ઈશ્વરોલૉજી - પ્રકરણ - 16

28 July, 2019 01:03 PM IST  |  મુંબઈ ડેસ્ક | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 16

ઈશ્વરોલૉજી

ગતાંક... 

સંજય અને ભગવાન એક નવા જ બનેલા મંદિરમાં પ્રવેશે છે, જ્યાં ગર્ભગૃહમાં ભગવાનના ચરણસ્પર્શ કરવાની લાઇનમાંથી ભગવાન ગાયબ થઈ જાય છે. સંજય બહાર નીકળીને તેમને શોધવા જાય ત્યાં તો પૂજારીની બૂમ સંભળાય છે કે ભગવાનની મૂર્તિનાં કડાં ગાયબ છે. સિક્યૉરિટી મંદિરમાં રહેલા સૌ લોકોને તપાસે છે. સંજયને અચાનક ખ્યાલ આવે છે કે ચોરાયેલાં કડાં તેની પૅન્ટના ખિસ્સામાં જ છે. સિક્યૉરિટી ગાર્ડ તેને એક રૂમમાં મોકલે છે. તે આંખ મીંચીને ઊભો છે... અને ગાર્ડનો હાથ તેના ખિસ્સા તરફ જાય છે...
હવે આગળ...
સજ્જડ મીંચાયેલી આંખો સાથે સખત ધ્રૂજી રહેલા હાથને કન્ટ્રોલ કરવાના પ્રયત્નો તે કરી રહ્યો હતો. આવેલા સિક્યૉરિટી ગાર્ડે સંજયના પહોળા કરેલા હાથથી લઈને ખભા સુધીના ભાગ પર અને પછી ખભાથી લઈને કેડ સુધી પોતાનો હાથ લગાવીને ચેક કર્યું અને જેવા તેણે બન્ને હાથ તેની પૅન્ટના ખિસ્સા પર મૂક્યા કે કશુંક ખખડ્યું...
સંજયને ફાળ પડી. રહીસહી સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેણે ઈશ્વરને યાદ કર્યા. બીજી જ ક્ષણે તેના કાનમાં શબ્દો પડ્યા, ‘કુછ નહીં... આપકા નામ લિખવાકે જાઈએ...’
સ્તબ્ધ થઈ ગયેલા સંજયે આંખ ખોલ્યા વગર જ પહોળા કરેલા હાથ જોરથી પોતાના ખિસ્સા પર પછાડ્યા અને એને વધારે આશ્ચર્ય થયું કે કડાં ત્યાં ને ત્યાં જ હતાં. તેણે કરાય એટલી આંખ પહોળી કરીને પેલા ગાર્ડ સામે જોયું. ગાર્ડનો ચહેરો જાણીતો હતો, પણ ખ્યાલ નહોતો આવતો..
પેલા ગાર્ડે કહ્યું, ‘બોલાના સાબ, કુછ નહીં હૈ. શાંતિ સે ઘર જાઈએ.. નારાયણ કા નામ લિજિયે.’
અને એ સાથે જ સંજયની આંખો ચમકી. તે ગાર્ડના ચોક્કસ લહેકા સાથે ‘નારાયણ’ બોલવાની રીતથી તેને એ ચહેરો ઓળખાયો. વૈકુંઠમાં જેમની બોલતી બંધ કરી હતી એ જ નારદ મુનિ સિક્યૉરિટીની વર્દી પહેરીને આજે તેની બોલતી બંધ કરી રહ્યા હતા.
બહાર નીકળતાં સંજયની નજર તેના પરથી હટતી નહોતી. જાણે આજે જીવનનો એક જબરદસ્ત સિદ્ધાંત એવું શીખવાડી રહ્યો હતો કે તમે કોઈને જે આપો છો એ એક ને એક દિવસ ફરીને તમારી તરફ જ પાછું આવે છે.
ઈશ્વરોલૉજી એટલે કદાચ ડગલે ને પગલે ઊભી થતી આ જ સ્તબ્ધતા. જ્યાં જઈને આપણા વિચારો પતી જાય, દરેક વિકલ્પો વિચારી લઈએ અને આખરે હથિયાર હેઠાં નાખી દઈએ કે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી ત્યારે એ હતાશામાં જ્યારે શ્રદ્ધા જન્મે અને એમાં સમર્પણનો ભાવ રેડાય ત્યાર પછી જે શરૂ થાય એ ખરા અર્થમાં ઈશ્વરોલૉજી... જોકે મોટા ભાગે ઈશ્વરોલૉજી સમજણથી પર હોય છે... એને માણવાની જેટલી મજા આવે છે એટલી જાણવામાં નથી આવતી.
સંજય ખૂબ બધા પ્રશ્નોને સાથે લઈને ત્યાંથી નીકળ્યો. ફરી પાછી તેની નજર ઈશ્વરભાઈ ગગનવાસીને શોધવા લાગી. આખરે તેમણે તો તેને આ પરિસ્થિતિમાં મૂક્યો હતો.
એ હાંફળોફાંફળો પાર્કિંગમાં મૂકેલા સ્કૂટર પાસે આવ્યો અને જોયું તો ઈશ્વર તો એક ખૂબ ઘરડી ભિખારણનો હાથ પકડીને રસ્તો ક્રૉસ કરાવી રહ્યા હતા.
સંજય બરાબરનો ગુસ્સે ભરાઈને તેમની પાસે પહોંચ્યો અને જઈને બોલવાનું શરૂ કર્યું, ‘ઓ પ્રભુ, આ શેનો બદલો લો છો? તમને ખબર છે હમણાં-હમણાં મને અટૅક આવતાં-આવતાં રહી ગયો. હું મરી ગયો હોત તો?’
ચહેરા પરના સરસમજાના સ્મિત સાથે ઈશ્વર બોલ્યા, ‘તો પણ તું અત્યારે મારી સાથે વાત કરી રહ્યો હોત, આ જ રીતે જેમ અત્યારે કરી રહ્યો છે.’
સંજયને થયું કે આમને શું કહું?
તેણે જોયું તો આ તરફ રસ્તાની એક બાજુએ ગોદડી ગોઠવીને પેલી ભિખારણને તેમણે બેસાડી અને પાછા સ્કૂટર તરફ ફર્યા.
સંજયે પૂછ્યું, ‘આ જ વાતો સમજાતી નથી તમારી. આ મારા જેવા માણસને કોઈ પણ કારણ વગર આવી પરિસ્થિતિમાં મૂકી દો છો, જેમાં ભલભલાની પત્તર ફડાઈ જાય અને બીજી તરફ આમ આ ઘરડી ડોશીને હાથ પકડીને અહીં બેસાડો છો અને બહુ દયા દેખાડો છો તો એના કરતાં તેની તકલીફો દૂર જ કરી દોને.. એકઝાટકે... તમને શું તકલીફ છે? પણ ના, તમને તો અમારા જેવાની મેથી મારવી ગમે છેને...’
ઈશ્વર ખડખડાટ હસી પડ્યા, ‘શું કહ્યું? મેથી મારવી? સરસ શબ્દપ્રયોગ છે. આ ખરેખર કળિયુગના શબ્દો, જો એ વખતે હોત તો મને બહુ કામ લાગત. જરા વિચાર તો કર જ્યારે હું મામા કંસને કહેતો હોત કે મામા તમારી તો મેથી મારી દઈશ.. હા... હા... હા...’
ભગવાનને આમ ખડખડાટ હસતા જોઈ તેને થયું કે આ ઈશ્વરે માંડ્યું છે શું?
હજી તો તે કશું પૂછે એ પહેલાં ભગવાને બોલવાનું શરૂ કર્યું, ‘તને શું લાગે છે હું જેકંઈ પણ પગલાં ભરું છું એ વગર વિચાર્યાં હોય છે? અથવા તો ખાલી મજાક માટે હોય છે?’
