19 August, 2024 11:15 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો કે બહેનો એમ વિચારતી કે ભાઈ નથી તો રક્ષાબંધન કઈ રીતે ઊજવવું? પણ સમય સાથે વિચારધારા બદલાઈ છે અને આજે એક બહેન બીજી બહેનને રાખડી બાંધીને રક્ષાબંધન ઊજવતી થઈ છે એટલું જ નહીં, ભાઈ હોય તો તે પણ સામે બહેનને રાખડી બાંધતા હોય છે. હવે લોકો સમજતા થયા છે કે રક્ષા કરવાનું અને જીવનમાં સાથસહકાર આપવાનું કામ ભાઈની જેમ બહેન પણ એટલી જ સારી રીતે કરી શકે છે અને બહેનને જેમ ભાઈની જરૂર પડે તેમ ભાઈને પણ એક બહેનની એટલી જ જરૂર હોય છેરક્ષાબંધન એટલે એવું પર્વ જેમાં બહેન ભાઈને રાખડી બાંધે અને બદલામાં ભાઈ તેને તેની રક્ષા કરવાનું વચન આપે. જોકે હવે એવું રહ્યું નથી કે રાખડી બાંધવા માટે ભાઈ હોવો જ જોઈએ. છેલ્લાં અમુક વર્ષોમાં બહેનને હાથમાં રાખડી બાંધીને રક્ષાબંધન ઊજવવાનું ચલણ વધ્યું છે. બદલાતા સમય સાથે એવી માન્યતા બદલાઈ છે કે ફક્ત એક પુરુષ જ સ્ત્રીની રક્ષા કરી શકે. ઘણાં ઘરોમાં ફક્ત બહેનો જ હોય અને ભાઈ ન હોય તો તેઓ
એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધન ઊજવે છે. ઘણી વાર ભાઈ-બહેન હોય તેમ છતાં ભાઈ બહેનને રાખડી બાંધતા હોય એવું પણ જોવા મળે. અહીં ભાઈ બહેનને કે બહેન ભાઈને રાખડી બાંધે છે એ મહત્ત્વનું નથી; મહત્ત્વ છે તો ફક્ત બન્ને વચ્ચે રહેલાં પ્રેમ, લાગણી અને કાળજીની ઉજવણી કરવાનું. જીવનના દરેક તબક્કે સુખ-દુઃખમાં જેણે તમારી મદદ કરી અને સાથ આપ્યો, પછી એ ભલે ભાઈ હોય કે બહેન, તમે તેને રાખડી બાંધી શકો છો. આજે આવી જ કેટલીક જોડીને મળીએ જેઓ તેમની બહેનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે.
ભાઈ-બહેન બન્ને એકબીજાને રાખડી બાંધે છે અહીં
ચેતન જોશી અને નીલમ ઉપાધ્યાય
એમ કહેવાય કે બહેનની ખરી વૅલ્યુ ભાઈને ત્યારે જ થાય જ્યારે તે પરણીને સાસરે જતી રહે. મુલુંડમાં રહેતા અને સ્ટેશનરીની દુકાન ચલાવતા ૪૪ વર્ષના ચેતન જોશીના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. ચેતનભાઈ કહે છે, ‘હું અને મારી બહેન નીલમ બાળપણમાં ખૂબ ઝઘડતાં હતાં, પણ જેમ અમે મોટાં થયાં અને દીદી સાસરે ગઈ એ પછીથી મને તેનો પ્રેમ સમજાયો. શરૂઆતમાં મેં ઘણી જૉબ કરી છે, પણ ક્યાંય કામ કરીને જે સૅટિસ્ફૅક્શન કે ગ્રોથ મળવો જોઈએ એ મળી નહોતો રહ્યો. એ સમયે મારી બહેને જૉબ કરીને જે સેવિંગ્સ જમા કરેલી એ મને આપેલી જેથી હું પોતાનો કંઈક બિઝનેસ કરી શકું. એ પછીથી મેં મારી સ્ટેશનરીની શૉપ ખોલી, જેને આજે ૧૪ વર્ષ થયાં છે. એ સિવાય પણ તેણે ઘણીબધી રીતે મદદ કરી છે. હું મારી બહેન કરતાં પાંચ વર્ષ મોટો છું, પણ હું તેને મારી મોટી બહેન જ માનું છું. બાળપણમાં તો એટલી જ ખબર હતી કે બહેન ભાઈને રાખડી બાંધે, પણ જ્યારથી સમજણો થયો છું ત્યારથી દિલથી હું પણ બહેનને રાખડી બાંધું છું કારણ કે જીવનની દરેક મુશ્કેલીમાં તે મારા પડખે ઊભી રહી છે. મારી બહેન મારા માટે સૌથી પહેલાં આવે છે.’
અમે બન્ને બહેનો એકબીજાને રાખડી બાંધીએ
શ્રીધા દંડ અને શ્રેણી દંડ
પવઈમાં રહેતી પણ UKમાં જૉબ કરતી ૨૩ વર્ષની શ્રીધા દંડ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેને શ્રેણી જેવી મોટી બહેન મળી. શ્રેણી પણ પરણીને તેના સાસરામાં છે, એટલે બન્ને બહેનો એકબીજાથી દૂર રહેતી હોવા છતાં તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. શ્રીધા કહે છે, ‘ગયા વર્ષે અમે બન્ને બહેનોએ UKમાં જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. શ્રેણીને UKની ટ્રિપ કરવાની જ હતી, પણ તેણે મારા માટે થઈને તારીખો એ રીતે ગોઠવી કે તે રક્ષાબંધનને દિવસે ત્યાં આવીને મને રાખડી બાંધી શકે. હું શ્રેણીથી પાંચ વર્ષ નાની છું. એટલે મોટી બહેન તરીકે તેણે મારી હંમેશાં કાળજી રાખી છે. હજી મે મહિનાની વાત છે. મારો બર્થ-ડે હતો અને મારું ભણવાનું પૂરું થઈ રહ્યું હતું. આગળ કયા ફીલ્ડમાં કારકિર્દી બનાવવી એની મને સ્પષ્ટતા નહોતી. એટલે બર્થ-ડેમાં મારી બહેને મને ગિફ્ટ આપવાને બદલે ૨૦૦ પાઉન્ડ મોકલ્યા જેથી હું કરીઅર-કાઉન્સેલર પાસે જઈ શકું. ગયા વર્ષે જાન્યુઆરીમાં હું ૧૭ દિવસ માટે મુંબઈ આવી હતી. મને બીચ એન્જૉય કરવાનું ખૂબ ગમે. એટલે શ્રેણીએ મારા માટે ગોવાની રોડ-ટ્રિપ પ્લાન કરી હતી. હું નાની હતી ત્યારથી શ્રેણી મને અને હું તેને રાખડી બાંધતાં આવ્યાં છીએ.’
રક્ષાબંધનમાં એકબીજાને રાખડી બાંધતી આ બહેનો વચ્ચે પ્રેમ વધતો રહ્યો છે
ભક્તિ ગોરડિયા અને ખ્યાતિ શાહ
ભાઈ ન હોવાથી બહેનને રાખડી બાંધીને રક્ષાબંધન ઊજવતી વિલે પાર્લેમાં રહેતી ૩૫ વર્ષની ભક્તિ ગોરડિયા કહે છે, ‘પહેલાં મને એમ લાગતું કે મારો કેમ ભાઈ નથી? હોત તો હું પણ તેને રાખડી બાંધી શકત, પણ પછી હું થોડી સમજણી થઈ એટલે વિચારો બદલાયા. એ પછી હું એમ વિચારતી કે ભાઈ નથી તો શું થયું? બહેન તો છે. મારી નાની બહેન ખ્યાતિને હું છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી રાખડી બાંધું છું. અમે બન્ને નાનાં હતાં ત્યારે ખૂબ જ ઝઘડતાં, પણ એની સાથે બન્ને વચ્ચે પ્રેમ પણ એટલો જ હતો. આખો દિવસ ભલે ગમે તેટલું ઝઘડીએ પણ રાત્રે સૂતા પહેલાં અમે બન્ને એકબીજાને કિસ કરીને વહાલ કરવાનું ન ચૂકીએ. મને હંમેશાં હેલ્પ અને સપોર્ટ કરવા માટે તે ઊભી હોય. મને પહેલું બાળક થયું ત્યારે પણ તે મારી અને મારા બાળકની સંભાળ રાખવા માટે મારી પાસે રહેતી. આજની તારીખે પણ હું કોઈ ચિંતામાં હોઉં તો સૌથી પહેલો કૉલ તેને કરું. અમારું બન્નેનું સાસરું વિલે પાર્લેમાં જ છે તો અમારું અઠવાડિયામાં બે વાર મળવાનું તો થાય જ અને કૉલ પર તો દરરોજ વાત કરીએ.’
નાની બહેનને રાખડી બાંધતી વખતે મોટો ભાઈ હોય એમ વર્તે છે આ મોટી બહેન
આરિકા અને સાચિકા અંધેરે
મારી મોટી દીકરી આરિકાને ભાઈ જોઈતો હતો પણ બીજું સંતાન દીકરી થતાં તેણે તેને જ રાખડી બાંધવાનું શરૂ કરી દીધું એમ જણાવતાં ચેમ્બુરમાં રહેતાં પૂજા જોશી અંધેરે કહે છે, ‘મારે બે દીકરીઓ છે. મોટી દીકરી ૧૧ વર્ષની આરિકા અને નાની દીકરી બે વર્ષની સાચિકા. મારી બન્ને દીકરીઓ એકબીજાને રાખડી બાંધે છે. મારે પણ કોઈ ભાઈ નહોતો. અમે ત્રણ બહેનો જ હતી. શરૂઆતમાં અમે કઝિન ભાઈઓને રાખડી બાંધતાં, પણ પછીથી અમે ત્રણેય એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધન ઊજવતાં. એટલે હું મારી દીકરીઓને પણ એકબીજાને રાખડી બાંધતાં શીખવાડું છું. આરિકા અને સાચિકા વચ્ચે આઠ વર્ષનો ઉંમરનો તફાવત છે. એટલે આરિકા તેની નાની બહેનનું એક મમ્મીની જેમ ધ્યાન રાખે છે. હું અને મારા હસબન્ડ બન્ને વર્કિંગ છીએ. એટલે નાની બહેનને જમાડવાનું, ડાયપર ચેન્જ કરવાનું, નીચે રમવા જાય ત્યારે ધ્યાન રાખવાનું એ બધાં જ કામ કરે છે. આરિકાને ભાઈ જોઈતો હતો, પણ અમારે બીજું સંતાન પણ દીકરી જ થઈ. જોકે સાચિકાના જન્મ પછીથી આરિકા તેની ખૂબ પ્રેમ અને કાળજી રાખતી થઈ ગઈ.’