કૉલમ : સામી વ્યક્તિની નિખાલસતાનો દુરુપયોગ એ વિશ્વાસઘાત છે

21 May, 2019 11:55 AM IST  |  | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

કૉલમ : સામી વ્યક્તિની નિખાલસતાનો દુરુપયોગ એ વિશ્વાસઘાત છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

જીવન અને આત્મીય સંબંધો અંગેની એક વર્કશોપમાં ભાગ લેનારાં કપલ્સ પાસે એક એક્સરસાઇઝ કરાવવામાં આવી. દરેકે એક પત્ર લખવાનો હતો. તેમાં એક-બીજા સાથે પોતે ક્યારેય પણ કરેલા ગેરવર્તન માટે એક-મેકની માફી માગવાની હતી અને એક-બીજાની ત્રણ સારી બાબતો માટે એક-મેકનો આભાર માનવાનો હતો. વર્કશોપ ફૅસિલિટેટરે આ અસાઇનમેન્ટ આપ્યું અને એ માટેનો સમય પણ ફાળવી દીધો, પરંતુ રૂમમાં બધા જ ચૂપચાપ મૂર્તિની જેમ બેઠા હતા. ફૅસિલિટેટરને નવાઈ લાગી કે આ લોકો સમય કેમ વેડફે છે! તેમણે પૂછ્યું કે તમે લોકો કેમ કામ શરૂ નથી કરતા? પાંચ મિનિટ બાદ એક વ્યક્તિ બોલી કે ‘બહેન, આવો લેટર લખવો એટલે તો પોતાના પગ પર કુહાડી મારવા જેવું થાય. પછી ક્યારે પણ અમારી વચ્ચે બોલાચાલી થશે તો આ કબૂલાત અંગે સાંભળવાનો જ વારો આવશે.’ તરત જ બીજા અનેક સૂર એમાં ભળ્યા. ત્યારે પેલા ફૅસિલિટેટરે તેમને યાદ અપાવ્યું કે આપણે શરૂઆતમાં જ એ અંગે સૂચના આપી હતી કે આ કવાયત આપણે સંબંધોને સુદૃઢ બનાવવા માટે કરીએ છીએ. આવી નિખાલસતાનો દુરુપયોગ કરવાનો વિચાર કે યોજના દાંપત્યને માટે અનહેલ્ધી છે. કંઈ પણ થાય એનો દુરુપયોગ તો નહીં જ કરીએ એવો ભરોસો દરેક કપલને એક-મેકમાં હોવો જોઈએ! પરંતુ વાસ્તવિક જિંદગીમાં જોઈએ તો લાગે કે એ વર્કશોપના પાર્ટિસિપન્ટ્સનો ડર પાયાવિહોણો નહોતો. કેટલીયે વાર એવું બને છે કે આપણે આપણી જિંદગીનાં અંગત રહસ્યો કે નબળાઈઓ કોઈ નજીકની વ્યક્તિ સાથે શૅર કર્યાં હોય તો વ્યક્તિ એ ભરોસાને વફાદાર નથી રહેતી અને આપણે તેનામાં મૂકેલા ભરોસાનો એ દુરુપયોગ કરે છે. તમે જોયું હશે કે કોઈ સજ્જનથી કંઈક ભૂલ થઈ જાય તો તે ખૂબ જ અસ્વસ્થ થઈ ઊઠે અને સત્વરે એ સુધારવા માટે પ્રયત્નો કરે. આવી વ્યક્તિથી ક્યારેક કંઈ ખોટું થઈ જાય તો તે અજંપ થઈ ઊઠે. તે અપરાધભાવ અનુભવે અને પોતાની અંગત વ્યક્તિ પાસે જઈને પોતાનાથી ભૂલ થઈ ગઈ છે એ કબૂલી લે પછી જ હળવી થાય, પરંતુ આવી કબૂલાતનો ઉપયોગ કે દુરુપયોગ એ કહેવાતા સ્વજનો પોતાની એબ ઢાંકવા કે ગુનાઓને છાવરવા માટે કરતા હોય છે. આપણી કોઈ અંગત પીડા કે ખાનગી વાત જે આપણને પજવતી હોય તે કોઈ મિત્ર કે સ્વજન સાથે શૅર કરીએ, પછી તેમ ન કર્યું હોત તો સારું એવો ભાવ આપણામાંથી ઘણા ખરાએ અનુભવ્યો હશે. એટલે તો આપણા મોટા ગજાના કવિ રાજેન્દ્ર શાહે લખ્યું હતું: ‘આપણું હૃદય ખોલીએ ના કંઈ.’ પરંતુ સામે પક્ષે તબીબી વિજ્ઞાન કહે છે કે મનમાં ધરબી રાખેલી પીડાઓ કે મૂંઝવણો માનવીના આરોગ્યને ગ્રસી લે છે, માટે હળવા થઈ જવું કે કોઈની પાસે દિલ ઠાલવી લેવું જરૂરી છે!

ખેર, એક વાત તો નક્કી કે અંગત સ્વજન ખરેખર સ્વજન છે કે નહીં એનો પુરાવો આવી સ્થિતિમાં જરૂર મળી જાય છે. તેની સાથે શૅર કરેલી વાતોનો કે તેની સમક્ષ કરેલી કબૂલાતનો એ કઈ રીતે ઉપયોગ (યા દુરુપયોગ?) કરે છે તેના પરથી એ પારખી શકાય છે. વરસો પહેલાં એક કિશોરે પોતે ખોટું બોલ્યો તેની કબૂલાત પોતાની માતા પાસે કરી હતી; અને દેશને મહાત્મા ગાંધી જેવો સત્યવક્તા અને સત્યાગ્રહનો જનક મળ્યો. એ માતા ખરા અર્થમાં સ્વજન હતી. પોતાના આપ્તજનની કોઈક ચૂક કે નબળી કડી હાથમાં આવે તો તેને એ માટે વધુમાં વધુ વાર સંભળાવનાર અને બધાની સામે નીચાજોણું કરાવવાની પેરવી કરનાર સાચો સગો નથી જ નથી.

આ પણ વાંચો : કૉલમ : બધું હોવા છતાં ખાલીપાની લાગણી થાય તો શું કરવું?

હમણાં દિલ્હીની વડી અદાલતે આપેલા એક ચુકાદાના સમાચાર વાંચ્યા. તેમાં જાણવા મળ્યું કે કોઈના વિશે વારંવાર નકારાત્મક લખીને તેને માનસિક પરિતાપ પહોંચાડવો એ તેના અધિકારનો ભંગ છે. થોડા સમય અગાઉ મહિલાઓની જાતીય સતામણીના વિરોધમાં ‘મી ટૂ’ મૂવમેન્ટ શરૂ થઈ હતી એ તમને ખ્યાલ હશે. એ મૂવમેન્ટ હેઠળ મીડિયા સાથે સંકળાયેલી એક જાણીતી વ્યક્તિની સામે કેટલીક મહિલાઓએ ફરિયાદ કરી હતી. એ અંગેનાં એકનાં એક લખાણ વારંવાર અખબારોમાં પ્રગટ થતાં હતાં અને વેબસાઇટ્સ ઉપર પણ રજૂ થતાં હતાં. તેની સામે એ વ્યક્તિએ અદાલતમાં ફરિયાદ કરી કે આવા પાયાવિહોણા આક્ષેપોથી મારા નામને બહુ જ ઠેસ પહોંચી છે અને મારે ભયંકર ત્રાસ વેઠવો પડ્યો છે. એટલે તેનું પુન: મુદ્રણ અટકાવવું જોઈએ. અદાલતે એ લખાણોનાં વારંવાર ફરી છાપવા પર રોક લગાવી અને પોતાના આદેશમાં કહ્યું કે મી ટુ મૂવમેન્ટ સામાને બદનામ કરવાની ચળવળ ન બની જવી જોઈએ. વ્યક્તિની પ્રાઇવસીના કાયદા હેઠળ એ વ્યક્તિને ‘રાઇટ ટુ બી ફરગોટન અને રાઇટ ટુ બી લેફ્ટ અલોન’ની જોગવાઈ પણ છે. મતલબ કે વારંવાર તેના અંગે લખીને એે કિસ્સો ભુલાવા નહીં દેવાની પેરવી કરવી કે તેની પાછળ પડી જવું એ તેના અધિકારો પર તરાપ છે. અદાલતનો ચુકાદો અને ટિપ્પણી વાંચતાં યાદ આવ્યું કે ‘પ્લીઝ, મને એકલો રહેવા દ્યો, મહેરબાની કરીને હવે મારો પીછો છોડો.’ આવાં વાક્યો આપણે અવાર-નવાર સાંભળ્યાં છે અને બોલ્યા પણ છીએ, પરંતુ એ આપણો મૂળભૂત અધિકાર છે એની કેટલા લોકોને જાણ છે? દેશના ‘રાઇટ ટુ પ્રાઇવસી’ નામના કાયદા હેઠળ આ અધિકારો આપણને મળ્યા છે. અને હવે આ સંદર્ભે આપણે ઉપર જેમના વિશે લખ્યું છે એવા લોકો અંગે વિચારીએ તો ચોક્કસ લાગે કે ભૂલ કબૂલવાની હિંમત બતાવનારને વારંવાર એ અંગે ટોણા મારવા કે ભરોસો મૂકીને પોતાની અંગત પીડા કે પ્રૉબ્લેમ શૅર કરનારની ખાનગી વાતો જાહેર કરી દેવી અથવા તો એવી ધમકી આપવી એ પણ એ વ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન જ ગણાય ને!

columnists