એટલા બધા સ્વાર્થી બનો કે ભરપૂર પરમાર્થ કરી શકો

03 October, 2019 04:04 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

એટલા બધા સ્વાર્થી બનો કે ભરપૂર પરમાર્થ કરી શકો

પ્રતીકાત્મક તસવીર

સામાન્યપણે આપણે સ્વાર્થનો કાયમ સંકુચિત, નેગેટિવ અને ખરાબ અર્થ કરતા હોઈએ છીએ. સ્વાર્થી એટલે મતલબી, માત્ર પોતાના જ હિતનું, મતલબનું, લાભનું જ વિચારે અને એવું જ કરે; પરંતુ આ જ શબ્દ સ્વાર્થને જરા પૉઝિટિવ અર્થમાં જોઈએ તો સ્વાર્થ એટલે સ્વનો (પોતાનો) અર્થ શોધવો-જાણવો-સમજવો. આ અર્થ જાણતાં-સમજતાં જિંદગી આખી પણ જઈ શકે, એ પછી પણ એ મળે કે નહીં એની ખાતરી નહીં. તેમ છતાં એને જાણવા-સમજવાનું મહત્વ અનેરું અને ઊંચું.

ખેર, સ્વાર્થની વાત સમજીએ. સૌપ્રથમ માણસે પોતાનું ભલું કરતા શીખવું જોઈએ, જેનો અર્થ એ થાય કે માણસે પોતે પગભર થવું જરૂરી છે. એક વાર તેનો યુવાનીકાળ શરૂ થાય અને અભ્યાસનો કાર્યકાળ પૂરો થાય કે તેણે આર્થિક દૃષ્ટિએ સ્વનિર્ભર બની જવું જોઈએ. જ્યાં સુધી માણસ પોતે આ બાબતે સ્વનિર્ભર નહીં હોય તો તે બીજાઓ માટે શું કરી શકશે? કેટલું કરી શકશે? કંઈ કરી શકે નહીં! આમ માણસે પહેલાં પોતાને પગભર અને સક્ષમ કર્યા બાદ પરિવારને સક્ષમ-સ્વનિર્ભર બનાવવા પર ભાર મૂકવો જોઈએ. પરિવારને બાજુએ મૂકી તે માત્ર પોતાનું જ કર્યા કરે એ વાજબી અને ન્યાયી નથી, કારણ કે પરિવારે જ તેને મોટો કર્યો, શિક્ષણ અપાવ્યું, તેનું ઘડતર કર્યું. હવે આ પરિવાર (માતા-પિતા, ભાઈ-બહેન વગેરે)ને સંભાળવાની, તેમની કાળજી લેવાની જવાબદારી તેની બને. હા, આ પરિવારના સભ્યોએ પણ એટલી જાગ્રતિ કેળવવી પડે કે તેમણે પણ પોતે સ્વનિર્ભર બનવાનું-રહેવાનું છે. આ એક સ્વનો અને પરિવારનો સ્વાર્થ થયો.

બીજો સ્વાર્થ પોતાનાં સગાંસંબંધી, મિત્રો, પાડોશીઓ આમાંથી કોઈ પણ વ્યક્તિ પીડામાં છે, મુશ્કેલીમાં છે તો તેને સહાયરૂપ બનવું જોઈએ; કારણ કે આ માણસના ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ આ વર્ગનો પણ ફાળો હોય છે. આમ પોતાના લોકોને, નજીકના લોકોને સહાય કરવી એ પણ એક પ્રકારનો સ્વાર્થ જ ગણાય, કેમ કે એમાં મારા-પોતાનાનો ભાવ છે.

ઘણા પોતે સમર્થ થયા બાદ પોતાની જ્ઞાતિ સુધી પણ આ સહાયને લંબાવતા હોય છે. આમાં ભલે લોકોને સંકુચિતતા લાગી શકે, પરંતુ કેટલીયે જ્ઞાતિઓના અગ્રણીઓ-સંપત્તિવાનો પોતાના લોકોમાં જરૂરતમંદ વર્ગ માટે વિવિધ શૈક્ષણિક, તબીબી સહિતની અનેકવિધ સુવિધા ઉપલબ્ધ બનાવતા હોય છે. આ સહાય લેનાર વર્ગે પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમણે આ સહાય કાયમ લેવાની નથી બલકે આ સહાયથી તેમને જે લાભ થયો છે, તેઓ પગભર બન્યા છે ત્યારે પોતે પણ આ જ્ઞાતિને સહાય કરવા મારફત જ્ઞાતિના લોકોને સહાયરૂપ બને. આ કોઈ સંકુચિત જ્ઞાતિવાદ વિચારધારા લાવવાની વાત નથી. માણસની મૂળભૂત ભાવના તો સમાજને સહાયરૂપ થવાની હોવી જોઈએ. પરંતુ જ્ઞાતિ બાદ સમાજનો વારો આવે જ છે. આપણા પર સમાજનું ભરપૂર ઋણ હોય છે, જેને અદા કરવાનો વિચાર હોવો જ જોઈએ અને એનું પાલન પણ કરવું જોઈએ, જેને આપણે પે બૅક ટુ સોસાયટી કહીએ છીએ.

આમ એક માર્ગ છે ધન મારફત સમાજને સહાયરૂપ થઈ પરમાર્થના કાર્ય કરવાનો, જે માટે માણસે ભરપૂર ધન કમાવા માટે સ્વાર્થી બનવું જોઈએ. જોકે આ ભરપૂર ધન કમાતી વખતે ભાવના વધુને વધુ લોકોને સહાયરૂપ થવાની હોવી જોઈએ. માત્ર પોતાના માટે ધન એકઠું કરી કેવળ પોતાના સુખમાં ખોવાઈ જવામાં જ જીવન વીતી જાય એવું ન થવું જોઈએ. ધન મારફત અનેક પ્રકારની સહાય વ્યક્તિથી લઈ સમાજને કરી શકાય છે. તો યાદ રહે, બેસ્ટ સંપત્તિવાન બનો.

બીજો માર્ગ છે જ્ઞાનનો. જ્ઞાનને પામવા માટે ભરપૂર સ્વાર્થ રાખવો જોઈએ, જેટલું જ્ઞાન મળી શકે એટલું મેળવતા રહેવું જોઈએ, જેથી એ જ્ઞાનને જરૂરતમંદ વર્ગને વહેંચી શકાય (વેચવાનું નહીં). આ જ્ઞાન સંભવતઃ બહુ ધન કમાવાની બાબતે ઓછું ઉપયોગી થાય એવું બની શકે; પરંતુ એ જ્ઞાન બીજાઓને પોતાને પગભર થવામાં, સમાજના વિકાસમાં ઘણું ઉપયોગી થઈ શકે છે. તો યાદ રહે, બેસ્ટ પથદર્શક બનો.

ત્રીજો માર્ગ વેપાર-ઉદ્યોગની સફળતા માટે સ્વાર્થી બનો. જેને સફળ બનાવતા રહીને વ્યક્તિ પોતે તો વિકાસ કરે જ છે સાથે-સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ સહભાગી બને છે. અનેક લોકો માટે રોજગારી ઊભી કરી શકે છે. ઈમાનદારીથી ટૅક્સ ભરીને વેપારમાં મહત્તમ પ્રામાણિકતા અને નૈતિકતા જાળવીને પણ રાષ્ટ્રનું હિત કરી શકાય છે. વેપાર-ઉદ્યોગમાં વિસ્તાર કરીને બિઝનેસમૅન ઘણાને રોજગાર આપી શકે છે. એક રોજગાર એટલે એક પરિવારને આશરો બને, ટેકો બને, આર્થિક સ્વનિર્ભરતા લાવે. તો યાદ રહે, બેસ્ટ બિઝનેસમૅન બનો.

તબીબી ક્ષેત્રે માણસ મહત્તમ જ્ઞાન, ઉદારતા, અનુભવ મેળવવાનો સ્વાર્થ રાખે તો સમાજના દરદીઓને વધુ સહાયરૂપ થઈ શકે છે. તેઓ ધારે તો આ વ્યવસાયમાં ભરપૂર કમાણી પણ કરી શકે છે; પરંતુ એ કમાણી મારફત તેઓ ગરીબ દરદીઓને સહાય કરી શકે છે, તેમની સેવા માટે સમય અને શક્તિનો ઉપયોગ કરી શકે છે. આજે પણ કેટલાય ડૉક્ટર પછાત વિસ્તારોમાં કે નાનાં ગામડાંઓમાં રાધર શહેરોના પણ ગરીબ વિસ્તારોમાં પોતાની સેવા આપતા હોય છે. તો યાદ રહે, બેસ્ટ ડૉક્ટર બનો.

તબીબની જેમ વકીલો પોતાના અનુભવ અને અભ્યાસને મજબૂત બનાવવાનો સ્વાર્થ રાખી શકે છે, જેના આધારે તેઓ પણ પોતાની કમાણી વધારી શકે. પરંતુ એ સાથે તેઓ ગરીબ માણસોને ન્યાય મેળવવામાં સહાયરૂપ થઈ શકે, સાચા માણસોના કેસો હાથ ધરી ન્યાયજગતને વધુ સરળ, સુગમ, સ્વચ્છ અને શિસ્તબદ્ધ બનાવી શકે. આ માર્ગે પણ રાષ્ટ્રનું-સમાજનું બહુ મોટું હિત થઈ શકે અને સમાજને યોગદાન આપી શકાય છે. તો યાદ રહે, બેસ્ટ વકીલ બનો.

શિક્ષક હો યા બનો તો એક વિદ્યાગુરુ તરીકે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ આપી શકાય એવા બનવું જોઈએ. આ માટે પ્રથમ પોતે શ્રેષ્ઠ શિક્ષક બનવું જોઈએ. આ બનવા માટે પોતે શિક્ષણક્ષેત્રે સ્વકેન્દ્રિત થવું જોઈએ. શિક્ષકનું પોતાનું જ્ઞાન-ડહાપણ-સમજ અને સમજાવવાની શક્તિ જેટલી સારી અને સરળ હશે એટલું તે ઊંચું યોગદાન આપી શકશે. શિક્ષક બાળકોના ઘડતરમાં માતા-પિતા જેવી અને કયારેક એનાથી પણ વધુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તો યાદ રહે, બેસ્ટ ટીચર બનો.

આમ જીવનના દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક બેસ્ટ બની સમાજને શ્રેષ્ઠતમ સહાય કરી શકાય છે. આ માટે સર્વપ્રથમ માણસે સંબંધિત ક્ષેત્રમાં પોતે બેસ્ટ બનવું પડે. કહે છેને કે જે પણ કામ કરો દિલ લગાવીને કરો, પૂરી આત્મીયતાથી કરો. જે પણ બનો, ઉત્તમ બનો, આપણે ઉત્તમ બનીશું તો જ બીજાને ઉત્તમ આપી શકીશું. અલબત્ત, આપણા દરેકની મર્યાદા હોઈ શકે છે, પણ જે થઈ શકે છે એને ઉત્તમ બનાવવા સ્વાર્થી બનીને મચી પડવું જરૂરી છે, આ સ્વાર્થ સાચો અને સારો ગણાશે. જેમાં ભીતરનો ભાવ સમાજને-માનવજગતને કંઈક શ્રેષ્ઠ આપવાનો હશે તો એ પછી જે પણ કરશો એ પરમાર્થ બની જશે. ઇન શૉર્ટ, જેટલા સારા અર્થમાં સ્વાર્થી બનશો એટલા વધુ પરમાર્થી બની શકાશે.

આ પણ વાંચો : આ બહેનો હવે એક ગામ અડૉપ્ટ કરવાનું વિચારી રહી છે, જાણો કેમ

પહેલાં ઉત્તમ માણસ બનીએ

સંપત્તિવાન, ડૉક્ટર, વકીલ, શિક્ષક, તબીબ વગેરે સ્વરૂપે આપણે સમાજને જે કંઈ શ્રેષ્ઠ ત્યારે જ આપી શકવા સમર્થ બની શકીએ જ્યારે આપણી ભીતર એક ઉત્તમ માનવી જીવતો હોય. તેથી પહેલો સ્વાર્થ ઉત્તમ માનવી બનવાનો રાખવો જરૂરી છે. આ ઉત્તમ માનવી હશે તો જ તે ઉત્તમ શિક્ષક, ઉત્તમ તબીબ, ઉત્તમ પથદર્શક, ઉત્તમ વકીલ બની શકશે. આપણે આપણાં સંતાનોને ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, સીએ વગેરે જેવાં ઊંચાં પદ પર પહોંચતાં જોવા માગીએ છીએ. આ માટે તેમને સતત કહેતા રહીએ છીએ, તેમના અભ્યાસ પાછળ લાખો રૂપિયા પણ ખર્ચ કરીએ છીએ; પરંતુ આ સાથે તેમને ઉત્તમ કે શ્રેષ્ઠ માનવી બનાવવાના પ્રયાસ કેટલા કરીએ છીએ એ સવાલ જાતને પૂછવા જેવો છે. તે સંતાન ઉત્તમ માનવી બનશે તો પછી તે જે કંઈ બનશે એમાં ઉત્તમ જ કાર્ય કરશે.

columnists