Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : નવી ટૅલન્ટ અને અનુભવીઓનો સંગ રંગ લાવશે

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : નવી ટૅલન્ટ અને અનુભવીઓનો સંગ રંગ લાવશે

16 May, 2019 02:07 PM IST | મુંબઈ
ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મેહતા

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : નવી ટૅલન્ટ અને અનુભવીઓનો સંગ રંગ લાવશે

ગુજરાતી મૂવીઝ

ગુજરાતી મૂવીઝ


ગુજરાતી ફિલ્મોનું કલેવર હવે બદલાયું છે એ આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું. ટેક્નિકલી ફિલ્મો નૅશનલ લેવલની હોય એવી લાગે છે. વાર્તાની વાત કરીએ તો એમાં પણ હવે પ્રોડ્યુસર-ડિરેક્ટરની નવું કરવાની હિંમત ખૂલી છે અને મ્યુઝિક પણ હવે બદલાયું છે. આ બધું જોઈને ઘણું સારું લાગે છે. સારી વાર્તા, સારા પફોર્ર્મન્સ અને ઉચ્ચ કોટીના કહેવાય એવા ડાયલૉગ્સ સાંભળવા મળે ત્યારે થાય કે આપણી ગુજરાતી ફિલ્મોને ગાળો ભાંડવાના દિવસો તો હવે પૂરા થઈ ગયા એ નક્કી છે.

આની શરૂઆત દસ વર્ષ પહેલાં થઈ, પણ છેલ્લાં પાંચ વર્ષમાં આપણી રીજનલ ગુજરાતી ફિલ્મમાં એટલો ફરક તો પડ્યો જ પડ્યો કે હવે આપણે આપણી માતૃભાષાની ફિલ્મો માટે ગર્વ લઈ શકીએ. વચ્ચે થોડા દાયકા એવા ગયા કે સાવ ગામડાના લોકો સિવાય કોઈ ગુજરાતી ફિલ્મ જોવા જતું નહીં. જે માધ્યમ મિડલ ક્લાસને ગુમાવી દે એ લુપ્ત થઈ જાય. આ વાત ખાસ કરીને આપણા દેશમાં લાગુ પડે છે. આપણે ત્યાં મિડલ ક્લાસ નામનો ક્લાસ બહુ મોટો છે. આપણી ગુજરાતી ફિલ્મોએ મિડલ ક્લાસ ગુમાવી દીધો હતો. ક્લાસિકલ ડાન્સ અને સુગમ સંગીતે પણ મિડલ ક્લાસ ગુમાવી દીધા અને એને એને લીધે એવી પરિસ્થિતિ ભી થઈ કે આપણો આ કલાનો વારસો લુપ્ત થવા માંડ્યો. તમે જુઓ, આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ક્લાસિકલ ડાન્સને બદલે લોકોને હવે બૉલીવુડ ડાન્સ અને ફ્યુઝન ડાન્સ શીખવો છે. ક્લાસિકલ સંગીતને બદલે કે સુગમ સંગીતને બદલે હવે બૉલીવુડ મ્યુઝિક સૌને શીખવું છે. હું કહીશ કે હવેની ગુજરાતી ફિલ્મોએ મિડલ ક્લાસને ફરીથી અટ્રૅક્ટ કરવાનું શરૂ કરી દીધું. આ જે રીત છે એ સાચી રીત છે. આજની જનરેશન અને મિડલ ક્લાસ એમ બે મોટા વર્ગ ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા એટલે હવે બને કે સાચા અર્થમાં ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બદલવાની શરૂ થઈ ગઈ.



છેલ્લાં પાંચ વર્ષ તો ખૂબ જ સારાં રહ્યાં, પણ આ સારા સમયથી ફુલાઈ જવાની જરૂર નથી. જો આપણે બીજી ભાષાની વાત કરીએ તો રીજનલ ફિલ્મોમાં સાઉથની ફિલ્મો અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બન્ને બહુ આગળ છે. સાઉથની ચાર ભાષાની ફિલ્મો વર્ષોથી હિન્દી ફિલ્મોને ટક્કર આપે છે. હિન્દી ફિલ્મો સાઉથની ફિલ્મો પરથી બને છે અને એ પણ છેલ્લાં વીસેક વર્ષથી ચાલતું આવે છે. આપણે ત્યાં સાઉથની અનેક સોશ્યલ ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો બની. જિતેન્દ્ર, શ્રીદેવી અને જયાપ્રદાના ગોલ્ડન એરાને યાદ કરશો તો તમને એ ફિલ્મોના પ્રોડ્યુસરમાં પણ સાઉથનાં જ નામો વાંચવા મળશે. સાઉથની હવે ઍક્શન ફિલ્મોની રીમેક આપણે ત્યાં બને છે તો સાઉથની ફિલ્મોને જ ડબ કરીને હિન્દીમાં રિલીઝ કરવાની પરંપરા પણ છેલ્લા થોડા સમયથી ચાલુ થઈ છે. આ પરંપરા પછી બૉક્સ-ઑફિસ પર ધાર્યો ન હોય એવો રેકૉર્ડ પણ બને છે. ‘બાહુબલી’ અને ‘રોબોટ’ આવા જ રેકૉર્ડ ધરાવતી ફિલ્મો છે.


