વિચારોના અડાબીડ જંગલમાં

16 September, 2021 05:03 PM IST  |  Mumbai | JD Majethia

પેરન્ટ્સ, કોવિડ, અફઘાનિસ્તાન, કામ, શૂટિંગ અને એ સિવાયના પણ અનેક વિચારો મનમાં ચાલે છે ત્યારે કઈ વાત પહેલાં કરું અને કઈ વાત પછી કરું એ નક્કી નથી થઈ શકતું

વિચારોના અડાબીડ જંગલમાં

આજે મનમાં ઘણાબધા વિચારો ચાલી રહ્યા છે. શું લખું, કયા વિષય પર લખું, કઈ વાત કરું તમારી સાથે? 
રવિવારે મારાં મમ્મી-પપ્પા ઘરે આવ્યાં અને તેમની સાથે આખો રવિવાર મેં ગાળ્યો એના પર લખું કે પછી હમણાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ આગેકૂચ કરીને જે રીતે આખું અફઘાનિસ્તાન પોતાના તાબે કરી લીધું એની વાત કરીએ કે પછી અફઘાનિસ્તાન તાબે કરી લેવાના કારણે આપણા જીવન પર શું અસર થવાની છે, થઈ શકે છે એના પર લખું? શેની વાત કરું તમારી સાથે, કોવિડની ત્રીજી વેવની શરૂઆત થતી હોય એવું દેખાવા માંડ્યું છે. વધતા કેસિસ કહે છે કે સાવચેત રહેવું બહુ જરૂરી છે તો એના વિશે આપણે વાત કરીએ કે પછી આપણી સિરિયલ ‘વાગલે કી દુનિયા’માં હમણાં એક બહુ સારો એપિસોડ અમે કર્યો, જેણે એ જોયો હશે તેને એની ખબર જ હશે. વિઘ્નહર્તા ગણેશજીના આ દિવસો છે તો એમાં કલાકારોએ કેવી રીતે ભાગ લીધો અને કલાકારોને કેવી રીતે આપણે મદદ કરી શકીએ એના પર થોડું વિસ્તારથી લખીને તમારી સાથે મનના વિચારો શૅર કરું કે પછી આમ જ, રૅન્ડમ રીતે મનમાં ભાગતા બીજા વિચારો વિશે તમારી સાથે વાત કરું?
શેના વિશે વાત કરું હું? આમ તો જ્યારે પણ લેખ લખવા બેસું ત્યારે મનમાં વાત સ્પષ્ટ હોય પણ આ વખતે એ સ્પષ્ટતા નથી અને એને જ લીધે આ વખતે મેં ‘મિડ-ડે’ની ઑફિસ પર આર્ટિકલ પણ બહુ મોડો-મોડો મોકલાવ્યો. મનમાં એમ પણ થયું હતું કે એવું હોય તો એક વીકની રજા લઈ લઉં પણ પછી થયું કે ના, સંવાદનો આ સેતુ તોડવો ન જોઈએ એટલે ફરીથી મનને શાંત પાડીને આ લેખ લખવા માટે બેઠો અને જેવો લખવા માટે બેઠો કે તરત મને યાદ આવ્યું કે જ્યારે ઘણુંબધું મનમાં ચાલી રહ્યું હોય ત્યારે વિચારોને એક ખાનામાં ગોઠવીને એનો એક ઑર્ડર બનાવી દેવો જેથી કશું મિક્સઅપ ન થાય અને પછી એક પછી એક વિચારોને પ્રાયોરિટી મુજબ લેતા જવાના અને એનો નિકાલ કરતા જવાનો.
બસ, એવું જ કર્યું અને વિચારોનો ઑર્ડર બનાવી દીધો. ઑર્ડર બનાવી દીધા પછી મને થયું કે જે વાતથી શરૂઆત કરી એ જ ટૉપિકને પહેલો રાખીને બધા વિચારોને કેમ કનેક્ટ ન કરતા જઈએ? ચાલો, એવું જ કરીએ.
સૌથી પહેલાં શરૂ કરીએ વાત ગયા રવિવારની. રવિવારે મારાં મમ્મી-પપ્પા ઘરે આવ્યાં અને મેં તમને અગાઉ કહ્યું છે એમ મારા બાપુજી હવે ઑલમોસ્ટ બેડરિડન છે. તેમની વાચા નથી અને શરીર પણ સાથ હવે થોડો ઓછો આપે છે પણ તેમની માનસિક તંદુરસ્તી એટલી જ સરસ છે અને હવે તેમની પાસે ઇશારાની બોલી છે, ડાબા હાથના ઇશારાની, જેના વિશે મેં તમને કહ્યું હતું અને આપણે ઘણીબધી એ વિશે વાત થઈ હતી. બાપુજી સાથે એ ઇશારાની ભાષા સાથે અમે ઘણી વાતો કરી, ખૂબ મજા આવી. આખો દિવસ પેરન્ટ્સ સાથે ગાળ્યો, બધાં કામો સાઇડ પર મૂકીને દિવસ ગાળ્યો અને મારે મન એ મજેદાર પ્રવૃત્તિ છે. આજે હવે એ બધી વાતો ડીટેલમાં નથી કરતો. ફરી ક્યારેક કરીશું, થોડા દિવસ પછી એ ફરી આવવાના છે ત્યારે તેમના વિશે રસપ્રદ વાતો કહીશ તમને અને હા, આ કે પછી ભૂતકાળની કે ભવિષ્યની જે વાતો છે એ વાતો કરવાનું એક અગત્યનું કારણ છે અને એટલે જ એ બધી વાત કરું છું. જેમ હું મારાં માબાપ સાથે કનેક્ટ રહી શકું છું તો મને દર વખતે થાય છે કે હું એ વાતોથી જો થોડાક લોકોને ઇન્સ્પાયર કરી શકું તો બહુ સારું છે. એ જો તેમનાં માબાપ સાથે સમય માણી શકે, મજા કરી શકે અને માબાપને પણ મનથી તૃપ્તિ મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય? આમ પણ મારો હેતુ તો એ જ હોય છે કે બધાના જીવનમાં થોડી-થોડી ખુશી આવે અને એ ખુશીઓ સાથે થોડું-થોડું સુખ જીવનમાં ઉમેરાય.
આવીએ બીજા વિષય પર. મેં કહ્યું એમ, મારા મનમાં સેકન્ડ સબ્જેક્ટ હતો થર્ડ વેવ. એવું માનતા નહીં કે આ જેડીભાઈ દર બેચાર અઠવાડિયે કોરોનાની વાત કરીને શું કામ અમને ડરાવે છે? જો તમને યાદ ન હોય તો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં આપણે જ આ કૉલમમાં કોવિડની વાત ચાલુ કરી હતી અને તમને મેં કહ્યું હતું કે બહુ સાવચેત રહેવું પડે એવા દિવસો આવી શકે છે અને કમનસીબે એ દિવસો આવ્યા પણ ખરા. કોરોના સાવચેતીનો જ વિષય છે. થર્ડ વેવની વાત એટલે જરૂરી છે કે એનાં પડઘમ વાગવાં શરૂ થઈ ગયાં છે. 
અત્યારે તમારી આજુબાજુમાં કેટલા કેસિસ આવ્યા છે એની મને ખબર નથી પણ હું તમને મારી વાત કરું. અમારી સોસાયટીમાં અમે એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું છે એટલે જેવો અમારા ટાવરમાં નવો કોઈ કેસ આવે કે તરત એ ગ્રુપમાં મેસેજ આવી જાય. હમણાં એ ગ્રુપમાં મેસેજની સંખ્યા વધવા માંડી છે. ગ્રુપમાં આવતા એ મેસેજિસ વાંચીને મને જરાક ચિંતા ઊપજી છે. ચિંતાનું