Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નરેન્દ્ર મોદી - કે. કા. શાસ્ત્રીઃ એક પ્રવાસ અને સમયનું મહત્વ

નરેન્દ્ર મોદી - કે. કા. શાસ્ત્રીઃ એક પ્રવાસ અને સમયનું મહત્વ

14 June, 2019 01:07 PM IST |
સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

નરેન્દ્ર મોદી - કે. કા. શાસ્ત્રીઃ એક પ્રવાસ અને સમયનું મહત્વ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


કેશવરામ કાશીરામ શાસ્ત્રી હંમેશાં કે. કા. શાસ્ત્રીના નામે ઓળખાયા છે. અફસોસની વાત એ છે કે કે. કા. શાસ્ત્રી આજે ભુલાઈ ગયા છે અને તેમની સિદ્ધિઓને પણ ભૂલી જવામાં આવી છે. આપણે તેમની સિદ્ધિ વિશે વાતો નથી કરવાની, પણ આપણે તેમની ક્ષમતા અને તેમણે એ ક્ષમતા કેવી રીતે કેળવી હતી એની વાત કરવાની છે. આ ક્ષમતા વિશે હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો. સમયનું મૂલ્ય. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને સમયનું મૂલ્ય સમજાવવાનું કામ કે. કા. શાસ્ત્રીએ કર્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનામાં જે સાત લોકોએ મહત્વનો ફાળો આપ્યો હતો એમાં એક શાસ્ત્રીજી પણ હતા.



એક તબક્કો એવો આવ્યો કે નરેન્દ્ર મોદીએ શાસ્ત્રીજી સાથે સોળ દિવસનો એક પ્રવાસ કરવાનો હતો. આ સોળ દિવસ નરેન્દ્ર મોદીના જીવનના યાદગાર સોળ દિવસ છે. શાસ્ત્રીજી સાથે અમદાવાદથી રવાના થયા ત્યારથી તેમનું ધ્યાન શાસ્ત્રીજી પર હતું. માણસ પૈસો ખર્ચવામાં કંજૂસાઈ કરે, કરકસર કરતો દેખાય; પણ શાસ્ત્રીજી સમય ખર્ચવામાં એવું કરે. એક વાક્યનો જવાબ આપવાનો હોય એ જગ્યાએ તે બે શબ્દોમાં પૂરું કરે. ભારોભાર ચિંગૂસની જેમ સમય વાપરે. જેવા નવરા પડે કે તરત જ વાંચવા કે લખવા બેસી જાય. ત્યાં સુધી કે દિલ્હીથી વારાણસીની ટ્રેન એક કલાક મોડી હતી તો સ્ટેશન પર હજારો લોકોની હાજરીમાં પણ શાસ્ત્રીજી પોતાના કાગળો કાઢીને લખવા બેસી ગયા અને ત્યાં તેમણે ‘અજેય ગૌરીશંકર’ નામના નાટકનો બીજા અંકનો અડધો સીન લખી નાખ્યો.


નરેન્દ્ર મોદીએ એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘સમયનું મૂલ્ય શું છે એ જો તમને સમજાઈ જાય તો તમે જગતમાં સૌથી શ્રીમંત બની જાઓ. શાસ્ત્રીજીને મળ્યા પહેલાં હું પણ કોઈની પણ પાસે ઊભો રહીને વાતો કરવા માંડતો, સમય પસાર કરતો; પણ શાસ્ત્રીજીને એ સોળ દિવસ દરમ્યાન જોઈને મને સમજાયું કે જો સમય બચાવવાની આવડત કેળવી શક્યા તો જ તમે તમારાં સપનાંઓની, ધ્યેયની દિશામાં દૃઢતા સાથે આગળ વધી શકશો. શાસ્ત્રીજીને મેં એવી રીતે જોયા છે કે બાથરૂમમાં ડોલ ભરાતી હોય ત્યારે પણ તે પોતાનું એકાદ કામ પતાવી લે. વાંચતા હોય એ બુકનું એક ચૅપ્ટર વાંચવા માંડે કે પોતાના લેખનું એકાદ પ્રકરણ ચાલુ કરી દે.’
મોદીભાઈએ એક વાર શાસ્ત્રીજીને આવું કરવાનું કારણ પણ પૂછ્યું હતું ત્યારે શાસ્ત્રીજીએ જે જવાબ આપ્યો હતો એ જવાબ પણ મોદીભાઈએ પેલા ઇન્ટરવ્યુમાં આપ્યો હતો અને કહ્યું હતું, ‘સમય પાસેથી શ્રેષ્ઠ કામ લેવાની આવડત માત્ર માણસ પાસે છે અને મને મનુષ્ય અવતાર મળ્યો છે તો પછી હું શું કામ જંગલીની જેમ વર્તન રાખું, શું કામ સમયનો વેડફાટ કરું? જો બધું હું સમયસર કે સમય પહેલાં કરીશ તો જ મારી પાસે સમય બચશે અને જો સમય બચશે તો જ હું ફાજલના એ સમયને અન્ય જગ્યાએ સકારાત્મક રીતે વાપરી શકીશ.

