યુ હેવ ટચ્ડ માય હાર્ટ

17 June, 2019 01:01 PM IST  |  | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

યુ હેવ ટચ્ડ માય હાર્ટ

પ્રતીકાત્મક તસવીર

સ્પર્શ... આ શબ્દ બહુ જ અદ્ભુત અને સંવેદનશીલ છે. સ્પર્શ માત્ર શારીરિક જ નથી હોતો, બલકે માનસિક અને આત્મિક પણ હોય છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે મને તેની વાત ટચ કરી ગઈ કે યુ હેવ ટચ્ડ માય હાર્ટ. ભૂતકાળમાં આપણા સ્વજન કે પ્રિયજને આપણને તેમના વહાલથી કે વાતથી સ્પર્શ કર્યો હોય એવી ઘણી ક્ષણો આપણી સ્મૃતિમાં વર્ષો પછી પણ અકબંધ હોય છે. આવો જ સ્પર્શ આપણે પોતે પણ ખુદને આપી શકીએ છીએ અને આપવો પણ જોઈએ

સોશ્યલ સાયન્સ

ચાલો આજે એક રમત રમીએ. બે ઘડી માટે તમારી આંખ બંધ કરો અને યાદ કરો જીવનની એ ક્ષણોને જ્યારે તમારા આખા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હોય, પછી એ પ્રેમનું લખલખું હોય, ઉન્માદનું હોય, શાંતિ અને સંતોષનું હોય કે પછી માયા, મમતા અને હેતનું હોય. કરી આંખ બંધ? એક...બે...ત્રણ... હવે આંખ ખોલો. કઈ ક્ષણ યાદ આવી?

ચોક્કસ આ કોઈ એવી ક્ષણ હશે જ્યારે તમે કોઈને કે કોઈએ તમને સ્પર્શ કર્યો હશે. કોઈને પોતાના પ્રિયતમ કે પ્રેમિકાનો હાથ પહેલીવાર પકડ્યો હોવાની ક્ષણ યાદ આવી હશે તો કોઈને પહેલીવાર પોતાનું બાળક પોતાના હાથમાં લીધું હોવાની ક્ષણ યાદ આવી હશે. કોઈને બીમારીમાં પોતાની માતાએ વાળમાં હાથ ફેરવી વ્હાલ વરસાવ્યું હોવાની ક્ષણ યાદી આવી હશે તો કોઈને માથું દુખતું હોય ત્યારે પોતાની દીકરીએ માથું દબાવી આપ્યું હોવાની ક્ષણ યાદ આવી હશે.

સ્પર્શમાં એક અદ્ભુત તાકાત રહેલી છે. આપણને અંદર સુધી હચમચાવી દેવાની તાકાત. આપણી દરેક પીડાઓને હણી લેવાની તાકાત. આપણો બધો થાક ઉતારી દેવાની તાકાત. આપણને શાતા આપવાની તાકાત તથા આપણી અંદર એક નવા જ પ્રકારનું સંગીત શરૂ કરી દેવાની તાકાત.

સામાન્ય રીતે સ્પર્શની વાત નીકળે એટલે આપણને એવી ક્ષણો યાદ આવે જ્યારે કોઈ આપણને કે આપણે કોઈને અડક્યા હોઈએ, પરંતુ શું બધા જ સ્પર્શ માત્ર શારીરિક જ હોય છે? નહીં. કેટલાક સ્પર્શ આપણને અડક્યા વિના આપણા મન અને આત્મા સુધી પહોંચી જતા હોય છે. જેમકે આપણને ગમતી હોય એવી વ્યક્તિ દૂરથી આપણને જુએ તો પણ આપણા આખા શરીરમાંથી પ્રેમનું કે શરમનું લખલખું પસાર થઈ જતું હોય છે. આવો સ્પર્શ આપણને એવી દુનિયામાં લઈ જતો હોય છે, જ્યાં કેટલીકવાર આપણે ખુદ પોતાની જાતને પણ જવાની પરવાનગી આપતા નથી. તેવી જ રીતે ક્યારેક આવો સ્પર્શ શબ્દોનું સ્વરૂપ ધારણ કરીને આવતો હોય છે. દા.ત. કોઈ વર્ષો જૂનો જીગરજાન દોસ્ત અચાનક આપણને ફોન કરીને કહે કે આજે તો તારી બહુ યાદ આવતી હતી દોસ્ત. એટલે થયું કે લાવ આજે તો તને ફોન કરી જ દઉં. આવા સ્પર્શ આપણને યાદોની એવી દુનિયામાં લઈ જતા હોય છે, જ્યાં વર્ષોથી આપણે પોતે પણ પગ ન મૂક્યો હોય, પણ જ્યાં પહોંચતાં જ આપણું આખું બાળપણ ખીખી કરતું આપણી સામે હસતું ઊભું હોય.

આ દૃષ્ટિએ વિચારીએ તો સમજાય કે આપણી પાંચે ઈન્દ્રિયમાંથી સ્પર્શ એકમાત્ર એવી ઈન્દ્રિય છે, જે આપણને ખરા અર્થમાં આપણી જાત સાથે જોડી આપે છે. સમય સાથે દૃશ્યો ધૂંધળા થઈ જતા હોય છે, શબ્દો ભુલાઈ જતા હોય છે, સુગંધ ખોવાઈ જતી હોય છે, સ્વાદ વિસરાઈ જતા હોય છે, પરંતુ સ્પર્શ દ્વારા અનુભવેલી અનુભૂતિઓ આપણા આત્મા સાથે જોડાયેલીને જોડાયેલી જ રહી જાય છે. આ જ કારણ છે કે રડતું બાળક માના હાથમાં આવતાં જ છાનું રહી જાય છે કે પછી સાસરે ગયેલી દીકરી પણ પિતાના ખોળામાં માથું મૂકતાંની સાથે જ પોતાની બધી વ્યથા ભૂલી જાય છે કે પછી કોઈનો આપણી પીઠ પર મુકાયેલો હાથ આપણામાં વિશ્વાસ અને શ્રદ્ધાની લાગણી જન્માવી જતો હોય છે.

