અનામત ક્વોટામાંથી આવતા સિન્સિયર વિદ્યાર્થીઓની મનોવ્યથાનો અંદાજ છે?

11 June, 2019 11:23 AM IST  |  | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

અનામત ક્વોટામાંથી આવતા સિન્સિયર વિદ્યાર્થીઓની મનોવ્યથાનો અંદાજ છે?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

ગીતાનાં મમ્મી-પપ્પા નાનકડા ગામડામાં રહેતાં અને બન્ને કામ કરતાં એટલે ગીતા ત્રણ-ચાર વરસની હતી ત્યારથી મુંબઈ રહેતાં તેનાં નાના-નાની સાથે રહેતી. ત્યાંની જ એક મરાઠી માધ્યમની સ્કૂલમાં ગીતા ભણતી. જે સોસાયટીમાં નાની રહેતાં ત્યાં ગુજરાતી, મારવાડી, પંજાબી, સાઉથ ઇન્ડિયન એમ વિવિધ પ્રાંતના પાડોશીઓ હતા. એ પરિવારોનાં બાળકો અંગ્રેજી મીડિયમની સ્કુલોમાં કે કૉન્વેન્ટમાં ભણતાં. સાંજે સોસાયટીના કમ્પાઉન્ડમાં કે અગાશીમાં બધાં રમતાં અને શનિ-રવિની રજાઓમાં કે વેકેશનમાં સવારથી સોસાયટીનાં છોકરા-છોકરીઓની ધમાલમસ્તી ચાલતી. ગીતાની જ ઉંમરની બીજી ત્રણ છોકરીઓ હતી. એ બધી સાથે રમતી, પરંતુ આઠ-નવ વર્ષની થઈ પછી પેલી ત્રણ છોકરીઓનું ગ્રુપ બની ગયું હતું. એ બધી અંગ્રેજી મીડિયમમાં ભણતી. તેઓ પોતાની સ્કૂલોની વાતો કરતી, અભ્યાસની વાતો કરતી અને એ બધામાં સમાનતા રહેતી. ક્યારેક ગીતા તેમની સાથે હોય તો પણ તેનો અવાજ ભાગ્યે જ સંભળાતો. મોટા ભાગે તે સાઇલન્ટ સ્પેક્ટેટર બની રહેતી, કેમ કે માત્ર તે જ મરાઠી મીડિયમ સ્કૂલમાં હતી. તેને ઇંગ્લિશમાં બોલતાં આવડતું નહોતું અને બોલવા જાય તો તેના ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીની પેલી છોકરીઓ મજાક ઉડાવે એવો તેને ડર રહેતો. તેથી જ તે હવે એ લોકો સાથે દેખાતી નહોતી.

એક દિવસ ખબર પડી કે ગીતા તેનાં મમ્મી-પપ્પા પાસે રહેવા ચાલી ગઈ હતી! ‘હમણાં ગીતા કેમ દેખાતી નથી?’ એવા એક પાડોશણના સવાલના જવાબમાં તેની નાનીએ ઉદાસ ચહેરે કહેલું કે અહીં સોસાયટીમાં બધા અંગ્રેજીમાં બોલે અને ગીતાને ફાવે નહીં એટલે તે બહુ એકલી પડી ગયેલી. તેના ભણવા પર પણ અસર થયેલી. આ વખતે નાપાસ થઈ એટલે મમ્મીએ બોલાવી લીધી.’

પાયલ તડવી

છવ્વીસ વર્ષની ડૉક્ટર પાયલ તડવીની આત્મહત્યાના સમાચારો વાંચીને અને તસવીરો જોઈને આજ વરસો પહેલાંનો ગીતાનો ચહેરો યાદ આવી ગયો. શરૂઆતી અહેવાલો પ્રમાણે ડૉ. પાયલે જે હૉસ્પિટલમાં પોતે ઇન્ટર્ન હતી ત્યાં તેની સિનિયર ડૉક્ટરોના તેની સાથેના વર્તાવથી ત્રાસી જઈને આત્મહત્યા કરી લીધી હોવાના આક્ષેપો થયા છે. પછાત જાતિની પાયલે અનામત ક્વોટાની બેઠકમાંથી મુંબઈની ટોપીવાલા મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અહીં તે માસ્ટર્સનો અભ્યાસ કરી રહી હતી. તેની સિનિયર ડૉક્ટરો તેની સાથે જે રીતે વર્તતી હતી એનાથી તે ખૂબ જ દુભાયેલી હતી. પોતાની ફ્રેન્ડ સાથેનાં ચૅટ-મેસેજિસમાં તેણે પોતાને તેમનાં કેવાં-કેવાં અપમાનો અને ઉપેક્ષા સહેવા પડતાં હતાં એના વિશે વાત કરી હતી અને એ બધાને કારણે પોતે જિંદગીથી તંગ આવી ગઈ છે એવું પણ લખ્યું હતું. એન્જિનિયરિંગ કે મેડિકલ જેવા ક્ષેત્રમાં હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં સિનિયર્સ દ્વારા જુનિયર્સના રૅગિંગની ઘટનાઓમાં દેશના કેટલાય યુવાઓના જાન ગયા છે. પાયલના કિસ્સામાં પણ અમુક અંશે રૅગિંગની ભૂમિકા દેખાય છે, પરંતુ અમુક અંશે જ. એમાં સવર્ણોની વચ્ચે આવી પહોંચેલી એક પછાત યુવતીને ભોગવવી પડેલી તિરસ્કૃતતા અને ઉપહાસની પણ ભૂમિકા છે, અનામતને કારણે ઊઠતો ‘મેરિટ વર્સસ ક્વોટા’ વિવાદ છે, એને પરિણામે ઓપન બેઠકો થકી પ્રવેશ મેળવનારામાં ભડભડતા અસંતોષની અને એમાંથી અનામતવાળા પ્રત્યે જન્મેલા દ્વેષની ભૂમિકા પણ છે. આ ઉપરાંત પણ અનેક પરિબળો હશે જેની કલ્પના પણ કદાચ એ પરિસ્થિતિમાં ન હોય એવી વ્યક્તિને ન આવે.

મૃદુલા નામની એક ગરીબ અને પછાત યુવતીને પણ પોતાની જિંદગી બદલવાની જીદ હતી. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને તેણે કાયદાના અભ્યાસ કર્યો, પરંતુ એ બધાએ ભેગા મળીને એક મહેનતુ અને આશાસ્પદ યુવતીની જિંદગી અને કારકિર્દીને રુંધી નાખી છે એ અત્યંત દુ:ખદ ઘટના છે.

આ પણ વાંચો : શું તમે પોતાને પ્રેમ કરો છો?

આ ઘટના સંબંધે ઘણો ઊહાપોહ ઊઠ્યો છે, પરંતુ કમનસીબે એમાં એક વિદ્યાર્થિનીએ ભરયુવાનીમાં પોતાનાં તમામ સપનાંઓની આહુતિ આપીને જાતનું બલિદાન આપી દીધું એના અફસોસ કે આઘાત કરતાં વધુ રાજકીય રંગે એને રંગવાનો પ્રયત્ન દેખાય છે. રાજકારણમાં આવા યુવાન મોતનો પણ પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાના જે રીતે કારસા થાય છે એ ઘૃણા ઉપજાવે એવા છે. હકીકતમાં પાયલની મનોદશાનો વિચાર કરીને સમસમી જવાય છે.

columnists