કૉલમ: તમે તમારાં બાળકોને મોબાઇલ અને ટીવી માટે કેટલો સમય આપો છો?

16 May, 2019 02:38 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

કૉલમ: તમે તમારાં બાળકોને મોબાઇલ અને ટીવી માટે કેટલો સમય આપો છો?

માતા-પિતા કરશે તે સંતાનો અનુસરશે

આ સવાલથી કદાચ તમને નવાઈ લાગી હશે, પણ બિલ ગેટ્સ, સત્યા નડેલા, સુંદર પિચાઈ વગેરે સમાન જગતના ટેક્નૉલૉજી ગુરુઓએ પોતાનાં સંતાનો દ્વારા મોબાઇલ, ટીવી, ટેક્નૉલૉજીના થતા ઉપયોગ માટે અંકુશો અને સમયમર્યાદા રાખ્યાં છે, જેના કારણ છે. તેઓ પોતાનાં બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માગે છે, તેમના જીવનને ભટકી જતું રોકવા માગે છે, તમે શું વિચારો છો અને શું કરો છો?

તમારું સંતાન કઈ ઉંમરથી મોબાઇલ ફોન ધરાવે છે? કઈ ઉંમરથી તમે તેને મોબાઇલ એક રમકડાં તરીકે રમવા આપવાનું શરૂ કર્યું છે, કઈ ઉંમરથી તેણે મોબાઇલ પર ગેમ રમવાનું શરૂ કર્યું છે? તમે તેને કેટલો સમય મોબાઇલ પર ગેમ રમવા આપો છો? કોઈ ટાઇમ લિમિટ નક્કી કરી છે? આ જ બાબત કે સવાલ તમે સંતાનોને (દીકરો કે દીકરી) કઈ ઉંમરથી કમ્પ્યુટર યા લૅપટૉપ પર ટાઇમ પાસ કરવા આપો છો? અથવા ગેમ રમવા કે અન્ય સાઇટ્સ જોવા આપો છો? તેમાં પણ ટાઇમ લિમિટ હોય છે ખરી? શું તમારા બાળકને મોબાઇલ ગેમ વગર ચાલે છે? કે પછી તમારે તેને શાંત પાડવા માટે પણ મોબાઇલ આપવો જ પડે છે?

ખેર, થોડા બીજા સવાલ. તમે તમારાં બાળકોને કેટલો સમય ટીવી જોવા આપો છો? ટીવીમાં તેઓ શું જુએ છે એનું તમે ધ્યાન રાખો છો? કેટલા સમય માટે આ છૂટ આપો છો? કે પછી તમારાં સંતાન જ્યારે ચાહે ત્યારે પોતે જ ટીવી ચાલુ કરીને બેસી શકે એવી સ્વતંત્રતા તમે તેમને આપી રાખી છે યા તેમણે લઈ લીધી છે?

બસ, બસ, બસ! બહુ સવાલો થઈ ગયા. તમને થશે કે અમે તમને આટલા અને આવા સવાલ શા માટે પૂછીએ છીએ? અમારે શા માટે તમારાં સંતાનોની ચિંતા કરવાની જરૂર છે? વૉટ ઇઝ અવર કન્સર્ન? આવી પંચાત અમારે શા કારણે કરવી જોઈએ. તમારી વાત સાચી છે. અમારે કોઈ પંચાત કરવાની જરૂર નથી અને અમે આવી પંચાત કરવા પણ નથી માગતા. બટ, વી આર કન્સર્ન અબાઉટ ઇટ, કારણ કે આ સવાલ સામાજિક બની ગયો છે. તેથી તમારા જેવા સમજુ પેરન્ટસ સાથે થોડી વાતચીત કરવી જરૂરી લાગે છે. આ વિચાર અમને તાજેતરમાં જ એક લેખ વાંચતાં-વાંચતાં આવ્યો, જેને તમારી સાથે શૅર કરવાનું ગમશે અને તમને પણ થશે કે આમ કરીને અમે સારું કર્યું.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન શું કહે છે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) કહે છે, પાંચ વરસથી નાનાં બાળકોએ રોજના ધોરણે એક કલાકથી વધુ સમય સ્ક્રીન્સ (મોબાઇલ કે ટીવી કે લૅપટૉપ) સામે વિતાવવો જોઈએ નહીં. એક વરસથી નાના બાળકે તો સ્ક્રીન સામે જોવું જોઈએ જ નહીં. નવાઈની વાત એ છે કે આપણે તો સાવ નાના બાળકને સામેથી મોબાઇલ બતાવ્યા કરીએ છીએ. એ જરા જીદ કરે તો તેને મોબાઇલ આપી દઈ શાંત કરી દઈએ છીએ. બાળક મોબાઇલ પર ગેમ રમે યા ફિલ્મ જુએ, કાટૂર્ન જુએ. કંઈ પણ કરે, કેટલો પણ સમય કરે. વાહ વાહ પેરન્ટજી.!

ટેક-ગુરુઓના કિસ્સા

આ લેખમાં અમે આગળ વાંચતાં ગયા તેમ વધુ રસપ્રદ વાતો જાણવા મળતી ગઈ. વિશ્વના ટેક-ગુરુઓ પોતાનાં બાળકોને કેટલો સમય સ્ક્રીન્સ સામે રહેવા દે છે એ જાણવાની મજા આવી ગઈ. ઍપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સ જ્યારે હતા ત્યારે તેમના પરિવારે બાળકોએ કેટલો સમય સ્ક્રીન્સ સામે રહેવું એ માટે સમયમર્યાદા રાખી હતી. એટલું જ નહીં, લગભગ દરેક ટેક-ગુરુએ આવું કર્યું હતું અને કર્યું છે. આ ટેક-ગુરુઓએ પોતાનાં સંતાનો ટેક્નોલોજી સાથે કેટલો સમય વિતાવે એની ટાઇમ લિમિટ રાખી છે. માઇક્રોસૉફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્નીએ નક્કી કયુંર્‍ હતું કે તેમનાં સંતાન ૧૪ વરસનાં થાય એ પછી જ તેમને મોબાઇલ આપવો. વધુમાં તેમને ડિનર ટેબલ પર સેલફોન વાપરવાની પણ મનાઈ હતી. આ સાથે તેમણે કેટલો સમય સેલફોન વાપરવો તેની પણ સમયમર્યાદા નક્કી કરાઈ હતી. તેમણે જ્યારે એક વાર પોતાની દીકરીને વિડિયો ગેમ્સ પર બહુ જ સમય સુધી રમતી જોઈ ત્યારે તેમને આ વિચાર આવ્યો હતો.

સ્નૅપચૅટના ફાઉન્ડર ઇવાન સ્પિગલે તેમનાં બાળકો માટે સપ્તાહમાં માત્ર દોઢ કલાકનો સમય રાખ્યો હતો. તેઓ તો અન્ય પેરન્ટસને પણ બાળકોને સ્ક્રીન્સથી દૂર રાખવાનું જણાવતા હતા. ગૂગલના ભારતીય સીઈઓ સુંદર પિચાઈના જણાવ્યા મુજબ તેમણે પોતાના સંતાનને ૧૧ વરસની ઉંમર સુધી મોબાઇલ આપ્યો નહોતો અને તેને ટીવી-સ્ક્રીનથી પણ મહત્તમ દૂર રાખવા ટાઇમ લિમિટ નક્કી કરી હતી. માઇક્રોસૉફટના ભારતીય સીઈઓ સત્ય નેડેલા પણ કહે છે કે તેમણે બાળકો કમ્પ્યુટર પર શું કરે છે એનું ધ્યાન રાખે છે, મનોરંજન માટે ટેક્નૉલૉજીનો કેટલો ઉપયોગ કરવો એ માટે તેમના પરિવારમાં નિયમ રાખ્યા છે. કેટલાં મૂવીઝ જોવાં, કયા પ્રકારની વિડિયો ગેમ્સ રમવી વગેરે માટે પરિવાર નિયમ તૈયાર કરે છે. આ બાબતની કાળજી તેમનાં પત્ની ખાસ લે છે.

ડલાસ મેવરિક્સના કો-ઓનર માર્ક કુબાને તેમનાં બાળકોએ કેટલો સમય નેટફ્લિક્સ જોવું તે નક્કી કર્યું છે. એટલે કે દર એક કલાકના વાંચન સામે બાળકો બે કલાક નેટફ્લિક્સ જોઈ શકે એવું ઠરાવાયું છે. આવું તો ઘણું બધું ટેક્નૉલૉજીથી, મોબાઇલ ફોનથી અને સ્ક્રીન્સથી બાળકોને દૂર રાખવા ટેક-ગુરુ અને તેમના પોતાના પરિવાર કરી રહ્યા છે, કારણ કે તેમને ટેક્નૉલૉજીના પ્લસ-માઇનસની વધુ ઊંડી સમજ છે.

માતા-પિતા કરશે તે સંતાનો અનુસરશે

આની સામે વિદેશી સમાજમાં સામાન્ય લોકોમાં ટેક્નૉલૉજીનો મહત્તમ વપરાશ થાય છે, જ્યારે કે આપણા સમાજની વાત કરીએ તો આપણે ત્યાં ટેક્નૉલૉજીના ઉપયોગ કરતાં દુરુપયોગ વધતો જતો જોવામાં આવે છે. ખાસ કરીને બાળકોના કિસ્સામાં. હવે તો મોબાઇલ એ મોટા લોકો માટે પણ રમકડું થઈ ગયું છે. મોડી રાત સુધી માતા-પિતા પોતે જ મોબાઇલ પર કંઈ ને કંઈ જોયા કરતાં હોય, જમતી વખતે કે કામ કરતી વખતે પણ સતત સેલફોન ચાલુ રાખતાં હોય અને ફેસબુક કે મૂવી કે ગેમ્સ કે પંચાતની - સાવ જ બિનજરૂરી વાતો કર્યા કરતાં હોય તો સંતાનો એ જોઈને શું કરવાનાં? હવે તો નાનું બાળક રડે કે તેને અન્ય કોઈ વસ્તુ આપવાને બદલે સીધો મોબાઇલ ફોન ચાલુ કરી દઈ આપી દેવામાં આવે છે અથવા પછી ટીવી ચાલુ કરી આપવામાં આવે છે. મમ્મી કે પાપાને બીજાં કામ કરવાં છે તો બાળકોને આપો મોબાઇલ અને રાખો શાંત.

આપણો સમાજ આમ પણ ઉદાર બહુ. બાળકોને કહી દે, જુઓ બાપા, તમે ટીવી જુઓ, જે જોવું હોય તે જુઓ, પણ મારો જાન છોડો. હવે તો બાળકો પણ આનાથી એવાં ટેવાઈ ગયાં છે કે બીજું કંઈ તેમને ચાલતું પણ નથી. મોબાઇલ જ તેમનું ટેડી બેઅર કે ઢીંગલી કે રમકડું.

ભાવિ પેઢીને શું આપી રહ્યા છીએ?

આ બધાની સારી અસર એટલી જ કે બાળક બહુ નાની ઉંમરથી જ ટેક્નૉલૉજીથી વધુ પરિચિત અને માહેર થઈ જાય, પરંતુ એની બૂરી અસરમાં બાળકની આંખો વહેલી નબળી પડવા માંડે તેનું શું? બાળકોના કાન જલદી નબળા પડવા લાગે તેનું શું? બાળકો કંઈ પણ ન જોવા જેવું જોવા માંડે તે માટે કોણ જવાબદાર? બાળક ખેલકૂદ કસરતને બદલે યા ફિઝિકલ રમતને સ્થાને બેઠાડુ જીવન જીવવા માંડે તેનું શું? તેની ડોક સદા નીચી રહેવા માંડે તેનું શું થશે? કેટલાંય બાળકોને તો હવે મોબાઇલમાં ફિલ્મ-કાટૂર્નય બતાવતાં - બતાવતાં જ જમાડી શકાય છે અથવા તેને મોબાઇલ નામનું રમકડું યા ટીવી નામનું સાધન આપો તો જ શાંત બેસે છે.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : નવી ટૅલન્ટ અને અનુભવીઓનો સંગ રંગ લાવશે

જરા વિચાર તો કરીએ, આ બાળકો -આ પેઢી કેવી વિચારધારા સાથે મોટી થશે? કેવા સંસ્કાર યા દૃશ્ચિક્ટ સાથે તેમનું બાળપણ ઘડાશે, જેને લીધે કયા પાયા પર તેમની યુવાની ઊભી થશે? ભારતીય સમાજની આગામી પેઢી પાસેથી આપણે શું છીનવી રહ્યા છીએ અને શું આપી રહ્યા છીએ? આ વિચાર ભલે બીજા કરે કે ન કરે, તમે કરશો?

columnists