કૉલમ : હવે નાચતાં-કૂદતાં વડીલોની ઊર્જા‍નો રાઝ સમજાય છેને!

14 May, 2019 01:05 PM IST  |  | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

કૉલમ : હવે નાચતાં-કૂદતાં વડીલોની ઊર્જા‍નો રાઝ સમજાય છેને!

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આપણી ફિલ્મોમાં ફૂલ-ઝાડની ઓથે ફરતાં, દોડતાં, ગીતો ગાતાં અને નાચતાં હીરો-હિરોઇનને જોઈને કેટલાક કહેવાતા બૌદ્ધિકો મજાક અને વિવેચકો ટીકા કરતા રહ્યા છે, પરંતુ તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસો વિજ્ઞાનનો હવાલો આપીને નાચવા-ગાવાના નક્કર લાભોની વાત કરે છે. થોડા સમય પહેલાં પોલ ડાન્સ કરતી ચોરાણું વર્ષની એક વૃદ્ધ મહિલાની વિડિયોક્લિપ વૉટ્સઍપ પર વાઇરલ થઈ હતી. જે ઉંમરે વૃદ્ધો કાં તો લાકડીના ટેકે ચાલતા હોય અથવા તો પથારીમાંથી ઊભા થઈ શકવાની પણ તાકાત ન હોય એ વયની સ્ત્રીને એક પોલ (ઊંચા સોટા)ને વળગીને કે એના પર ચડીને શરીર સંતુલનના ખેલ જેવો આ ડાન્સ કરતી જોઈને દંગ થઈ જવાય, અલબત્ત, નૃત્ય કે કોઈ પણ કળાની સાધના કરનાર વ્યક્તિમાં જીવનરસ અને ઊર્જા‍નો આવો નિરંતર વહેતો ઝરો જોયેલો છે, પરંતુ જ્યારે જ્યારે એ નજર સમક્ષ આવે છે ત્યારે તાજ્જુબ તો થઈ જ જવાય છે. ફ્રેન્કી મૅનિંગ નામનો અમેરિકન ડાન્સર અને કોરિયોગ્રાફર ભારે ઇનોવેટિવ હતો. આફ્રિકન અમેરિકન ડાન્સફૉર્મમાં તે માહેર હતો. તેની સાથે ડાન્સ કરવા યુવતીઓ થનગનતી. મૅનિંગ એંશી વરસનો થયો ત્યારથી તે જીવ્યો ત્યાં સુધી તેણે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઊજવ્યો હતો. એંશીમેં વરસે તેણે એંશી યુવતીઓ સાથે ડાન્સ કર્યો અને પછી દર વરસે એક એક યુવતી વધતી જાય એ રીતે ૨૦૦૯માં તેના અંતિમ જન્મદિવસે એ ચોરાણું વર્ષનો ડાન્સર ચોરાણું યુવતીઓ સાથે નાચ્યો હતો! કલ્પના કરી શકો છો તેની સ્ટેમિનાનો?

અનેક અભ્યાસો અને સંશોધનોએ પુરવાર કર્યું છે કે ડાન્સના શારીરિક અને જ્ઞાનાત્મક એટલે બોધાત્મક ફાયદાઓ અનેક છે. બે વરસ પહેલાં એક જર્મન અહેવાલ પ્રગટ થયો હતો. ફ્રન્ટિયર્સ ઇન હ્યુમન ન્યુરોસાયન્સ’ (મજ્જાતંતુ વિજ્ઞાનના સીમાડાઓ) નામના એ અહેવાલમાં કેટલીક વ્યક્તિઓના બ્રેઇન સ્કૅનનું વિfલેષણ રજૂ કરવામાં આવેલું. એ બધી વ્યક્તિઓ સરેરાશ અડસઠ વર્ષની ઉંમરની હતી. તેમાંથી કેટલીક વ્યક્તિઓ શારીરિક કસરત કરતી હતી તો બાકીની વ્યક્તિઓ સોશિયલ ડાન્સિંગ કરતી હતી. એટલે કે ક્લબ કે પાર્ટીઓમાં ડાન્સિંગ કરતી હતી. એ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એ બધી જ વ્યક્તિઓના મગજના હિપોકેમ્પસ નામના હિસ્સાનું કદ મોટું થયું હતું. મગજનો આ હિસ્સો શીખવાની શક્તિ, યાદશક્તિ અને મનના સમતોલપણાની ક્ષમતા માટે જવાબદાર છે.

ઉદાહરણ સાથે વાત કરીએ. આપણને ઘણી વાર નવાઈ લાગે છે કે વાહન હંકારતા ડ્રાઇવરોને જુદા જુદા વિસ્તારો, રસ્તાઓ અને ત્યાંના ટ્રાફિક રૂલ્સ કેવી રીતે યાદ રહેતા હશે? તે હિપોકેમ્પસનો પ્રતાપ છે. આપણે પણ વરસો સુધી કોઈ મિત્ર કે સ્નેહીને મળ્યા ન હોઇએ તેમ છતાં પણ તેનું નામ યાદ હોય છે. તે પણ આ જ હિસ્સાની યોગ્ય કામગીરીને પ્રતાપે શક્ય બને છે. આને ઠેકાણે કેટલાય સિનિયર સિટિઝન્સને જુદો અનુભવ થયો હશે: કેટલાય વડીલોને મોઢે સાંભળ્યું છે કે તેમને નામો યાદ નથી રહેતાં. તેનું કારણ પણ મગજનો આ વિસ્તાર જ છે. વધતી ઉંમર સાથે હિપોકેમ્પસ સંકોચાય છે. તેને કારણે ભૂલી જવાની બીમારીના શિકાર બનાય છે, પરંતુ કસરત અને નૃત્ય કરતા વડીલોના મગજનો આ હિસ્સો સંકોચાયો નહોતો. તેનો અર્થ એ કે તેમને યાદશક્તિને લગતી ઉંમરજન્ય તકલીફો થવાની સંભાવના ઓછી રહે.

આ ઉપરાંત એ જૂથની જે વ્યક્તિઓ ડાન્સ કરતી હતી તેમનામાં એક વધારાની બાબત જોવા મળી. તેમની શારીરિક સંતુલન જાળવી રાખવાની ક્ષમતા બહેતર હતી. આ વાંચીને કંઈ યાદ આવ્યું? યાદ કરો તમારા પરિવારના કે નજીકના વતુર્ળ માં કોઈ વડીલ બાથરૂમમાં કે ઘરમાં પડી ગયા હોય એવી ઘટનાઓ કેટલી વાર બની છે? ચોક્કસ એકાદ વડીલના આવા સમાચાર તો મળ્યા જ હશે, પરંતુ આ અભ્યાસ કહે છે તેમ અગર એ વડીલો જો ડાન્સ કરતા હોત તો તેમનામાં પોતાનું શારીરિક સંતુલન જાળવવાની ક્ષમતા સારી રહી હોત. આ લખું છું ત્યારે મને ગયા અઠવાડિયે જ આ અખબારમાં પ્રગટ થયેલો એક લેખ યાદ આવે છે. તેમાં કેટલાક ડાન્સિંગના શોખ ધરાવતા સિનિયર સિટિઝન્સના અનુભવો આલેખાયા હતા. એ લોકોએ કહેલું કે ડાન્સ કરવામાં તેમને ખૂબ ઊર્જા‍ અને ઉત્સાહનો અનુભવ થાય છે. તેમની વાતોમાં તેમનો આનંદ છલકાતો હતો. ૨૦૦૮માં ‘જર્નલ ઑફ એજિંગ ઍન્ડ ફિઝિકલ ઍક્ટિવિટી સ્ટડી’ નામનો એક અભ્યાસ થયેલો. તેમાં નોંધાયું હતું કે લાંબો સમય સુધી ટૅંગો ડાન્સિંગ કરતા હતા એ લોકાને વૃદ્ધાવસ્થામાં શારીરિક સંતુલનની સમસ્યા હેરાન નહોતી કરતી.

આ પણ વાંચો : મતદાનની મગજમારીની સમસ્યાના ઉપાયમાં ઈ-વોટિંગ શા માટે નહીં?

સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે કોઈ પણ ઉંમરે ડાન્સ કરવાથી વ્યક્તિમાં સાચા-ખોટાની કે યોગ્ય-અયોગ્ય વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ સતેજ થાય છે. આવી વ્યક્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં જે વર્તન કરે છે તે કે પ્રતિક્રિયા આપે છે તેમાં તેઓ એ પરખશક્તિનો ઉપયોગ કરીને વર્તે છે. આપણે એને વિવેકશક્તિ પણ કહી શકીએ. આમ નૃત્ય માનસિક અને શારીરિક સજ્જતા વધારે છે, જેનાથી વૃદ્ધાવસ્થાની અનેક સમસ્યાથી રક્ષણ મળે છે. એક વડીલ સ્વજનના શબ્દો યાદ આવે છે. એ કહેતાં: ‘ઉંમર વધે તોય ગલઢા ન થાવું હોય તો હાથ-પગ ચલાવતાં રહો, નહીં તો ગૂડા ગુમાવવા તૈયાર રહેજો’. જીવનના અનુભવમાંથી આવેલા એમના એ શબ્દો અને અને આજનાં આધુનિક શિક્ષણસંસ્થાનો કે પ્રયોગશાળાઓનાં સંશોધનોનાં તારણોમાં કેટલું સામ્ય છે ને! મેં અને તમે કેટલાય સિત્તેર, પંચોતેર, એંશી કે પંચ્યાશી વર્ષનાં સશક્ત અને સ્ફૂર્તીલા વડીલોને જોયા છે જે ઘરમાં કે પાસ-પડોશમાં કોઈ પણ પ્રસંગ હોય તો દોડા-દોડ કરતાં હોય છે. ઉત્સાહથી કામ કરતાં હોય છે, રાસ-ગરબા કે ગીતોની રમઝટ જમાવી રહ્યા હોય છે. એમની એ ઊર્જા‍નો રાઝ હવે સમજાય છે ને!

columnists