સ્ટ્રેન્જફુલ સ્ટ્રેસ:કહો જોઈએ, તમારા પતિને કઈ વાતનું સ્ટ્રેસ છે એની તમને ખબર છે?

17 October, 2021 10:38 AM IST  |  Mumbai | Manoj Joshi

બ્રેઇન સ્ટ્રોકથી માંડીને હાર્ટ-અટૅક સુધ્ધાં આ સ્ટ્રેસનું પરિણામ છે. સ્ટ્રોક આવીને ઊભો રહી જાય છે ત્યારે સ્ટ્રેસ સવિશેષ રીતે એને વધારે મોટો કરવાનું કામ કરી જાય છે અને એટલે જ કહે છે કે સ્ટ્રેસને તમારાથી દૂર રાખો.

પ્રતીકાત્મક તસવીર

હા, આપો જવાબ મિસિસ વાઇફ. તમારા હસબન્ડને કઈ વાતનું સ્ટ્રેસ છે એની તમને ખબર છે, તમે જાણો છો એ સ્ટ્રેસનું કારણ?
મોટા ભાગની વાઇફનો જવાબ હશે હા અને એ જવાબ મોટા ભાગે ખોટો હશે એની ખાતરી હું તમને આપું છું. હકીકત છે આ. સાયકોલૉજિકલી પુરવાર થયું છે કે વાઇફ પોતાના હસબન્ડનું સ્ટ્રેસ જાણતી નથી અને તે સતત અંધારામાં રહ્યા કરે છે કે પોતાને તો ખબર જ છે. દરેક વાઇફ એવું માનતી હોય છે કે તેના હસબન્ડને કામનું, આર્થિક બાબતોનું ટેન્શન છે અને એ જ દિશામાં તે વિચાર્યા કરે છે, પણ સાયકોલૉજિસ્ટનું તારણ છે કે ભાગ્યે જ પુરુષોને આર્થિક બાબતોની ચિંતા સતાવતી હોય છે, ભાગ્યે જ... અને એટલે જ કહે છે કે પુરુષો પાટું મારીને પણ પૈસા કમાઈ લેતા હોય છે. કહેવાનો અર્થ એવો નથી કે પુરુષને પૈસાની ચિંતા નથી હોતી, પણ ઍવરેજ પુરુષો એ બાબતમાં વધારે ચિંત‌િત હોતા નથી. પુરુષોને સૌથી વધારે ચ‌િંતા જે હોય છે, જેનું સ્ટ્રેસ હોય છે એ એવી બાબતોનું જેનું સૉલ્યુશન તેના હાથમાં નથી હોતું. પારિવારિક પ્રશ્નો એમાં સૌથી ઉપરના ક્રમે છે અને વાઇફ એ દિશામાં જોવાની કોશિશ પણ નથી કરતી.
સાસુ-વહુના પ્રશ્નોથી માંડીને બે પરિવાર વચ્ચે ઊભું થતું અંતર અને એ અંતર ઘટતું દેખાતું ન હોય એવા સમયે બન્ને પક્ષોથી ઉમેરાતો માલિકી ભાવ પુરુષોને શાંતચિત્તમાંથી વિચલિત કરે છે. આ વિચલનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સ્ટ્રેસ જનરેટ કરે છે અને એ સ્ટ્રેસ જ તેને માટે જોખમી બને છે. મેડિકલ સાયન્સ કહે છે કે સ્ટ્રેસનું દેખીતું કોઈ અસ્ત‌િત્વ નથી, પણ એની અસર સૌથી વિકરાળ છે. બ્રેઇન સ્ટ્રોકથી માંડીને હાર્ટ-અટૅક સુધ્ધાં આ સ્ટ્રેસનું પરિણામ છે. સ્ટ્રોક આવીને ઊભો રહી જાય છે ત્યારે સ્ટ્રેસ સવિશેષ રીતે એને વધારે મોટો કરવાનું કામ કરી જાય છે અને એટલે જ કહે છે કે સ્ટ્રેસને તમારાથી દૂર રાખો.
સ્ટ્રેસની બાબતમાં હસબન્ડ અને વાઇફ બન્નેએ એક વાત સમજવાની જરૂર છે. બન્નેએ પોતપોતાના સ્ટ્રેસને શક્ય હોય એટલા સરળ શબ્દોમાં અને સાહજ‌િક રીતે એનું સૉલ્યુશન લાવી શકે એવી વ્યક્તિઓ સામે મૂકી દેવું જોઈએ. હસબન્ડ થકી જો વાઇફને સ્ટ્રેસ આવતું હોય તો એને શાંતચિત્તે વર્ણન કરવાની તૈયારી વાઇફે રાખવી જોઈએ અને એ પણ સરળ શબ્દોમાં. વાતચીતના ભાગરૂપે નહીં, પણ સરળતા સાથે જવાબ મળી જાય એ પ્રકારે. જેના લગ્નજીવનને લાંબો સમય પસાર થઈ ગયો છે તેમને માટે વાતચીતનો દોર શરૂ કરવો અને સંવાદિતા નવેસરથી ઊભી કરવી લગભગ અઘરું છે, કારણ કે એવા સમયે જૂની વાતો ખૂલવાની સંભાવના ભારોભાર રહે છે અને એ વાતો સ્ટ્રેસ વધારવાનું કામ કરે છે, પણ એને બદલે જો ટુ-ધ-પૉઇન્ટ સ્ટ્રેસ દૂર કરી શકાય એવી ચર્ચા કરવામાં આવે તો અસરકારક પરિણામ મળે. વાઇફે પણ આ જ કરવું જોઈએ અને હસબન્ડે પણ આ જ નીતિ રાખવી જોઈએ. આજના સમયમાં જ્યારે કૉમ્પ‌િટિશન વધી છે, સુવિધાઓની વ્યાખ્યા અને એ વ્યાખ્યા મુજબ જરૂરિયાતો બદલાય છે એવા સમયે સૌકોઈએ સમજવું પડશે કે સ્ટ્રેસ શક્ય હોય એટલું દૂર રહે એમાં જ ભલાઈ છે.

columnists manoj joshi