બાળકો અને વડીલો સાથે ફરજિયાત સમય પસાર થાય એ આવશ્યક અને અત્યંત મહત્ત્વનું છે

04 August, 2021 09:14 AM IST  |  Mumbai | Manoj Joshi

મારી દૃષ્ટિએ અઠવાડિયામાં બે-ત્રણ કલાકનો સમય આ બે એજ-ગ્રુપના લોકો સાથે પસાર થવો જ જોઈએ. તમારે કાયદેસર સમય તમારા સમયપત્રકમાંથી કાઢવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

સર્વાઇવલની વૉર હવે લગભગ દરેક ઇન્ડસ્ટ્રી સાથે જીવનારા લોકો માટે અકલ્પનીય રીતે અઘરી થતી જાય છે. વૉર જ્યારે સર્વાઇવલની હોય ત્યારે દુનિયાદારીને બાજુએ રાખીને કેટલાક સેલ્ફ સેન્ટર્ડ નિર્ણયો પણ લોકો લઈ લેતા હોય છે. એ વિષય પર ટીકા-ટિપ્પણી કરવાની આવશ્યકતા મને નથી જણાતી. જોકે એટલું કહીશ કે સેલ્ફ સેન્ટર્ડ થવાની મર્યાદાને ભૂલવી ન હોય તો સમયાંતરે થોડો-થોડો સમય તમારાં નિર્દોષ બાળકો સાથે અને જમાનાના દરેક રંગ-ઢંગ જોઈ ચૂકેલા વડીલો સાથે વિતાવો. મારી દૃષ્ટિએ અઠવાડિયામાં બે-ત્રણ કલાકનો સમય આ બે એજ-ગ્રુપના લોકો સાથે પસાર થવો જ જોઈએ. તમારે કાયદેસર સમય તમારા સમયપત્રકમાંથી કાઢવો જોઈએ. તમારી આસપાસ આ એજ-ગ્રુપના લોકોનો સંયોગ ન હોય તો તેઓ જ્યાં હોય ત્યાં જઈને પણ તેમની સાથે થોડો ક્વૉલિટી ટાઇમ પસાર કરવો જોઈએ. આ મારો વ્યક્તિગત આગ્રહ તમને છે. વાત આપણે સર્વાઇવલ વૉરથી કરી છે. આજે જીવવા માટે, નોકરીઓ બચાવવા માટે, પોતાનું કામ આગળ વધારવા માટે, પોતાની ઊંચાઈ વધારવા માટે લોકો દરેક પ્રકારની કૂટનીતિઓ કરતા થઈ ગયા છે. જ્યાં સુધી તમારી કૂટનીતિ કોઈ નિર્દોષને હાનિ ન પહોંચાડતી હોય અને કોઈ પક્ષે અન્યાયને ફેવર ન કરતી હોય ત્યાં સુધી હું એનો વિરોધી નથી, પરંતુ જે ક્ષણે તમે તમારા સ્વકેન્દ્રીપણાની મર્યાદા ભૂલવા માંડો ત્યારે પતનનો દરવાજો આપમેળે તમારી સામે ખૂલી જાય છે. આ મર્યાદાને સમજાવશે આ બાળકો અને વડીલો. સમજુ વર્ગ જેને નાદાન અને મૂર્ખ માને છે એ બાળકોની મોજને જોજો ક્યારેક ધ્યાનથી. તેમના નિર્દોષ આનંદને માણવાની, તેમની આંખોમાં જાણવાની જિજ્ઞાસા અને તેમની દરેક ક્ષણને એન્જૉય કરવાની રીતને અપનાવજો. નિર્દોષતાની મહેકને તમે પણ તેમની સાથે રહેતાં-રહેતાં માણજો. તેમની માસૂમિયત તમને તમારી અંદર પણ એક સમયે રહેલી નિર્દોષતાનો અનુભવ કરાવશે, જે તમને બહુ જ કપટી થતા રોકશે. હવે વાત કરીએ વડીલોની. દરેક દાવપેચ જે તમે અત્યારે કરી રહ્યા છો એ તેઓ પોતાના સમયમાં કરી ચૂક્યા છે. તમે આજે જેની પાછળ દોડી રહ્યા છો એની પાછળ તેઓ પણ ક્યારેક દોડી ચૂક્યા છે. દરેકના સારા-નરસા અનુભવોનો ભંડાર તેઓ છે. જીવનનાં સત્યો તેઓ અનુભવથી સમજ્યાં છે. હવે જ્યારે તેઓ પોતાની દોડને સમાપ્ત કરી ચૂક્યા છે ત્યારે તેમની પાસેથી તેમણે કરેલી એ તમામ ભૂલો, તમામ સારાં કાર્યો આંખ સામે તરવરે છે. તેમની સાથે વિતાવેલો સમય પણ તમારી અસીમિત દોડનાં વિવેક અને સમજણનું રોપણ કરશે. ફરી એક વાર કહું છું કે જીવનમાં મહત્ત્વાકાંક્ષાઓ હોવી, આગળ વધવાની ધગશ હોવી અને એને માટે પ્રયાસ કરતા રહેવું ખૂબ જરૂરી છે, પરંતુ અમર્યાદિત થઈને, ભાન ભૂલીને, સારા-ખરાબને નેવે મૂકીને દોડવું પતન તરફ લઈ જશે. જે જોવામાં આપણે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ બેસીએ છીએ અને એવું બને છે ત્યારે પનોતીનો માર્ગ ખૂલી જાય છે. બહેતર છે કે આંખો વહેલી ખોલીએ અને જવાબદારીને વધારે સભાનતા સાથે સ્વીકારીએ.

columnists manoj joshi