18 February, 2025 09:26 AM IST | Mumbai | Ruchita Shah
પપ્પાની બર્થ-ડે ગિફ્ટ તરીકે પેરન્ટ્સને અમેરિકાથી મહાકુંભમાં સંગમસ્નાન કરાવવા લઈ આવી બે ગુજરાતી બહેનો
સોશ્યલ મીડિયા પર દરરોજ મહાકુંભ સાથે સંકળાયેલી અવનવી વાઇરલ સ્ટોરીઓ આવી રહી છે અને લોકો પણ એમાં ભરપૂર રસ લઈ રહ્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઇન્ડિયન-અમેરિકન સુહાગ શુક્લએ એક પોસ્ટ મૂકી જેમાં તેમણે લખ્યું કે ‘મેં અને મારી બહેને પપ્પાને પૂછ્યું કે તમને બર્થ-ડે ગિફ્ટમાં શું જોઈએ છે ત્યારે પપ્પાએ જવાબ આપ્યો કે કે મારી પાસે તો બધું જ છે છતાં તું પૂછે જ છે તો કહીશ કે મારે ઇન્ડિયામાં ચાલી રહેલા કુંભમેળામાં ગંગાસ્નાન કરવું છે. એટલે આજ્ઞાંકિત દીકરીના નાતે, કૅલિફૉર્નિયા ટુ પ્રયાગરાજ... હર હર મહાદેવ.’
સુહાગની આ પોસ્ટ ખૂબ વાઇરલ થઈ એટલું જ નહીં, સોશ્યલ મીડિયા યુઝર્સે અઢળક કમેન્ટ પણ કરી. એક યુઝરે લખ્યું કે ‘તમારા ફાધર ખરેખર નસીબદાર છે કે તેમને તમારા જેવી દીકરીઓ મળી. તમે અડધું વિશ્વ પાર કરીને તમારા પિતાની ઇચ્છા પૂરી કરવા આવી રહ્યાં છો. સુરક્ષિત રહેજો અને મહાકુંભની દિવ્યતાને સ્પર્શજો.’
બીજા એક ફૉરેનર યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે ‘ભારતીયોની પરિવાર-વ્યવસ્થા અદ્ભુત છે. વિશ્વ પશ્ચિમને ‘વિકસિત’ અને ભારતને ‘વિકાસશીલ’ કહે છે, પરંતુ હું માનું છું કે આ વાત તદ્દન આનાથી ઊંધી છે.’
‘મિડ-ડે’એ અનેક માધ્યમો પર પ્રયાસ કરીને સુહાગ શુક્લનો નંબર મેળવ્યો અને તેમના મહાકુંભના અનુભવ વિશે વાતો કરી.
ભૂપેન્દ્ર શુક્લ અને ઉર્વશી શુક્લ સંગમ સ્નાન વખતે
બન્યો ઇન્સ્ટન્ટ પ્લાન
પ્રોફેશનલી ઍડ્વોકેટ અને સાથે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં સુહાગ અમેરિકાના ફિલાડેલ્ફિયા સ્ટેટમાં રહે છે અને તેમના પેરન્ટ્સ અને બહેન કૅલિફૉર્નિયામાં રહે છે. તેમના પિતા ભૂપેન્દ્રભાઈ મૂળ કપડવંજના અને ૬૦ના દશકમાં અમેરિકા સ્થાયી થયેલા. અત્યારે તેમનું બીજું ઘર અમદાવાદમાં પણ છે. સુહાગ, તેમની બહેન નેહા, તેમના પેરન્ટ્સ ભૂપેન્દ્રભાઈ અને ઉર્વશીબહેન અને તેમના મિત્ર મિહિર મેઘાણી સહિત કુલ ૧૦ જણનું ગ્રુપ ગયા અઠવાડિયે અમેરિકાથી પ્રયાગરાજ પહોંચ્યું હતું. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં સુહાગ કહે છે, ‘પાંચ ફેબ્રુઆરીએ પપ્પાની ૮૫મી વર્ષગાંઠ હતી અને અમે લગભગ સાતમી ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવવા નીકળી ગયાં, આટલો ફાસ્ટ પ્લાન બનાવ્યો. મારી બહેન જપાન ટ્રિપ પર હતી તો તે પણ પોતાની ટ્રિપ અધવચ્ચે જ પૂરી કરીને મહાકુંભમાં અમારી સાથે જોડાઈ ગઈ. અને ખૂબબધા લગેજ સાથે ચાલીને પ્રયાગરાજને એક્સપ્લોર કરવાનો જુદો જ અનુભવ રહ્યો.’
