જે વ્યક્તિ નિષ્ફળતાના પથે ચાલવામાં સફળ થાય છે તે સફળતારૂપી ફળને પામે છે

11 August, 2025 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક દોકડા માટે ફાંફાં મારતા ફરીએ અને કહીએ કે કુદરતે મને દોકડો મળવા ન દીધો પરંતુ એ તો આપણને સોનામહોર આપવા માગે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આઇઝનહોવર કહે છે : ‘મને હંમેશાં થતું કે લાયકાતવાળાની કદર નથી થતી. પરંતુ એવું નથી, કુદરત યોગ્ય વ્યક્તિની યોગ્યતાને અનુરૂપ સફળતા આપવા માટે યોગ્ય સમયની રાહ જુએ છે. પરંતુ એ માણસને જણાતું નથી તેથી હતાશ થયા કરે છે. પરંતુ જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી આપણી પાસે જે કંઈ યોગ્યતા છે એને વિકસાવવી જોઈએ. એક દોકડા માટે ફાંફાં મારતા ફરીએ અને કહીએ કે કુદરતે મને દોકડો મળવા ન દીધો પરંતુ એ તો આપણને સોનામહોર આપવા માગે છે.’

આ જ કારણ છે કે જે વ્યક્તિ નિષ્ફળતાના પથે ચાલવામાં સફળ થાય છે તે સફળતારૂપી ફળને પામે છે.

નવલકથાકાર જૉન ક્રિજીનાં પુસ્તકોને પ્રકાશિત કરવાની અરજીને પ્રકાશકોએ ૭પ૩ વખત ફગાવી દીધી છતાં પણ તે પાછો ન પહ્યો. પરંતુ ત્યાર બાદ તેનાં ૫૪૪ પુસ્તકો પ્રકાશિત થયાં. લુઇ પાશ્ચરે દૂધમાંથી બૅક્ટેરિયા જુદા પાડવાના ૯૦૦૦ નિષ્ફળ પ્રયોગો કર્યા, અંતે પોતાની ભૂલ પકડી કાર્ય કર્યું તો ૧૮૬૨માં સફળ થયા અને દૂધને જંતુમુક્ત કરવાની પૅશ્ચરાઇઝેશન પ્રક્રિયાની ભેટ આપી.

પૂ. પ્રમુખસ્વામી મહારાજને ગુરુસંકલ્પને સાકાર કરવા લંડનમાં મંદિર કરવું હતું. પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં જમીન સંપાદન માટે નિષ્ફળતા મળતી. ઘણાં વર્ષોના પ્રયત્ન પછી એક વિસ્તારમાં જમીન સંપાદિત થઈ પરંતુ જ્યારે મંદિર માટે પરવાનગી લેવાની થઈ ત્યારે ત્યાં નજીકમાં વસતા સદગૃહસ્થોએ મંદિર બનવાથી પ્રદૂષણ થશે, ટ્રાફિક થશે જેવા પ્રશ્નો ઉઠાવ્યા. કોર્ટમાં કેસ થયો. મંદિરના પક્ષમાં રહેનારા ૨૦,૦૦૦ લોકોની સહી એકત્ર કરવામાં આવી છતાં એ સમયે કેસ હારી ગયા. આવી ભયંકર નિષ્ફળતા મળવા છતાં પ્રમુખસ્વામી મહારાજ સ્થિર હતા. ત્યાર બાદ નિસડન વિસ્તારમાં જમીન મળતાં ત્યાં મંદિર બાંધકામ શરૂ થયું. પરંતુ એ સમય દરમિયાન જ વૈશ્વિક મંદી આવી છતાં પ્રમુખસ્વામી મહારાજ હાર્યા કે ડગ્યા વિના પોતાની આપસૂઝ અને ભગવાનના બળથી પાર ઊતર્યા એટલું જ નહીં, આરસનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવ્યું. જે મંદિરે મોટા-મોટા માંધાતાઓ, રાજવી પરિવાર, અન્ય દેશોના પ્રેસિડન્ટો, ઉમરાવો અને અમલદારોને પોતાની તરફ આકર્ષિત કર્યા. ઘણા લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી. બાળ-યુવાનોને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું. લંડનનું આ સર્જન ઘણાં વિશ્વ પ્રસિદ્ધ મૅગેઝિન અને સામાયિકોના મુખ્ય પૃષ્ઠ પર પણ ચમક્યું. વિશ્વપ્રસિદ્ધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ દ્વારા મંદિરને ‘Largest Hindu Stone mandir in the western hemisphere’ તરીકે બિરદાવવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં આપણી વચ્ચે રહેતા મહાપુરુષો આપણને એટલું જ શીખવી જાય છે કે

કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી,

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી

એટલે જ કહી શકાય કે જે નિષ્ફળતાને અપનાવે છે તે સફળતાને જરૂર પામે છે. કારણ કે નિષ્ફળતા સફળતાનો Stepping stone છે.

-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી 

culture news life and style columnists gujarati mid day mumbai swaminarayan sampraday