એક બીજું કારણ પણ કહું તમને. મારો એક મિત્ર જ્યાં રહે છે એ બિલ્ડિંગમાં એક જ દિવસમાં એકસાથે પાંચ કેસ આવ્યા તો બીજા એક ફ્રેન્ડના બિલ્ડિંગમાં પણ એવું જ બન્યું. કહેવાનો ભાવાર્થ એ કે ફરી પાછું ધીમે-ધીમે સંભળાવું શરૂ થયું છે કે કેસ આવ્યા. તમે જુઓ, હવે ભારતમાં ફરી પચીસ ને ત્રીસ હજાર કેસના નંબરો આવવા માંડ્યા છે, જેને જોતાં એવું લાગે છે કે આ નવરાત્રિ અને દિવાળી સુધીમાં કોરોના પીક પર આવી શકે છે. સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. સાવધાની દર્શાવવાનો ફરી સમય આવી ગયો છે. 
તમે સાવચેત નહીં રહો તો તમારા આ બન્ને તહેવારો બગડી શકે છે એટલે ખૂબ સાવેચત રહેજો અને ધ્યાન રાખજો. સાવચેત રહેવા માટે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અને સૅનિટાઇઝર જેવાં સૂચનો હવે બધાને કહેવાની જરૂર પડતી નથી, બધાને યાદ જ છે પણ હા, બેદરકારી ફરીથી આવી ગઈ છે એ પણ કબૂલ કરવું જ રહ્યું એટલે બેદરકારી રાખતા નહીં એના માટે એક હળવું રિમાઇન્ડર તમને આપવાનું છે. એ રિમાઇન્ડર સાથે રિમાઇન્ડર સેકન્ડ ડોઝનું પણ. આ રિમાઇન્ડર મને પણ લાગુ પડે છે, કારણ કે મારે પણ સેકન્ડ ડોઝ લેવાનો છે અને તમારે લોકોએ પણ એ લેવાનો હશે તો એમાં જરા પણ ભૂલ કરતા નહીં. સેકન્ડ ડોઝનું એટલે કહું છું કે પહેલો ડોઝ તો તમે લઈ જ લીધો હશે એવું અઝ્યુમ કરી લીધું છે અને ધારો કે એ ન લીધો હોય તો પ્લીઝ, જલદી લઈ લેજો. વૅક્સિન નહીં લેવાની ભૂલ હવે નહીં કરતા. તમને ખબર જ હશે કે મૉલ ખોલ્યા છે પણ એમાં જેમણે બે ડોઝ લીધા હોય તેમને જ જવા મળે છે. મારો સેકન્ડ ડોઝ ડ્યુ નહોતો તો હું પોતે મારા નવા લીધેલા મોબાઇલના એક કામ માટે મૉલમાં ન ગયો.
રૂલ મતલબ રૂલ, ફૉલો ન કરે વો ફુલ. 
આપણી ‘વાગલે કી દુનિયા’ના જોષીપુરા કહેતા હોય છેને એવી જ રીતે કહું છું તમને. બે ડોઝ મહત્ત્વના છે. બહારગામ પણ જવું હશે તો ટ્રાવેલથી લઈને બધી જગ્યાએ તમારી પાસે એ બે ડોઝનું પ્રૂફ માગવામાં આવશે અને જો એ નહીં હોય તો તમને ટ્રાવેલ કરવા ન મળે એવું બની શકે છે તો એવું પણ લાગે છે કે કદાચ કોરોના વૅક્સિનની એન્ટ્રી કદાચ આવતા સમયમાં પાસપોર્ટમાં પણ કરી નાખવામાં આવે જેથી ફૉરેન ટ્રાવેલ કરવામાં પણ પ્રૉબ્લેમ ન થાય. ઍનીવેઝ, સ્થળની મર્યાદાને ધ્યાનમાં રાખીને આજની વાત અહીં અટકાવીએ. હવે મળીશું આવતા ગુરુવારે, વિચારોનો આ ઝંઝાવાત ત્યારે પણ કન્ટિન્યુ કરીશું.

columnists JD Majethia