જો સકારાત્મક બનવું હોય તો અનિવાર્ય સમયનો વેડફાટ પણ ઘટાડવો પડે, અટકાવવો પડે.’ સકારાત્મકતા. આ શબ્દ હકારાત્મકતા કરતાં વધારે ઊંચો અને ઉમદા છે. કહો કે હકારાત્મકતાના પરિવારનું સિનિયર ફરજંદ છે. જો સકારાત્મકતા લાવવી હશે તો હકારાત્મક રહેવું પડશે અને જો હકારાત્મકતા આવશે તો જ સકારાત્મકતાને આંગણે લાવી શકશો અને સકારાત્મકતાને આંગણે લાવવા માટે તમારે સૌથી પહેલું એ ધ્યાન રાખવાનું છે, એ યાદ રાખવાનું છે કે સમય પાસેથી શ્રેષ્ઠ કામ લેવાની આવડત માત્ર તમારી પાસે છે એટલે એનો ઉપયોગ કરવાનો છે.


જો એ ઉપયોગ કરતાં શીખી ગયા તો જ તમે તમારા ફાજલ સમયનો ઉપયોગ સકારાત્મક દિશામાં વાપરી શકશો અને જો એવું બન્યું તો જ તમારું આ પૃથ્વી પર થયેલું આગમન લેખે લાગશે. બાકી તો બનશે એવું કે તમારા ગયા પછી આ પેઢી તમારા ફોટોને દીવાલ પર ટાંગશે અને એના પછીની પેઢી તમારા ફોટોને ગાદલા નીચે મૂકી દેશે. બહુ સારા ડીએનએ હશે, સંસ્કારોનો ડોઝ એમાં ભરાયેલો હશે તો ઘરમાં ટીવી કે ફ્ર‌િજ પર દાદાની નાની તસવીર રહેશે, પણ એના પછીની જનરેશન સમયે તો ડીએનએ પણ દૂષ‌િત થયા હશે અને સંસ્કારોમાં પણ ભેળસેળ થઈ ગઈ હશે એટલે વડદાદાનો ફોટો ઘરમાં ક્યાંય જોવા નહીં મળે, તેમની વાતો પણ યાદ કોઈને નહીં આવે અને એ જનરેશન પાસે નહીં ભૂલવાનું કોઈ કારણ પણ હાથમાં નહીં હોય.

આ પણ વાંચો : કૉલમ : મનની સ્ટેબિલિટી માટે પ્રાણાયામ કરો

જો યાદ રહેવું હોય તો અને જો આજના આ સમયને શ્રેષ્ઠ રીતે જીવી જવો હોય તો, જો માનવ ધર્મને શ્રેષ્ઠ રીતે ન‌િભાવવો હોય તો અને જો નિભાવેલા ધર્મને શ્રેષ્ઠતમ રીતે માણી લેવો હોય તો, જો આજને ઊજળી બનાવવી હોય તો અને આવતી કાલે લાંબા પગ કરીને આળસને માણવી હોય તો આજે સમયનું મૂલ્ય સમજવું પડશે. કે. કા.શાસ્ત્રી ખોટા નહોતા જ નહોતા. શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે પણ તેમણે ઉત્તમોતમ સર્જન આપ્યું તો સાથોસાથ તેમણે એવી શીખ પણ આપી જે તમારા, આજના આઇડલના જીવનને પણ એક નવું પરિમાણ આપવાનું કામ કરી ગઈ. સોળ દિવસના એ પ્રવાસે મોદીના જીવનને એક નવી દિશા આપી. સાતસો શબ્દનો આ આર્ટિકલ પણ તમને એક નવો દૃષ્ટિકોણ આપે એવી અપેક્ષા રાખીએ.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 01:07 PM IST | | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK