કુછ રૌનકે ખુદ સે ભી હુઆ કરતી હૈ

18 September, 2019 03:21 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

કુછ રૌનકે ખુદ સે ભી હુઆ કરતી હૈ

પ્રતીકાત્મક તસવીર

અભાવને આત્મહત્યા સુધી લઈ જવું મૂર્ખાઈ છે. બાદબાકી કર્યા પછીયે કંઈક તો ક્ષુલ્લક રહેતું જ હોય છે. કંઈ નહીં તો છેવટે શૂન્ય તો મળી જ આવે. આ શૂન્યમાંથી જિંદગીને આકાર આપવાનો હોય. આપણી ખુશી વસ્તુ કે વ્યક્તિ પર નિર્ભર બનવા લાગે ત્યારે ચેતી જવું સારું.

જન્મ-મરણ વચ્ચે જીવાતી જિંદગી એ જ જીવન છે. જીવન જીવતાં-જીવતાં કેટલાંય સપનાં અને ઇચ્છાઓને આપણે જન્મ આપીએ છીએ. કંઈક મેળવવાની ચાહ આપણને જીવંત રાખે છે. ધીરે-ધીરે અમુક સપનાં અને ઇચ્છાઓ પૂરાં થાય અને આપણને જીવન પ્રત્યે પ્રેમ થાય. અમુક સપનાં અને ઇચ્છાઓની બાદબાકી થાય અને આપણને જીવન પ્રત્યે હતાશા થવા માંડે. જોકે પૂર્ણતા અને અભાવના માહોલથી જીવનનું ઘડતર થતું હોય છે. બાળપણમાં ખવાતી સંતરાની ખાટીમીઠી પીપર, સફેદ એક્સ્ટ્રા સ્ટ્રૉન્ગ પીપર, લૉલીપૉપ, રંગબેરંગી જેમ્સ, ડેરી મિલ્કનો સ્વાદ યાદ છે? બધી જ પીપરમિન્ટ ચાખીને આપણને સૌથી વધારે શું ભાવે છે અને ફાવે છે એ આપણે નક્કી કરી લેતા. જીવન આ બધી જ પીપરમિન્ટ જેવું છે.

હાલમાં યંગસ્ટર્સની આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે.  આવા કિસ્સા અગાઉ પણ બની ચૂક્યા છે. અમુક કિસ્સામાં કારણ જાણી શકાયું છે તો અમુક કિસ્સાઓ રહસ્ય બનીને રહી ગયા છે.  એક વ્યક્તિની એવી કઈ મૂંઝવણ હશે જેનો સામનો એ નહીં કરી શક્યો હોય અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હશે? શું જિંદગીનો અંત સમસ્યાનો અંત છે? જવાબ છે, ના. ક્યારેય નહીં.

બાળપણની લુકાછુપીની રમતમાં ક્યારેક દાવ આપણા પર આવતો અને ક્યારેક આપણે બિનધાસ્ત બનીને છુપાઈ જતા, પણ છુપાઈ ગયા પછી ફરી જડી પણ જતા. આજે આપણે એવા છુપાઈ ગયા છીએ કે જાતનેય નથી જડતા. આપણે આપણી જાતને શોધી લઈએ તો! જીવનમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન ન આવે એ પ્રૅક્ટિકલી શક્ય નથી જ. જીવન છે તો આવા વાઇરસ પણ છે જ. આવા વાઇરસને કારણે જીવન પ્રત્યેનો રસ ઓછો ન થઈ જાય, એની તકેદારી રાખવાની છે અને એના માટે જાત સાથેનો સંવાદ બેસ્ટ હીલિંગ છે. સમજદાર થયા પછી આપણી જાતને આપણાથી વધારે સારી રીતે બીજું કોઈ ન ઓળખી શકે, પણ ઘણી વાર એવું બનતું હોય છે કે જાતને સંભાળવી અઘરી હોય છે ત્યારે એક વ્યક્તિ એવી હોવી જોઈએ  જેની સાથે મનની મૂંઝવણ શૅર કરી શકાય.

અણસમજુ ઉંમરે થતી આત્મહત્યા નાદાની છે તો સમજુ ઉંમરે કરેલી આત્મહત્યા સમજણ પછીની નાદાની છે. બન્ને અવસ્થામાં કૉમન છે દબાણ, ડર, અસલામતી, એકલતા. સંતાનો સાથેનો સતત પૉઝિટિવ સંવાદ એને ભયમુક્ત કરે છે. દરેક પરિવારે આવું વાતાવરણ પોતાનાં સંતાનો માટે નિર્માણ કરવું જોઈએ. સમજદાર થયા પછીયે આપણને હળવાશની જરૂર તો પડે જ છે. જે માટે આપણે ક્યારેક એવા સંબંધોમાં બંધાઈ જઈએ જે આપણી જિંદગીમાં ગૂંચળાં ઊભાં કરી દે છે.

આત્મહત્યાનાં જુદાં-જુદાં કારણોમાંનું એક કારણ ખોટા સંબંધની ગૂંચ પણ છે. પ્રેમ કરતાં-કરતાં શું એટલા પરાધીન બની જવાનું કે સ્વનો અંત લાવવા સુધી પહોંચી જવું પડે? નવા સંબંધની મહેક એકબીજાને ઓળખતા થઈએ ત્યાં સુધી મહેક્યા કરે. એકબીજાને ઓળખી લીધા પછીની સ્થિતિ જુદી જ હોય છે. સંબંધ ખોવાઈ જવાનો ડર આપણને અંદરથી તોડી નાખે છે ત્યારે જાતને એક વાત સતત યાદ કરાવતા રહેવું પડે કે કોઈના હોવાથી કે ન હોવાથી જીવન અટકતું નથી.

સ્કૂલની પરીક્ષામાં ‘ખાલી જગ્યા પૂરો’ એમ આવતું. એમાં ક્યારેક વિકલ્પો આપ્યા હોય તો ક્યારેક જાતે જ એ ખાલી જગ્યા પૂરવાની હોય. મોટા થયા પછીયે વિકલ્પો ઘણા મળે પણ જીવનની ખાલી જગ્યા હંમેશાં વિચારીને ભરીએ તો પરાધીનતાથી બચી શકાય. કોઈને પ્રેમ કર્યા પછી આપણું સ્વ ન ખોવાય એ આપણે જ જોવાનું હોય.

અભાવને આત્મહત્યા સુધી લઈ જવું મૂર્ખાઈ છે. બાદબાકી કર્યા પછીયે કંઈક તો ક્ષુલ્લક રહેતું જ હોય છે. કંઈ નહીં તો છેવટે શૂન્ય તો મળી જ આવે. આ શૂન્યમાંથી જિંદગીને આકાર આપવાનો હોય. હતાશા, નિરાશા, સ્ટ્રેસ, ડિપ્રેશન, બધું જ આવશે. પહેલાં તો એ સ્વીકારી લો. પછી તમારે એમાં જ પડ્યા રહેવું છે કે આગળ વધવું છે એ નક્કી કરી લો. ગમતીલો સંબંધ કે વસ્તુ દૂર થયા પછી નહીં જીવાય એવા લાગણીવેડામાં તણાવા કરતાં જો નક્કી કરી લેશો કે જીવનમાં સર્જાયેલા આ અણધાર્યા અભાવમાંથીય હું ઉત્તમ જીવન જીવી શકું છું તો જીવનને ચાહી અને માણી શકશો અને એ પણ પહેલાં કરતાં વધારે સારી રીતે. આપણી ખુશી વસ્તુ કે વ્યક્તિ પર નિર્ભર બનવા લાગે ત્યારે ચેતી જવું સારું.

આ પણ વાંચો : નવી પેઢીને કડવા લીમડાનો રસ અને કરિયાતું પીવડાવે છે આ જૂની પેઢીના વડીલો

બીજાના જીવનમાં અજવાળું પાથરવું કે બીજા પાસેથી અજવાળાની અપેક્ષા રાખવી ખોટું નથી, પણ સ્વના ભોગે નહીં. જાતને ચાહવા લાગીશું તો જીવનને ચાહવા લાગીશું. કોઈ પણ પરિસ્થિતિમાં સ્વનો નાશ નહીં, પણ સ્વનો ઉજાશ કરવાનો છે. આપણી અંદર જ અજવાળું શોધીએ અને જાતને સતત કહેતા રહીએ કે ‘કુછ રૌનકે ખુદ સે ભી હુઆ કરતી હૈ.

columnists Sejal Ponda suicide