શું તમે પોતાને પ્રેમ કરો છો?

ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ | Jun 10, 2019, 10:15 IST

પ્રેમ શબ્દ જ અદ્ભુત છે. કોઈના પ્રેમમાં હોઈએ ત્યારે આપણી આખી દુનિયા જ બદલાઈ જતી હોય છે, પરંતુ જે આપણી પાસે હોય તે જ અન્ય કોઈને આપી શકાય. તેથી બીજાને પ્રેમ કરતાં પહેલાં ખુદ પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું તથા એનો ઇઝહાર કરતાં શીખવું પણ અનિવાર્ય છે

શું તમે પોતાને પ્રેમ કરો છો?
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

પ્રેમ દુનિયાની સૌથી સુંદર અનુભૂતિ છે. કોઈની હાજરીમાં આપણું આખું અસ્તિત્વ હળવું થઈ જાય, કોઈની હાજરીથી વાતાવરણ સુંદર જ નહીં પણ સુગંધિત પણ બની જાય, કોઈની હાજરીથી સાતમા આસમાને વિહરતા હોવાનો અહેસાસ થાય. આ અને આવું બીજું ઘણુંબધું આપણે બધાએ ક્યારેકને ક્યારેક તો જીવનમાં અનુભવ્યું જ હશે. આને પ્રેમનો નશો કહો કે પ્રેમનો ખુમાર, પણ પ્રેમમાં પડેલી વ્યક્તિને આવું ન થાય તો જ નવાઈ. પણ ક્યારેય વિચાર્યું છે કે આમાંનું કશું પણ જ્યારે આપણે સાવ એકલા હોઈએ, આસપાસ બીજું કોઈ ન હોય, જ્યારે ખરા અર્થમાં મૈં ઔર મેરી તન્હાઇ જેવો આલમ હોય ત્યારે આપણી સાથે બને છે ખરું? નથી જ બનતું. બલકે મોટા ભાગના આપણે પોતાની જાત સાથે અડધો કલાક પણ સાવ એકલા રહી શકતા નથી. જરાક નવરા પડ્યા નથી કે મોબાઇલ હાથમાં લઈને બેસી જવાનું. કાં તો ફોન કરી કોઈ ઓળખીતા-પાળખીતા કે મિત્ર સાથે ગપ્પાં મારવાનાં અને એ નહીં તો વૉટ્સઍપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયાનાં માધ્યમો દ્વારા કોઈની સાથે ચૅટિંગ કરવું અને આ બધું કરીને થાકીએ એટલે ટીવીનું રીમોટ હાથમાં આવી જ જાય. આપણી પોતાની કંપની તો જાણે આપણને ગમતી જ નથી.

આવું થવા પાછળનું કારણ ક્યાંક એવું તો નથીને કે ખુદ આપણે જ પોતાની જાતને ગમતા નથી? એવું ન હોય તો દુનિયા આખીની કંપનીમાં મજા કરી શકતો માણસ ખુદ પોતાની જ કંપનીમાં આટલો બોર કેમ થઈ જાય છે? ખુદ પોતાની જ કંપનીમાં રહેવામાં આટલો મુંઝાઈ કે અકળાઈ કેમ જાય છે?

ખરું પૂછો તો આમાં વાંક માણસનો પોતાનો નહીં, આપણી સંસ્કૃતિનો છે. આપણી સંસ્કૃતિ ક્યારેય માણસને પોતાની જાતને પ્રેમ કરવાનું શીખવતી નથી. બલકે એ હંમેશાં પોતાનાથી આગળ અન્યોને, અન્યોના સુખને મૂકવાનું શીખવે છે. એ હંમેશાં બીજાના સુખમાં પોતાનું સુખ શોધવાનું શીખવે છે. પરિણામે વ્યક્તિ જરાક પોતાની જાત માટે કંઈક કરવાનું વિચારે કે તરત આસપાસના સૌકોઈ તેના પર તૂટી પડે છે. આટલું ઓછું હોય એમ વ્યક્તિનો પોતાનો અંતરાત્મા પણ તેને ડંખ્યા વગર રહે નહીં. આનું પરિણામ એ આવે છે કે આપણે સતત જીવનમાં અન્યોનો પ્રેમ ઝંખ્યા કરીએ છીએ. કેટલા લોકો આપણને કેટલો અને કેવો પ્રેમ કરે છે એના આધારે આપણે આપણું મૂલ્યાંકન કરીએ છીએ. આપણા આ બર્થ-ડે પર કેટલા લોકોએ આપણને વિશ કર્યું, આપણા આ ફોટોને કેટલા લોકોએ લાઇક કર્યો વગેરે દ્વારા આપણે આપણી જાતને મૂલવતા રહીએ છીએ. પરંતુ આપણું મૂલ્યાંકન ખુદ આપણી જાત સિવાય બીજું કોઈ કેવી રીતે કરી શકે? કારણ કે આપણી જાતને આપણા સિવાય વધુ બહેતર બીજું કોઈ કેવી રીતે જાણી શકે? તો પછી કોઈ બીજાના પ્રેમની આટલી પારાવાર ઝંખના પણ શા કામની?

