હમ છોડ ચલે હૈં મહેફિલ કો, યાદ આયે કભી તો મત રોના...

11 August, 2019 03:40 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

હમ છોડ ચલે હૈં મહેફિલ કો, યાદ આયે કભી તો મત રોના...

કલ્યાણજી આણંદજી સ્પેશ્યલ

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી

એક પછી એક ઇન્દ્રિય કહે, હમણાં હું તો ચાલી

નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય

સ્મરણમાં તો કંઈ કશું નહીં, વીતી ગયેલી વય

પંખી ઊડ્યું જાય ને પછી, કંપે જરી ડાળી

એક પછી એક ઇન્દ્રિય કહે, હમણાં હું તો ચાલી

- સુરેશ દલાલ

જન્મ, આ શબ્દ પછી અલ્પવિરામ આવે છે. એ અલ્પવિરામ હકીકતમાં  આપણા જીવનની અવધિ છે અને મરણ, એ શબ્દ પછી આવે છે પૂર્ણવિરામ. માનો કે એક અધૂરી રહેલી પ્રક્રિયા પૂરી થઈ.  જેમ જન્મની તૈયારી કરીએ છીએ એમ મરણની તૈયારી પણ હોવી જોઈએ. આ વાત સાચી હોવા છતાં સ્વજનની વિદાય હંમેશાં આકરી હોય છે. જીવનભર જેની સાથે લોહીથી વધુ લયનો નાતો  રહ્યો હોય તે  વ્યક્તિની ગેરહાજરી જીરવવી મુશ્કેલ હોય છે. સ્વજનના મૃતદેહ પર ફૂલોની માળા પહેરાવતા સમયે હૃદય પર પડેલા પથ્થરોનો બોજ જીરવવો પડતો હોય છે.

કલ્યાણજીભાઈની તબિયત ૯૦ના દાયકામાં બહુ સારી રહેતી નહોતી. તેમની પેટની તકલીફને  કારણે તેમનું શરીર નબળું પડી ગયું હતું. વજનમાં પણ ઘટાડો થયો હતો. અનિવાર્ય સંજોગો સિવાય બહારગામની મુસાફરી કરવાનું તેમણે બંધ કર્યું હતું. મોટા ભાગે ઘેર રહીને તેઓ સંગીતની તાલીમ આપતા. તેમના અંતિમ દિવસોને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે...

‘કલ્યાણજીભાઈનું શરીર ખૂબ ગળી ગયું હતું. ખોરાક પૂરતો લેવાતો નહોતો. દવા ખાવામાં તેઓ નિયમિત નહોતા. ગમે એ કારણસર દવા લેવાનું ટાળે. તેમની ચિંતા થતી. સહનશીલ એટલા હતા કે પોતાનું દર્દ જલદી કોઈને કહે નહીં. જે દિવસે હૉસ્પિટલ લઈ ગયા એની આગલી રાતે હું તેમને  મળ્યો. તેમના પગ દાબ્યા. તેમના ચહેરા પર પીડા હતી. મેં કહ્યું, થોડો ગોળ ખાઈ લો, સારું લાગશે પણ તેઓ માનતા નહોતા. મેં પરાણે થોડો ગોળ ખવડાવ્યો. મોઢામાંથી થોડી લાળ ટપકી. થોડી વાર તેમને સારું લાગ્યું. થોડી ઊંઘ પણ આવી ગઈ. જાગીને મને કહે, હજી થોડો ગોળ આપ. આમ કરતાં સવારે પાંચ વાગી ગયા. ત્યાર બાદ હું નીચે સૂવા ગયો. બીજી દિવસે બપોરે તેમની તબિયત બગડી. એ સમયે પણ તેઓ હૉસ્પિટલમાં જવા માટે આનાકાની કરતા હતા, પરંતુ તેમની હાલત જ એવી હતી કે હૉસ્પિટલમાં દાખલ કર્યા વિના ચાલે એમ નહોતું.’