સંજયને થયુ કે કશું બોલવું નથી. તેની ઇચ્છા તો હતી કે ભગવાન મોં પર જ હા પાડી દે, પછી થયું કે એમ ન કરાય. તકલીફ આપણને જ થાય.
તેના મનમાં ચાલતા વિચારો જાણીને ભગવાનને વધારે હસવું આવ્યું, પણ હસવાનું રોકી તેમણે બોલવાનું શરૂ કર્યું, ‘તને શું લાગે છે, હું જાણીજોઈને લોકોને તકલીફમાં નાખું છું? મારી મજા માટે?’
સંજયે છણકો કર્યો, ‘એની અમને શું ખબર? આ હમણાંનો જ દાખલો લઈ લોને. આપણે શાંતિથી અંદર ગયા અને પછી આમ મને મુશ્કેલીમાં મૂકીને ગાયબ થઈ જવાનું કારણ શું? તમને ખબર છે કે મારી કેવી હાલત થઈ હતી? અને એમાં આ કડાં મારા ખિસ્સામાં મૂકવાનું કારણ શું?’
ભગવાને કહ્યું, ‘એમાં ચોરી કયાં થઈ? એ મને અર્પણ થયેલાં હતાં એટલે એનો માલિક તો હું થયોને? અને મને ધરાવેલી વસ્તુ મેં લીધી પછી હું કોઈને પણ આપું, એમાં શું?’
સંજય હવે દલીલ પર ઊતર્યો, ‘ઓ બૉસ, મને ખબર છે કે તમે ભગવાન છો. તમને પોતાને ખબર છે કે તમે ભગવાન છો, પણ અહીં બાકીના લોકો માટે તો તમે એક માણસ, નામે ઈશ્વરભાઈ ગગનવાસી છો... અને તમને આ કડાં ગમી ગયાં તો તમારે તમારા ખિસ્સામાં રાખીને ગાયબ થવું હતુંને! મારા ખિસ્સામાં મૂકવાની શી જરૂર હતી?’
ભગવાને કહ્યું, ‘લે હમણાં તો તેં કહ્યું કે અર્જુનની જેમ સમર્પિત થઈને હું સંપૂર્ણપણે શીખવા તૈયાર છું અને હવે શીખવાડવાની શરૂઆત કરી તો એમાં આટલી ફરિયાદ?’
 સંજયને કશી ખબર ન પડી એટલે તે એકીટશે ભગવાનને જોઈ રહ્યો તેના ચહેરા પર ગુસ્સા અને ઈશ્વર પ્રત્યેના સન્માનના ભાવો એકબીજા પર ચડાઈ કરી રહ્યા હતા.
ભગવાને સમજાવાનું શરૂ કર્યું, ‘જે ક્ષણે તને ખબર પડી કે તારા ખિસ્સામાં પેલાં કડાં છે ત્યારે તારું પહેલું રીઍક્શન શું હતું?’
‘શું હોય? હે ભગવાન...!’
‘ઓકે, અને બીજું?’
‘બીજું એ જ કે મને આમ ભરાવીને તમે ક્યાં ગયા હતા? ચારે તરફ તમને જ શોધતો હતો.’
ઈશ્વરે એ શબ્દોને પકડ્યા, ‘અચ્છા તો મને યાદ આવે છે કે એ વખતે તેં મને સંબોધીને કોઈ પ્રાર્થના પણ કરી હતી?’
સંજયે વિચાર્યું તો તેણે મંદિરની અંદર કરેલી પ્રાર્થના શબ્દ સહ યાદ આવી કે ‘ભગવાન તમારી આગતાસ્વાગતામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અરે, મારાથી તમને કંઈ આડુંઅવળું બોલાઈ ગયું હોય તોય માફ કરજો, પણ આમાંથી બહાર કાઢો. તમને ખબર છે કે મારા તો મનમાં પણ ચોરીનો વિચાર નથી અને આ કડાં જો મારા ખિસ્સામાંથી નીકળ્યાં તો! મારું તો આવી જ બનશે. પ્રભુ સહેજ વિચારો તો ખરા...’
તેણે ગળું ખખેર્યું અને કહ્યું, ‘તો આમ જ કહીએને, કોઈ કારણ વગરના આમ ફસાઈ જાય તો આમ જ પ્રાર્થના કરીએને.’
ઈશ્વરે કહ્યું, ‘હું ક્યાં ના પાડું છું. હવે મને થોડું-થોડું યાદ છે કે તેં બીજી કોઈ પ્રાર્થના પણ કરી હતી.’
સંપૂર્ણ સમર્પણ સાથે હમણાં જ કરેલી પ્રાર્થના સંજયના કાનમાં ગુંજી, ‘હવે તારા પર છે તેં જ મુશ્કેલીમાં નાખ્યો છે અને તું જ એમાંથી કાઢજે.’
સંજય સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે ભગવાન આખરે કહેવા શું માગે છે?
ઈશ્વરે સ્કૂટર ચાલુ કર્યું અને તેને પાછળ બેસવાનો ઇશારો કર્યો.
જેવો તે પાછળ બેઠો એટલે સ્કૂટર આગળ ધપાવતાં ઈશ્વરે આગળ વાત ચલાવી, ‘કોઈ પણ પરિસ્થિતિમાં મારા પર મૂકેલો વિશ્વાસ કદી અફળ જતો નથી, પણ એ વિશ્વાસમાં સંપૂર્ણ સમર્પણનો ભાવ ભળેને તો પછી એ વિશ્વાસને ટકાવી રાખવો એ મારી જવાબદારી થઈ પડે છે.  તું જો કે તારા માટે એક એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવેલું જયાં સઘળું તારી વિરુદ્ધમાં જ હતું. ખાલી અને ખાલી તને ખબર હતી કે તું દોષી નથી જ અને મને ખબર હતી કે તું દોષી નથી. એક વાત યાદ રાખજે કે સ્વયંમાં વિશ્વાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ, પછી ગમે તેવી અવળી પરિસ્થિતિમાં હોઈએ, ડગવું નહી. હું કોઈ પણ રીતે આખરમાં તો તે વ્યક્તિમાં રહેલી શ્રદ્ધાને બચાવું જ છું. આખરે તો તમારા જીવનમાં ઘટતી ઘટનાઓ મારી જ ગોઠવણનો એક ભાગ હોય છે.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

આ આખી ઘટના અચળ શ્રદ્ધા અને અનુપમ વિશ્વાસ કેળવવાની હતી એટલું સંજયને સમજાયું. છતાં તેના મનમાં ઘણા પ્રશ્નો હતા. જગતનિયંતાની સિસ્ટમ સમજવામાં વાર લાગે એ સ્વાભાવિક છે. એટલે ઈશ્વરે આગળ કશું કહેવાનું માંડી વાળ્યું. બન્ને જણ ઘર તરફ જઈ રહ્યા હતા અને અચાનક સંજયને કશુંક યાદ આવ્યું. તેણે ભગવાનને સ્કૂટર ઊભું રાખવા જણાવ્યું. જેવું સ્કૂટર ઊભું રહ્યું કે તરત જ તે કૂદીને આગળ આવ્યો અને ખિસ્સામાં રહેલાં કડાં કાઢીને તેમની સામે ધર્યાં, ‘આ તમારી અમાનત તમે લઈ લો. પેલા સિક્યૉરિટીવાળા પાસેથી તો હું નીકળી શક્યો, પણ મારા ઘરે જે સિક્યૉરિટી છે તે જો મારી પાસે આ જોઈ જશે તો મને કોઈ નહીં બચાવી શકે.’
અને આ સાંભળતાં જ ભગવાને જે કર્યું એ જોતાં તેનો જીવ અધ્ધર થઈ ગયો...
(વધુ આવતા અંકે....)

columnists weekend guide