ભૂલોને ભૂલીને એમાંથી શીખેલા પાઠ ગાંઠે બાંધીએ

29 January, 2019 12:05 PM IST  |  | તરુ કજારિયા

ભૂલોને ભૂલીને એમાંથી શીખેલા પાઠ ગાંઠે બાંધીએ

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

વિખ્યાત અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કંપની ગોલ્ડમૅન સાક્સના CEO સોલોમન નેતૃત્વ માટે આવશ્યક ગુણોની વાત કરતાં કહે છે કે ક્યારેક તમારાં પાસાં સવળાં પડે અને ક્યારેક અવળાં પણ પડે. આ સ્થિતિમાં તમારે ક્યાં અને શું ખોટું થયું કે ચુકાયું કે વધુપડતું થયું એ સમજવું પડે. એમાંથી સાચું શું છે એ શીખવું પણ પડે અને તમારે તમારો મત બદલવો પડે. ખુલ્લા મનનું બનવું પડે. અને એમ કરવા માટે સૌથી પહેલાં તમારે સાંભળતાં શીખવું પડે. દુનિયાના અનેક સફળ નેતાઓ સ્વીકારે છે કે તમારું મન કે મંતવ્ય બદલવાની તૈયારી એ સફળ નેતૃત્વનું મહત્વનું લક્ષણ છે. સોલોમન તો કહે છે કે પોતે ખોટા હતા એ બાબત જાણ્યા બાદ નેતા એનો કેવો પ્રતિસાદ આપે છે એ તેની ઓળખ માટે ચાવીરૂપ બાબત છે. આપણો કોઈ નિર્ણય ખોટો પુરવાર થયો હોય કે આપણું કોઈ સાહસ નિષ્ફળ ગયું હોય ત્યારે ઊભા થયેલા સંકટની પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ અથવા તો એ બાબતને આપણે કેવી રીતે સ્વીકારીએ છીએ એ ઘણું મહત્વનું છે. એવી પરિસ્થિતિમાંથી જે શીખે છે તેનામાં નેતૃત્વનાં બહેતર લક્ષણો છે એમ કહી શકાય. સોલોમન સ્વીકારે છે કે વીસ વરસ પહેલાં હું હતો એના કરતાં અત્યારે હું બહેતર લિસનર (સાંભળનાર) બન્યો છું. સાંભળવું, ધ્યાનપૂર્વક સાંભળવું એ બહુ મોટી વાત છે; પણ કમનસીબે આપણને સાંભળવાની કળા શીખવવામાં નથી આવતી. નાના હોઈએ ત્યારે ઘરમાં બધા બાળકને બોલતાં શીખવાડે. આમ બોલ, પેલું બોલ કહીને દરેક સભ્ય પોતાને ગમતા શબ્દો કે વાક્યો નાના બાળકને શીખવે. પછી એ બાળકને બાળમંદિર કે નર્સરીમાં દાખલ કરવામાં આવે તો ત્યાં ટીચર તેને નવા-નવા શબ્દો, વાક્યો કે નર્સરી રાઇમ બોલતાં શીખવે. પછી તો આ બોલતાં શીખવાનો સિલસિલો સ્કૂલ, કૉલેજ અને વ્યવસાયમાં પણ ચાલુ જ રહે. સારા અને અસરકારક વક્તા કેમ બનવું એ માટે ખાસ વર્ગો ચાલે, પરંતુ સારા શ્રોતા કેમ બનવું એ ક્યાંય શીખવવામાં નથી આવતું!

ખેર, આપણે વાત પોતાની ભૂલ સ્વીકારવાની અને એમાંથી શીખવાની કરતા હતા. માણસ માત્ર ભૂલને પાત્ર. આ વાક્ય આપણે કેટલીય વાર સાંભળ્યું છે અને બોલ્યા પણ હોઈશું. આમ તો આ વાક્યમાં ભૂલનો આડકતરો એકરાર આવી જાય છે, પરંતુ એ બોલનાર જો ઉંમર, હોદ્દા કે સ્ટેટસમાં મોટી વ્યક્તિ હોય ત્યારે મોટા ભાગે એ શબ્દોનો પ્રયોગ જાણે ભૂલને જસ્ટિફાય કરવા (યોગ્ય ઠેરવવા) માટે થતો હોય એવો એનો સૂર હોય છે. એમાંથી કંઈ શીખવાનો ઇરાદો કે પ્રયાસ જરાય દેખાતા નથી. જોકે ઉચ્ચ સ્થાને બિરાજતી વ્યક્તિ માટે આવો એકરાર બહુ કપરો હોય છે, કેમ કે તેનો ઈગો કે અહમ્ તેને એમ કરતાં રોકે છે.

એટલે તમે જોજો ‘સૉરી’ કે ‘માફ કરજો, મારી ભૂલ હતી’ જેવા શબ્દો તેમના હોઠે ભાગ્યે જ આવે છે, પરંતુ જે મહાન છે (મોટા નહીં, મહાન) તેમનામાં આવી વિનમ્રતા સહજ જોવા મળે છે. સદ્નસીબે આવાં અનેક સજ્જનો અને સન્નારીઓના સંપર્કમાં આવવાનું થયું છે. એક વાર આવા જ એક સજ્જને તેના એક કર્મચારીને સૉરી કહ્યું અને પોતાની ભૂલ બદલ તેની માફી માગી ત્યારે હું હાજર હતી. પેલા કર્મચારીના ગયા પછી મેં તેમને પૂછેલું કે તમે પેલા ભાઈને સૉરી તો કહી જ દીધું હતું તો પછી માફી માગવાની કઈ જરૂર હતી? ત્યારે તેમણે કહેલું કે ‘ચોક્કસ જરૂર હતી. જ્યારે-જ્યારે હું સૉરી કહું છું ત્યારે મારો ઈગો પરાજિત થાય છે અને દરેક ખોટા નિર્ણયમાંથી કંઈક શીખવાની મને તક પણ આપે છે. એટલે ખરેખર તો મારે એ ભાઈને થૅન્ક્સ પણ કહેવું જોઈતું હતું.’ આને જ કહેવાય મુઠ્ઠી ઊંચેરી માણસાઈ! આવી વ્યક્તિઓ દુન્યવી ગણતરીએ ‘મોટા માણસો’ની કૅટેગરીમાં ન આવતી હોય તો પણ તેમને મહાન માનવોની કક્ષામાં જરૂર મૂકી શકાય.

આ પણ વાંચો : જિંદગીની મૅરથૉન માટે કેટલી તૈયારી કરી છે?

ગોલ્ડમૅન સાક્સના CEO સોલોમન પણ કહે છે કે હું તો શીખતો જ રહું છું. મને એક સવાલ થાય છે કે વિશ્વસ્તરે ટોચના કૉર્પોરેટ હાઉસમાં આટલા ઊંચા હોદ્દા પર રહેલી વ્યક્તિ પણ જો પોતાની ભૂલમાંથી શીખવા માટે આટલી ઉત્સુક હોય તો સામાન્ય માનવીએ તો કેટલા વધુ ઉત્સુક હોવું જોઈએ? કેમ કે શીખીને આગળ વધવા માટે તેમની પાસે તો ઘણો અવકાશ રહેલો હોય છે, પરંતુ આપણા જેવા સામાન્ય માનવીઓ ઘણાખરા અંશે ક્ષુલ્લક ઈગોને કારણે શીખવાની આ તક ગુમાવતા જોવા મળે છે. પરંતુ કોઈ કંપનીના મુખ્ય માણસને આવી તક ગુમાવવી પોસાય નહીં. એ જ રીતે આપણામાંની દરેક વ્યક્તિ પોતાના પરિવારની કે કમ સે કમ પોતાના જીવનની તો સંચાલક છે જને? તો તેને પણ પોતાના ઈગોને હવાલે થઈને શીખવાની તક શા માટે ગુમાવવી જોઈએ? તમે જોયું હશે કે નાનું બાળક પણ કોઈ ભૂલ કરે કે ખોટું કરે ત્યારે તેના પેરન્ટ્સ તેને કહે છે : બેટા સૉરી બોલો. પરંતુ પેલું બાળક બોલતું જ નથી. મમ્મી-પપ્પાની વારંવારની સૂચના કે વિનંતીઓ પણ તે જાણે સાંભળતું જ નથી! એવડા નાના બાળકને પણ ભૂલ સ્વીકારવામાં પારાવાર તકલીફ થાય છે. આવું કેમ થાય છે? કારણ કે તેણે જોયું છે. ઘરમાં મમ્મી-પપ્પાની અવારનવાર ચડસાચડસી થાય છે. તું ખોટો-તું ખોટી જેવી હુંસાતુંસી થાય છે, બન્નેને ઉગ્રતાથી દલીલ કરતાં અને ક્યારેક ઝગડતાં પણ તેણે જોયાં છે. પછી મમ્મી-પપ્પાના મૌનમાં ઘૂંટાતા ઘરનો ભાર પણ તેણે અનુભવ્યો હોય છે. પરંતુ તેણે કદી મમ્મી કે પપ્પાને એકબીજાને સૉરી કહેતાં સાંભળ્યાં નથી. તો બાળકના મોઢામાં એ શબ્દ ક્યાંથી સહજતાથી આવે? ‘બાળકને જે કહેવામાં આવે છે એ નહીં, પણ તે જે જુએ છે એ કરે છે’ એ વાતનું કેટલું સચોટ ઉદાહરણ છે એ બાળકનું વર્તન? પણ કલ્પના કરો એ બાળક મોટો થાય, સ્પર્ધાત્મક દુનિયામાં તેણે પણ પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરવો પડે અને આગળ જતાં વ્યાવસાયિક કારકર્દિીમાં પણ તેણે આગળ વધવું હશે. એ સમયે જો તેનામાં પોતાની ભૂલને ઓળખવાની, એને સ્વીકારવાની અને એમાંથી શીખવાની વૃત્તિ નહીં હોય તો એ ચોક્કસ તેની મોટી મર્યાદા બની શકે છે. માત્ર ભૌતિક સફળતા માટે જ નહીં, માનસિક સ્વસ્થતા માટે પણ ભૂલોને ભૂલીને એમાંથી શીખેલા પાઠ ગાંઠે બાંધવા જેવા છે. સતત શીખતા રહેવાની સોલોમનની શીખ આત્મસાત કરવા જેવી છે.

columnists