ખરેખર તો કોઈનો પ્રેમ પામવા માટે કે કોઈને પ્રેમ કરવા માટે પણ વ્યક્તિએ ખુદ પોતાની જાતને પ્રેમ કરવો આવશ્યક છે. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ ન કરી શકતી હોય તે કોઈ બીજાને તો પ્રેમ કેવી રીતે આપી શકે? જે આપણી પાસે હોય જ નહીં એ બીજાને તો કેવી રીતે આપી શકાય? તેથી કોઈ બીજાને પ્રેમ કરવાની પહેલી શરત પણ ખુદ પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું હોવી જોઈએ.

હવે પ્રશ્ન એ છે કે પોતાની જાતને પ્રેમ કરવો તો કેવી રીતે કરવો? બાળપણથી બધાએ આપણને અન્યોને પ્રેમ કરતાં શીખવ્યું છે; પરંતુ પોતાની જાતને પ્રેમ કરવો, પોતાની જાતને લાડ લડાવવાં, પોતાની જાતને નર્યા વહાલથી કેવી રીતે ભીંજવી નાખવી જેવી બાબતો કોઈ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવી નથી, કોઈ સ્કૂલના પાઠuપુસ્તકમાં ભણાવવામાં આવતી નથી કે આપણી સામે એનાં કોઈ આદર્શ ઉદાહરણો પણ નથી.

તો પછી પોતાની જાતને પ્રેમ કરવો કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો કરીના કપૂર અને શાહિદ કપૂરે સાથે કરેલી છેલ્લી ફિલ્મ ‘જબ વી મેટ’ જોવી જોઈએ. આ ફિલ્મમાં કરીનાએ ગીત નામક એક એવી બિન્ધાસ્ત બેધડક પંજાબી કુડીની ભૂમિકા ભજવી છે જે એકદમ બેફિકર થઈને કહી શકે છે કે મૈં મેરી સબ સે ફેવરિટ હૂં. તેથી તે ટ્રેનમાં રાતની મુસાફરીમાં પોતાની સામે આવીને બેસેલા સાવ અજાણ્યા યુવક સાથે ગપ્પાં મારતાં પણ અચકાતી નથી કે પછી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા કોઈ બીજા જ યુવાન સાથે ઘરેથી ભાગી જતાં પણ અચકાતી નથી. તે ભૂલો કરવા માટે પણ તૈયાર છે અને એ ભૂલોનું જે પરિણામ આવે એ ભોગવવા માટે પણ તૈયાર છે. પોતાની જાતની ફેવરિટ હોવાથી તેના સમગ્ર વ્યક્તિત્વમાંથી જીવન માટેની જિજીવિષા એ હદે છલકાય છે કે પોતાનું બધું જ ગુમાવી બેઠેલા આદિત્ય (શાહિદ કપૂર) પર પણ તેનો રંગ ચડી જાય છે અને લાઇફ પ્રત્યેનો તેનો આખો અભિગમ જ બદલાઈ જાય છે.

ગીતની સૌથી દિલચસ્પ બાબત એ છે કે તે પોતાને સમગ્રપણે ચાહે છે, તેથી જ્યાં તેને આખી ફિલ્મમાં લાલ રંગની નેઇલપૉલિશ લગાડી પોતાની ખૂબસૂરતીને પ્રેમ કરતી દાખવવામાં આવી છે ત્યાં જ ઘરેથી ભાગી જવાને તેની ફેવરિટ હૉબી દર્શાવવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ નથી કે આપણે બધાએ પણ પોતાની જાતને પ્રેમ કરવા માટે સ્વજનોનું દિલ દુભાવી ઘરેથી ભાગી જવું, પરંતુ તેની જેમ પોતાનાં સારાં અને ખરાબ બન્ને પાસાંઓને પ્રેમ કરતાં તો શીખી જ શકાયને!

મોટા ભાગના આપણે પોતાની જાતને ચાહતા હોઈએ તો પણ આપણા વ્યક્તિત્વના એકાદ પાસાને ચાહતા હોઈએ છીએ. કોઈને પોતાના લાંબા સુંવાળા વાળ ગમે છે તો કોઈને પોતાની આંખોનો રંગ. જેઓ ખૂબસૂરતીથી આગળ જોઈ શકતા હોય તેમને વધુમાં વધુ પોતાનો કોઈ એકાદ ગુણ ગમતો હશે. જો આપણે આપણી પોતાની જાતમાં જ ગમતી અને ન ગમતી બાબતોનું લિસ્ટ બનાવવા બેસીએ તો નિશ્ચિતપણે ન ગમતી બાબતોની યાદી લાંબી જ બનવાની; પરંતુ આવો અપૂર્ણ પ્રેમ ક્યારેય પૂર્ણ સુખ, સંતોષ અને શાંતિ આપી શકે નહીં. પૂર્ણ પ્રેમ પામવા માટે પૂર્ણ સ્વીકાર પણ કરવો પડે. જેમ પોતાના બાળકને આપણે તેની સારી-ખરાબ બન્ને બાબતો સાથે સ્વીકારીએ છીએ, જેમ ઘરના પાલતુ જાનવરને એનાં સારાં-નરસાં બન્ને પાસાં સાથે અપનાવીએ છીએ એવી જ રીતે પોતાની જાતનો પણ સંપૂર્ણ સ્વીકાર કરવો પડે. પછી એમાં આપણા વધતા વજન અને વધતી ટાલનો પણ સ્વીકાર કરવો પડે તો સાથે જ આપણને થતાં રાગ, દ્વેષ અને ઈર્ષ્યાનો પણ સ્વીકાર કરવો પડે.

સ્વીકાર એ પ્રેમ તરફનું પહેલું પગલું છે, પરંતુ બીજું મોટું અને અઘરું પગલું છે એ પ્રેમનો ઇઝહાર. તમે કોઈને ચાહતા હો તો સ્વાભાવિક રીતે જ તમારી એવી ઇચ્છા હોય કે એ પણ તમને વળતો પ્રેમ કરે અને વળતો પ્રેમ ન કરે તો વાંધો નહીં, પરંતુ તેને ઍટલીસ્ટ એટલો ખ્યાલ તો હોય જ કે તમે તેને પ્રેમ કરો છો. રાઇટ? આ જ સત્ય આપણી જાતને પણ લાગુ કરવું જોઈએ. તમે તમારી જાતને પ્રેમ કરો છો એવો તમારી જાતને અહેસાસ તો થવા દો! તેથી બધાની સામે ભલે ડંફાસ ન મારો, પરંતુ વિવેકની મર્યાદામાં રહી પોતાની જાત માટે સારું બોલવામાં, પોતાની જાતને લાડ લડાવવામાં, પોતાની સફળતાઓને સેલિબ્રેટ કરવામાં તો બિલકુલ કંજૂસાઈ કરવી ન જોઈએ. બલકે મનોવૈજ્ઞાનિકો તો ત્યાં સુધી

કહે છે કે એકલા અરીસા સામે ઊભા રહી પોતાની જાતને એક મોટું મજાનું સ્મિત આપવું, આઇ લવ યુ કહેવું કે પછી પોતાની જાતને ફ્લાઇંગ કિસ આપવી વગેરે જેવી બાલિશ હરકતો પણ લાંબા ગાળે આપણું આત્મસન્માન વધારવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.

આ પણ વાંચો : કૉલમ: કડવા હોવું એ જ કોચનો ધર્મ

જ્યારે આપણે આપણી જાતને આવી રીતે બેફામ, બેશુમાર પ્રેમ કરતાં શીખીએ છીએ ત્યારે જ આપણે ખરા અર્થમાં જીવન જીવવાનું શરૂ કરીએ છીએ. જાત પાસે આવતાં આપણી અંદર હકારાત્મકતા અને સકારાત્મકતા બન્નેનો સંચાર થાય છે. આગળ જતાં આ જ બન્ને તત્વો સાથે મળી દુનિયાભરનાં સુખ અને સાહ્યબી આપણી તરફ ખેંચી આણે છે. આમ સાચું જીવન તો ખરેખર પોતાની જાતને પ્રેમ કરવામાં જ હોય છે.

વિશ્વાસ ન થતો હોય તો એક વાર અજમાવી જુઓ...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK