ઇલેક્શનમાં સોશિયલ મીડિયા બેધારી તલવાર

13 October, 2019 03:34 PM IST  |  મુંબઈ | ભક્તિ ડી દેસાઈ

ઇલેક્શનમાં સોશિયલ મીડિયા બેધારી તલવાર

ઈલેક્શન-2019

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે આવી છે અને સોશિયલ મિડિયા પર પણ પ્રચારનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો સવાલ છે ત્યાં સુધી પોલિટિકલ પાર્ટીઓ માટે હવે આ બાબત બિઝનેસ એઝ યુઝવલ નથી. પ્રત્યેક રાજકીય પક્ષ માટે સૌથી મોટી ચેલેન્જ છે સોશિયલ મીડિયા ફાયદા કરતાં નુકસાનનું માધ્યમ બની ન જાય એ જોવાનું.

ચૂંટણી અને એનો પ્રચાર આ એક સિક્કાની બે બાજુ છે, એમ કહીએ તો ચાલે. કારણ, જે પાર્ટી કે ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહેવા ઇચ્છતા હોય એણે પોતાના મતદાતાઓ સુધી પોતે કરેલાં કાર્યો અને પોતાની ઓળખાણ વિવિધ માધ્યમો દ્વારા પહોંચાડવી પડે છે. 

થોડાં વર્ષો પહેલાં રાજકીય પાર્ટી અને ઉમેદવારોની સંખ્યા ઓછી હતી અને લોકોની માનસિકતા થોડે-ઘણે અંશે એવી હતી કે જે પાર્ટી સાથે એમની વફાદારી હોય, એના ઉમેદવારને જ મત આપી જીતાડવા. હવે ચૂંટણી તરફ જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. કારણ, આજે પાર્ટીઓ તો છે જ પણ દરેક મતદાર વિભાગમાંથી ઘણાબધા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડતા હોય છે અને આ બધાની માહિતી વર્તમાનપત્રો, ટીવી અને સૌથી મહત્વનો મંચ એટલે કે સોશિયલ મીડિયા દ્વારા મતદારો સુધી પહોંચતી હોય છે. 

ફાયદા અને ગેરફાયદા 

આ સોશિયલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, બ્લોગ્સ  આ બધા  ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મીડિયાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયાનો એક ફાયદો એવો છે કે જે પણ માહિતી પોસ્ટ કરવામાં આવે એ ઝડપી રીતે લોકો સુધી પહોંચે છે, પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન જ્યારે વિરોધી પાર્ટી કે વ્યક્તિ અન્ય પાર્ટીના ઉમેદવાર કે પાર્ટી વિષે કોઈ પણ  ખોટી ખબર પોસ્ટ કરે છે ત્યારે સોશિયલ મીડિયાનો ફાયદો ઘણી વાર પાર્ટી કે ઉમેદવારને માટે હાનિકારક બને છે, સોશિયલ મીડિયાનો ઉપભોકતા વાચક અને લેખક બંને ભૂમિકા ભજવી શકે છે, એથી આવી પરિસ્થિતિ નિર્માણ થવી સ્વાભાવિક છે.

ફેક ખબરોની તપાસ માટે ફેસબુકની વિશેષ ટીમ

વિવિધ પાર્ટી અને ઉમેદવાર એમના ટાર્ગેટ ઓડિયન્સ એટલે કે પોતાના મતદાતાઓ સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો આજે સૌથી વધારે ઉપયોગ કરી રહી છે. એવામાં તેઓ આવી ફેક પોસ્ટનું નિવારણ કઈ રીતે કરે છે, એનો જવાબ આપતાં  મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અભિજિત સકપાળ કહે છે, “માધ્યમના ઉપયોગથી વિરોધી પાર્ટી ઘણી વાર અમને બદનામ કરવા અનેક ખોટી ખબર લોકો સુધી પહોંચાડે છે અને લોકોની ભાવનાઓ સાથે પણ રમે છે, એની અમને જાણ છે. એથી જ અમે આ વિષયમાં અમુક સ્ટ્રેટેજી બનાવતાં હોઈએ છીએ. આ વખતે ફેસબુકે, અમે આવી ઘટનાઓનો ભોગ ન બનીએ એ માટે, આખી એક ટીમ રાખી છે. અમે ફેસબુકના આભારી છીએ કે આ વખતે એમણે અમારી જૂની માંગ સ્વીકારી એક એવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં અમને એવું લાગે કે કોઈ પણ પોસ્ટ ખોટી ખબર ફેલાવવા અથવા અમારી માનહાનિ માટે થાય છે ત્યારે અમારે ત્યાંથી એમને એક ફરિયાદી અહેવાલ મોકલાવાય છે. ફેસબુક અને ટ્વિટરથી પોસ્ટ  કરનારની તપાસ કરી આવી ખોટી માહિતી આપતી પોસ્ટને જલદીમાં જલદી એટલે કે દસ મિનિટથી એક દિવસની અંદરના સમયમાં ડિલિટ કરવામાં આવે છે. પહેલાં દેવનાગરી લિપિમાં લખાયેલી પોસ્ટની તપાસ કરાવવી ફેસબુક અને ટ્વિટર માટે અઘરી હતી, પણ હવે ટીમની નિમણૂક કરી હોવાથી અંગ્રેજી સિવાયની અન્ય ભાષાની પોસ્ટને પણ જલ્દી જ હટાવવામાં આવે છે.

તેઓ ચૂંટણીની વાત કરતાં કહે છે, “જ્યાં સુધી ચૂંટણીનો પ્રશ્ન છે, અમારી પાસે પણ એક કમિટી છે અને ફેક પોસ્ટ અને ખબરો પર નજર રાખનારી રીસર્ચ ટીમ પણ છે, ફેક ખબરોને શોધી કમિટી પાસે જ્યારે આવી ખબરો આવે છે, એની તપાસ કરવામાં આવે છે, પછી એની પર અમે જવાબ  આપીએ છીએ અથવા યોગ્ય પગલાં લઈએ છીએ.”

આવી ખોટી જાણકારી ક્યાં સુધી ગઈ છે અને કોણ આપે છે, એની ખબર કેવી રીતે પડે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં અભિજિત સકપાળ કહે છે, “ઘણી વાર વિરોધકો સરોગેટ પેજીસ બનાવે છે અને સ્યુડો નેમ્સ એટલે કે ફેક નામ કે ટ્વિટર હેંડલથી કોઈ પોસ્ટ કરતા હોય છે. આવા સમયે સરોગેટ પેજીસ પર આવેલી ખોટી માહિતી સામે અમે સાચી માહિતી આપતાં હોઈએ છીએ. સોશિયલ મીડિયાના કયા મંચ પર આવી ખોટી જાણકારી મુકાય છે, એની તપાસ માટે અમારી પાસે એક લીસનિંગ ટૂલ પણ છે, જેમાં યાદી આવી જાય છે અને અમે એ જ મંચ પર એટલે કે ફેસબુક પર હોય તો ફેસબુક પર, ટ્વિટર પર હોય તો ત્યાં, એમ બધે અમારી સાચી માહિતીનો પ્રહાર કરીએ છીએ અને લોકોને જાણ થાય છે કે શું સાચું છે અને શું ખોટું.”

ફેક પોસ્ટની સંખ્યા નહિવત્

દરેક પાર્ટીની સોશિયલ મીડિયાની એક વિશિષ્ટ ટીમ છે, જે એનાં દરેક પાસાંને સમજે છે. શિવસેનાના જનસંપર્ક પ્રમુખ હર્ષલ પ્રધાન કહે છે, “શિવસેનાની બાબતમાં લોકો ખૂબ સજાગ છે અને લોકોમાં અમારી એવી છાપ છે કે અમારી સાથે કોઈ પણ ખોટી ખબરના ચેનચાળા કરવા નહીં. લોકો સુધી અમારી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પહોંચાડવા શિવસેનાના શિવસૈનિક અને યુવાસૈનિક ‘સોશિયલ મીડિયા સોલ્જર’ તરીકે કામ કરે છે. શિવસેના ભવનથી દરરોજ અને સતત સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરવું અને શું નહીં, એની માહિતી અમે અમારા લોકોને આપતાં હોઈએ છીએ.  મહારાષ્ટ્રભરમાં અમારા યુવાસૈનિક મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર કાર્યરત હોય છે અને શિવસેના ભવનની ટીમ એ લોકો સાથે સંપર્કમાં

હોય છે.”

મીડિયા અને સોશિયલ સાઇટ્સનો યથાયોગ્ય ઉપયોગ તેઓ કેવી રીતે કરે છે એ સમજાવતાં હર્ષલ પ્રધાન કહે છે, “ઠાકરેસાહેબની બધી માહિતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા લોકો સુધી પહોંચે છે. શિવસૈનિક સાથે જો ફેક ખબર અથવા પોસ્ટ કરવા જેવી ઘટના બને તો અમે શિવસૈનિકો અમારી પદ્ધતિથી એનું નિવારણ કરવા સક્ષમ છીએ, એથી એવી કોઈની હિંમત થઈ નથી. સોશિયલ મીડિયા દરેકના હાથનું એક હથિયાર છે. અમે સોશિયલ મીડિયાની ગંભીરતાનો ઊંડો અભ્યાસ કરીને જ પોસ્ટ મૂકીએ છીએ. અમે દર મહીને કેટલી લાઇક્સ મળી, લોકોની ક્રિયા, પ્રતિક્રિયા આ બધી બાબતનું વિશ્લેષણ કરતાં હોઈએ છીએ અને આમ દરેક મીડિયાનો વિચારપૂર્વક ઉપયોગ કરી લોકો સુધી અમારી જાણકારી પહોંચાડીએ છીએ.

કાર્ટૂન સીરિઝ દ્વારા વિરોધકોને જવાબ

ભારતીય જનતા પાર્ટીના આઈટી અને સોશિયલ મીડિયા ઇનચાર્જ, મહારાષ્ટ્ર સ્ટેટ હેડ, પ્રવીણ અલાઈ સોશિયલ મીડિયાની પોતાની યોજના વિષે માહિતી આપતાં કહે છે, “અમે છેલ્લા થોડા દિવસોથી વિરોધકો તરફથી આવનારી ફેક પોસ્ટને જવાબ આપવા માટે ‘રમ્યાચે ડોઝ’ નામની એક કાર્ટૂન સીરિઝ ચલાવીએ છીએ.  હમણાં ચૂંટણી પહેલાં આ સીરિઝનો ભાગ એક ચાલી રહ્યો છે અને ચૂંટણી પછી ભાગ બે શરૂ થશે. રોજ સવારે સાતથી આઠ વાગ્યાની વચ્ચે અમે અમારા વિરોધકોને પ્રેમથી આ કાર્ટૂનનાં માધ્યમથી જવાબ આપીએ છીએ. હેડ ક્વાર્ટર મુંબઈથી, જિલ્લા અને તાલુકા સ્તરે આ પોસ્ટ વાઇરલ થાય છે. આ સીરિઝથી વિરોધકોનો પ્રભાવ બહુ ઓછો થઈ ગયો છે.  આમાં રમ્યા અને એક નાગરિક આ બન્ને વચ્ચેના સંવાદમાં જ વિરોધાકોને જવાબ આપવામાં આવે છે. અમારું પોતાનું વર્તુળ એટલું મોટું છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ.”

સોશિયલ મીડિયા લોકોના ઘર સુધી જ નહીં, પણ દરેક વ્યક્તિની નસનસમાં વસી ગયેલું માધ્યમ છે. લોકોને શું આપવું એથી પણ વધારે કઈ માહિતી ન મળવી જોઈએ, એ માટે આ દરેક પાર્ટીએ ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ બાબતે દરેક પાર્ટી સતર્ક છે અને સજાગ છે, એથી તેઓને આ માધ્યમનો પૂરતો લાભ આ ચૂંટણીમાં થશે એ વાત ચોક્કસ છે. લોકોએ પણ સોશિયલ મીડિયા પર આવેલી માહિતી પર વિશ્વાસ મૂકતાં પહેલાં એનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. ચૂંટણી દરમ્યાન જે ફેક ખબરો પોસ્ટ થાય છે એ મતદારોને ગુમરાહ કરવા જ થાય છે, એ વાતનું ધ્યાન સોશિયલ મીડિયાના ઉપભોકતાઓએ રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : અસંતોષની આગનાં આંદોલનો જગતનો નકશો બદલી નાખશે

સરવાળે વાત એટલી જ કે ચૂંટણીપ્રચારના સાધન તરીકે સોશિયલ મિડિયા જેટલું ઉપયોગી છે એટલા જ એના ગેરફાયદા પણ છે. આવી પરિસ્થિતિમાં રાજકીય પક્ષોએ સોશિયલ મિડિયા પાર્ટીના દુષ્પ્રચારનું માધ્યમ ન બની જાય એના માટે આઇટી એક્સપર્ટ્સની ફોજ ઊતારી છે.

columnists weekend guide social networking site