દારૂબંધીનો ચુસ્ત અમલ કાયદાથી કરી શકાય એ વાતમાં માલ નથી

13 October, 2019 04:55 PM IST  |  મુંબઈ | મનમર્ઝી - મયૂર જાની

દારૂબંધીનો ચુસ્ત અમલ કાયદાથી કરી શકાય એ વાતમાં માલ નથી

દારૂબંધી

થોડા દિવસ પહેલાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે નિવેદન આપ્યું કે ગુજરાતમાં ઘેર-ઘેર લોકો દારૂ પીએ છે અને એની હોમ ડિલિવરી કરવામાં આવે છે. એને લઈને ગુજરાત સરકાર અને એના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ડિફેન્સિવ મોડમાં આવી ગયા હતા. ગેહલોટ પર પ્રત્યારોપ લગાવતાં કહ્યું કે ગુજરાતની જનતાને બદનામ કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત સરકારના એક પણ પ્રધાન કે અધિકારી એ સ્વીકારવાની હિંમત ધરાવતા નથી કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને જેને પીવો છે તેને સહેલાઈથી ઉપલબ્ધ થઈ રહ્યો છે. ગેહલોટની વાતમાં અતિશયોક્તિ ચોક્કસ છે, પરંતુ તેમની વાત ખોટી તો નથી જ. આ વાત હું મારા પોતાના અનુભવના આધારે કહી શકું એમ છું. હકીકત તો એ છે કે દારૂબંધીનો ચુસ્ત અમલ ક્યારે પણ કાયદાથી કરી શકાય એ વાતમાં માલ નથી. આ મુદ્દે ગુજરાત સરકાર તમાચો મારીને પણ પોતાનો ગાલ લાલ રાખી શકે એવી સ્થિતિમાં નથી.

આ કૉલમની શરૂઆત કરતી વેળાએ મેં આપ સૌ વાચકમિત્રોને નમ્રતાપૂર્વક કહ્યું હતું કે અહીં ફક્ત મારા ઓપિનનિયન થોપવાનું કામ નહીં થાય, જે વાત રજૂ કરીશ એના સમર્થનમાં શક્ય બનશે ત્યાં સુધી તથ્યો પણ રજૂ કરવાનું કામ કરીશ. એ મુજબ ગુજરાત રાજ્યમાં લાગુ દારૂબંધી કેટલી ખોખલી છે એ હવે હું તમને કેટલાંક તથ્યો સાથે જણાવવા માગું છું. અહીં જે આંકડા જણાવી રહ્યો છું એ ગયા વિધાનસભાના સત્રમાં ૨૦૧૯ની ૧૧ જુલાઈએ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કરેલા છે અને એથી અે પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે. આ આંકડા મુજબ છેલ્લાં બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં ૧૫ લાખ ૪૦ હજાર ૪૫૪ લીટર દેશી દારૂ પકડાયો હતો. ૧ કરોડ ૨૯ લાખ ૫૦ હજાર ૪૬૩ જેટલી વિદેશી દારૂની બૉટલ પકડાઈ હતી તેમ જ ૧૭ લાખ ૩૪ હજાર ૭૯૨ જેટલી બિયરની બૉટલ પકડાઈ હતી. આ પકડાયેલા જથ્થાની કિંમત ૨૫૪ કરોડ ૮૦ લાખ રૂપિયા થાય છે.

હવે જેની પાસે પણ કૉમનસેન્સ છે તેને એટલી સમજ પડે જ કે જે રાજ્યમાં ૨૫૪ કરોડ રૂપિયાના દારૂનો જથ્થો ફક્ત બે વર્ષમાં પોલીસ-ચોપડે પકડાયેલો દર્શાવાતો હોય ત્યારે ન પકડાયેલો અને પીનારાઓના હાથમાં પહોંચી ગયેલો દારૂનો જથ્થો કેટલો હશે? એક અંદાજ એવો લગાવાઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધીને કારણે સરકારને દર વર્ષે ૧૦ હજાર કરોડ રૂપિયાની આવકનો ફટકો પડે છે. એને કારણે ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે ગયા જૂન મહિનામાં કેન્દ્રનાં નાણાપ્રધાન સમક્ષ રજૂઆત કરીને દારૂબંધીને કારણે રાજ્યની આવકમાં થતા નુકસાનને ભરપાઈ કરી આપવાની માગણી કરી હતી.

નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેમાં

૨૦૦૫-’૦૬ જે તારણ આવ્યું હતું એ પણ ચોંકાવનારું હતું. આ સર્વે મુજબ તત્કાલીન સમયમાં જ્યારે બિહારમાં દારૂબંધી નહોતી ત્યારે ત્યાંના ૫૧ ટકા પુરુષો પોતાની પત્ની પર હાથ ઉપાડવો એ પોતાનો અધિકાર સમજતા હતા, જ્યારે દારૂબંધી ધરાવતા ગૂજરાતમાં તત્કાલ‌િન સમયે થયેલા સર્વે મુજબ ૭૪ ટકા પુરુષો પત્ની પર હાથ ઉપાડવો એ પોતાનો અધિકાર સમજતા હતા. ત્યારે સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે જો દારૂના સેવનથી જ કુટુંબક્લેશ થતો હોય, પુરુષની મતિ ભ્રષ્ટ થઈ જતી હોય તો એવા પુરુષોની સંખ્યા અને ટકાવારી ગુજરાતને બદલે બિહારમાં વધારે હોવી જોઈએ.

મૂળ વાત એટલી જ કે દારૂ પીવો, વેશ્યાવૃત્તિ અને વૈશ્યાગમન અને જુગાર એ સદીઓથી સામાજિક દૂષણ તરીકે વ્યાખ્યાયિત કરાયાં છે એથી જ ત્યાં નૈતિક મૂલ્યોનાં બંધનો જ અસરકારક સાબિત થઈ શકે. ઇતિહાસ ગવાહ છે કે આ સૃષ્ટિ પર આજ સુધીમાં જેટલી પણ મહાન શાસન અને સમાજવ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવીને ભૂંસાઈ પણ ગઈ છે એ તમામ વ્યવસ્થાઓમાં પણ કાયદા દ્વારા દારૂબંધીની વાત કરાઈ નહોતી, પરંતુ હા, દારૂનું સેવન કરનાર વ્યક્તિને અને એમાં પણ ખાસ કરીને પીને છકી જનાર વ્યક્તિનો સામાજિક મોભો અને સ્થાન ઊતરતી કક્ષાના માનવામાં આવતાં હતાં અને એવા લોકોને જોવાના સામૂહિક દૃષ્ટિકોણ પણ જે-તે વ્યક્તિને હીણપતનો અનુભવ કરાવતો હતો. આ જ બાબત વેશ્યાગમન અને જુગાર રમતા લોકો માટે લાગુ કરાતી હતી, કારણ કે તત્કાલીન મહાન શાસન અને સમાજવ્યવસ્થાઓના નિર્ધારકોને એ વાતનો ખ્યાલ હતો કે ગમે તેટલો કડક કાયદો અને દંડની વ્યવસ્થા પણ લોકોને આ બદીથી દૂર રાખી શકે એમ નથી. ફક્ત સમાજે સ્થાપેલાં નૈતિક ધોરણો અને મૂલ્યો દ્વારા જ આ બદીને કાબૂમાં રાખી શકાય. યાદ રહે કે અહીં વાત કાબૂમાં રાખવાની છે, કારણકે આ બદી નાબૂદ થઈ શકે એમ ત્યારે પણ કોઈ માનતું નહોતું. ગુજરાત સરકાર કયા આધારે આ વાત માને છે એ સમજવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : આજની ફિલ્મો અને ફિલ્મોની આજઃ યે ક્યા હો રહા હૈ

ઑન અ લાઇટર નોટ

ગુજરાતના દારૂના શોખીનો માટે બૂટલેગર એ સાકી સમાન છે અને એટલે જ જ્યારે પોલીસ બૂટલેગરને અરેસ્ટ કરે ત્યારે કદાચ દારૂના શોખીનો ગુલામ અલીએ ગાયેલી ગઝલનો આ શેર મનમાં ગણગણતા હશે...

સાકી પે ઇલ્ઝામ ન આએ

 ચાહે મુઝ તક જામ ન આએ,

તેરે સીવા જો કી હો મોહબ્બત

મેરી જવાની કામ ન આએ

gujarat columnists weekend guide