Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફાયદાઓની ખાણ છે દિવાળીની સાફસફાઈ

ફાયદાઓની ખાણ છે દિવાળીની સાફસફાઈ

17 October, 2019 03:54 PM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા

ફાયદાઓની ખાણ છે દિવાળીની સાફસફાઈ

દિવાળીની સાફ-સફાઈ

દિવાળીની સાફ-સફાઈ


દિવાળી પહેલાં ઘરની સાફસફાઈ કરવી એ મહિલાઓ માટે ચૅલેન્જિંગ ટાસ્ક છે. કામવાળી બાઈઓને અનેક ઘરમાં વધારાનું કામ નીકળે છે એટલે વધુ પૈસા આપતાં પણ તેઓ દાદ આપતી નથી. પરિણામે દિવાળી ટાણે ગૃહિણીઓનું પ્રેશર વધી જાય છે. બીજી તરફ આજની મૉડર્ન અને વર્કિંગ મહિલાઓ પાસે તો એટલો સમય જ નથી કે દિવાળી પહેલાં ત્રણ-ચાર દિવસની રજા લઈ ઘરમાં સાફસફાઈ કરે. અગાઉ સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં ઘરમાં ત્રણ-ચાર મહિલાઓ સાથે મળીને કામ કરતી હતી તેથી કામ સરળ થઈ જતું. દિવાળીની સફાઈમાં તો નાના-મોટા સૌકોઈ હોંશે-હોંશે ભાગ લેતા હતા, પરંતુ આજે આ પ્રથા લુપ્ત થતી જાય છે. ટેક્નૉલૉજીના જમાનામાં ઘણાં કામો સરળ થઈ ગયાં છે, પરંતુ એ માટે તમારે કામ તો કરવું જ પડે; મશીન કંઈ જાતે નથી ચાલવાનું. એકલા હાથે ઘરની સ્વચ્છતા, શૉપિંગ અને નાસ્તા બનાવવા એમ બધે જ પહોંચી વળવું અઘરું બનતું જાય છે.  તેથી મહિલાઓ ડોમેસ્ટિક હોમ સર્વિસ પ્રોવાઇડરો પર આધાર રાખવા લાગી છે. જોકે એમ કરવાથી સાફસફાઈને કારણે મળનારી કસરતથી મહિલાઓ વંચિત રહી જાય છે. આજે જાણીએ દિવાળીમાં જાતે સાફ-સફાઈ કરવાના શું ફાયદા છે.

કસરત જ કસરત



ઘરનાં કામ જાતે કરવાના અનેક લાભ છે એમ જણાવતાં ફિઝિયોથેરપિસ્ટ અલીશા પંચાલ કહે છે, ‘જાતે કામ કરવાથી હાથ-પગની મૂવમેન્ટ‍ વધે છે. ઝાડુ-પોતાં કરવાથી આખા બૉડીની એક્સરસાઇઝ થઈ જાય છે. ઘરનાં કામ કરવાથી તમારી સ્ટૅમિના વધે અને મસલ્સ સ્ટ્રૉન્ગ બને છે. સમયાંતરે પંખા લૂછવા કે માળિયેથી કોઈ વસ્તુ કાઢવા-મૂકવા સ્ટૂલ પર ચડઊતર કરવાથી કાર્ડિઍક વર્કઆઉટ પણ થઈ જાય છે. નિયમિત કામ કરતા હો તો શરીરમાં સ્ફુર્તિ રહે અને ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે, પણ હવે આપણે કામવાળા પર વધુ ડિપેન્ડેબલ થઈ ગયા છીએ તેથી અચાનક કામનો ભાર ન લેવાય.’


શું ધ્યાન રાખશો?

દિવાળીની સફાઈ જાતે કરવાની હોય ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એવી ભલામણ કરતાં અલીશા કહે છે, ‘જે મહિલા આખું વર્ષ જાતે સાફસફાઈ કરતી હોય તેને દિવાળી ટાઇમે થોડું વધુ કામ કરવું પડે તો કોઈ તકલીફ થતી નથી, પરંતુ જેમને કામની ટેવ નથી એવી મહિલાઓ જોશમાં વધારાનું કામ કરે તો કમર, બૅક પેઇન અને ઘૂંટણ પર માર લાગવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને સ્ટૂલ પર ચડઊતર કરતી વખતે કમર અને પીઠ પર ઝટકો લાગી શકે છે. ઘણી મહિલાઓ જોશમાં આવીને જાતે ફર્નિચર ખસેડવાનો પ્રયાસ કરે છે. ફર્નિચરને ધક્કો મારતી વખતે ટમી ટક (કોર મસલ્સ)ને ખેંચીને એટલે કે પેટને થોડું અંદર લઈ ખસેડવું. ભારે ફર્નિચર માટે કોઈની હેલ્પ લેવી. એ જ રીતે વજનદાર વસ્તુ ઊંચકવાની હોય ત્યારે એ વસ્તુ શરીરને અડીને રહે એ રીતે લિફ્ટ કરો. સ્ટૂલ પરથી જમ્પ મારીને ન ઊતરો. અચાનક વાંકા વળવાની ભૂલ કદાપિ ન કરો. નીચે બેસીને કામ કરવાનું હોય ત્યારે જમીન પર ન બેસતાં બાથરૂમમાં વાપરીએ છીએ એવા નાના સ્ટૂલનો ઉપયોગ કરવો જોઈએ. નીચે નમતી વખતે ડાયરેક્ટ ન બેસતાં પગ વાળીને બેસો. ઘૂંટણ પર પ્રેશર ન આવે એ વાતનું સૌથી વધુ ધ્યાન રાખો. બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝના દરદીએ જાતે કામ કરવા કરતાં કોઈની હેલ્પ લેવી વધુ સલામત કહેવાય.’


પ્રોફેશનલ હોમ ક્લીનર કઈ રીતે કામ કરે છે?

વૅક્યુમ ક્લીનર જેવાં મશીનો તો આજકાલ બધાના ઘરમાં હોય છે તેમ છતાં બહારનાં સર્વિસ પ્રોવાઇડરની જરૂર કેમ પડે છે? આ પ્રશ્નનો જવાબ આ પ્રકારની સર્વિસ પૂરી પાડતા સતીશ વેલેકર કહે છે, ‘ઘરમાં તમે પંખા લૂછો કે લાદી ધોવા જેવાં કામ કરો છો. એ માટે જે મશીનો વાપરો છો એના કરતાં ઘણાં વધુ પાવરફુલ મશીનો અમે વાપરીએ છીએ. સોફા શૅમ્પૂ કરવાના હોય, વેટ વૉલ મૉપિંગ છે, ફ્લોરિંગ ક્લીન કરતી વખતે ફર્નિચર ખસેડવાનું છે કે આમ જ રહેવા દેવાનું જેવી અનેક ઝીણી-ઝીણી બાબતો હોય છે જેના માટે પ્રોફેશનલ લેવલનાં લેબર અને મશીનરીની જરૂર પડે છે. તમે કયા પ્રકારનું ક્લીનિંગ કરાવવા માગો છો એ બાબત પહેલેથી ક્લિયર રહેવું જોઈએ. ડીપ ક્લીનિંગમાં ટૉપ ટુ બૉટમ અને ઘરના એક-એક ખૂણા પર ધ્યાન આપવામાં આવે છે.’

અહીં ઉલ્લેખનિય છે કે ક્લીનિંગ માટે જુદી-જુદી ઑફરો તેમ જ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન હોય છે. મહિલાઓએ બુકિંગ કરાવતાં પહેલાં તમામ બાબતો વાંચી લેવી જોઈએ. તમે જે ચાર્જ આપો છો એમાં લેબર, ટ્રાન્સપોર્ટ, મશીનરી, મટીરિયલ અને કેમિકલ્સ ઇન્ક્લુડેડ હોવાં જોઈએ. સામાન્ય રીતે ૧૫૦૦ રૂપિયાથી ક્લિનિંગ ચાર્જિસ શરૂ થતા હોય છે. બે કે ત્રણ બેડરૂમના ફ્લૅટનું ડીપ ક્લીનિંગ પાંચથી છ હજારમાં એક દિવસમાં થઈ જાય છે. જોકે પ્રોફેશનલ ક્લીનિંગમાં વપરાતાં કેમિકલ્સના કારણે ઘરના મેમ્બરોને શરદી-ખાંસીની તકલીફ થઈ ગઈ હોય એવા અનેક કિસ્સા સાંભળવા મળતા હોય છે. બુકિંગ કરાવતાં પહેલાં આ બાબત સ્પષ્ટતા કરી લેવી. અહીં સતીશ વેલેકર કહે છે, ‘ઓછા દરે સર્વિસ પ્રોવાઇડ કરવાના ચક્કરમાં ઘણાં લોકો સસ્તા દરે મળતા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનિંગ એજન્ટ્સ અથવા રીયુઝ્ડ કેમિકલ્સ વાપરે છે તેથી હેલ્થ ઇશ્યુઝ ઊભા થાય છે. આ માટે સરકારે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. ડોમેસ્ટિક સફાઈ માટે કેમિકલ્સ માઇલ્ડ હોય એ જરૂરી છે.’

ક્વિક ટ્રિક્સ

ઘરની સાફસફાઈ શરૂ કરતાં પહેલાં નકામી વસ્તુને રવાના કરી દો જેથી ગોઠવણમાં આડી ન આવે.

સાફસફાઈ કરતી વખતે નીકળતો કચરો અને ગંદકીથી તમારા ચહેરા અને વાળને સુરક્ષિત રાખવા ચહેરા પર ક્રીમ લગાવો અને વાળમાં તેલ લગાવી એને કવર કરી લો.

હાથમાં રબરનાં ગ્લવ્ઝ પહેરીને કામ કરો.

જાળાં પાડતી વખતે અને પંખા-ટ્યુબલાઇટ લૂછતી વખતે ટ્રાન્સપરન્ટ ચશ્માં પહેરો જેથી કરોળિયા અને ધૂળ આંખમાં ન જાય.

ડિઝાઇનર વસ્ત્રોને પંખા નીચે ખુલ્લાં મૂકી કબાટમાં ગોઠવો. કબાટમાં ડામરની ગોળી મૂકવા કરતાં કૉફી બીન્સ મૂકવાથી સુગંધ આવશે.

શૂ રૅકમાં નવાં અને જૂનાં જૂતાંને જુદાં-જુદાં ગોઠવો.

બારી-બારણાંના કાચ લૂછતાં પહેલાં સૂકા કપડાથી એને જોર-જોરથી ઝાપટી લેવા. કાચ લૂછતી વખતે ડસ્ટર અથવા સ્પન્જનો ઉપયોગ કરવો. સાબુના પાણી અને સાદા પાણી માટેનાં ડસ્ટર જુદાં રાખો. એક જ ડસ્ટર વાપરવાથી સાબુ ઊઘડે છે.

આર્ટિફિશ્યલ ફ્લાવર્સ અને લાઇટ્સને ફેધર ડસ્ટરથી સાફ કરવાં. વધુ ધૂળ જામી ગઈ હોય તો પહેલાં કમ્પ્રેસ્ડ ઍર સ્પ્રે છાંટવો.

કિચનની સફાઈ સૌથી મુશ્કેલ કામ હોય છે. અડધી બાલદી ગરમ પાણીમાં પાંચથી સાત ચમચી લિક્વિડ બ્લીચ અને ડિટર્જન્ટ પાઉડરને મિક્સ કરી મિશ્રણ બનાવી લો. આ મિશ્રણથી વાસણો, ડબ્બા અને સ્ટીલના સ્ટૅન્ડ જેવી વસ્તુઓ સાફ કરવી.

સહેજ હૂંફાળા પાણીમાં મીઠું અને લિક્વિડ સાબુ નાખી સરખી રીતે હલાવી લો. આ પાણીથી ક્રૉકરી ધોઈ લેવી.

ગૅસ, ચિમની, પાઇપલાઇન, સિલિન્ડર વગેરેની સફાઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો.

ચાંદીનાં વાસણોને ચોખ્ખાં કરવા માટે એક મોટા વાસણમાં ઍલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો, ખાવાનો સોડા અને સાબુ નાખી પાણીને ઊકળવા દો. ગૅસ બંધ કરી ચાંદીનાં વાસણોને એમાં પંદર મિનિટ ડુબાડી ઠંડા પાણીથી ધોઈ લો. ચકાચક થઈ જશે.

પ્લાસ્ટિકના ડબ્બા ધોવા બેકિંગ પાઉડરનો ઉપયોગ કરવો.

બાથરૂમના શાવર, નળ, બાથટબ અને અન્ય સફેદ વસ્તુઓ (સ્ટીલ)ની સફાઈ માટે લાઇમસ્કેલ રિમૂવર વાપરવું.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 03:54 PM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK