જિંદગીને ઉલ્લાસથી ભરી દેવાની કૂંચી આ રહી

27 October, 2019 03:38 PM IST  |  મુંબઈ | Come On જિંદગી! - કાના બાંટવા

જિંદગીને ઉલ્લાસથી ભરી દેવાની કૂંચી આ રહી

રફતારથી દોડતી જિંદગી થંભી જાય છે, કયારેય વિચાર્યું છે? ફ્લાઇટમાં સડસડાટ ઊડતી, ટ્રેનમાં ધસમસતી, ટ્રાફિકમાં રગશિયા ગાડાની જેમ ઢસડાતી, બાઇકમાં અંતરાયો વચ્ચેની સંકડાશમાંથી વાંકીચૂકી આગળ ધપતી જિંદગીમાં એક સ્થિરતા આવી જાય છે. ઘટમાળ એવી એકધારી ચક્કર ફર્યા કરે છે કે સ્થિર થઈ જાય. તીવ્ર ગતિને લીધે ટક્કર લઈ ગયેલો ભમરડો ફરતો હોવા છતાં સ્થિર થઈ જાય એમ એકધારાપણું, રોજની એકની એક યાંત્રિક ઘરેડ જીવનને થંભાવી દે છે. જડ, નિશ્ચલ બનાવી દે છે. નાવીન્યને ખાઈ જાય છે આ ઘરેડ, પણ એને તોડવી મુશ્કેલ નથી. બહુ જ સરળતાથી, સહજતાથી એને તોડી શકાય, જીવનનો આનંદ મસ્ત થઈને માણી શકાય, સુકાયેલા ઠૂંઠા જેવી થઈ ગયેલી જિંદગી પર આનંદની કૂંપળો ખીલવી શકાય. એની ક્ષણેક્ષણને જીવી શકાય. જરાય અઘરું નથી, કારણ કે સહજ રહેવું એ તમારો મૂળ સ્વભાવ છે. માણસે સહજતાને કયાંક અવળા હાથે મૂકી દીધી છે, ગુમાવી દીધી નથી. કશુંક નવું કરતા રહો, જરા કૉન્શિયસ થાઓ, જરા જાગ્રત થાઓ તો એ સહજતા સાવ અનાયાસ આવીને તમને મળશે, ભેટશે, તદ્રુપ થઈ જશે તમારી સાથે. બુદ્ધની એક સુંદર કથા છે. બુદ્ધ કોઈની સાથે વાતો કરતાં-કરતાં ચાલ્યા જતા હતા. એક માખી આવીને બુદ્ધના માથા પર બેઠી, બુદ્ધે બેધ્યાનપણે માખીને હાથથી ઉડાડી. આ ક્રિયા કર્યા પછી અચાનક બુદ્ધ થંભ્યા, ફરીથી માખી ઉડાડતા હોય એમ પોતાનો હાથ ઘુમાવ્યો. સાથે ચાલનારે પૂછ્યું, ‘માખી તો હવે ત્યાં નથી. તમે કેમ એને ઉડાડતા હો એમ હાથ વીંઝ્યો?’ બુદ્ધનો જવાબ અત્યંત પ્યારો હતો, ‘પ્રથમ વખત મેં બેધ્યાનપણે માખીને ઉડાડી. કોઈ જ કામ બેધ્યાનપણે ન થવું જોઈએ એટલે બીજી વખત ધ્યાનપૂર્વક, પૂર્ણ જાગૃતિથી માખીને ઉડાડી.’

કંઈક નવું કરવું, રોજિંદુ કામ, પણ થોડું અલગ રીતે કરવું એ કંઈ મુશ્કેલ નથી, બસ થોડું અવેર રહેવાનું કે નવું કરવું છે. રોજ એકાદ નાનું કામ નવી સ્ટાઇલથી, અઠવાડિયે એકાદ જરા મોટી બાબત નવી રીતે અને મહિને એકાદ સાવ જ નવું કશુંક કરતા રહેવાથી મૉનોટોની સરળતાથી તૂટી જાય છે, સાવ સહજપણે. જે લોકો ખુશ રહે છે, મસ્ત રહે છે, આનંદથી ભરપૂર હોય છે તે સામાન્ય કામ પણ રસથી, નવી રીતે, જાણે એ કામ સાવ નવું જ હોય, પ્રથમ હોય એમ કરે છે. કામમાં ભિન્નતા નથી, એને કરવાની રીત અલગ છે. વાંસળી બધા વગાડે પણ કૃષ્ણની વેણુ વાગે ત્યારે વ્રજમાં પુષ્પો ખીલી ઊઠે, પ્રાણીઓ એકધ્યાન થઈ જાય, ગોપીઓ વિહ્‍વળ થઈને દોડતી આવે. કૃષ્ણની વાંસળી સહજ છે. પ્રકૃતિની નજીક છે.

મેટ્રો શહેરમાં રહીને માણસ પ્રકૃતિની નજીક ન રહી શકે એવું નથી. પ્રકૃતિની નજીક રહેવા માટે જંગલમાં જવું, ખેતરોમાં રખડવું, પહાડો પર ચડવું, ઝરણાંઓમાં છબછબિયાં કરવાં, નદીઓમાં રિવર રાફ્ટિંગ કરવું, સમુદ્રમાં સહેલ કરવી અનિવાર્ય નથી. આ બધું થઈ શકતું હોય તો બેસ્ટ, પણ ન થઈ શકતું હોય તો કાંઈ ખાટું-મોળું થઈ જવાનું નથી. જરાય નિરાશ થવાની જરૂર નથી કે અહીં આપણા ભાગ્યમાં આવું ક્યાંથી. છ મહિને-વરસે ક્યારેક, ક્યાંક વેકેશનમાં જઈએ ત્યારે જ આવું સંભવ બને, બાકી આપણે તો આ બધાથી વંચિત એવું માનીને હતાશ થવાની સહેજ પણ આવશ્યકતા નથી. પ્રકૃતિની નજીક તમે ગમે ત્યાં રહી શકો. કૂંડામાં એક નાનો છોડ વાવો, એને પાણી પાઓ, બારીની બહાર દેખાતા વૃક્ષ પર બેઠેલા પક્ષીને જુઓ, રસ્તાની બાજુમાં ઊભવા છતાં ખીલેલા ગુલમહોરને નિહાળો, સવારનો સૂરજ જુઓ, રાત્રે થોડું ચાલવા જતી વખતે બને તો આકાશને નિહાળો. પ્રકૃતિ આ પણ છે, પણ એ બધું જોવામાં જરા કૉન્શિયસ રહેવું. આ બધું જોઈને મનમાં આનંદની સરવાણી ફૂટે તો એને માણવી. એ સરવાણીને ઝરણું બનવા દેવું. તમારી આજુબાજુની પ્રકૃતિને તમે રોજ જુઓ જ છો, પણ ખરેખર જુઓ છો ખરા? ધ્યાનથી ક્યારેય જોયું છે? જો ધ્યાનથી જુઓ તો પ્રકૃતિ તમને વીંટળાઈ વળશે. એ તમને નવી દૃષ્ટિ આપશે. એ તમને નવા જ બનાવી દેશે, એ જૂનું કોચલું તોડી નાખશે. ગઈ કાલે હતું એ જ જીવન તમને નવું લાગશે. કંઈક નવું કરવાથી, નવી દૃષ્ટિથી જોવામાત્રથી જીવનને આનંદથી ભરપૂર બનાવી શકાય. એ માટે કોઈ શિબિરોમાં જવાની જરૂર નથી. કોઈ મોટિવેશનલ ગુરુની જરૂર નથી. કોઈ આધ્યાત્મિક બાબાની આવશ્યકતા નથી. તમે જ પૂરતા છો, તમે એકલા જ.

ઝળહળતા, ઝગમગતા, તેજોમય ડાઇવિંગ બોર્ડ પરથી નાવીન્યથી ભરપૂર નવા વર્ષના સમય-સમુદ્રમાં કૂદકો મારવાની ઘડી, દિવાળીએ આપણે પ્રથમ વખત મળી રહ્યા છીએ, ડિયર વાચક. નવપ્રસ્થાનની આ વેળાનો દિવસ પણ કેવો શુભ નિર્ધારાયો છે. વર્ષના અંતિમ દિવસથી શરૂઆત. નવા વર્ષે નવી શરૂઆત નહીં, વીતી ગયેલા વર્ષની છેલ્લી સવારથી શરૂઆત. ભૂતકાળમાંથી ભવિષ્યમાં કૂદકો, સમુદ્રમાં ઝંપલાવતી ઉલ્લાસિત જલપરીની જેમ. દિવાળીનું પર્વ કદાચ એટલે જ તેજ સાથે, ચમક સાથે, પ્રકાશ સાથે, રોશની સાથે જોડાયેલું છે કે અંધારેથી અજવાશમાં જવાનું નથી, તેજમાંથી વધુ તેજસ્વી ભવિષ્યમાં જવાનું છે. દિવાળી તો એક જ્વલંત દ્વાર છે જ્યાંથી નવા સમયમાં પ્રવેશ કરવાનો છે. નવા ઉલ્લાસ સાથે, નવા ઉન્મેષ સાથે, નવા ઉમંગ સાથે, નવી હોંશ સાથે, નવા કોડ સાથે.

આ પણ વાંચો : શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક દિને ખાસ લેખ

જીવન ક્યારેય સંઘર્ષમુકત નથી હોતું. દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડતી રહે છે. સંજોગો સાથે લડાઈ, વ્યક્તિઓ સાથે લડાઈ, પોતાની સાથે લડાઈ, પારકા સાથે લડાઈ અને જાત સાથે લડાઈ. લડવાની, જીતવાની, હારવાની, ફરી ઊભા થવાની, નવેસરથી ઝઝૂમવાની એક મજા હોય છે, જેના વગર જિંદગી ફિક્કી લાગે, સ્વાદવિહીન લાગે. આવતી કાલથી શરૂ થતા નવા વર્ષમાં મળતા રહીશું અહીં જ. જિંદગીના જોમની, જુસ્સાની, મોજની, મુશ્કેલીઓની ગોઠડી માંડીશું. બ્લૅક ઍન્ડ વાઇટ અને એની વચ્ચેના અનેક ગ્રે શેડ્સને માણીશું, સો, કમ ઑન, સ્ટે ટ્યુન્ડ.

columnists weekend guide