સ્ટ્રેન્જફુલ સ્ટ્રેસ:પહેલાં જેનું અસ્તિત્વ નહોતું એ ઉપાધિનો જન્મ કેવી રીતે થયો?

18 October, 2021 09:22 AM IST  |  Mumbai | Manoj Joshi

અન્યનું સુખી જીવન તમારે માટે પીડાદાયક બને અને એની સાથે સીધી સરખામણી શરૂ થાય તો નૅચરલી એ સ્ટ્રેસ બનીને તમારા જીવનની જ્યાફત ઉડાડવાનું શરૂ કરે.

પ્રતીકાત્મક તસવીર

બહુ વાજબી પ્રશ્ન છે આ. તમે જઈને વડીલોને મળશો તો તે તમને કહેશે કે અમારા સમયે તો આવું સ્ટ્રેસ-બ્રેસ કંઈ નહોતું અને એ સાચું પણ છે. સ્ટ્રેસ એ સમયે નહોતું કે પછી એ સમયે એનું અસ્તિત્વ નામજોગ હતું, પણ આજે હવે એવું રહ્યું નથી. આજે બાળકોને પણ સ્ટ્રેસ હોય છે અને યંગસ્ટર્સ પણ સ્ટ્રેસ વચ્ચે દુખી થઈ રહ્યા છે. હેરાનગતિ વચ્ચે સ્ટ્રેસ સતત હેરાનગતિનો વધારો કરી રહ્યું છે અને એ જોઈને વડીલોને નવાઈ લાગે છે. તેમની આ નવાઈ સાચી છે. અનાયાસ જ દેખા દેવાનું શરૂ કરનારા સ્ટ્રેસનું અસ્તિત્વ એક તબક્કે ક્યાંય નહોતું અને હવે એવું બન્યું છે કે જગતની દરેક બીજી વ્યક્તિ સ્ટ્રેસનો ભોગ બની છે. આવા સમયે મનમાં પહેલો પ્રશ્ન જન્મે કે સ્ટ્રેસ નામની આ ઉપાધિ જન્મી ક્યાંથી અને કેવી રીતે એનો ઉદ્ભવ થયો?
સાયકોલૉજિસ્ટના કહેવા મુજબ દરેકના સ્ટ્રેસ-પૉઇન્ટ અલગ-અલગ હોય છે, પણ મૅજોરિટી જોવામાં આવ્યું છે કે દેખાદેખી કે પછી સરખામણી કરવાની ભાવનામાંથી સ્ટ્રેસનો ઉદ્ભવ થતો હોય છે. અન્યના જીવનમાં પ્રસરેલી શાંતિ અને એ શાંતિને જોવાનો દૃષ્ટિકોણ તમારા જીવનમાં સ્ટ્રેસ પેદા કરી શકે છે. અન્યનું સુખી જીવન તમારે માટે પીડાદાયક બને અને એની સાથે સીધી સરખામણી શરૂ થાય તો નૅચરલી એ સ્ટ્રેસ બનીને તમારા જીવનની જ્યાફત ઉડાડવાનું શરૂ કરે. સાથે રહ્યા હોઈએ, સાથે મોટા થયા હોઈએ અને એ પછી એક આગળ નીકળી જાય અને બીજો હજી પણ દુખી થતો રહે તો બની શકે કે આગળ વધી ગયેલી વ્યક્તિની દેખાદેખી સ્ટ્રેસ બની જાય. 
જરૂરી નથી કે આ જ કારણ હોય કે પછી આવાં જ કારણ હોય. સતત વિચારોની દુનિયામાં રહેવાની માનસિકતા અને એ ઉદ્વેગમાં કોઈ હકારાત્મક બાબતો નહીં હોવાની તકલીફ પણ સ્ટ્રેસ જનરેટ કરવાનું કામ કરે છે તો વિચારોમાં એકધારા ભવિષ્યની ચિંતા કરતા રહેવું અને ભવિષ્યમાં આવનારા પ્રશ્નોનો હાઉ અત્યારથી જ મોટો કરી દેવો એ પણ સ્ટ્રેસનું જન્મદાતા બની શકે છે. સ્ટ્રેસ જેમ આભાસી છે એવી જ રીતે સ્ટ્રેસનો જન્મ પણ આભાસમાંથી જ થાય છે અને એટલે જ સાયકોલૉજિસ્ટથી માંડીને કાર્ડિઍક અને ન્યુરો સર્જ્યન પણ કહે છે કે એ આભાસને દૂર કરવાનો સરળ રસ્તો છે, સ્ટ્રેસને બસ્ટ કરો અને એનું બૂસ્ટર એક જ છે, એની ચર્ચા કરી લો. જે સમયે સ્ટ્રેસની ચર્ચા થાય એ સમયે એ સાંભળનારાઓએ પણ તૈયારી રાખવાની છે કે મૅક્સિમમ વાતને હકારાત્મકતા સાથે સકારાત્મકતા સાથે સમજવાની છે અને એનો સ્વીકાર કરવાનો છે, કારણ કે વાત જ આભાસી છે. આભાસની બાબતમાં ચર્ચા અને દલીલોને કોઈ સ્થાન નથી તો પછી એને વિવાદનો મુદ્દો બનાવીને નવેસરથી સ્ટ્રેસ પૉઇન્ટ જનરેટ કરવાનો કોઈ અર્થ નથી અને જો એવું ન થવા દેવું હોય તો બહેતર છે કે સ્ટ્રેસને હાંકી કાઢવાની તૈયારી સાથે કાન ખુલ્લા રાખવાના છે અને મગજ બંધ રાખવાનું છે.
સ્ટ્રેસની બાબતમાં સ્ત્રીઓ પ્રમાણમાં થોડી નસીબદાર છે, પણ દરેક તબક્કે એવું બનતું નથી એ પણ કોઈએ ભૂલવું નહીં. શું કામ એની ચર્ચા કરીશું આપણે આવતી કાલે.

columnists manoj joshi