સુહાગ શુક્લ સાથે અમેરિકાથી આવેલું તેમનું ગ્રુપ
થઈ શ્રવણની પ્રતીતિ
દરઅસલ બન્યું એવું કે પ્રયાગરાજ ઍરપોર્ટ પર લૅન્ડ થયા પછી ગૌઘાટ પર ટૅક્સીએ તેમને ઉતાર્યાં અને આગળની સફર તેમણે બોટમાં પાર કરી. સુહાગ કહે છે, ‘સામાન અને ૧૦ જણ અમે એમ બધાં મળીને બોટમાં બેસીને આગળ વધી રહ્યાં હતાં એ પણ અમારા માટે આશ્ચર્ય હતું. બોટે અમને જ્યાં ઉતાર્યાં ત્યાંથી પણ અમારું રહેવાનું સ્થાન થોડાક કિલોમીટર દૂર હતું. આ સમયે અમને આપણાં શાસ્ત્રોમાં આવતી શ્રવણની કથાનો સાક્ષાત્કાર થઈ રહ્યો હતો. અમે શ્રવણની જેમ માતા-પિતાને કાવડમાં તો નહોતાં લીધાં, ઇન ફૅક્ટ તેઓ અમારાથી ઝડપથી ચાલતાં હતાં; પરંતુ ઑલમોસ્ટ તેમના જ વજનનો સામાન લઈને મેટલની પૅનલ પર બનેલા રસ્તા પર અમે ચાલી રહ્યાં હતાં. દરરોજ અમે લગભગ વીસ હજાર સ્ટેપ્સ ચાલ્યાં હોઈશું. બોટમાં બેસીને જ્યારે સંગમમાં સ્નાન કરવા ગયાં એ સમયે મમ્મી-પપ્પાનો જે રાજીપો હતો એનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. અમે તેમને લઈને આવ્યાં એ માટે તેઓ ખુશ-ખુશ હતાં અને તેમને કારણે અમે પણ અહીં આવી શક્યા એની અમે ધન્યતા અનુભવતાં હતાં.’
નેહા (ડાબે) અને સુહાગ શુક્લ
સૌહાર્દભર્યું વાતાવરણ
પ્રયાગરાજમાં લોકોની વિવિધતા અને મદદ કરવાની રીતથી અતિ ખુશ થયેલાં સુહાગ કહે છે, ‘તમને એટલી બધી ભાષાઓ ત્યાં ચાલતાં-ચાલતાં સાંભળવા મળે. કોઈ યુરોપિયન લૅન્ગ્વેજ બોલતું હોય તો કોઈ તામિલ તો કોઈ બંગાળી. અને આવી વિવિધતા વચ્ચે પણ લોકો એકબીજાને હેલ્પ કરવા તત્પર હોય. ભારતની સંસ્કૃતિમાં છુપાયેલો આ સંપ, આધ્યાત્મિકતાનો અસલી અનુભવ અમને કુંભમાં થયો છે. બધા જ એક જ રૂપ અને એક જ રાગમાં આગળ વધી રહ્યા હોય અને છતાં કોઈ કૉમ્પિટિશન ન હોય. એક અનોખી હાર્મની એ વાતાવરણમાં અમે અનુભવી છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી પરમાર્થ નિકેતન આશ્રમના પંડાલમાં અમે ગયાં હતાં, કારણ કે પરમાર્થ નિકેતનનાં સાધ્વી ભગવતી અમને ઓળખતાં હતાં. ત્યાં અમે હવન અને આરતી કર્યાં. અમારો ઓરિજિનલ પ્લાન અખાડાઓમાં ફરવાનો હતો, પરંતુ અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી બીજે દિવસે સવારે સમયપર ઍરપોર્ટ પર નહીં પહોંચી શકાય અને ફ્લાઇટ ચૂકી જવાશે એવું અમને કોઈએ કહ્યું. ત્યારે રાતોરાત અમે અમારો સામાન અમારા મૂળ મુકામથી પરમાર્થ નિકેતનમાં શિફ્ટ કર્યો. તાત્કાલિક ત્રણ રૂમ અમને બીજી અગવડો વહોરીને પણ આપ્યા. અમારો સામાન શિફ્ટ કરવામાં મદદ મળી ગઈ અને એ જ દિવસે અમને સાધ્વી ભગવતીએ રુદ્રાક્ષનો છોડ આપ્યો જે મેં અમદાવાદમાં અમારા બીજા ઘરે રોપી પણ દીધો છે.’
લોકો માટે સેલિબ્રિટી
સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે સુહાગ શુક્લ અને તેમનો પરિવાર લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એના કેટલાક રોચક કિસ્સાઓનું વર્ણન કરતાં સુહાગ કહે છે, ‘પ્રયાગરાજ પહોંચ્યા પછી હું રહેવા માટેની જગ્યાએ ચેક-ઇનની પ્રોસેસ કરી રહી હતી ત્યારે એક ભાઈ આવ્યા અને મને કહે કે તમે પેલાં સુહાગ શુક્લ જ છોને? હું તાજ્જુબમાં હતી. મેં હામી ભરી એટલે તેણે વાત આગળ ચલાવી કે મારી વાઇફને પણ હિન્દુ કલ્ચર પ્રત્યે ખૂબ માન છે અને તે પણ એ દિશામાં કામ કરવા માગે છે, તમે તેને ગાઇડ કરોને. સ્વાભાવિક રીતે એ વાત પણ મારા માટે આશ્ચર્યજનક હતી. મને થયું કે કરોડોની વસ્તીમાં હું કેવી રીતે ઓળખાઈ ગઈ? હજી તો આગળ વિચારું એ પહેલાં એ ભાઈ બહાર નીકળ્યા જ્યાં મારા પપ્પા વેઇટ કરતા હતા. ત્યાં જઈને તેમને હૅપી બર્થ-ડે સર એવું કહીને નીકળી ગયા. અમને ત્યારે ખબર પડી કે સોશ્યલ મીડિયાની પોસ્ટ વાઇરલ થઈ છે એનું આ પરિણામ છે. અમે પાછા જઈ રહ્યા હતા ત્યારે ઍરપોર્ટ પર વેઇટ કરતા હતા. એ સમયે પણ એક ભાઈ આવ્યા અને સીધું નામ જ પૂછ્યું કે તમે એ જ લેડી છોને જે પોતાના પેરન્ટ્સને અમેરિકાથી કુંભમાં લઈ આવ્યાં છો? ત્યારે પણ મને આાશ્ચર્ય થયું. એ સમયે એ ભાઈએ કહ્યું કે મેં આજના પેપરમાં ફ્રન્ટ પેજ પર તમારા વિશે વાંચ્યું. મેં અખબાર વિશે પૂછ્યું તો તેમણે પોતાના કઝિન પાસે ફોનમાં એ અખબારના પહેલા પાનાનો ફોટો મગાવ્યો જેમાં મારા વિશે અધૂરી અને ખોટી વિગતો લખવામાં આવી હતી. જોકે એ પછીયે સારું એ લાગ્યું કે સોશ્યલ મીડિયાને કારણે એક પૉઝિટિવ બાબત વાઇરલ થઈ હતી. કુંભમાં અમને અનુભવાયું કે જ્યારે તમે દેવત્વને સરેન્ડર થાઓ છો ત્યારે જ એનો આનંદ માણી શકો છો.
સમુદ્રમંથન અને અમૃતનાં ટીપાંની વાતો જો જૂની લાગે તો પણ અત્યારના વર્તમાન માહોલમાં પણ તમને હ્યુમન સ્પિરિટનું સેલિબ્રેશન કુંભમાં અનુભવાશે. તમે પ્લાન કરીને ગયા હો એ પ્રમાણે ન થાય તો પણ એના અફસોસ સાથે તમે પાછા નથી આવતા એ કુંભની ખાસિયત છે. આ સમજાવી ન શકાય કે બોલી ન શકાય, માત્ર અનુભવી શકાય એવો ઉત્સવ છે. જે પણ તત્ત્વવજ્ઞાન તમે ભણ્યા છો એનો સાક્ષાત્કાર તમને કુંભમાં વાસ્તવિકતા સાથે થશે.’