‘બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં લગભગ ૧૦ દિવસ સુધી તેમણે દર્દ સામે ટક્કર લીધી. જોકે દીવો બુઝાય એ પહેલાંનો ઝબકારો થાય એમ તેમની તબિયત એક દિવસ સુધારા પર આવી, પરંતુ ૨૦૦૦ની ૨૪ ઑગસ્ટની સાંજે તેમનો સ્વર્ગવાસ થયો. આગલા દિવસે તેમને મળ્યા ત્યારે થોડી આશા જાગી હતી કે થોડા દિવસમાં ઘેર પાછા આવશે, પણ અચાનક આ દુખદ ઘટના બની અને મન ખિન્ન થઈ ગયું. એ જ સાંજે તેમને ઘેર લઈ આવ્યા અને રાતે ચંદનવાડીમાં તેમના અગ્નિસંસ્કાર થયા. આ બધું એટલી ઝડપથી થઈ ગયું કે તેમને મન ભરીને જોઈ પણ ન શક્યો. આજે આ વાત કરું છું ત્યારે એમ જ થાય કે સાચે જ તેઓ હયાત નથી? હજી ગઈ કાલની જ આ ઘટના હોય એવું લાગે છે. સતત તેમની હાજરીનો અહેસાસ થાય છે. કોઈ ફંક્શનમાં જાઉં છું ત્યારે અમારું નામ બોલાય અને મારું અભિવાદન થાય ત્યારે આંખ ભીની થઈ જાય છે. આઇઆઇએફએનો લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ અમને મળ્યો ત્યારે હું આભાર વ્યક્ત કરવા બોલવા ગયો, પણ ગળામાં ડૂમો ભરાઈ આવ્યો ત્યારે અમિતાભ બચ્ચન મારા વતી બોલ્યા હતા.’ 

આણંદજીભાઈ એ દિવસની પીડા આજે પણ અનુભવતા હોય એમ ઉદાસ થઈને ચૂપ બેઠા હતા. મને આ સમયે કલ્યાણજી–આણંદજીનું ગીત યાદ આવી ગયું...

હંસલા હાલોને હવે, મોતીડાં નહીં રે મળે

આ તો ઝાંઝવાનાં પાણી, આશા જૂઠી રે બંધાણી

મોતીડાં નહીં રે મળે...

બ્રિટિશ કવયિત્રી એન્જી ડિક્સનની કબર પર લખ્યું હતું, ‘જન્મતારીખ... અને પછી લખ્યું હતું કોલ્ડ બૅક’ – અમુક વિભૂતિઓને માટે મૃતક શબ્દ લખવો યોગ્ય નથી હોતો. ઈશ્વર તેમને આ પૃથ્વી પર અમુક નિશ્ચિત કામ માટે મોકલતા હોય છે. સફળતાપૂર્વક એ કામ થયા બાદ એવા જ કોઈક બીજા કામ માટે ‘ધે આર કોલ્ડ બૅક.’ કલ્યાણજીભાઈ પણ પોતાનું કર્તવ્ય પૂરું કરીને ઈશ્વરના ફરમાન મુજબ વૈકુંઠમાં પાછા ફર્યા હશે.

એક જીવતીજાગતી વ્યક્તિ ફોટોફ્રેમ બનીને દીવાલ પર લટકી જાય એ ઘટનાનો સ્વીકાર જલદી થતો નથી. મરણનું સ્મરણમાં રૂપાંતર કરીને એની ભીની સ્મૃતિઓને જતનથી જીવાડવી એ જ તેને સાચી શ્રદ્ધાંજલિ છે. કલ્યાણજીભાઈ સાથેની એક નાજુક વાત શૅર કરતાં આણંદજીભાઈ કહે છે...

‘હું રોજ હૉસ્પિટલ જતો. ચાર-પાંચ દિવસ પછી અમે બન્ને રૂમમાં એકલા બેઠા હતા. અચાનક મારો હાથ પકડીને મને કહે, ‘મારે તને કંઈક કહેવું છે’ અને એકાદ–બે ક્ષણ ચૂપ થઈ ગયા. તેમના ચહેરા પરનો વિષાદ અને આંખમાં આંસુની ભાષા સમજવાનો હું પ્રયત્ન કરતો હતો ત્યાં જ બન્યું એવું કે તેઓ કંઈ બોલે એ પહેલાં મુલાકાતીઓ આવી ગયા. ત્યાર બાદ મને તેમની સાથે એકાંતમાં વાત કરવાનો મોકો જ ન મળ્યો. આજ સુધી હું તેમની એ ન બોલાયેલી વાત શોધવાનો પ્રયત્ન કરું છું કે તેઓ શું કહેવા માગતા હતા. તેમની ખોટ આજે પણ મને એટલી જ સાલે છે. સાથે રહીને, સંગીત સાગરમાં જે ક્ષણોને યાદગાર રીતે ઊજવી એ મારી બાકીની જિંદગીનું ભાથું છે.’

