વાત કરીએ વૃક્ષ અને જીવન સાથે સંકળાયેલાં ગીતોની...

17 October, 2019 03:59 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

વાત કરીએ વૃક્ષ અને જીવન સાથે સંકળાયેલાં ગીતોની...

ફાઈલ ફોટો

અનોખા ગાયક અને કલાકાર કિશોર કુમારના કંઠે ગવાયેલા એક હિંદી ગીતમાં વૃક્ષની વાત આવે છે, જેનાથી આપણી આ વાતનો આરંભ કરીએ. જો રાહ ચુની તુને, ઉસ રાહ પે રાહી ચલતે જાના રે... આ ગીતમાં એક પંક્તિ છે, કભી પેડ કા સાયા, પેડ કે કામ ન આયા, આ એક જ ગીત અને તેની એક પંક્તિમાં આપણા હૃદયને ઊંડા વિચારોમાં ઉતારી દેવાની શક્તિ છે અને એક નવી દુનિયામાં લઈ જવાની પ્રેરણા છે. આવાં કેટલાંક હૃદયસ્પર્શી ગીતોની ઝલકમાંથી જીવન માટે કેટલાક સંદેશ મેળવીએ.

આ ટાઇટલનું ગીત જ્યારે સાંભળ્યું ત્યારથી હૃદયમાં વસી ગયું હતું, એમાં વળી થોડા દિવસ પહેલાં કિશોર કુમારનો જન્મદિવસ હતો ત્યારે તેમનાં સંખ્યાબંધ ગીતોને માણવાનું કામ કર્યું, જેમાં રોમાન્સ અને દર્દના એ શબ્દો તથા કર્ણપ્રિય અવાજમાંથી સંદેશ મળવા લાગ્યા, જેને અહીં વાચકો સાથે વહેંચવાનું મન થયું. જીવનમાં આપણે જે કોઈ રાહ પર ચાલવાનું શરૂ કરીએ ત્યારે એ રાહમાં જે કંઈ પણ આવે આપણે ચાલતાં રહેવું જોઈએ. આપણી રાહ સાચી હોવી જરૂરી છે, જે આપણા વિવેક પર આધાર રાખે છે. જોકે અનુભવ પણ આપણને શીખવતો-સમજાવતો રહે છે. મહત્ત્વની વાત એ છે કે જે રાહ પસંદ કરી તેમાં અવરોધ આવે કે પડકારો આવે, આપણે તેને છોડી દેવાને બદલે તેનો સામનો કરવો જોઈએ.

વાત જિંદગીની આવે ત્યારે

આ ગીત સાથે જિંદગીના સંદેશ આપતાં આવાં જ બીજાં ગીતો પણ યાદ આવવા લાગ્યાં હતાં. આ ગીતોમાં શબ્દોની શક્તિ તો છે જ, કિંતુ આ સાથે કિશોર કુમારના અવાજનું દર્દ પણ હૃદયમાં ઊંડે સુધી છવાઈ જાય છે. તેમનાં અમુક ગીતો એવાં છે, જે બીજા કોઈ ગાયકે ગાયું હોય એવી કલ્પના પણ થઈ શકે નહીં. એ અમુક ગીત સાંભળીએ કે તરત જ કિશોર કુમારનો અવાજ હૃદયને સ્પર્શે અને પછી એ ફિલ્મ કે તેના કલાકારની યાદ આવે. ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં, હૈ યે કૈસી ડગર, ચલતે હૈ સબ મગર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં...

એકલતાનું દર્દ

ફિલ્મનું નામ ‘ચોર મચાયે શોર’ જેવું રમતિયાળ, કિંતુ ગીત કેટલું ગંભીર! ઘુંઘરુ કી તરહ બજતા હી રહા હું મૈં, કભી ઈસ પગ મેં, કભી ઉસ પગ મેં, બંધતા હી રહા હું મૈં માનવજીવનની ક્યારેક કેવી મજબૂરી હોય છે, જે તેને આવા ઘુંઘરુંની અવસ્થામાં મૂકી દે છે. જ્યાં માણસે એમ પણ કહેવું પડે, કભી ટુટ ગયા, કભી તોડા ગયા, સો બાર મુઝે ફીર જોડા ગયા, યુંહી  લુટ લુટ કે ઓર મિટ મિટ કે બનતા હી રહા હું મૈં...

માણસનું દર્દ હદથી બહાર વધી જાય અને માનવી સાવ એકલો પડી જાય ત્યારે તેના ભગ્ન હૃદયમાંથી આવા શબ્દો પણ નીકળી પડે. કોઈ હમદમ ના રહા, કોઈ સહારા ન રહા, હમ કિસી કે ના રહે, કોઈ હમારા ન રહા... શામ તન્હાઈ કી હૈ , આયેગી મંઝિલ કૈસે, જો મુઝે રાહ દિખાયે, વો ઇશારા ન રહા...

 

આવા જ દર્દમાં કોઈ હોય અને તેને આવું કહેવાવાળું કોઈ મળી જાય તો? આ ચલ કે તુજે મૈં લે કે ચલું એક ઐસે ગગન કે તલે, જહાં ગમ ભી ના હો, આંસુ ભી ના હો, બસ પ્યાર હી પ્યાર પલે... આ દર્દ અને આ આશા, આ ઉમ્મીદ અને આ વિશ્વાસ  ત્યારે માનવહૃદયને સ્પર્શ્યા વિના ન રહે. આ સાંભળતાં સાંભળતાં પણ આપણે ખરેખર એ પ્રદેશમાં આવી ગયા હોઈએ એવું લાગી શકે.

જિંદગીની વાત આવે ત્યારે કિશોર કુમાર અને રાજેશ ખન્નાની જોડી જાણે એક થઈ જાય. બંને એકબીજા માટે બનેલા લાગે... કિશોર કુમારના અવાજમાં આ દર્દ જ્યારે અભિનેતા તરીકે રાજેશ ખન્નાના અભિનયમાં વ્યક્ત થાય ત્યારે આ ગીત હૃદયમાં કેવી લાગણી ઊભી કરી દે એ તો જેના પર વીતે એ જ જાણે, ઝિંદગી કા સફર, હૈ યે કૈસા સફર વિચારતા હોઈએ ત્યારે એ જ કિશોર કુમારના અવાજમાં એમ પણ ગવાય, ઝિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના વળી એ  જ જિંદગીની વાત લઈને કહે, ઝિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકાં, વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે...

અમીરી-ગરીબીની વ્યથા

આ જ જોડી જ્યારે પ્રેમ વચ્ચે અમીરી-ગરીબીની સમસ્યા આવી જાય ત્યારે ગીતમાંથી નીકળતું આ દર્દ જોનારની કે સાંભળનારની આંખમાં આંસુ લાવ્યા વિના રહી શકે નહીં, પછી એ આંસુ બહાર આવે કે અંદર જ રહી જાય એ જુદી વાત છે, ખિઝ઼ા કે ફૂલ પે આતી નહીં બહાર કભી, મેરે નસીબ મેં ઐ દોસ્ત, તેરા પ્યાર નહીં, ગરીબ કૈસે કરે મહોબ્બત અમીરોં સે, બિછડ ગયે હૈ કઈ રાંઝે અપની હિરો સે, કિસી કો અપને મુકદ્દર પર ઈખ્તિયાર નહીં...

કોઈ ગરીબ શાયરની યાદ આવે તો નમક હરામનું આ ગીત માનસપટ પર અવશ્ય છવાઈ જાય, એટલું જ નહીં, હૃદયમાં ઊંડે સુધી ઊતરી જાય. તેના એકેએક શબ્દમાંથી જે વેદના ફૂટે છે એ કોઈ પણ ક્ષણે સ્પર્શે. મૈં શાયર બદનામ, મૈં ચલા, મૈં ચલા, શોલોં પે ચલના થા, કાંટો પે સોના થા, ઓર અભી જી ભર કે કિસ્મત પે રોના થા, જાને ઐસે કિતને બાકી છોડ કે કામ, મૈં ચલા...

આખરે માનવી સાવ એકલતામાં સરી જાય, એકાંત પણ તેને ઘેરી વળે, કોઈની પાસે કોઈ આશા ન રહે, જેની પાસે આશા હતી ત્યાંથી જ વેદનાસભર નિરાશા મળી હોય ત્યારે માનવીનું મન પણ સાવ જ

ખાલી-ખાલી થઈ જવું સહજ છે. તેથી જ આ શબ્દો બહાર આવે, મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયા, જો લિખા થા, આંસુઓ કે સંગ બહ ગયા...

આ જ કોરા કાગઝ જેવા જીવનની વાત ક્યારે કિશોર કુમાર રોમેન્ટીક ગીત તરીકે ગાય ત્યારે વાત સાવ જુદી બની જાય અને આરાધનાનું આ ગીત દિલ પર સવાર થઈ જાય. કોરા કાગઝ થા યે મન મેરા, લિખ લિયા નામ ઉસપે તેરા.

કુછ તો લોગ કહેંગે

ફાઇનલી, કિશોર કુમારનું આ ગીત તો જીવનસંદેશ બનીને બધાના જ જીવનમાં છવાઈ જાય એવું છે. આમાંથી આપણે જો સાર્થક અર્થ કાઢીને જીવી શકીએ તો જીવન બદલાઈ જાય. એટલું જ નહીં, જીવન પણ સાર્થક થઈ જાય. આપણી સૌથી મોટી ચિંતા કહો કે સ્ટ્રેસ કહો યા ભય કહો, એ છે લોકો શું કહેશે? આમાં જ આપણે ખૂલીને જીવી શકતાં નથી અને ઘુટન સાથે એક છૂપી ગુલામીમાં જીવ્યા કરીએ છીએ. ત્યારે આ ગીત આપણે સ્વતંત્ર થઈ જવાની, બેફિકર થઈ જવાની અને મુક્ત થઈ પરમાત્માના જીવનને માણવાની વાત કહેતું હોય છે.

આ પણ વાંચો : ફાયદાઓની ખાણ છે દિવાળીની સાફસફાઈ

કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના, છોડો બેકાર કી બાતો મેં કહીં, બિત ન જાયે રૈના... આપણી માત્ર રાત જ નહીં, સમગ્ર જીવન લગભગ લોકોના વિચારોના ભયમાં પસાર થઈ જાય છે, આ ગીત આપણને જગાડવાનું કામ આજે પણ કરે છે, આવતી કાલે પણ કરશે.

આપણે વૃક્ષની વાતથી શરૂઆત કરી હતી, આ વાતને પૂરી પણ વૃક્ષ વિશેની  પંક્તિથી કરીએ

વૃક્ષની લાશ

આજે મેં એક જીવના ટુકડા–ટુકડા કરાયેલી લાશ જોઈ,

જીવ જુવાન હતો અને તેનું મૃત્યુ અકસ્માત નહોતું,

આ મૃત્યુ માટે જવાબદાર માણસ

લાશના ટુકડાઓને બાંધી રહ્યો હતો ટેસથી

કોઈ તેને કંઈ કહેતું નહોતું,

એ લાશનું કોઈ સગું નહોતું

એ લાશનું નામ વૃક્ષ હતું...

- જ. ચિ.

columnists