Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક દિને ખાસ લેખ

શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક દિને ખાસ લેખ

27 October, 2019 03:25 PM IST | મુંબઈ
જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક દિને ખાસ લેખ

શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક દિને ખાસ લેખ


આ અંક આપ સૌના હાથમાં આવશે ત્યારે દિવાળી પર્વના દિવસનો શુભારંભ થઈ ચૂક્યો હશે. આ પવિત્ર દિવસે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં વર્તમાન અવસર્પિણીકાળના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી બિહારના પાવાપુરી મધ્યે નિર્વાણ પામ્યા હતા. અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના આ નિર્વાણ દિનની ભવ્ય ઉજવણી સમગ્ર ભારતમાં અને વિદેશોમાં વસતા જૈનો તપ-જપ ધ્યાન સાધના દ્વારા ખૂબ ભાવપૂર્વક કરી રહ્યા છે. ભગવાન મહાવીરના આ નિર્વાણ દિને તેમના વિશે થોડું ચિંતન અહીં પ્રસ્તુત કરતા અત્યંત આનંદ અનુભવું છું.

શ્રમણ ભગવાન મહાવીર એ માત્ર જૈનોના જ નહીં સમગ્ર વિશ્વના મહાન જ્યોર્તિધર હતા. વૈચારિક ક્ષેત્રમાં પ્રભુ મહાવીરની જીવનદૃષ્ટિ જેટલી ઉદાર, સહિષ્ણુ અને સમન્વયવાદી હતી એટલી જ આચાર ક્ષેત્રમાં કઠોર રહી હતી. ભગવાન મહાવીરના સમગ્ર જીવન દર્શનને માત્ર બે જ શબ્દોમાં મૂલવવું હોય તો તેમ અવશ્ય કહી શકાય કે તેમના વિચારમાં ઉદારતા અને આચારમાં કઠોરતા હતી. ભગવાન મહાવીરનો જન્મ બૌદ્ધિક જાગરણના યુગમાં થયો હતો. તેમનું અવતરણ આ અવનિ પર થયું એ સમયે અનેક મતમતાંતરો, દૃષ્ટિકોણ અને વિચારધારાઓ ચાલી રહી હતી. માણસ પોતાની માનવીય ગરિમા અને મૂલ્યનિષ્ઠાને ભૂલવા લાગ્યો હતો. ભગવાન મહાવીરે મુખ્ય કામ એ જ કર્યું કે એમણે મનુષ્યે ગુમાવેલી ગરિમાનું અને મૂલ્યનિષ્ઠાનું પુન: પ્રસ્થાપન કર્યું. તેમણે લોકોને કહ્યું ‘દેવ ભલે મોટો હોય, ગમે તેવું એમનું સ્વર્ગ હોય પણ માણસથી મોટું કોઈ નહીં. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણોમાં રહે. માણસે આ માટે સત્યનો અને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના ગુણથી અને પોતાના શ્રમથી મહાન થઈ શકે છે. એ માટે ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ કે ઊંચા ઘેર જન્મ લેવાની જરૂર નથી.’



ભગવાન મહાવીરનો જન્મ સુખી, સમૃદ્ધ અને કુળવાન રાજપરિવારમાં થયો હતો છતાં તેમણે એ ઝળહળતા વૈભવને ત્યાગી શ્રમણ જીવન સ્વીકાર્યું. તેમણે એમ શા માટે કર્યું? એની પાછળ તેમનો શો ઉદ્દેશ હતો ? શું ભગવાન મહાવીરે એમ સમજીને સંન્યસ્ત અંગીકાર કર્યો હતો કે સાધુ યા સંન્યાસી થવાથી જ મુક્તિ મળી શકશે? આ પ્રશ્નોનો ઉત્તર એ જ છે કે ભગવાન મહાવીરે સમગ્ર વિશ્વને દુ:ખ અને પીડાથી મુક્ત કરાવવા માટે જ રાજપાટ ત્યાગી સંન્યસ્ત લીધું હતું. તેઓ કહેતા કે ‘ધર્મ’ સાધુ માટે છે અને ગૃહસ્થોએ લીલાલહેર કરવાની છે એ વાત ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી ગૃહસ્થોના પણ ધર્મ છે. સાધુ  સર્વાંશે સૂક્ષ્મ રીતે વ્રત-નિયમ પાળે એ માટે સાધુએ પાંચ મહાવ્રત અને ગૃહસ્થોએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતવાળા ધર્મથી જીવનનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માણસનો બેડો પાર થઈ જાય.’ ભગવાન મહાવીરે ઉપદેશ્યું છે કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોને જીતી લેવા જરૂરી છે. એથી જ તેમણે ‘દશ વૈકાલિક સૂત્ર’માં  સ્પષ્ટ ફરમાવ્યું છે કે -


‘કો હો પીઇં પણાસેઈ, માણો વિણય નાસણો,

માયા મિત્તાણિ ના સેઈ, લોભો  સવ્વવિણાસણો,’


અર્થાત્ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનય ગુણનો નાશ કરે છે, માયા એટલે કે શઠતા-કપટ મિત્રોનો નાશ કરે છે અને લોભ તમામ સદ્ગુણોનો નાશ કરે છે.

ભગવાન મહાવીરે કદી એમ નથી કહ્યું કે હું નૂતન ધર્મનું પ્રર્વતન કરી રહ્યો છું કે ન કોઈ નવીન સિદ્ધાંત તમને આપી રહ્યો છું. ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ નિર્દેશ્યું છે કે જે અરિહંત થઈ ચૂક્યા છે, જે થશે અને જે છે તે બધા એક જ વાત કહે છે કે કોઈ પણ પ્રાણીને દુ:ખ અને પીડા આપવી ન જોઈએ. આ જ  શુદ્ધ, નિત્ય અને શુદ્ધ ધર્મ છે. ભગવાન મહાવીરના જીવન અને દર્શનની એટલી વ્યાપકતા અને ઉદારતા હતી કે તેની કલ્પના આપણે માત્ર જૈન ધર્મના ચોકઠામાં મૂકીને નહીં કરી શકીએ. ભગવાન મહાવીરને માત્ર જૈનોના જ ગણાવીને આપણે તેને અન્યાય કરીએ છીએ. ભગવાન મહાવીર ભારતની ઋષી પરંપરાનું એક મહાન અંગ છે. જેનો ઉલ્લેખ વૈદિક પરંપરાના ઉપનિષદોમાં અને બુદ્ધ પરંપરાના ‘થેરગાથા’ અને ‘સુત્તનિપાત’માં પણ મળે છે. પ્રભુ મહાવીરે સાડા બાર વર્ષની અતિ કઠિન તપશ્ચર્યા કરી હતી. તપ સાધનાના આ વર્ષોમાં તેઓએ કોઈ ઉપદેશ આપ્યો ન હતો. ભગવાન મહાવીર પોતાના જીવનમાં ઘણું ઓછું બોલ્યા છે અને ઘણું બધુ કાર્ય કર્યું છે. આજે આપણે વધારેમાં વધારે બોલીએ છીએ અને ઓછામાં ઓછું કરીએ છીએ. ભગવાન મહાવીરનું દર્શન સ્પષ્ટ છે કે તમે તમારું જીવન એવું બનાવો કે તમારું જીવન જ સૌ માટે ઉપદેશ સમુ બની રહે. અનેકાંતનો સિદ્ધાંત સમજાવતા ભગવાન મહાવીર કહે છે કે મનુષ્ય પોતાના આગ્રહના ચોકઠામાં ઊભો ન રહે. સત્યનો સૂર્ય કોઈ એક વ્યક્તિના ઘરને જ પ્રકાશિત કરશે અને બીજાના ઘરને નહીં કરે તે સંભવ નથી. સૂર્યનું કામ છે, પ્રકાશ આપવાનું જે કોઈ પોતાના ઘરના બારી-બારણા ખુલ્લા રાખી શકશે તેમને ત્યાં સૂર્યનો પ્રકાશ અવશ્ય જશે. આ જ સ્થિતિ અન્યની છે. જો તમારા મસ્તકનો દરવાજો ખુલ્લો હશે તો સત્ય તમને અવશ્ય આલોક્તિ કરશે. પરંતુ આપણે આપણા આગ્રહોના દરવાજાથી મસ્તકની બારીને બંધ કરી દઈશું તો સત્યના પ્રકાશને પ્રવેશ નહીં મળે. સત્ય ન તો મારું છે, ન તો તમારું છે. સત્ય સૌનું છે, સત્ય સર્વત્ર છે. ‘મારું સત્ય’ એ ભગવાન મહાવીરની દૃષ્ટિએ સૌથી મોટી ભ્રાંતિ છે!

આજે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે અહીં ધર્મના નામે સંઘર્ષ વધતો રહ્યો છે. શું સંઘર્ષનું કારણ ધર્મ છે? શું ધર્મ સંઘર્ષ શીખવે છે? મૂળ વાત એ છે કે વસ્તુત: ધર્મ શું છે તેને આપણે જાણતા નથી. ધર્મનો અર્થ શું છે તેની પણ આપણને સમજણ નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘ધમ્મો સુદ્ધસ્સ ચિઠ્ઠઈ’ ધર્મ તો શુદ્ધ ચિત્તમાં જ છે. ‘ધર્મ ઉજ્જુ ભૂયસ્સ’ ધર્મ ચિત્તની સરળતામાં છે. વસ્તુત: જ્યાં સરળતા છે, સહજતા છે ત્યાં જ ધર્મ છે. ભગવાન મહાવીર દર્શાવે છે કે ‘સમયાએ આયરિએ ધમ્મે  પવ્વઇયે’ સમભાવમાં જ સમત્વની સાધના છે અને જ્યાં સમત્વની સાધના છે ત્યાં જ ધર્મ છે. ભગવાન મહાવીરના આવા પ્રેરક જીવનમાંથી આપણે તેનો એક અંશ પણ આપણા જીવનમાં ઉતારી શકીશું તો આપણું જીવન અવશ્ય સાર્થક થવાનું છે. છેલ્લે કવિ જ્ઞાન વિમલજી મહારાજની ભાવવાહી પંક્તિઓથી આ લેખનું અહીં સમાપન કરું છું.

‘જય જય ભવ હિતકર, વીર જિનેશ્વર દેવ,

સુરનરના નાયક જેહની સારે સેવ,

કરુણા રક્ષ કંદો, વંદો આનંદ આણી,

ત્રીશલા સુત સુંદર ગુણમણિ કેરો ખાણી !’

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 03:25 PM IST | મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK