે કહી દેવાની આદત ખૂબ ગમે છે. ફિલ્મ છોડ્યા પછીના બિઝનેસમાં પણ જો તું મારી સાથે જોડાયો હોત તો આજે પણ તું મારી કંપનીમાં મૅનેજર હોત.’

સંજયે કહ્યું, ‘એ મારો નિર્ણય હતો એટલે એનો મને કોઈ વસવસો નથી. આપ જણાવો કે આપને હું કઈ રીતે મદદરૂપ થઈ શકું?’

સાહુસાહેબે કહ્યું, ‘હવે હું લગભગ રિટાયર થવાની તૈયારી કરું છું. તને તો ખબર છે કે મારે ત્રણ દીકરીઓ છે. એટલે મારી બધી મિલકત એ ત્રણેયને વહેંચવી છે અને એની તૈયારી પણ કરી દીધી છે.’

સંજયે કહ્યું, ‘તો પછી ચિંતા શેની છે?’

સાહેબે કહ્યું, ‘ચિંતા છે લોહીપાણી એક કરીને ઊભા કરેલા બિઝનેસની. આજે ૧૮ દેશોમાં ચાલતો મારો બિઝનેસ કોઈ સક્ષમના હાથમાં સોંપવો છે, પણ મારા ત્રણ જમાઈમાંથી કોણ એ માટે સક્ષમ છે એ નક્કી નથી કરી શકતો, એટલે તારી મદદની જરૂર છે.’

સંજયે ભગવાન સામે જોયું. તેને મનમાં થયું કે આ નવું લફરું તેમણે જ ઊભું કર્યું હશે અને ભગવાને ડોકું હલાવ્યું. જાણે આમાં તેમનો કોઈ જ હાથ ન હોય.

સંજયે કહ્યું, ‘એમાં શું જે ભણતર અને અનુભવમાં આગળ હોય તેને જ અપાય.’

સાહેબ બોલ્યા, ‘એટલું સહેલું હોત તો હું તારી પાસે આવત ખરો? ત્રણેય મૅનેજમેન્ટ ગ્રૅજ્યુએટ છે અને ત્રણેયનો બિઝનેસનો અનુભવ પણ એકસરખો જ છે. મારે મારો બિઝનેસ અયોગ્યને તો નથી જ સોંપવો એટલે તારે મને મદદ કરવી પડશે.’

પાછલા દિવસોના અનુભવને પરિણામે સંજય સમજી ગયો હતો કે આજકાલ તેની સાથે જેકાંઈ થઈ રહ્યું છે એ ઈશ્વર દ્વારા જ સર્જન કરવામાં આવેલું છે. ઈશ્વર સતત કશું ને કશું શીખવાડી પોતાનું પ્રૉમિસ પૂરું કરી રહ્યા છે. બાકી આટલાં વર્ષે, આટલી અગત્યની વાત માટે મને શોધીને આવડો મોટો માણસ મારી સાથે શું કરવા આવે?

એટલે તેણે તરત જ સાહુસાહેબને કહ્યું, ‘કોઈ જ ચિંતા ન કરશો સાહેબ, મજાની વાત તો એ છે કે મારા કઝિન મૅનેજમેન્ટ-એક્સપર્ટ છે. દુનિયાભરના ભલભલા પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરવા તેમને માટે રમતવાત છે. ઍક્ચ્યુચ્યુલી તેમનું તો કામ જ પ્રૉબ્લેમ સૉલ્વિંગ કન્સલ્ટન્સીનું છે એટલે તેઓ તમારો પ્રૉબ્લેમ સૉલ્વ કરશે જ’ અને છેલ્લા શબ્દો કહેતાં તેણે ભગવાન તરફ જોતાં આંખ મારી.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 16

ભગવાન ચમક્યા અને આ તરફ સાહુસાહેબ જે સંજય તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હતા તેઓ ભગવાન તરફ ફરીને બોલ્યા, ‘એમ, ઓહ તમારી ફર્મનું નામ શું?’

ભગવાન કશું બોલે એ પહેલાં પાછળથી મીઠો અવાજ આવ્યો, ‘કર્મ કન્સલ્ટન્સી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK