Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અસંતોષની આગનાં આંદોલનો જગતનો નકશો બદલી નાખશે

અસંતોષની આગનાં આંદોલનો જગતનો નકશો બદલી નાખશે

13 October, 2019 03:22 PM IST | મુંબઈ
સંજય પંડ્યા

અસંતોષની આગનાં આંદોલનો જગતનો નકશો બદલી નાખશે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ટૅક્નૉલોજીના વપરાશ દ્વારા માનવીનાં ભૌતિક સુખસગવડ તો વધ્યાં પણ સાથેસાથે એની અંદર અશાંતિ પણ વધી છે. પારિવારિક સંબંધો હોય કે બિલ્ડિંગના પડોશીથી માંડીને સામાન્ય નગરજન સાથેના સંબંધો હોય, મનુષ્યનું મન ઉદ્વેગ અને અશાંતિથી ભરેલું છે. એક સારો શાસક પ્રજાના ઉદ્વેગને કે અસંતોષને ઠારી શકે છે તો બીજી તરફ સરમુખત્યારશાહી, રાજાશાહી કે લોકશાહી ધરાવતા દેશોમાં પણ પ્રજાના અસંતોષના ઊભરા રસ્તા ઉપર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે અને એ જગતનો નકશો બદલી નાખવાનું બળ ધરાવે છે.

આજે વિશ્વમાં અનેક ઠેકાણે બે પડોશી દેશો વચ્ચેના સંબંધ તંગ હોય છે અને એને કારણે નાનાં છમકલાંથી લઈને યુદ્ધ સુધીની નોબત આવી જાય છે. આ એક મોરચો તો છે જ જ્યાં ઘણા બધા દેશોએ પોતાના વાર્ષિક બજેટનો મોટો હિસ્સો સુરક્ષા માટે ફાળવવો પડે છે. આ મોરચા ઉપરાંત બીજા એક મોરચા તરફ પણ અનેક દેશોએ પોતાનું ધ્યાન આપવું પડે છે. આ બીજો મોરચો એટલે એ દેશની અંદરનો આંતરિક વિખવાદ. બે દેશો વચ્ચેના વિખવાદ પર વિશ્વનું જેટલું ધ્યાન જાય છે કદાચ એટલું વિવિધ દેશોના આંતરિક વિખવાદ પર જતું નથી હોતું. જોકે તાજેતરમાં હોંગકોંગમાં થયેલા દેખાવો, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, વિશ્વ સુધી જલદી પહોંચ્યા. જોકે હોંગકોંગ જ નહીં જગતમાં ઘણે ઠેકાણે થઈ રહેલા આ આંદોલન વિશ્વનો નકશો બદલી નાખી શકે છે.



હોંગકોંગની તંગદિલી છેલ્લા ચારેક મહિનાથી ચાલી રહી છે. એમાં વળી ગયા અઠવાડિયે ત્યાંની સરકારે ઈમર્જન્સી જેવા પોતાના પાવરનો ઉપયોગ કરી દેખાવ દરમિયાન આંદોલનકારો માસ્ક કે નકાબ ન પહેરે એવો હુકમ જારી કર્યો. છેલ્લા અઠવાડિયાથી શહેર જાણે સ્થગિત થઈ ગયું હોય એવી ત્યાં હાલત  છે. દેખાવો હિંસક બન્યા છે. ઈંટ અને પથ્થરમારાના બનાવો વધી ગયા છે. સળગી ઊઠે એવાં દ્રાવણોનો ઉપયોગ કરી ઠેર-ઠેર આગ લગાડવાના બનાવો વધી ગયા છે. એક ટેક્સી ડ્રાઇવરે દેખાવકારો પર પૂરઝડપે ટેક્સી ચલાવી ત્રણથી ચાર જણને પટકી નાખ્યા એટલે વાતાવરણ વધુ ડહોળાયું. હજારો દેખાવકારો માસ્ક પર પ્રતિબંધ લદાયો એના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમે માસ્ક પરના પ્રતિબંધને વાજબી ઠરાવ્યો. એણે કહ્યું કે આ નિર્ણય જરૂરી હતો પણ એનો અર્થ એ નથી કે અમે ઈમર્જન્સી ઘોષિત કરી છે.


 લેમના નિર્ણયે હોંગકોંગવાસીઓના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એમણે એમનો રોષ સબવે સ્ટેશન તથા મેઇનલૅન્ડ ચાઈના સાથે સંકળાયેલા બિઝનેસ ઉપર ઉતાર્યો છે.

તાજેતરના આ પ્રસંગોને સમજવા સવા સદીથી બે સદી પાછળ જવું પડશે. ભારતમાં એ વખતે અફીણની અઢળક ખેતી થતી. બ્રિટિશ વેપારીઓ ગેરકાયદે રીતે આ અફીણ ચીન પહોંચાડતા. અફીણને અંગ્રેજીમાં ઓપિયમ કહે છે. આ અફીણ ચીનને બધી જ રીતે નુકસાન પહોંચાડતું, એટલે ત્યાંની સરકારે એના વિશાળ જથ્થાનો નાશ કર્યો. કેન્ટોનના  વેરહાઉસનો એ અફીણનો જથ્થો બ્રિટિશ વેપારીનો હતો. ૧૮૩૯થી ૧૮૪૨ દરમિયાન બ્રિટિશ સરકારે ચીન પર સાગરી હુમલાઓ કરી કેન્ટોન અને નાનકિંગ કબજે કર્યા. શાંતિકરાર હેઠળ ચીને હોંગકોંગ ટાપુસમૂહ બ્રિટનને સુપરત કર્યો અને કેટલાંક બંદર બ્રિટનનાં જહાજો માટે તથા બ્રિટનના માલસામાન માટે ખુલ્લાં કર્યાં.


૧૮૫૦થી ૧૮૬૦ દરમિયાન ચીનના શાસકો અને બ્રિટન વચ્ચે અવારનવાર તંગ સ્થિતિ નિર્માણ થઈ. એમાં છેવટે ચીને કોવલૂન પણ બ્રિટનને સુપરત કરવું પડ્યું. ૧૮૯૮માં હોંગકોંગ ૯૯ વર્ષના લીઝ પર બ્રિટનને સોંપાયું હતું. ૧૯૯૭માં આ લીઝ પૂરી થઈ અને હોંગકોંગ ચીનને સોપાયું. હોંગકોંગને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો. હોંગકોંગ  દોઢ સદી જેટલો સમય બ્રિટિશ કૉલોની હતું એટલે એની સંસ્કૃતિ, એની વિચારધારા મેઇનલૅન્ડ ચાયનાથી અલગ છે. એની ઈકોનોમી પણ મેઇનલૅન્ડથી વધુ સમૃદ્ધ છે. વળી ૧૯૯૭ના કરાર વખતે એ પણ નક્કી થયું હતું કે હોંગકોંગની સિસ્ટમ, એની સ્વતંત્રતા, એની જીવનશૈલી કે એના કાનૂનમાં આવતાં ૫૦ વર્ષ કોઈ જ ફેરફાર કરવામાં નહીં આવે!

હોંગકોંગના યુવાનો પોતાને હોંગકોંગના નાગરિક તરીકે ઓળખાવે છે. ચીન સાથેની ઓળખને તેઓ ઝાઝું મહત્વ નથી આપતા. એટલે વર્ષોથી અગ્નિ ધૂંધવાયેલો હતો જ. એવામાં ગયા ફેબ્રુઆરી મહિનામાં બીજા દેશમાં જતા રહેલા ક્રિમિનલ્સ પર કાર્યવાહી થઈ શકે એ માટે, એક્સ્ટ્રાડીશન ટ્રીટી ન હોય તોપણ, અન્ય ઠેકાણે ગુનેગાર પર કાર્યવાહી કરી શકે એવો ફેરફાર ત્યાંની સત્તાધીશ લેમે કર્યો. આ હિસાબે તો હોંગકોંગની વ્યક્તિ પર મેઇનલૅન્ડ ચાઇનાની કોર્ટમાં પણ કાર્યવાહી થઈ શકે. આ ફેરફાર હોંગકોંગની જનતાને મંજૂર ન હતો. ચીન હોંગકોંગના રોજબરોજના વહીવટમાં ચંચુપાત કરે છે એવો અહેસાસ હોંગકોંગવાસીઓને થઈ રહ્યો છે. આને કારણે ખાસ તો યુવાનો એક્સ્ટ્રાડીશન બિલની વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા.

hong-kong

આ યુવાનોની પાંચ માંગ છે. પ્રથમ, એક્સ્ટ્રાડીશન બિલને પાછું લેવામાં આવે. બીજું આ આંદોલનને રાયટ કે તોડફોડના આશયપ્રેરિત ન ગણવામાં આવે. ત્રીજું, કેદ થયેલા આંદોલનકારોને છોડી દેવામાં આવે. ચોથું, એક તટસ્થ કમિશન નીમવામાં આવે, જે પોલીસે આંદોલનકારીઓ સાથે કરેલા નિર્મમ વ્યવહારને તથા આવા વ્યવહારની આવશ્યકતાને તપાસે. પાંચમું કેરી લેમ રાજીનામું આપે અને ચીફ એક્ઝિક્યુટિવ નીમવા માટે ચૂંટણી પ્રથા દાખલ થાય.

એક તરફ હોંગકોંગ આંદોલનની આગમાં શેકાઈ રહ્યું છે તો  એશિયાના બીજા દેશ ઇન્ડોનેશિયામાં ય આંદોલનની ઝાળ ઓછી નથી! અહીં વાત છે સરકારે પસાર કરવા ધારેલા નવા ક્રિમિનલ કોડના ડ્રાફ્ટની.  આ નવો ડ્રાફ્ટ ૧૮ જેટલા એવા મુસદ્દા ધરાવે છે જેનાથી ઇન્ડોનેશિયાની પ્રજા સખત નારાજ છે. અમારા અંગત જીવનમાં સરકાર ચંચુપાત કરે અને પોલીસના હાથમાં મોરાલિટીનો દંડૂકો પકડાવી દે એ અમને મંજૂર નથી, એવું પ્રજાનું કહેવું છે.

લગ્નબાહ્ય સંબંધો, હોમોસેક્સ્યુઆલિટી અને લગ્ન વગર સાથે રહેતાં દંપતીઓ પર ત્યાંની સરકાર પસ્તાળ પાડવા માંગે છે. સેક્સ એજ્યુકેશન અને ગર્ભપાતના કાનૂનમાં પણ ત્યાંની સરકાર કેટલાક ફેરફાર લાવવા માગે છે. ગેરકાનૂની ગર્ભપાત માટે ચાર વર્ષ જેલવાસની નવા સુધારામાં જોગવાઈ છે. ત્યાંની સ્થાનિક પ્રજાને ભય છે કે આ બધા સુધારા શરિયા કાનૂનને પ્રોત્સાહન આપશે અને એમની સ્વતંત્રતાને જોખમમાં મૂકશે. પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ કે દેશ સામેની કોઈક નુક્તેચીની ગુનો ગણાઈ શકશે એવું પણ સુધારામાં સૂચવાયું છે.

ઇન્ડોનેશિયન સરકાર આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપવા માંગતી હતી પણ લોકોના વિરોધને ધ્યાનમાં રાખી એમણે હાલ તો આ પ્લાન અભરાઈ પર ચડાવી દીધો છે! આ બધા સુધારાનું બિલ, સુમાત્રાનાં જંગલોની આગ, વેસ્ટ પપુઆના વિસ્તારોમાં માનવહક્કને હાનિ પહોંચાડે એવી બાબતો અને ત્યાં ઠલવાઈ રહેલી મિલિટરી એવા કેટલાક મુદ્દાઓ છે જેનાથી ઇન્ડોનેશિયાના યુવાનો સખત નારાજ છે. તાજેતરના એક કાનૂને ત્યાંની એન્ટી કરપ્શન એજન્સીની સત્તા પર કાપ મૂક્યો છે. એની સામે પણ પ્રજાનો વિરોધ છે. જાકાર્તા, જાવા, સુમાત્રા, વેસ્ટ પપુઆ જેવાં દરેક સ્થળે પ્રજાનો આક્રોશ ઠલવાયો છે.

જાકાર્તામાં પાર્લામેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરવા હજારો લોકો ભેગા થયા હતા અને સલામતી વાડ તોડી અંદર પ્રવેશવા એમણે પ્રયત્ન કર્યા હતા. પોલીસે વૉટર કેનનની મદદથી અને ટીઅર ગૅસના રાઉન્ડ્ઝ ફોડી તેમને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. અનેક લોકો ઘાયલ થયા હતા અને વેસ્ટ પપુઆમાં તો ઝપાઝપીમાં વીસ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પાર્લામેન્ટના અધ્યક્ષે આખરે જાહેરાત કરવી પડી હતી કે બિલ હમણાં પાસ કરવામાં નહીં આવે! આ આખું આંદોલન કોઈ પણ પોલિટિકલ પાર્ટી પ્રેરિત ન હતું પણ આમાં  મહદંશે યુવાનોનો જુવાળ હતો. ૧૯૯૮માં પીઢ નેતા સુહાર્તોને સત્તા પરથી ઉતારવામાં યુવાનોના આંદોલને મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ તો વાત થઈ એશિયાની! પેલી તરફ યુરોપમાં પણ અનેક દેશોને પોતપોતાની સમસ્યા છે. ટ્યૂલીપનાં ફૂલો અને પવનચક્કીથી ઓળખાતો રળિયામણો દેશ નેધરલૅન્ડ આજકાલ ત્યાંના ખેડૂતોના આંદોલનથી ચર્ચામાં છે. ત્યાંના ખેડૂતો તાજેતરમાં હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આખા દેશના મુખ્ય  હાઈ-વે પર આવી ગયા અને ૧૧૩૬ કિલોમીટરના રસ્તા પર અભૂતપૂર્વ ટ્રાફિકજામ કરી નાખ્યો. જગતના તાતને નેધરલૅન્ડ સરકાર સામે શું ફરિયાદ હતી? ફરિયાદ એ હતી કે સરકારે ટિપ્પણી કરી હતી કે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ વધવા માટે ખેડૂતોની બેજવાબદારી કારણભૂત છે. નાઈટ્રસ ઓક્સાઇડની ગ્રીનહાઉસ ગૅસ ઇફેક્ટ, કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધુ છે. ત્યાંની એડ્વાઇઝરી કમિટી તથા ત્યાંના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે કહ્યું હતું કે પશુઓની સંખ્યા ઘટાડવી પડશે અને યોગ્ય કાર્યપદ્ધતિથી કામ ન કરતા હોય એવાં કેટલ ફાર્મ (પશુઓના વાડા) બંધ કરવા પડશે.

આવી ટિપ્પણીથી ખેડૂતો રોષે ભરાયા છે. એમનું કહેવું છે, અમને બલિનો બકરો બનાવવામાં આવે છે. આકાશમાં ઊડતાં વિમાનો  કે રસ્તા પરનાં વાહનો અતિ પ્રદૂષણ ફેલાવે છે, એ દિશામાં કામ થતું નથી અને ખેડૂતને ઠમઠોરવામાં આવે છે! મોટર રેસિંગ કે મલ્ટીનેશનલ કંપનીને કોઈ પૂછતું નથી અને અચાનક ગ્રીનહાઉસ ગૅસ માટે બધાં, પશુ અને ખેડૂતો તરફ આંગળી ચીંધી રહ્યા છે. ‘હારબંધ ટ્રેક્ટર્સ, ઝગારા મારતી હેડલાઈટ્સ અને હોર્નના ધ્વનિથી ખેડૂતોએ હોગના રસ્તાઓ પર જ નહીં પણ નેધરલૅન્ડના સેંકડો કિલોમીટર પર ટ્રાફિકજામ કરી દીધો હતો.

યુરોપના જ બીજા દેશ ફ્રાન્સના સુંદર અને રોમેન્ટિક કેપિટલ એવા પેરિસને પર્યાવરણવાદીઓના આંદોલને તાજેતરમાં જ ધમરોળ્યું હતું. રાયટ્સનો સામનો કરવા સજ્જ ૭૫૦૦ પોલીસ હોવા છતાં ત્યાંની ગલીઓ, મકાનો, દુકાનોમાં આંદોલનકારીઓએ આગ લગાવી કાનૂન અને વ્યવસ્થાની પથારી ફેરવી નાખી હતી. પોલીસ પર પથ્થર અને ઈંટથી  હુમલા પણ થયા. ખુરશી, ટેબલ, મોટરસાઇકલ જેવી અનેક વસ્તુઓને ગલી કે રસ્તા પર લાવી એને આગ ચાંપવામાં આવી.

હજી ગયા વર્ષે જ પેરિસે બે હજાર કરતાં વધુ શરણાર્થીઓનો સામનો કર્યો હતો. બીજા દેશના રેફ્યુજીએ પેરિસની ફૂટપાથ તથા બ્રિજની નીચે ધામા નાખ્યા હતા. એમને પીવા કે નાહવા માટે પાણીની વ્યવસ્થા પણ ન હતી અને પેરિસની જાહેર જગ્યાને એમણે પોતાનું ઘર બનાવી દીધું હતું. આ નિરાશ્રિતો અવારનવાર ત્યાંના શાંત વાતાવરણમાં ડખો પણ ઊભો કરતા હોય છે. રાયટ પોલીસે સવારે છ વાગે આવીને ૧૨૦૦થી વધુ લોકોને બસોમાં બીજે સ્થળે ખસેડ્યા હતા. તોફાનો અને સરકાર સામેના વિરોધ દેખાવોથી પેરિસવાસી હવે ટેવાઈ ગયા છે.

સપ્ટેમ્બરના અંતમાં ગ્રીકના એક આઇલૅન્ડ પર પણ તોફાન અને રોકકળનાં દૃશ્યો જોવા મળ્યાં. બીજા દેશમાંથી આવેલા નિરાશ્રિત લોકો યુરોપના દેશો માટે શિરદર્દ બની ગયા છે. ગ્રીકના એ ટાપુ પરના નિરાશ્રિત કેમ્પનું નામ મોરિયા કેમ્પ છે. ત્યાં વ્યવસ્થા ૩૦૦૦ લોકો માટેની છે અને રહે છે ૧૩૦૦૦ લોકો! તેઓ ખેતરોમાં તંબુમાં અથવા શીપિંગ કન્ટેનરમાં વિષમ પરિસ્થિતિમાં રહે છે. આમાંના મોટા ભાગના સિરિયન છે. સિરિયામાં રાજકીય, સામાજિક અને આર્થિક બધી રીતે અરાજકતા છે એટલે હજારોની સંખ્યામાં સિરિયન નિરાશ્રિતો તુર્કીના માર્ગે ગ્રીસમાં આવ્યા છે. છેલ્લાં ચાર વર્ષમાં ૭૦૦૦૦ સિરિયન નિરાશ્રિતો ગ્રીસમાં પ્રવેશ્યા છે.

મોરિયા કેમ્પમાં આગમાં  બળીને કાળા પડી ગયેલા નિરાશ્રિતના શબે અન્ય  નિરાશ્રિતોમાં વિદ્રોહ પ્રગટાવ્યો. આમ પણ, ક્ષમતા કરતાં ચાર ગણા માણસો જે કેમ્પમાં ઠલવાયા હોય એની હાલત શું થાય? રેફ્યુજી લોકોએ પોલીસ પર હુમલા કર્યા અને ફાયર એન્જિનને પણ ત્યાં પ્રવેશવા ન દીધા. તોફાનોને કારણે ૧૯ જેટલા લોકો ઘવાયા જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થતો હતો. સિરિયન્સ ઓછા હોય એમ અફઘાનિસ્તાન અને આફ્રિકાના ૩૫ હજાર લોકોએ આ વર્ષે ગ્રીસમાં આશરો લીધો છે.

 આ કેમ્પ જ્યાં છે એ લેસ્બોસ ટાપુના મૅયર સ્પાયરોસ ગેલીનોસે કહ્યું, “આ બૉમ્બ છે જે એક દિવસ ફૂટશે. બહારથી આવેલા આ નિરાશ્રિતોને અમે મેઇનલૅન્ડમાં બીજે ઠેકાણે સુવિધા આપીશું તો નવી પ્રજા આવીને મોરિયા કેમ્પમાં ધામા નાખશે. આ એવો ચક્રવ્યૂહ છે જે બધું જ ખેદાનમેદાન કરી નાખશે!”

આ બધા દેશો ઉપરાંત રશિયા, યમન, સિરિયા, ઇજિપ્ત જેવા દેશો આંતરિક વિરોધનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો, પર્યાવરણવાદીઓ, નિરાશ્રિતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ એમ સમાજના વિવિધ વર્ગમાંથી આવતા લોકો જ્યારે વિરોધ પ્રદર્શન કરે છે ત્યારે તેઓ પોતાની વાત, પોતાની વ્યથા, ફરિયાદ કે ફ્રસ્ટ્રેશન શાસક સુધી પહોંચાડવા માગતા હોય છે. અખબાર, ટીવી કે સોશિયલ મીડિયા દ્વારા એમની વાત કરોડો લોકો સુધી પહોંચે પણ છે છતાં આવાં વિરોધ પ્રદર્શન ક્યારે જાનમાલને નુકસાન પહોંચાડતાં આંદોલન બની જાય એ કોઈ કહી શકતું નથી.

અત્યાર સુધી ગરીબી, બેકારીનો ઊંચો દર, અપૂરતી સગવડો, ડિક્ટેટરશિપ કે ખોટા સરકારી નિર્ણયોની વિરુદ્ધ લોક આંદોલન થતાં હતાં. હવે એમાં નિરાશ્રિતોના તથા પર્યાવરણના પ્રશ્નો પણ ભળ્યા છે. શાસકો પાસે લોકોની અપેક્ષાઓ વધી છે. વિવિધ સળગતા મુદ્દાઓ ઉપર સરકાર ધ્યાન ના આપી શકે તો આ તોફાનો, જે-તે દેશને આંતરવિગ્રહ તરફ દોરી જઈ શકે. આપણા ઉપનિષદોમાં એક શાંતિમંત્ર છે જે મનુષ્યની, વનસ્પતિની, જળની તથા સમગ્ર સૃષ્ટિની શાંતિ માટેનો મંત્ર છે. આજે  ભારતીયો જ ઉપનિષદના આ મંત્રને વિસરી રહ્યા છે તો વિશ્વ પાસે તો એની અપેક્ષા શી રાખવી? આંદોલનરૂપી ઉકળતા ચરુ પર બેઠેલા વિવિધ દેશોના શાસકોને કે વહીવટદારોને ફક્ત એટલું જ કહેવાનું.... બી એલર્ટ! લોકોની અપેક્ષાઓને અને લોકશક્તિને અવગણો નહિ! 

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 03:22 PM IST | મુંબઈ | સંજય પંડ્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK