આ બહેનો હવે એક ગામ અડૉપ્ટ કરવાનું વિચારી રહી છે, જાણો કેમ

Published: Oct 03, 2019, 15:59 IST | રુચિતા શાહ | મુંબઈ

૫૦ વર્ષે પિયર અને બાળપણની યાદો તાજી કરવા ભેગી થયેલી આ બહેનો હવે ત્યાંનું ગામ અડૉપ્ટ કરવાનું વિચારી રહી છે, અમરેલી ગામમાં જન્મેલી, ઊછરેલી અને લગ્ન પછી મુંબઈ સ્થાયી થયેલી સંપન્ન કુટુંબની મહિલાઓ સામાન્ય કિટી પાર્ટીને બદલે કંઈક નક્કર કરવા માગે છે

મહિલાઓની કિટી પાર્ટી અને ગેટ-ટુગેધર પાર્ટી
મહિલાઓની કિટી પાર્ટી અને ગેટ-ટુગેધર પાર્ટી

મહિલાઓની કિટી પાર્ટી અને ગેટ-ટુગેધર વિશે તમે ઘણું સાંભળ્યું હશે. પોતાની સોસાયટીના અને પરિવારના આવા મેળાવડા તેમનો મોસ્ટ એન્જૉયેબલ ટાઇમ હોય છે. જોકે તાજેતરમાં એક અનોખો મેળાવડો ઓલ્ડી-ગોલ્ડી મહિલાઓ દ્વારા યોજાયો. આજથી પ૦-૫૫ વર્ષ પહેલાં અમરેલીમાં રહેતી અને લગ્ન પછી મુંબઈમાં સ્થાયી થયેલી કપોળ જ્ઞાતિની મહિલાઓનું એક ખાસ મિલન હતું. માત્ર બે બહેનપણીઓની મળવાની હતી, પરંતુ એ બેમાંથી બાર અને બારમાંથી ૪૨ ક્યારે થઈ ગયા એની ખબર જ ન પડી. આ અનોખા મિલનનાં મુખ્ય સૂત્રધાર મંજુ કાણકિયા અને ઇલા સંઘવી કહે છે, ‘પહેલાં તો અમે બન્ને જ મળવાનાં હતાં. એમાંથી વિચાર આવ્યો કે હાલોને આપણા ગામની બીજી પણ બે-ચાર ઓળખીતી બહેનોને પણ બોલાવીએ. એમાં પાંચ-સાત જણ થયા અને પછી આંકડો મોટો ને મોટો જ થતો ગયો. ઘણી યંગ છોકરીઓ પણ તૈયાર થઈ. ક્વૉલિફિકેશન એક જ હતું, અમરેલીમાં જન્મેલી અને ઊછરેલી કપોળ મહિલા હોય. અત્યારે અમારા કુળદેવ જય નાગનાથ નામ પરથી બનાવેલા વૉટ્સઍપ ગ્રુપમાં સતત મેમ્બર્સ વધી રહ્યા છે.’

અમરેલીમાં આજે પણ ઘણો એવો વર્ગ છે જેને એમ્પાવર કરવાની જરૂર છે એટલે જ આ લેડીઝ ગૅન્ગ એ દિશામાં કંઈક સક્રિયતા સાથે કરવાનું વિચારે છે. ગ્રુપનાં સભ્ય જયશ્રી દેસાઈ કહે છે, ‘એ સમયે આજ જેટલી સંપન્ન હાલત નહોતી. અમારા બધાનો બાળપણનો સમય ગામમાં વીત્યો છે. સાથે મોળાકાત કરવા, નદીએ નહાવા જવું, રાતે જાગરણમાં ભજનો ગાવા એકત્રિત થવું, દિવાળીમાં એકબીજાના ઘરે મીઠાઈઓ બનાવવા જવું, અમારા કુળદેવ નાગનાથ મહાદેવને ત્યાં ભરાતા મેળામાં ભાગ લેવો, આમલી, બોર અને જામફળ તોડીને ખાવાં, ચણોઠી અને કોડીઓ સાથે રમવી જેવી અઢળક યાદોનો ખજાનો એ દિવસે ખૂલ્યો હતો. જ્યાં અમારું બાળપણ વીત્યું છે ત્યાં રહેતા લોકો માટે કંઈક સારું કરવાનું અમે વિચારી રહ્યાં છીએ. અમરેલીમાં રહેતા આર્થિક રીતે નબળાં પરિવારોના ઉત્થાન માટે ત્યાંનું એકાદું ગામડું અડૉપ્ટ કરીને તેમને બનતી મદદ કરવાનો અમારો પ્રયાસ રહેવાનો છે. હજી બે જ વખત મળ્યાં છીએ, પરંતુ આવનારા દિવસોમાં મળવાનો સિલસિલો વધારીને વધુ સક્રિય ધોરણે કામ કરવાનું અમે નક્કી કર્યું છે.’

આ પણ વાંચો : યક્ષપ્રશ્ન : સ્ત્રી જો પુરુષસમોવડી તો પુરુષ શું કામ સ્ત્રીસમોવડિયો નહીં?

ગ્રુપના સભ્યોની એક ડિરેક્ટરી પણ બનાવવામાં આવનાર છે. કપોળની અમરેલીમાં જન્મેલી અને મુંબઈમાં રહેતી તમામ દીકરીઓને જોડાવાનું આહવાન આ બહેનોએ કર્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK