હાથેથી સીવેલા ફ્રૉકની સિલાઈ મશીન કરતાં મજબૂત

24 November, 2021 04:06 PM IST  |  Mumbai | Varsha Chitaliya

હવે સમૃદ્ધ પરિવારની ગર્લ્સ પણ તેમના હાથે સીવેલા ડ્રેસિસ લઈ જાય છે. કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર માત્ર મદદરૂપ થવાના આશયથી શરૂ કરેલી આ પ્રવૃત્તિ કેવો રંગ લાવી એ જોઈ લો

હાથેથી સીવેલા ફ્રૉકની સિલાઈ મશીન કરતાં મજબૂત

ઘાટકોપરનાં ૬૭ વર્ષનાં હીરા જોગીએ આર્થિક રીતે પછાત વર્ગની બાળાઓ માટે કપડાં સીવવાનું શરૂ કર્યું હતું ને હવે સમૃદ્ધ પરિવારની ગર્લ્સ પણ તેમના હાથે સીવેલા ડ્રેસિસ લઈ જાય છે. કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર માત્ર મદદરૂપ થવાના આશયથી શરૂ કરેલી આ પ્રવૃત્તિ કેવો રંગ લાવી એ જોઈ લો

નવજાત શિશુ માટેનાં ઝબલાં અને બાળોતિયાં, ફ્રૉક, ચણિયાચોળી સહિત જુદા-જુદા વસ્ત્રોનો ઢગલો તમારી સામે મૂકી કહેવામાં આવે કે માપ પ્રમાણે પસંદ કરીને લઈ જાઓ. એ પણ મફતમાં તો તમે શું કરો? સામાન્ય રીતે સુખી-સમૃદ્ધ પરિવારની મહિલાઓ ફ્રીમાં મળતા ડ્રેસિસ લેવાનું પસંદ ન કરે, પરંતુ ઘાટકોપરમાં રહેતાં ૬૭ વર્ષનાં હીરા અમૃતલાલ જોગીએ સ્ટિચ કરેલા ડ્રેસિસનું ફિનિશિંગ વર્ક જોઈને તેઓ લાલચ રોકી શકતી નથી. નિવૃત્તિમાં સમય પસાર કરવા તેમ જ સમાજસેવાના ભાગરૂપે હીરાબહેને પછાત વર્ગની બાળાઓ માટે કપડાં સીવવાનું શરૂ કર્યું હતું પણ સિલાઈકામમાં તેમની કુનેહ અને લગન જોઈને આજે ખાધેપીધે સુખી પરિવારની ગર્લ્સ પણ તેમના હાથે સીવેલા ડ્રેસિસ પહેરવાનો આગ્રહ રાખે છે. જોકે તેઓ આ કામ માટે કોઈની પાસેથી એક પણ રૂપિયો લેતાં નથી. મદદરૂપ થવાના આશયથી શરૂ કરેલી આ પ્રવૃત્તિ કેવો રંગ લાવી જોઈ લો. 
સીવણકામ કેમ?
લગભગ એક દાયકા પહેલાં શરૂ કરેલી પ્રવૃત્તિ વિશે વાત કરતાં હીરાબહેન કહે છે, ‘પૈસેટકે સુખી હોઈએ, કામવાળા હોય અને સામાજિક તેમ જ પારિવારિક જવાબદારીઓ ઉપાડવા ઘરમાં વહુ આવી ગઈ હોય પછી આપણા માટે ઘરમાં ખાસ કામકાજ હોતું નથી. આખો દિવસ કરવું શું? સીવણકામમાં પહેલેથી રસ હતો તેથી થયું કે જીવનમાં એવું કાર્ય કરીએ જેના કારણે આપણો સમય પસાર થાય અને સમાજને ઉપયોગી પણ બનીએ. શરૂઆતમાં કામવાળી બાઈની છોકરીઓ, વૉચમૅન, ઇસ્ત્રીવાળો અને આસપાસના વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની બા‍ળાઓ માટે ફ્રૉક સ્ટિચ કરીને આપતી. બે-ત્રણ દુકાનવાળાને કહી રાખ્યું હતું કે તાકામાં છેલ્લે જે કાપડ વધે એ મારા માટે રહેવા દેજો. તેઓ સસ્તા ભાવે કાપડ આપી દેતા. જરૂરિયાતમંદોને કહી રાખ્યું હતું કે ફ્રીમાં આપું છું, જ્યારે જરૂર હોય ત્યારે મૂંઝાયા વગર લઈ જજો. મારું માનવું છે કે કોઈને મદદરૂપ થવાની ભાવના કેળવો તો ભગવાન તમને આપો એના કરતાં ડબલ આપી દે છે.’
પ્રવૃત્તિનું વિસ્તરણ
હું મારું કામ કર્યે જતી હતી એવામાં રસપ્રદ ઘટના બની એમ જણાવતાં તેઓ કહે છે, ‘અમારા એક ઓળખીતામાં વહુ પ્રેગ્નન્ટ હતી. એને મારી પ્રવૃત્તિની જાણ હતી અને સિલાઈકામ ગમતું 
તેથી નવજાત શિશુ માટે કપડાં સીવી આપવા વિનંતી કરી. મેં ઝબલાં ને બાળોતિયાં સીવી આપ્યાં. અમારું સોશ્યલ સર્કલ મોટું એટલે વાત પ્રસરતાં વાર ન લાગે. પછી તો બધા કહેવા લાગ્યા કે મશીન વગર તમે કેટલું સરસ કામ કરો છો. તમારી સિલાઈ મજબૂત છે તો અમને પણ સીવીને આપો. આમ પ્રવૃત્તિ વિસ્તરતી ગઈ. જોકે ગરીબ હોય કે સુખી પરિવારની બહેનો, કોઈની પાસેથી પૈસા નહીં લેવાના. એ લોકો પૂછે તોય ના પાડી દઉં. ડે ટુ ડે લાઇફમાં પહેરાતાં વસ્ત્રો ઉપરાંત હવે ચણિયાચોળી અને પ્રસંગોમાં પહેરવા જેવા ભારે ડ્રેસિસ પણ સીવીને રાખી મૂકું. નાની-નાની છોકરીઓ પહેરીને ખુશ થાય એ જ મારું વળતર.’

મશીનથી વધુ મજબૂતાઈ
કટિંગ, સિલાઈ, બટન ટાંકવાં કે લટકણિયાં અને ફૂમતાં જેવા ડેકોરેટિવ પીસ ટાંકવાના હોય; હીરાબહેન મશીનનો ઉપયોગ બિલકુલ કરતા નથી. હાથની સિલાઈ જ એટલી મજબૂત હોય છે કે લોકોને તેમનું કામ ગમી જાય છે.

સંગીત સાથે ઘરોબો

હીરા જોગીને સ્ટિચિંગ ઉપરાંત સંગીતનો પણ જબરો શોખ છે. સામાજિક મેળાવડામાં ગુજરાતી, મરાઠી અને હિન્દી ત્રણેય ભાષામાં ગીતો ગાય છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘મારો જન્મ બનારસમાં થયો છે તેથી ગીત-સંગીત પ્રત્યે નાનપણથી જ લગાવ હતો. બાકાયદા તાલીમ નથી લીધી, પરંતુ જૂનાં ફિલ્મી ગીતો અને લગ્નનાં ગીતો ગાવાનો ખૂબ શોખ છે. જન્મ યુપીમાં એટલે હિન્દી ભાષાનાં ઉચ્ચારણો એકદમ શુદ્ધ. માતૃભાષા ગુજરાતી અને આપણે રહીએ મહારાષ્ટ્રમાં એટલે આ બે ભાષા પર પણ સારુંએવું પ્રભુત્વ છે. સગાં-સંબંધીમાં કોઈનો જન્મદિવસ હોય, લગ્ન હોય કે નાના-મોટા પ્રસંગોમાં ગીતો ગાઈ રસને જાળવી રાખ્યો છે. બધા ડિમાન્ડ પણ કરે. ભજન પણ ગાઈએ. શોખ ઘણા છે 
પણ ક્યારેય એને પ્રોફેશનલ લેવલ પર લઈ જવાનો વિચાર આવ્યો નથી.’

columnists Varsha Chitaliya