યાદ આવે છે, પેલી મુન્નાભાઈ એમબીબીએસની જાદુ કી ઝપ્પી? એ દિવસોમાં એ કેટલી ફેમસ થઈ ગઈ હતી નહીં! થોડા સમય પહેલાં દિલ્હીમાં એક કોર્સ કર્યો હતો. ત્યાંની ટ્રેનર્સ આવી જાદુ કી ઝપ્પી દ્વારા પોતાની વિદ્યાર્થિનીઓ સાથે એવો ઈન્સ્ટન્ટ બૉન્ડ બનાવી દેતી હતી કે દીકરીઓ પોતાની મા પાસે કરે તેવી રીતે અમે વિદ્યાર્થિનીઓ તેમની સાથે પોતપોતાના જીવનની તકલીફો શૅર કરી પોતાનું મન હળવું કરી શકતી હતી. આગળ જતાં તેમના હાથ નીચે છેલ્લાં દસ વર્ષોમાં તૈયાર થયેલી અનેક વિદ્યાર્થિનીઓને મળવાનું થયું. એ સૌનું કહેવું એમ જ હતું કે અમારે મન તેમનું સ્થાન અમારી માતાથી જરાય ઊતરતું નથી. જ્યાં આપણે આપણું આખું જીવન કોઈનો પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધા જીતવામાં ખર્ચી નાખતા હોઈએ છીએ ત્યાં જ તેનું પહેલું ચરણ આ ટ્રેનર્સ માત્ર જાદુ કી ઝપ્પી આપીને કેટલી આસાનીથી ફતેહ કરી લેતી હતી એ જોઈ ખરેખર નવાઈ લાગી.

સંશોધનોમાં જાણવા મળ્યું છે કે મન હળવું કરવાની વાત આવે ત્યારે તેનો સૌથી અકસીર ઈલાજ ખૂલીને દિલની વાતો કરવાનો અથવા કોઈને ભેટીને રડી લેવાનો છે. રેકી અને એક્યુપ્રેશર જેવી વૈકલ્પિક સારવારની પદ્ધતિઓ પણ સ્પર્શના આ જ મહિમાને પગલે આજે દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે. તેવી જ રીતે આજે દરેક ગલીના કિનારે બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા મસાજ પાર્લર્સ અને સ્પા પણ સ્પર્શના આ જ મહત્વને કારણે ધીખતી કમાણી કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે સ્પર્શ આપણા મગજમાં ઓક્સિટોસિન નામના એવા રસાયણનું ઉત્પાદન કરે, જેને પગલે આપણને રાહત અને આશ્વાસનનો અહેસાસ થાય છે.

પરંતુ જરૂરી નથી કે સ્પર્શનો આ અહેસાસ કોઈ બીજું આપણને આવીને સ્પર્શે ત્યારે જ થાય. આપણી જાત સાથે કનેક્ટ થવું હોય ત્યારે આપણે પોતે પણ પોતાની જાતને આવા અનેક સ્પર્શ આપી શકીએ છીએ. વિશ્વાસ ન થતો હોય તો ક્યારેક ધોધમાર વરસતા વરસાદમાં આંખો બંધ કરી બે હાથ ખુલ્લા રાખીને મનભરીને પલળી જુઓ કે પછી વહેલી સવારે બગીચામાં સૂર્યના પહેલા કિરણોને પોતાના શરીરને સ્પર્શવાનો લહાવો લઈ જુઓ કે પછી શિયાળાની સવારે ખુલ્લા પગે લીલા ઘાસમાં બાઝેલી ઝાકળ પર ચાલી જુઓ કે પછી કોઈ હિલસ્ટેશન પર ભીનાં વાદળોભર્યાં ધુમ્મસ વચ્ચે લટાર મારી જુઓ! પછી જુઓ કે વરસાદના એ પાણીની ભીનાશ, સૂર્યના એ કિરણોની ઉષ્મા, ઝાકળની એ ઠંડક કે ધુમ્મસ એ હળવાશ તમને પોતાની અંદર ઉતારી તમારી જાત સાથે તમને એકાકાર કરી દે છે કે નહીં?

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી - કે. કા. શાસ્ત્રીઃ એક પ્રવાસ અને સમયનું મહત્વ

જ્યારે આસપાસ કોઈ જ ન હોય ત્યારે આપણે પોતે જ આપણા માટે ઊભા રહેતા શીખવું પડે છે, આપણા પોતાના જ ખભા પર માથું રાખી રડતાં શીખવું પડે છે તથા અરીસા સામે ઊભા રહી પોતાની જાત સાથે જ હસતાં પણ શીખવું પડે છે. તો પછી પોતાની જાતને સ્પર્શવાથી દૂર શું કામ રહેવું જોઈએ? ઉઠાવો પેલું મોઈશ્વરાઈઝર કે તેલ અને પોતાના ચહેરા પર ફેશિયલ કરતા કરતા કે પછી માથામાં તેલ ઘસતા ઘસતા કહી દો પોતાની જાતને કે આજે તો તારી બહુ યાદ આવતી હતી યાર, તેથી થયું કે લાવ આજે તો તને થોડું વહાલ કરી જ દઉં...

columnists