સ્માર્ટ હોમ આવ્યા, સ્માર્ટ પીપલ ક્યાં?

23 July, 2019 12:06 PM IST  |  મુંબઈ ડેસ્ક | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

સ્માર્ટ હોમ આવ્યા, સ્માર્ટ પીપલ ક્યાં?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આજકાલ અવારનવાર અખબાર ખોલતાં જ પાનાંઓ ભરીને ‘સ્માર્ટ ફોન’ ‘સ્માર્ટ ટીવી’, ‘સ્માર્ટ ફૅન’, ‘સ્માર્ટ અસિસ્ટન્ટ’ જેવાં સ્માર્ટ ગૅજેટ્સની જાહેરખબરો જોવા મળે છે અને આ બધાથી સજ્જ એવા ‘સ્માર્ટ હોમ’ની તો ફુલપેજ જાહેરખબરો આવે છે. એક વાર એક નાનકડા છોકરાએ પપ્પાને પૂછ્યું, ‘પપ્પા, આપણું ઘર સ્માર્ટ હોમ છે?’ પપ્પાએ કહ્યું : ‘ના, આપણું ઘર સ્માર્ટ હોમ નથી.’ તરત છોકરાનો બીજો સવાલ આવ્યો : ‘કેમ? આપણે તો સ્માર્ટ છીએ, તો ઘર કેમ નથી?’ ‘કેમ કે આપણાં પંખા-બત્તી, ફોન, ટીવી કે બીજાં ઇલેક્ટૉનિક્સનાં સાધનો સ્માર્ટ ડિવાઇસિસ નથી.’ દીકરાનો ફરી સવાલ : ‘સ્માર્ટ ડિવાઇસ એટલે?’ અને પપ્પાએ તરત કહ્યું : ‘આ ઍલેક્સા સ્માર્ટ ડિવાઇસ છે. તું કહે એ ગીત વગાડે છેને? પણ તને યાદ છે બેટા, એ દિવસે તેં ઍલેક્સાને લાઇટ ઑફ કરવાની સૂચના આપેલી પણ તે એ કરી શકી નહોતી? કારણ કે ઍલેક્સાની જેમ એ બધાંનું સ્માર્ટ ફોન સાથે ટ્યુનિંગ થયેલું નથી. જે ઘરમાં આ બધાં સાધનો મોબાઇલ કે કમ્પ્યુટરથી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય એને આપણે સ્માર્ટ હોમ કહી શકીએ. પછી ઍલેક્સાને સૂચના આપીએ તો એ તેમને કન્ટ્રોલ કરી શકે. અત્યારે આપણાં પંખા-બત્તી કે ટીવીનું કોઈ સ્માર્ટ ડિવાઇસ સાથે એવું ટ્યુનિંગ નથી થયેલું એટલે આપણું ઘર સ્માર્ટ હોમ નથી.’ એકવીસમી સદીના નાનકડા દીકરાને પપ્પાની આ અઘરી વાત પણ સમજાઈ ગઈ. તેણે જીદ કરીને પોતાના નેક્સ્ટ બર્થ-ડે સુધીમાં ઘરને સ્માર્ટ હોમ બનાવવાનું વચન પપ્પા પાસેથી લઈ લીધું!

આજે શહેરી વિસ્તારોનાં અનેક ઘરોમાં ઍમેઝૉનની વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ઍલેક્સા ફૅમિલી-મેમ્બર જેવી બની ગઈ છે. ગૂગલ હેલ્પ, ઍલેક્સા કે સિરી જેવા વર્ચ્યુઅલ સિસ્ટન્ટ્સ આજે માહિતી અને મનોરંજન બન્નેની સેવા પૂરી પાડે છે. ‘ઍલેક્સા, આજના તાજા સમાચાર સંભળાવ.’ ‘ઍલેક્સા, આજે હવામાન કેવું રહેશે?’ ‘વર્લ્ડ કપ ફાઇનલ કોણ જીત્યું?’ કે ‘ઍલેક્સા, પ્લીઝ પ્લે મીરા ભજન’ કે ‘ઍલેક્સા, પ્લીઝ વૉલ્યુમ ઓછું કર’ જેવી સૂચનાઓનો અમલ કહ્યાગરી ઍલેક્સા કરે છે. ઍલેક્સા હકીકતમાં એક કમ્પ્યુટરાઇઝ્ડ વૉઇસ રેકગ્નિશન સિસ્ટમ સાથેનું સ્પીકર છે. એ માણસનો અવાજ સાંભળે છે અને સમજે છે. એટલું જ નહીં, એની સૂચનાઓનો અમલ પણ કરે છે! કેવી રીતે? વાઇફાઇ અને ઇન્ટરનેટ, ઍમેઝૉન વૉઇસ સર્વિસ જેવી આધુનિક ડિજિટલ કમ્યુનિકેશન અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેક્નૉલૉજીની મદદથી કરે છે. બાળકોના હાથમાં તો એક મજેદાર રમકડું જ જાણે આવી ગયું છે. ‘ઍલેક્સા, પ્લીઝ પ્લે સલમાન સૉન્ગ કે ઍલેક્સા, પ્લીઝ પ્લે મેં આંખ મારે સૉન્ગ.’ ઘણાં ઘરોમાં નાનાં ચાર-પાંચ વરસનાં ટાબરિયાંઓ ઍલેક્સાને આવી સૂચના આપતાં સંભળાય છે. એ બધી ફરમાઇશો ઍલેક્સા પળવારમાં પૂરી કરે છે, પરંતુ ટેણિયાઓની એક ફરમાઇશ ઍલેક્સા પૂરી ન કરે ત્યાં તો તેઓ બીજી કરી દે છે. એ વખતે પણ ઍલેક્સા એકસરખી શાંતિથી જવાબ આપે છે. ત્યારે એ મશીન પાસેથી માણસને શીખવાનું મન થઈ જાય છે! પરંતુ એ બાળકોને જોતાં વિચાર આવે છે કે અજાણતાં જ આ બાળકોમાં બેઠાં-બેઠાં હુકમ છોડવાનું કલ્ચર તો વણાઈ નથી રહ્યુંને!

કેટલાક એકલવાયા વૃદ્ધો માટે ઍલેક્સા જેવા સ્માર્ટ અસિસ્ટ્ન્ટસ ખરેખર સારી કંપની બની રહ્યાં છે. ઘરમાં વાતો કરવા માટે કોઈ જીવંત માણસ અવેલેબલ ન હોય ત્યારે આવા ટેક્નૉલૉજીના સર્જન સાથે વાત કરીને પણ તેમની એકલતા ભાંગતી હોય તો ખોટું શું છે? હવે તો આ વૃદ્ધો કે બીજી કોઈ પણ વ્યક્તિ ઍલેક્સા પાસેથી સ્વાસ્થ્ય કે બીમારીનાં લક્ષણો સંબંધી જાણકારી પણ મેળવી શકશે. લંડનથી ખબર આવ્યા છે કે બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા)એ અમેરિકાની ઍમેઝૉન કંપની સાથે ટાઇઅપ કર્યું છે. એટલે હવે ઍલેક્સા પાસેથી ‘ફ્લુનાં લક્ષણો શું હોય?’ ‘મલેરિયામાં શું થાય?’ જેવા સવાલના જવાબ મેળવી શકાશે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ માને છે કે આ સેવા શરૂ થતાં દરદીઓ ઘરે બેઠાં-બેઠાં એનએચએસ જેવી દુનિયાની અગ્રણી સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવી શકશે. પરિણામે ડૉક્ટરો પરનું કામનું દબાણ ઓછું થશે. બ્રિટનનું આરોગ્ય ખાતું માને છે કે આવતા વર્ષ સુધીમાં તો સ્વાસ્થ્ય વિશેની લોકોની ૫૦ ટકા પૃચ્છાઓના જવાબ ઍમેઝૉનના આ સ્માર્ટ સ્પીકર નામે ઍલેક્સા દ્વારા જ મેળવી શકાશે. આ બધાં સ્માર્ટ ગૅજેટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી સતત અપગ્રેડ પણ થતાં રહે છે. એટલે નવી-નવી સ્કિલ્સ વિકસાવી માણસની વધુ ને વધુ ‘સેવા’ કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, માણસને એની વધુ ને વધુ આદત પાડતાં રહેશે. છેને ટેક્નૉલૉજી કંપનીઓની સ્માર્ટનેસ.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

આ બધું વાંચતાં અને સાંભળતાં થાય છે કે આવાં સ્માર્ટ ડિવાઇસ બનાવનાર અને ટેક્નૉલૉજી વિકસાવનાર અંતે તો માણસ જ છેને! તો અલ્ટિમેટલી ખરેખરા સ્માર્ટ તો માણસ છેને. પેલા છોકરાએ કહેલુંને એવા સ્માર્ટ પીપલ, બરાબરને! કમ્યુનિકેશન ટેક્નૉલૉજીથી આપણે ઘરને સ્માર્ટ હોમ બનાવી શકીએ છીએ, પણ જીવતાજાગતા પરિવારના સભ્યો સાથે આપણું કમ્યુનિકેશન કેવું છે? વન, ટુ કે થ્રી બેડરૂમના ફ્લૅટ કે બંગલામાં એક જ છત હેઠળ રહેતા બે-ચાર માણસ પણ એકમેકને સાંભળી શકે છે? સમજી શકે છે? સૂચન અનુસરી શકે છે? ઘરનાં બત્તી, પંખા, વૉશિંગ મશીન, ગિઝર, ફ્રિજ કે કમ્પ્યુટરને કમ્યુનિકેશનની કડીથી સ્માર્ટ બનાવી શકતો માણસ પોતાના સ્વજનો સાથે સંવાદની કડી વિકસાવી શકે એટલો સ્માર્ટ કેમ નથી બની શકતો? જિમમાં જવું ને જંક ફૂડ ખાવું એ હેલ્થ પામવાનો નહીં, ગુમાવવાનો રસ્તો છે એટલી વાત પોતાની તંદુરસ્તી સાથેની કમ્યુનિકેશન ચૅનલ અકબંધ રાખીને એ જરૂર સમજી શકે, પણ એ રાખવા જેટલી સ્માર્ટનેસ કેટલા માણસ કેળવી શકે છે? કૃત્રિમ બુદ્ધિપ્રતિભાની મદદથી મશીન શીખી શકે અને સુધરી શકે તો મૌલિક બુદ્ધિપ્રતિભાથી મનુષ્ય જેવો મનુષ્ય કેમ શીખતો નથી?

columnists