કલ્યાણજીભાઈને યાદ કરતાં શાંતાબહેન કહે છે, ‘તેમને બહુ જ મિસ કરીએ છીએ. ખાસ કરીને કાર્યક્રમમાં જઈએ અને લોકો ગીતો સાથે જે આનંદ લેતા હોય એ તાળીઓની સાથે, અમને તો તેમના ચહેરાની તલાશ હોય કે હમણાં તેઓ સ્ટેજ પર આવીને તેમની વાતો દ્વારા લોકોને હસાવશે. શરૂઆતમાં એક-બે વખત તેઓ પરદેશ શો માટે આવ્યા, પરંતુ ત્યાર બાદ તેઓ નહોતા આવતા. આમ પણ તેમને પ્લેનની મુસાફરી અને લિફ્ટનો ફોબિયા હતો. જાળીવાળી જૂની ટાઇપની લિફ્ટમાં જવાનો વાંધો નહોતો, પરંતુ બંધ ‌લિફ્ટમાં તેઓ જતા જ નહોતા. જ્યારે ભાઈ (આણંદજીભાઈ) લાંબા સમય માટે શો કરવા વિદેશ જાય ત્યારે દરરોજ સવારે અહીં આવે, મારી ખબર પૂછે, કંઈ જોઈતું–કારવતું તો નથીને? એમ મારું ધ્યાન રાખે. ભગવાનને પગે લાગીને પછી જ બહાર જાય. વધુ બોલે નહીં, પણ તેમના દિલમાં મારા માટે ખૂબ માન હતું એ દેખાઈ આવે. તેમની પર્સનાલિટી અને સ્વભાવ એવો હતો કે કોઈને પણ તેમના પ્રત્યે આદર થાય. આજે જીવનમાં સૌથી વધુ તેમની ખોટ સાલે છે.

કલ્યાણજીભાઈની અણધારી વિદાય પછી શાહ-પરિવારની જે હાલત થઈ હશે એની પીડા, જ્યારે આ વાતો થતી હતી ત્યારે હું પણ અનુભવી રહ્યો હતો. બહારનો વરસાદ અને ભીતરની ભીનાશ, આ બન્ને. સ્મૃતિની પાવક જ્વાળાને થોડે ઘણે અંશે ઠારવામાં મદદરૂપ થયા હશે કે નહીં એ સવાલનો જવાબ આપવો અઘરો છે.’

આ પણ વાંચો : કચ્છી સમાજે અમને જે માન-સન્માન આપ્યું છે એ જીવનભર ભૂલી શકાય એમ નથી

અનરાધાર વરસાદમાં હું ઘર તરફ પ્રયાણ કરું છું અને ગાડીમાં એફએમ પર કલ્યાણજી–આણંદજીનું ગીત મને તેમની યાદ અપાવતાં ગુંજી ઊઠે છે ત્યારે મનમાં એમ જ થાય કે આ જ તો તમારા-મારા જેવા લાખો સંગીતપ્રેમીઓની પીડા છે.

અકેલે હૈં, ચલે આઓ, જહાં હો

કહાં આવાઝ દે તુમકો, કહાં હો

ત્યારે આપણી આ તડપનો જવાબ કલ્યાણજીભાઈ સ્વર્ગમાંથી આ ગીત ગાઈને આપતા હશે એમાં કોઈ શંકા નથી...

હમ છોડ ચલે હૈં મહેફિલ કો, યાદ આયે કભી તો મત રોના

ઇસ દિલ કો તસલ્લી દે દેના, ગભરાયે કભી તો મત રોના

(આવતા રવિવારે કલ્યાણજી–આણંદજીની સંગીતસફરનો અંતિમ પડાવ)

columnists weekend guide