સ્ટ્રેન્જફુલ સ્ટ્રેસ : વાણી સ્વતંત્રતાના દુરુપયોગે સ્ટ્રેસને બૂસ્ટ કરવાનું કામ અદ્ભુત રીતે કર્યું

19 October, 2021 04:05 PM IST  |  Mumbai | Manoj Joshi

હા, આ સત્ય વચન છે. એક સમયે સ્ટ્રેસ નામનો રાક્ષસ દેખાતો નહોતો. કારણ શું હતું? કારણ એ જ કે પુરુષપ્રધાન સમાજના પરિવારમાં ક્યાંય અંગત મતભેદ નહોતા અને એ નહોતા એટલે પારિવારિક પ્રશ્નોમાં મતંવ્યો વધતાં નહીં અને મતમતાંતરની સંભાવના પણ ઘટી જતી.

પ્રતીકાત્મક તસવીર

હા, આ સત્ય વચન છે. એક સમયે સ્ટ્રેસ નામનો રાક્ષસ દેખાતો નહોતો. કારણ શું હતું? કારણ એ જ કે પુરુષપ્રધાન સમાજના પરિવારમાં ક્યાંય અંગત મતભેદ નહોતા અને એ નહોતા એટલે પારિવારિક પ્રશ્નોમાં મતંવ્યો વધતાં નહીં અને મતમતાંતરની સંભાવના પણ ઘટી જતી. દાદા અને વડદાદાના સમયમાં તેમનો શબ્દ આદેશ ગણાતો અને એ આદેશ સૌકોઈએ પાળવો એવું પણ રહેતું, પણ સમય જતાં વાણી સ્વતંત્રતા આવી અને આ વાણી સ્વતંત્રતાએ આઝાદી લાવવાનું કામ કર્યું. આઝાદીના આધારે બન્યું એવું કે શરૂઆતનો તબક્કો આઝાદી વચ્ચે પસાર થયો, પણ એ પછીના સમયગાળામાં સ્વચ્છંદતા આવી અને એ સ્વચ્છંદતાએ સંબંધોમાં વિચ્છેદની શરૂઆત કરી, જેના પરિણામસ્વરૂપ સ્ટ્રેસનો જન્મ થયો. કહો કે જન્મેલા સ્ટ્રેસે રાક્ષસી રૂપ લીધું અને એ રૂપ આજે વિકરાળ બની બેઠું છે.

સ્ટ્રેસનાં અનેક દુષ્પરિણામ છે અને એ પરિણામ ક્યાંક ને ક્યાંક પુરુષોને વધારે નડતરરૂપ બન્યાં છે. અહીં ક્યાંય જેન્ડર-ડિફરન્સને સ્થાન નથી, પણ આ હકીકત છે. એક તબક્કે જે પુરુષ પાસે બોલવાના અધિકાર હતા એ અધિકાર હવે પુરુષ ભોગવી નથી રહ્યો અને ધારો કે એ ભોગવે છે તો પણ તેના મનમાં છે એ વાતને, એ શબ્દોને હજી વાચા નથી મળતી અને જે શબ્દોને વાચા નથી મળતી એ શબ્દો વિચારો દ્વારા સ્ટ્રેસ ઊભું કરવાનું કામ કરી બેસે છે. સ્ટ્રેસથી દૂર રહેવાનો સૌથી સરળ રસ્તો છે - જે મનમાં છે એનું નિરાકરણ લાવો અને નિરાકરણ લાવ્યા પછી એનો હલ શોધો. સ્ટ્રેસથી દૂર રહેવું હશે તો સ્વીકારવું પડશે કે અત્યારે અવસ્થા કઈ છે અને ડ્રાઇવિંગ-સીટ પર બેસવાની જવાબદારી કોના હાથમાં છે. દરેક વખતે જરૂરી નથી હોતું કે તમે જ ફોટોની મેઇન ફ્રેમમાં હો. બને પણ ખરું કે જીવનમાં અમુક તબક્કે તમારે સાઇડ ફ્રેમમાં જઈને જીવવાની આદત કેળવવી પડે. જો સાઇડ ફ્રેમને સ્વીકારી ન શકો તો તમારે તૈયારી રાખવી પડે કે તમે સ્ટ્રેસ અનુભવો અને યાદ રાખજો કે જે સમયે સ્ટ્રેસનો અનુભવ શરૂ થશે એ સમયે તમારી અંદર શારીરિક અનેક ફેરફાર પણ શરૂ થશે.

બે દિવસ પહેલાં કહ્યું હતું એમ, સ્ટ્રેસ દેખાતું નથી, પણ એની અસર એવી ભયાનક છે જે જોવાની તૈયારી આપણા કોઈમાં હોતી નથી. સ્ટ્રેસને દૂર કરવાનું એકમાત્ર કારણ, તમને કહ્યું એમ વાતચીત છે. જો વાત કરશો તો જ એનું નિરાકરણ આવશે અને સામેની વ્યક્તિએ પણ નિરાકરણના ભાવ સાથે જ બેસવાનું રહેશે. જો તમે ઇચ્છતા હો કે તમારા ફૅમિલીમાં કોઈ હેરાનગતિ ન આવે, જો તમે ઇચ્છતા હો કે અંગત રીતે તમને કોઈ પરેશાની ન આવે કે પછી તમારા મનમાં એવો ભાવ હોય કે તમારી આસપાસ કોઈ દુઃખી ન થાય. સ્ટ્રેસથી દૂર રહેવાના રસ્તાઓને તાત્કાલિક અપનાવવા જોઈએ અને એ અપનાવવાનું કારણ પણ જો કોઈ હોય તો એક જ છે - જનાર વ્યક્તિ નીકળી જશે, પણ પાછળ રહેનારાઓની પીડાનો પાર નહીં હોય અને એ પીડા આપવી પણ નથી, લેવી પણ નથી.

સ્ટ્રેસ છોડો અને છૂટે નહીં તો એને છોડવાના રસ્તા શોધો.

તાત્કાલિક.

manoj joshi columnists