શ્રેષ્ઠ, પવિત્ર, અદ્ભુત, અલૌકિક અને ત્રિકાલ મહિમાવંત નવકાર મહામંત્ર

06 October, 2019 01:57 PM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

શ્રેષ્ઠ, પવિત્ર, અદ્ભુત, અલૌકિક અને ત્રિકાલ મહિમાવંત નવકાર મહામંત્ર

જૈન દર્શન

નવકાર મંત્ર લોકોત્તર મંત્ર છે. નવકાર મંત્રની વાત કરતાં પહેલાં મંત્ર સાધનાના લૌકિક અને લોકોત્તર બે પ્રકાર વિશે સમજી લઈએ. જે મંત્રનો ઉપયોગ સામાન્ય રીતે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણા, સ્તંભન, મારણ, રોગનિવારણ, ધનપ્રાપ્તિ જેવાં લૌકિક કાર્યો માટે થાય તેને લૌકિક મંત્ર કહે છે. જેનો ઉપયોગ આત્મશુદ્ધિ, મોક્ષપ્રાપ્તિ જેવાં લોકોત્તર કાર્યો માટે થાય તે લોકોત્તર મંત્ર છે. અહીં પ્રશ્ન એ થાય છે કે નવકાર મંત્રનો ઉપયોગ પણ આકર્ષણાદિ કાર્યો માટે થાય છે, તો તેને લૌકિક મંત્ર કેમ ન કહેવાય? આપણા શાસ્ત્રકારો તેનો ઉત્તર આપતા કહે છે કે નવકારમંત્રનું મુખ્ય પ્રયોજન આત્મશુદ્ધિ કે મોક્ષપ્રાપ્તિનું જ છે, તેથી તેને લોકોત્તર મંત્ર ગણી શકાય. આકર્ષણાદિ કાર્યો તેના વડે સિદ્ધ થાય છે ખરાં, પણ તે એનું મુખ્ય  પ્રયોજન નથી. નવકાર મંત્રને લોકોત્તર મંત્ર કહેવાનું કારણ એ પણ છે કે તે અરિહંત પરમાત્મા જેવા લોકોત્તર મહાપુરુષ વડે કહેવાયેલો અને ગણધર ભગવંત જેવા લોકોત્તર મહાપુરુષ વડે શબ્દ સંકઠના પામેલો છે. મંત્રશક્તિમાં યોજકોનો અંશ ઊતરે છે એ વાત લક્ષ્યમાં લેતા નવકાર મંત્રની લોકોત્તરતા વિશે હવે કોઈને શંકા કે સંદેહ રહેવો જોઇએ નહીં.

જૈન ધર્મમાં જેમ સામાયિક કરવાનો, પ્રતિક્રમણ કરવાનો, ચૈત્યવંદન કરવાનો વિધિ છે તેમ જાપ-સાધના કરવાનો વિધિ પણ છે. એ જાપવિધિ સાધકે બરાબર જાણી લઈ તેને આત્મસાત કરવી આવશ્યક છે. જો આ વિધિનું યથાર્થ રીતે પાલન ન થાય તો સિદ્ધિ સાધકથી દૂર જ રહેવાની છે. આપ સૌએ માતા-પિતા, વડીલો કે ગુરુજનો પાસે નવકાર મંત્ર સાંભળ્યો અને કંઠસ્થ કરી લીધો તે સારી વાત છે, પરંતુ એક મંત્ર તરીકે તેની સિદ્ધિ મેળવવી હોય તો નવકાર મંત્ર સદ્ગુરુ પાસે વિધિવત ગ્રહણ કરી લેવો જોઈએ. ગુરુ પાસે ગ્રહણ કરેલો આ મહામંત્ર તમને અવશ્ય સિદ્ધિ સમીપે લઈ જઈ શકે.

આપણા ધર્મગ્રંથોમાં નવકાર જાપના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે છે :  (૧) ભાષ્ય જાપ (૨) ઉપાંશુ જાપ અને (૩) માનસ જાપ. જાપના આ ત્રણે પ્રકારો ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એટલે કે ભાષ્ય જાપ કરતાં ઉપાંશુ જાપ અને ઉપાંશુ જાપ કરતાં માનસ જાપનું ફળ ઘણું વધારે છે. આમ છતાં જાપનો પ્રારંભ તો ભાષ્ય જાપથી જ કરવો ઉત્તમ છે. જેઓ ભાષ્ય જાપનો અભ્યાસ કર્યા વિના ઉપાંશુ જાપનો અને ઉપાંશુ જાપનો અભ્યાસ કર્યા વિના માનસ જાપનો સહારો લે છે તેને ક્યારેય જાપની સિદ્ધિ મળી શકતી નથી. ભાષ્ય જાપ અને ઉપાંશુ જાપનો અભ્યાસ થઈ ગયા પછી જ માનસ જાપ કરવો હિતાવહ છે.

ભાષ્ય જાપ એટલે જેને બીજા સાંભળી શકે એટલે કે હોઠ હલાવીને સ્પષ્ટ ઉચ્ચાર સાથે વૈખરી વાણી વડે જે જાપ કરાય છે તે ભાષ્ય જાપ છે. ભાષ્ય જાપથી ચિત્ત શાંત અને પ્રસન્ન બને છે. આ જાપ વચનપ્રધાન જાપ છે. તેથી તેને વાચિક જાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાષ્ય જાપ સારી રીતે સિદ્ધ કર્યા પછી મધ્યમા વાણીથી જે જાપ કરાય છે તેનું નામ છે ઉપાશું જાપ. બીજા સાંભ‍ળી ન શકે અને અંદરથી રટણ રૂપે હોય તે ઉપાંશુ જાપ છે. ઉપાંશુ જાપમાં ઓષ્ટ, જીભ વગેરેનો વ્યાપાર ચાલુ જ હોય છે, પરંતુ તેનો પ્રગટ અવાજ હોતો નથી. આ જાપમાં વચનનિવૃત્તિ થાય છે અને કાયાની પ્રવૃત્તિ તેમાં પ્રધાનરૂપ હોય છે. જે જાપ માત્ર મનની વૃત્તિ વડે જ થાય તેને માનસ જાપ કહેવામાં આવે છે. સાધક પોતે જ તેનો અનુભવ કરી શકે છે. આ જાપમાં ઓષ્ટ આદિ અવયવોનું હલનચલન અને ઉચ્ચાર અટકી જાય છે. આ જાપ કરતાં દૃષ્ટિને જિનપ્રતિમા અને નવકારના અક્ષરો ઉપર રાખવી જરૂરી છે. તેમ જો ન બની શકે તો આંખો બંધ રાખીને ધારણાથી અક્ષરોને લક્ષ્યમાં રાખી આ જાપ કરવો જોઈએ. આ જાપનો જેમ જેમ અભ્યાસ થતો જાય તેમ તેમ ચિંતન વિના પણ પરાવાણીમાં નિરંતર આ મહામંત્રનું રટણ થતું રહે છે. જ્યારે ઉપયોગ ન હોય ત્યારે પણ શ્વાસોશ્વાસની જેમ આ જાપ ચાલુ જ હોય છે. આ જાપ દીર્ઘ અભ્યાસથી અને દૃઢ સંકલ્પબળથી સિદ્ધ થઈ શકે છે. જાપની આવી સિદ્ધિ મળી જતા સાધક અનિર્વચનીય સુખનો અનુભવ કરવા ભાગ્યશાળી બને છે.

નવકાર જાપની સફળતા માટે નીચેની બાબતો સાધકે લક્ષ્યમાં લેવી જરૂરી છે. આ જાપ સવિશુદ્ધ થાય તે માટે નીચેના નિયમો સાધકે અવશ્ય સ્વીકારવા જોઈએ. (૧) નિશ્ચિત સમય (૨) નિશ્ચિત આસન (૩) નિશ્ચિત દિશા (૪) નિશ્ચિત માળા અને (૫) નિશ્ચિત સંખ્યા. સાધકે નવકારમંત્ર ક્યારે ગણવો તેનો નિશ્ચિત સમય નક્કી કરવો જોઈએ. સાધક માટે આ જાપ સવાર, બપોર અને સંધ્યાકાળે કરવો શ્રેષ્ઠ છે. નવકાર જાપ માટે નિશ્ચિત આસન આવશ્યક છે. તે માટે શ્વેત, સફેદ ઉનનું શુદ્ધ આસન રાખવું જોઈએ, અને જાપ માટે નિશ્ચિત જગ્યા પણ નક્કી કરી રાખવી જોઈએ. એક જ આસન પર અને એક જ જગ્યા પર કરાતો જાપ વિશિષ્ટ કોટિનું વાતાવરણ સર્જી શકે છે. નવકાર જાપ માટે નિશ્ચિત દિશા પણ સાધક માટે મહત્ત્વનું અંગ છે. નવકાર જાપ માટે આપણા શાસ્ત્રકારોએ પૂર્વ અને ઉત્તર દિશા નક્કી કરી છે. તેમાં સવારના દસ વાગ્યા સુધી પૂર્વ દિશા અને સૂર્યાસ્તથી અઢી ઘડી (એક કલાક) પછીના જાપ માટે ઉત્તર દિશાનું વિધાન છે.

નવકાર જાપમાં નિશ્ચિત માળાનું પણ ભારે મહત્ત્વ છે. આ માળા જેને આપણે નવકારવાળી કહીએ છીએ તે શુદ્ધ સૂતરની જ લેવાનું વિધાન છે. બજારમાં સસ્તા ભાવે વેચાતી સૂતરની માળા લગભગ અશુદ્ધ હોય છે, પણ જે માળાના મણકા અંદરથી ઉપર સુધી અખંડ સૂતરથી ગૂંથાયેલા હોય તે માળા જ જાપ માટે વિહિત ગણવી જોઈએ. જાપ કરનાર સાધકે જાપ માટે નક્કી કરેલ સંખ્યાને વળગી રહેવું જોઈએ. જેટલી સંખ્યામાં જાપ સાધકે શરૂ કર્યો હોય તે ધોરણને નિત્ય ટકાવી રાખવું આવશ્યક છે. આ રીતે જાપની સંખ્યા નિશ્ચિત કરાતા સાધકને નિશ્ચિતપણે તેનું ફળ મળશે જ અને સાથોસાથ તેની આંતરિક શક્તિનો પણ એવો વિકાસ થશે કે તે વધુને વધુ નવકારમય બનીને પોતાનું શ્રેય સાધી શકશે.

આ પણ વાંચો : છેલ્લો કટોરો ઝેરનો પીવા માટે 1931માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!

નવકાર મંત્ર શ્રેષ્ઠ, પવિત્ર, અદ્ભુત, અલૌકિક અને ત્રિકાલ મહિમાવંત મંત્ર છે. સાથે અત્યંત પ્રભાવશાળી અને જિનશાસનનો સાર પણ છે. આવો એક શ્રેષ્ઠ, ઉત્તમ મંત્ર આપણને અનાયાસે પ્રાપ્ત થયો હોય પછી તેની સાધના-ઉપાસનામાં આપણે કેમ પાછા પડી શકીએ? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નવકાર મંત્રની આરાધનાથી આપણે આપણું આત્મકલ્યાણ સાધવું જોઈએ.

columnists