આતંકવાદ ફેલાવતા દુશ્મનની ક્રૂર હરકતો રોકે એવાં કોઈક પગલાં આપણે લઈ શકીએ

26 February, 2019 12:37 PM IST  |  | તરુ કજારિયા

આતંકવાદ ફેલાવતા દુશ્મનની ક્રૂર હરકતો રોકે એવાં કોઈક પગલાં આપણે લઈ શકીએ

શહીદોના પરિવારો

સોશ્યલ સાયન્સ

૧૪ ફેબ્રુઆરીએ કાશ્મીરમાં ત્રાસવાદનો રાક્ષસ એક જ ઝાટકે દેશના ચાલીસથી વધુ નવલોહિયા જવાનોને ભરખી ગયો. જે ભયંકર બર્બરતા એ પ્રેમદિને જોવા મળી એણે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. એના પછીના દિવસોમાં બીજા છ જવાનો શહીદ થઈ ગયા. જેમને ક્યારેય જોયા નથી, પણ જેમની હયાતીથી આપણી જિંદગીઓ બેફિકરાઈથી જીવી રહ્યા છીએ એવા જવાનોની શહાદતથી આપણે સૌ હલી ગયા છીએ. એ જવાનોના મૃતદેહ લઈ આવેલા તિરંગામાં વીંટાયેલાં કૉફિન, શહીદોના પરિવારજનોનાં હૈયું ફાડી નાખે એવાં કલ્પાંત, વહાલા વીરના મૃતદેહને વળગીને વિલાપતી દાદીમા, મા, બહેન, પત્ની કે બાળકોના ભેંકાર ચહેરાઓ, ભીતર ઊમટેલો દુ:ખનો દરિયો ખાળીને ભડવીરને જેમ ઊભેલા પિતા કે ભાંગી પડેલા ભાઈ-ભાંડુઓની ઉદાસીની તસવીરો જોતાં દરેક વખતે હૃદય કકળી ઊઠે છે અને આંખો વરસી પડે છે.

આ દુર્ઘટના મન પરથી હટતી નથી. ચોક્કસ આ દૃશ્યોએે ભલભલા કઠણ હૃદયના દેશવાસીઓને પણ હચમચાવી નાખ્યા હશે. આ શહીદોના પરિવારજનો અને ઘરોની તસવીરો જોતાં મારી જેમ ઘણાને સવાલ થયો હશે કે એવી કઈ જ્વાળા હશે આ લોકોના દિલમાં જે કરોડો દેશવાસીઓ માટે જિંદગી હોમી દેવા જુવાન દીકરાઓને જંગે મોકલે છે? આકરી તાલીમ પામી વિષમ અને વિપરીત સ્થળ-સંજોગોમાં ફરજ બજાવતા આ જવાનો દુશ્મનોથી દેશની રક્ષા કરવા ખડે પગે રહે છે. મોસમના આકરા મિજાજની થપાટો ખમે છે અને ઉફ પણ ઉચ્ચાર્યા વિના જુસ્સાથી ફરજ બજાવ્યે જાય છે. કોઈ દુશ્મનની ગોળી ખાઈને તો કોઈ દુશ્મનના બૉમ્બ વિસ્ફોટનો શિકાર બનીને શહાદત વહોરી લે છે.

ગયા સોમવારે પુલવામા કાંડના કારસ્તાની આતંકવાદીને ઝબ્બે કરવાની કવાયતમાં આપણા બીજા ચાર જવાનો શહીદ થઈ ગયા તેમાં એક મેજર વિભૂતિ ઢોંડિયાલ પણ હતા. હજી દસ મહિના પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. એક વર્ષ પહેલાં મેજરે પિતા ગુમાવેલા એટલે એમના ઘરમાં તેમનાં મમ્મી અને યુવાન પત્ની જ છે. વારંવાર કફનમાં લપેટાયેલા પતિના મૃતદેહને ચૂમીને છેલ્લી વાર ‘આઇ લવ યુ’ કહીને તેમની પત્નીએ વહાલસોયા પ્રીતમને વિદાય આપી એ દૃશ્ય જેટલી વાર યાદ આવે છે એટલી વાર આંસુ અટકતાં નથી. મને ખાતરી છે કરોડો ભારતીયોની આંખોમાં આમ જ આંસુ ઊભરાયાં હશે. લગ્નને હજી એક વર્ષ પણ પૂરું નથી થયું ત્યાં આવી ચીર વિદાય કેટલી વિદારક હશે! આ કુરબાની એ પરિવારે મારા, તમારા અને આપણા જેવા અજાણ્યાઓ માટે આપી છે. આ દેશની સલામતી માટે કરી છે.

એના એક દિવસ પહેલાં દેહરાદૂનના જ એક અન્ય મેજર ચિત્રેશ બિશ્ત પણ આતંકવાદીએ ગોઠવેલા વિસ્ફોટકનો ભોગ બની ગયા. એ યુવાનનાં આવતે મહિને લગ્ન થવાનાં હતાં. દીકરાને એક વાર ભેટી લેવા તડપતી તેની માતા સૌને કહી રહી હતી : એક વાર તો તેને ખોલો, મારે તેને ગળે વળગાડવો છે. એમ બોલતાં-બોલતાં બેહોશીમાં સરી પડેલી એ મા અને ભાંગી પડતા બહાદુર બાપને જોઈને પણ હૃદય વીંધાઈ જતું હતું. પોતાની માતાને છોડીને ગયેલો જીવતો દીકરો ભારત માતાની સેવા કરતાં-કરતાં શબપેટીમાં બંધ ઘરે પાછો ફરે છે!

વારંવાર મનને એક વાત કોતરી ખાય છે કે આપણા જેવા કરોડો અજાણ્યા દેશવાસીઓને સલામતી બક્ષતા જવાનોના પરિવારો ખુદ કેવી અનિશ્ચિતતાના માહોલમાં જીવે છે! આપણે તેમને માટે શું કરીએ છીએ? શું કરી શકીએ? આતંકવાદ ફેલાવતા એ દુશ્મન દેશને આવી ક્રૂર હરકતો કરતાં રોકે એવાં કોઈક પગલાં આપણે ન લઈ શકીએ? કેટલાક લોકોએ આવાં પગલાં સ્વેચ્છાએ લેવાં શરૂ કર્યા છે. આપણા એક ગુજરાતી ટૂર-ઑપરેટરે કાશ્મીરની ટૂર્સ બંધ કરી કરોડો રૂપિયાનો બિઝનેસ ગુમાવ્યો છે તો પણ તેમણે એ પગલું ભર્યું છે, કેમ કે તેમની ટૂરમાં જતા ટૂરિસ્ટો થકી કાશ્મીરમાં જે નાણાં ઠલવાય છે એમાંથી પોતાને ભારતનો ભાગ નથી ગણતા એવા કાશ્મીરીઓની આતંકી પ્રવૃત્તિઓ પોષાય છે. જે ભારતવાસીઓ થકી તેઓ કમાય છે તેમને જ તે ભાંડે છે અને તેના જ સૈનિકોને મારે છે. એટલે તેમની ભારત થકી થતી કમાણી બંધ કરીને તેમને પાઠ શીખવવાનો આ એક નિર્દોષ માર્ગ છે.

આ જ અસહકાર કે બહિષ્કારનો રસ્તો સાંસ્કૃતિક કે રમતગમતના ક્ષેત્રે પણ આ વખતે અપનાવ્યો છે. સિને આર્ટિસ્ટ્સ અસોસિએશન, ક્રિકેટ અસોસિએશન, ઑલ ઇન્ડિયા રેડિયો વગેરેએ આવાં બહિષ્કારનાં પગલાં લીધાં છે. તો પાકિસ્તાન સુપર લીગ દુનિયાભરમાં બ્રૉડકાસ્ટ કરવાનો કરાર રિલાયન્સ IMGએ રદ કરી નાખ્યો છે. જે દેશ આપણા સૈનિકો અને નિર્દોષ નાગરિકોની બેફામ કતલ કરે, આપણી ભૂમિને રકતરંજિત કરે એ દેશના કલાકારો કે ખેલાડીઓ પ્રત્યે આપણને આદર હોય એનો કોઈ વાંધો નથી. પરંતુ પાકિસ્તાનની ભારત વિરુદ્ધની આ નાપાક હરકતોનો વિરોધ કરવાની જો તેમને જરૂર ન લાગતી હોય તો આપણે પણ તેમને કમાણી કરાવવાની કે પ્રસિદ્ધિ અપાવવાની કોઈ જ જરૂર નથી. આપણે ત્યાંથી મળનારાં નાણાંમાંથી તેઓ પોતાની સરકારને ટૅક્સ આપશે. અને પાકિસ્તાન સરકાર ભારતવિરોધી આતંકી પ્રવૃત્તિઓને પોષવા માટે એમાંથી નાણાં ફાળવાશે. આપણા સંગીત અને સાહિત્યપ્રેમીઓ કે ક્રિકેટપ્રેમીઓ થોડા સમય માટે તેમના શોખ, તેમના વ્યવસાય કે તેમના પબ્લિક રિલેશન્સનો ભોગ ન આપી શકે? આમાંની કોઈ પણ વસ્તુ આપણા જવાનોની જિંદગી કરતાં કીમતી છે? આમાં કોઈના પ્રત્યે વ્યક્તિગત વેરભાવ નથી, પરંતુ આપણને આતંકવાદનો શિકાર બનાવતા દેશની સમૃદ્ધિ વધારવામાં આપણે નિમિત્ત શા માટે બનવું જોઈએ?

આ પણ વાંચો : જો બીત ગઈ સો બાત ગઈ

જોકે આવી વાત કરવાની હિંમત કરવી એટલે ‘સંકુચિત’, ‘અસહિષ્ણુ’ કે ‘કટ્ટરવાદી’ ગણાવાઈ જવાની પૂરી શક્યતા છે. છો કોઈ એમ ગણે. ક્યારેક એ શહીદોની માતાના હોઠ પર અટકી ગયેલો સવાલ સાંભળવાનો પ્રયાસ કરશો તો સંભળાશે : ‘ક્યાં સુધી અમારે દીકરાઓની શબપેટીઓને આવકારતાં રહેવું પડશે?’ શક્ય છે એના જવાબમાં દેશના સામાન્ય નાગરિક તરીકે આપણે સૌ પણ આવાં લેબલોનો છોછ રાખ્યા વગર, સૂફિયાણી ચર્ચાઓ કર્યા વગર, જીવનમાં રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાન પર મૂકવા સહમત થઈ શકીએ! સરકાર એના સ્તરે જે પગલાં લેવાનાં છે એ લઈ રહી છે અને લેશે, પણ દેશપ્રેમી નાગરિક તરીકે આપણે આવાં પગલાં જરૂર લઈ શકીએ.

columnists