લાખ રૂપિયા ખર્ચો અને બનો બ્યુટી-કૉન્ટેસ્ટના ફાઇનલિસ્ટ!

13 August, 2019 02:29 PM IST  |  મુંબઈ ડેસ્ક | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

લાખ રૂપિયા ખર્ચો અને બનો બ્યુટી-કૉન્ટેસ્ટના ફાઇનલિસ્ટ!

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

ગયા અઠવાડિયે પુણેની એક સંસ્થાએ મમ્મીઓ સાથે કરેલી છેતરપિંડી સમાચાર આવ્યા હતા. કંપનીએ સુપરમૉમની સ્પર્ધા યોજી હતી. એ માટે અનેક ઉત્સાહી મમ્મીઓએ ઑનલાઇન ફૉર્મ ભર્યાં હતાં, જેમાં પોતાની બધી જ વિગતો અને પોતાના વિડિયોઝ પણ અપલોડ કરેલા. હજારો રૂપિયાની ફી દઈને ઑડિશન આપેલાં. એમાંથી પસંદ કરાયેલી મમ્મીઓ માટે સુપર મૉમ બનવાનું એક જ પગથિયું હવે બાકી રહ્યું હતું - ફાઇનલ સ્પર્ધા. એમાં ભાગ લેવા એ બધી મમ્મીઓ પોતાના સ્વજનો સાથે પુણે પહોંચી ગઈ. ત્યાં જે હોટેલમાં તેમનો શો યોજાવાનો હતો ત્યાં પહોંચીને તપાસ કરી તો ખબર પડી કે શો તો કૅન્સલ થયો હતો! અને એના આયોજકો? સ્વાભાવિક જ તેમનો કોઈ અતો-પતો નહોતો. બિચારી સુપરમૉમ બનવા આવેલી મમ્મીઓ માત્ર બની ગઈ હતી. એ આયોજક કંપની ચલાવનાર કપલે પીસ્તાલીસ જેટલી સ્પર્ધકો પાસેથી પચાસ હજાર જેટલી રકમ પડાવી લીધી હતી! તેમાંની એકાદ યુવતીએ પેલા આયોજકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી એટલે બધો ગફલો બહાર આવ્યો અને આપણા સુધી પહોંચ્યો.

ખેર, આ તો ખુલ્લી છેતરપિંડી જ હતી. પરંતુ સુપરમૅનના આ જમાનામાં ‘સુપર મૉમ’ કે ‘સુપર ડૅડ’ અને ભાત-ભાતની બ્યુટી-ક્વીન કે મિસ યા મિસિસ ફલાણા-ઢીંકણા એરિયાની સ્પર્ધાઓ યોજવાનો વ્યવસાય ધમધોકાર ચાલે છે. વર્ષોથી મિસ વર્લ્ડની આપણે સ્પર્ધાઓ જોતા આવ્યા છીએ. વિજેતાનું નામ જાહેર થાય ત્યારે પહોળી આંખ કરતી ને બે હાથ ગાલ પર રાખીને હર્ષની ચિચિયારી કરી ઊઠતી સુંદરીને જોઈને કેટલીયે યુવતીઓએ મનોમન તેની જગ્યાએ પોતાને જોઈ હશે. તેમની એ મંશામાં વેપારી બુદ્ધિના ઑન્ટ્રપ્રનર્સને વ્યવસાયની તક દેખાઈ અને છેલ્લા બે દાયકાથી આવી કેટલીયે સ્પર્ધાઓ ફૂટી નીકળી છે.

થોડા સમય પહેલાં એક ફ્રેન્ડની પરણેલી દીકરીએ આવી જ એક મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આ કહેવાતી સ્પર્ધાઓના નામે ચાલતા ધંધાની મોડસ ઑપરેન્ડીનો થોડો ખ્યાલ આવ્યો હતો. આપણે તેને સપના કહીશું. પહેલાં આ સ્પર્ધા વિશે સોશ્યલ મીડિયા પર જાણકારી વહેતી કરાયેલી. એમાં તેમની સાઇટની લિન્ક આપેલી હતી. એના પર સ્પર્ધાની વિગતો આપેલી હતી. ભાગ લેવા ઇચ્છુક યુવતીઓને પહેલાં એક ફૉર્મ ભરવાનું હતું. કોઈ પણ પરણેલી અને અમુક ઉંમર સુધીની સ્ત્રી એ ફૉર્મ ભરી શકે. એટલે બ્યુટી-ક્વીનની જેમ સ્ટેજ પર ઠસ્સાથી ચાલવાનું અને માથા પર વિજેતાનો તાજ પહેરીને રિચ ઍન્ડ ફેમસ થઈ જવાનું સપનું જોતી કોઈ પણ વિવાહિત સ્ત્રી એમાં ભાગ લઈ શકે એમ હતી. એ સ્પર્ધામાં ફૉર્મ સાથે ૧૫૦૦ રૂપિયા ફી ભરવાની હતી. સામાન્ય લુક્સ ધરાવતી સ્માર્ટ સપનાએ એ ફૉર્મ ભરીને ફી સાથે મોકલી આપ્યું. થોડા દિવસ પછી મુંબઈમાં એક થ્રી સ્ટાર હોટેલની કોઈક રૂમમાં તેમનું સ્ક્રીનિંગ ગોઠવાયું. મુંબઈની બધી સ્પર્ધકોને પ્રિલિમિનરી (પ્રાથમિક) ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી. બધી યુવતીઓએ ગાઉન પહેરીને જવાનું હતું. સપના પણ તૈયાર થઈને ગઈ. સ્પર્ધાની આયોજક બે મહિલાઓમાંથી એક દરેક અરજકર્તાને મળતી હતી, એકાદ-બે સવાલો પૂછતી હતી અને જજ કરતી હતી. સપનાના લુક્સ કે મેક-અપ પર તે બહુ પ્રભાવિત ન થઈ હોય એવું તેના રીઍક્શન્સ પરથી સપનાને લાગ્યું એટલે ઘરે આવીને તેણે સ્પર્ધા વિશે વાત કરવાનું ટાળ્યું. એકાદ અઠવાડિયા બાદ સપનાને આયોજકોની ઈ-મેઇલ મળી : તમે સ્પર્ધાના નેક્સ્ટ લેવલ પર જવા માટે પસંદ કરાયાં છો. એમાં ફાઇનલ રાઉન્ડની તારીખ અને વેન્યુ જણાવ્યા હતા. નૅચરલી સપના ખુશીથી ઊછળી પડી. સપનાના સિલેક્શનના શુભ સમાચાર જાણી ઘરમાં સૌના ચહેરા પર સુખદ આશ્ચર્ય ફેલાઈ ગયું. પણ મેસેજમાં અપાયેલી એક અન્ય સૂચના વાંચતાં સૌની આંખ પહોળી થઈ ગઈ. સૂચના એ હતી કે આગળના રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે એસી હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે! પરિવારજનોને એ સમજાતાં વાર ન લાગી કે આયોજકો બિઝનેસ પર્સન્સ હતા અને આ સ્પર્ધા એક બિઝનેસ જ હતી. સપનાએ આયોજકોને ફોન કરીને પૂછ્યું કે જે સિલેક્ટ થઈ હોય એ મહિલા આટલા રૂપિયા ન ભરી શકે તો? જવાબ મળ્યો કે તો અમે તેના પછીના ઉમેદવારને બોલાવીએ. ટૂંકમાં જે નાણાં ભરે તેને જ સ્પર્ધામાં આગળ જવા મળવાનું હતું. આ ઉપરાંત સ્પર્ધાના વેન્યુ સુધી પહોંચવાનો (દિલ્હી આવવા-જવાનો) ખર્ચ, તેમની સૂચના અને સ્પેસિફિકેશન્સ પ્રમાણે સ્પર્ધામાં પહેરવાનાં ગાઉન, સૅન્ડલ અને ઍક્સેસરીઝ પણ દરેક સ્પર્ધકે પોતાના ખર્ચે લઈ જવાના હતા. એનો પણ બીજો વીસેક હજારનો ખર્ચ કરવાનો હતો! આ બધું જાણ્યા પછી સપનાના પરિવારજનોનો ઉત્સાહ તો ઓસરી ગયો, પરંતુ ફાઇનલ્સ માટે પોતાનું સિલેક્શન થયું હતું તેનો કેફ સપનાના દિમાગમાં નવી શક્યતાઓનાં શમણાં ઊછાળી રહ્યો હતો. એક લાખ રૂપિયાનો ખર્ચ કરવાની વાત તેને ખટકતી હતી છતાં ‘મિસિસ ઇન્ડિયા’ બનવાની તક હાથમાં આવી ગઈ હોય એવો રોમાંચ થતો હતો. અને એ તેને ગુમાવવો નહોતી. આયોજકોનો બચાવ કરતાં તેણે ઘરમાં દલીલ કરી કે બધા સ્પર્ધકોને ત્રણ દિવસ ફોર સ્ટાર હોટેલમાં રાખવાનો, કાર્યક્રમ યોજાવાનો એક્સપર્ટ્સ પાસે રૅમ્પ-વૉકની તાલીમ આપવાનો ખર્ચ તો થાયને! નોકરી કરતી અને સ્વતંત્ર આવક ધરાવતી સપના પોતાનો નિર્ણય લેવા મુક્ત હતી, પરંતુ તેના ચાર્ટર્ડ અકાઉન્ટટ પતિને એ સમજવામાં વાર ન લાગી કે આયોજકો સ્પર્ધકદીઠ કમ સે કમ પચાસ-સાઠ હજાર રૂપિયા કમાવાના હતા. અને એટલે જ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ માટે શક્ય એટલી વધુ સ્પર્ધકને પસંદ કરવામાં આવી હતી. એ બધીઓ ભલે પોતે બ્યુટી કૉન્ટેસ્ટની ફાઇનલિસ્ટ હોવાનો સંતોષ લે અને કૅટવૉકનો રોમાંચ લૂંટે, આયોજકોની ગણતરી તો માત્ર કમાણીની હતી.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

લાખેક રૂપિયાનો ખર્ચ કરીને સપના દિલ્હીની સ્પર્ધામાં જઈ આવી. નેવું-સો જેટલી સ્પર્ધકોમાં કેટલીય ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને અન્ય પ્રોફેશનલ્સ પણ હતી અને ગૃહિણીઓ પણ હતી. ટૂંકમાં લાખ રૂપિયા ખર્ચીને બ્યુટી કૉન્ટેસ્ટની ફાઇનલિસ્ટ બનવાનો સંતોષ લઈ અને સ્પૉન્સર્સે આપેલા શૅમ્પૂ, સૂપ કે કૉસ્મેટિકનાં નાનાં-નાનાં પાઉચ લઈને ઘરભેગી થઈ. એમાંની વિજેતાને કદાચ ટાઇટલ અને થોડા મોટા પૅકેટ લઈને ગઈ હશે. સહેજ પણ કૉમન સેન્સ હોય એ સમજી શકે કે એ યુવતીઓને એ બ્યુટી કૉન્ટેસ્ટના ફાઇનલિસ્ટનું કે વિજેતાનો ટૅગ લાખ રૂપિયામાં પડ્યો. અને કોઈ પણ શૉપિંગ મૉલમાં કે સ્ટોરમાં એક પર એક ફ્રીની સ્કીમ હોય તેમ જ એ ટૅગની ખરીદી પર થોડી પરચૂરણ પ્રોડક્ટ્સ ફ્રી મળી હતી. આમાં આયોજકોને ચીટર્સ કહી શકાય? કદાચ નહીં, કેમ કે તેમના ઇરાદાઓ અગાઉથી કળી શકાય એવા હતા. અને એ જાણ્યા પછી પણ એમાં ઝંપલાવનાર કોનાથી છેતરાયું? પોતે જ પોતાની જાતને છેતરીને!

columnists