સાઉથ ઉપરાંત બંગાળી અને મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પણ વર્ષોથી એકધારી ચાલી રહી છે. મરાઠી ફિલ્મો જુઓ તમે, એની કન્ટેન્ટ જુઓ તમે. પહેલાં કરતાં એ ક્યાંય આગળ છે. બંગાળી ફિલ્મોનું પણ એવું જ છે. આ બધામાં આપણી ગુજરાતી ફિલ્મો પાછળ હતી પણ આપણે એની ચિંતા કર્યા વિના વાત એ જ કરવી છે જે હકારાત્મક છે. ગુજરાતી ફિલ્મો ખુબ સારી બનવા માંડી છે હવે. નવું બ્લડ આવ્યું છે તો સાથોસાથ અનુભવી ટૅલન્ટ પણ ગુજરાતી ફિલ્મો તરફ વળી છે જે બહુ સારી નિશાની છે. આવનારા સમયમાં વધારે ને વધારે સારી ફિલ્મો બનશે એવું આ બધી વાતો પરથી ધારી શકાય છે, પણ મારે કહેવું છે કે આપણે આ બધું બહુ ઝડપથી ગ્રહણ કરવું પડશે.

એક સમયે એન્ટરટેઇનમેન્ટ માટે ફક્ત ફિલ્મો હતી અને દૂરદર્શન હતું, પણ એ પછી ખૂબબધા ચેન્જ આવ્યા. પ્રાઇવેટ સૅટેલાઇટ ચૅનલ્સ આવી અને ટીવી ચોવીસ કલાક ચાલવા લાગ્યું. એ પછી સૅટેલાઇટ ચૅનલ્સમાં પણ અનેક નવી ચૅનલો આવી અને ગળાકાપ હરીફાઈ વચ્ચે મનોરંજન નામે મોટો રસથાળ પીરસાવા માંડ્યો. હજી તો તમને ઓડકાર આવે ત્યાં ઇન્ટરનેટ આવ્યું અને ઇન્ટરનેટના કારણે વેબ-સિરીઝનો જમાનો આવી ગયો. ઇન્ટરનેટને કારણે આજે દુનિયા નાની અને સાંકડી થઈ ગઈ. કામ પુષ્કળ મળવા માંડ્યું, પણ એ બધા પછી કૉમ્પિટિશન પણ ખૂબ વધી ગઈ. એક સમય હતો કે હૉલીવુડની કન્ટેન્ટ જોવી હોય તો આપણે રાહ જોવી પડી હતી. હૉલીવુડની ફિલ્મો આપણે ત્યાં એક વર્ષ પછી રિલીઝ થતી અને એ પણ વર્ષમાં માંડ આઠ-દસ ફિલ્મો જ આવતી. પણ હવે આપણે ત્યાં હૉલીવુડની ફિલ્મો ફૉરેનની સાથે જ રિલીઝ થઈ જાય છે. આને કારણે એક ફાયદો તો એ થયો કે આપણા મેકર્સ આ હૉલીવુડની ફિલ્મોની બેઠી નકલ કરતા અટકી ગયા. જોકે એનો લાભ એ થયો કે હવે કન્ટેન્ટ ઓરિજિનલ કે પછી કૉપીરાઇટ્સ સાથેની જ આંખ સામે આવવાનું શરૂ થયું. પણ હું તો માનું છું કે રીમેક લાંબો સમય ચાલે નહીં. તમારી પાસે ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ, જો એ હશે પાસે તો જ તમે આ ઇન્ડસ્ટ્રીમાં ટકી શકો. નવી વાર્તા અને નવી ટ્રીટમેન્ટ, જો આ બે તમારી પાસે હશે તો જ તમે આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ થઈ શકશો. હું માનું છું કે ગુજરાતી ફિલ્મો માટે ખરેખર સારા પ્રોડક્શન હાઉસે આગળ આવવાની જરૂર છે. જો નવી ફિલ્મો બનાવવી હોય તો તમારે એ માટે આર્થિક પીઠબળ પણ ભું કરવું પડે.


મહારાષ્ટ્ર સરકારે થોડી ફિલ્મો બનાવી હતી અને એ ફિલ્મો થકી મરાઠી ફિલ્મોને નવું બૂસ્ટ આપ્યું હતું. ગુજરાત સરકારે પણ આ કામ કરવું જોઈએ. અત્યારે ગુજરાતી ફિલ્મો ટૅક્સ-ફ્રી નથી. જીએસટી આવ્યા પછી ગુજરાતી ફિલ્મ પર પણ એ લાગ્યો છે અને એટલે આપણે એના પર ટૅક્સ ચૂકવવો પડે છે. ગુજરાત સરકારે આ બાબતમાં કંઈક વિચારવું જોઈએ, જેથી ગુજરાતી ફિલ્મો મોટા બજેટની હિન્દી ફિલ્મોની સામે ટિકિટના દરમાં ટકી શકે, ભી રહી શકે. હમણાં રિલીઝ થયેલી તમામ ફિલ્મો એ સ્તર પર સારી બની છે કે ક્વૉલિટીની દૃષ્ટિએ એ બૉલીવુડ સામે પણ ટકી શકે, પણ જો ટિકિટના રેટની બાબતમાં વધારે કાળજી લેવામાં નહીં આવે તો નૅચરલી એનું ઑડિયન્સ કપાઈ જશે. આજે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ માટે પણ મારે બસો-અઢીસો રૂપિયા ખર્ચવા અને ‘બહુ ના વિચાર’ કે પછી ‘ચાલ જિંદગી જીવીએ’ માટે પણ જો એટલો જ ખર્ચ કરવાનો છે તો નૅચરલી મારી દીકરી ખુશાલી ગુજરાતી ફિલ્મમાં આવવાની ના પાડીને મને પણ ટાઇગર શ્રોફની ફિલ્મમાં ખેંચી જશે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે એ સમજદારી લાવવી પડશે કે નૅશનલ પ્લેયર્સ સામે કેવી રીતે રીજનલ પ્લેયર્સ અને ફિલ્મમેકર્સ ટકે. બીજી વાત, મારે મીડિયા અને અન્ય ઍક્ટર્સને પણ કહેવું છે કે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ આપવા માટે આપણે પણ બધાએ કંઈક કરવું જોઈએ. એવું કંઈક કૉન્ક્રીટ કે જેનું પોઝિટિવ રીઝલ્ટ ફિલ્મોને મળે. એક્ટર્સ બધા ફિલ્મો જોવા જાય અને એના પ્રમોશનનું કામ કરે, કોઈ જાતનો ખચકાટ રાખ્યા વિના એમણે સારી ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવા આગળ આવવું જોઈએ. ગુજરાતી મીડિયાએ પણ આ કામ કરવું જોઈએ. જો ગુજરાતી ભાષાને ટકાવવી હશે તો ગુજરાતી ભાષા સાથે જોડાયેલા તમામ મીડિયાને પ્રમોટ કરવાનું કામ કરવું પડશે. આ વાત હું સારી ફિલ્મો માટે જ કહી રહી છું. જો સારી વાતને કે સારી પ્રવૃત્તિને બિરદાવવામાં નહીં આવે તો એ પ્રવૃત્તિ કરનારાઓ ખતમ થઈ જશે અને નવા કોઈ આવશે પણ નહીં.

આ પણ વાંચો : કૉલમ : ભરોસો કે શંકા? કોની સાથે જીવવું?

એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આટલી રકમ આજે પણ એક ગુજરાતી ફિલ્મ માટે આખી જિંદગીની બચત હોઈ શકે છે. જો એવું હોય તો નૅચરલી આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બનાવવામાં આવેલી ફિલ્મ અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ઑક્સિજન મળતો રહે એ માટે આપણે પણ જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. હું ઑડિયન્સને પણ વિનંતી કરીશ કે ઓપન માઇન્ડ સાથે નવી વાર્તા અને વાર્તા કહેવાની નવી રીતને સ્વીકારવાનું ચાલુ રાખો. જો તમે મનથી ખુલ્લા હશો તો જ નવું કરવાની હિંમત આ પ્રોડ્યુસર-ડિરેક્ટર કરી શકશે. જો એવું બનશે તો જ એ દિવસો વધારે દૂર નહીં હોય કે ગુજરાતી ફિલ્મોની રીમેકના રાઇટ્સ ખરીદવા બૉલીવુડના પ્રોડ્યુસર-ડિરેક્ટર લાઇનમાં ભા હોય અને આપણી ફિલ્મો નૅશનલ અવૉડ્ર્સરમાં જઈને અઢળક અવૉર્ડ્સ લઈ આવતી હોય.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2019 02:07 PM IST | મુંબઈ | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મેહતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK