મૅચ્યોરિટીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી હોતો

11 February, 2019 12:17 PM IST  |  | ફાલ્ગુની જડિયા - ભટ્ટ

મૅચ્યોરિટીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી હોતો

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

જીવનમાં કે સંબંધોમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે કેટલીક વાર કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આવા સમયે જેઓ આપણા અત્યંત આત્મીય હોય તેમની પાસેથી પણ સહયોગ ન મળે તો શું કરવું? નેગેટિવ બની જવું? ક્રાઇમ કરી નાખવો? પરિવારની આબરૂ સાથે રમી નાખવું? નહીં, આ સિવાય પણ સાચા રસ્તા છે; પરંતુ એ માર્ગ શોધવાના સાચા રસ્તા શોધવા જરૂરી મૅચ્યોરિટી ક્યાંથી લાવવી? આવો સમજીએ

મારી એક ફ્રેન્ડ છે પૂજા. ઉંમરમાં મારા કરતાં ઘણી નાની હોવા છતાં સમજદારીમાં એટલી મેચ્યોર્ડ કે ક્યારેય ઉંમરનો આ ફરક મારી કે તેની મિત્રતાની વચ્ચે આવ્યો નથી. અમે મળ્યા ત્યારે પૂજાની સગાઈ થઈ ચૂકી હતી. ધીરે-ધીરે તેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે વાસ્તવમાં પૂજાને તે છોકરા સાથે લગ્ન કરવામાં જરાય રસ નહોતો, કારણ કે જેની સાથે તેની સગાઈ થઈ હતી તે છોકરો કોઈ બીજી છોકરીના પ્રેમમાં હતો અને પૂજા સાથે તેની સગાઈ બાદ પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથેનો તેનો સંબંધ અકબંધ હતો. તેણે ફક્ત પોતાનાં માતા-પિતાને રાજી કરવા પૂજા સાથે લગ્ન કરવા હા પાડી હતી. પૂજાને જ્યારે આ બાબતની ખબર પડી ત્યારે તેણે તરત જ પોતાના ઘરે વાત કરી, પરંતુ સમાજના ભયથી હવે પૂજાની મમ્મી આ સંબંધ તોડવા તૈયાર નહોતી.

પૂજાએ સામ, દામ, દંડ, ભેદ બધી નીતિઓ અપનાવી જોઈ; પરંતુ તેની મમ્મી ટસથી મસ થવા તૈયાર નહોતી. વળી ઘરમાં પહેલેથી મમ્મીનું જ કહ્યું ચાલ્યું આવ્યું હોવાથી તેના પપ્પા કે તેનો ભાઈ પણ તેની કોઈ મદદ કરી રહ્યા નહોતા. પૂજાએ જેટલા લોકોને આ વાત કહી એ બધાએ તેને ઘર છોડીને જતા રહેવાની જ સલાહ આપી, પરંતુ અંદરખાને પૂજા આ સલાહ સાથે સહમત નહોતી. એથી એક દિવસ તેણે નક્કી કર્યું અને પોતાનાં કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુઆ વગેરે સૌ વડીલોને ફોન કરીને ઘરે બોલાવ્યા અને પોતાની વ્યથા કહી સંભળાવી. સાથે એ પણ કહ્યું કે છ મહિનાની સગાઈમાં પેલા છોકરાએ સામેથી એક પણ વખત પૂજાને ફોન કરવાની વાત તો દૂર રહી, જેટલી વાર પૂજાએ ફોન કરીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના પર ગુસ્સો કરવાથી લઈને તેને ગાળો આપવા સુધીની હરકત પણ કરી હતી. આટલું બધું બન્યું હોવા છતાં તેની મમ્મી આ સંબંધ તોડવા તૈયાર નહોતી એ જોઈને બધા અવાચક રહી ગયા. બધાએ તેની મમ્મી પર ખૂબ ગુસ્સો કર્યો એટલું જ નહીં, તેના મામા ત્યારે ને ત્યારે પેલા છોકરાના ઘરે પહોંચી ગયા અને તેનાં માતા-પિતાની સામે જ તેના પર ખૂબ ગુસ્સો કરી ઊભા-ઊભા તેનું સગપણ તોડી આવ્યા.

લોકોની વાતમાં આવીને ઘર છોડી દેવા જેવું અવિચારી પગલું ભરવાના સ્થાને પૂજાએ ઘરના વડીલોને ભેગા કરીને અત્યંત મેચ્યોર્ડલી આ સમસ્યાનો નિવેડો આણ્યો. તેની આ સમજદારીએ ફરી એક વાર દિલ જીતી લીધું. જ્યાં આમ કરી તેણે એક બાજુ પેલા છોકરાને પોતાની સાથે ગેરવ્યવહાર કરવા બદલ મેથીપાક ચખાડી દીધો ત્યાં જ બીજી બાજુ જે પરિવારે તેને સાથ નહોતો આપ્યો તેણે છોકરી ઘર છોડીને જતી રહેવાથી જે શરમ અને નાલેશીનો સામનો કરવો પડત એનાથી પણ બચાવી લીધો.

માત્ર ૨૪ વર્ષની ઉંમરે આ પ્રકારની મૅચ્યોરિટી આજનાં કેટલાં યુવક-યુવતીમાં હોય છે? બલકે મોટા ભાગના યુવાનિયાઓમાં એટલો આક્રોશ હોય છે કે પોતાની સાથે ખોટું કરનાર સામે બદલો લેવા ઘણી વાર તેઓ ગેરકાનૂની પગલું ભરી લેતાં પણ અચકાતા નથી. જોકે પૂજાને જ્યારે જોઉં છું ત્યારે સમજાય છે કે મૅચ્યોરિટીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી, કારણ કે મૅચ્યોરિટી સમય સાથે નહીં પણ સમયના પ્રવાહમાં વહેતાં-વહેતાં તમને થયેલા અનુભવોમાંથી તમે શું અને કેટલું શીખો છો એમાંથી આવે છે.

આપણા મોટેરાંઓ ઘણી વાર આપણને એમ કહી ચૂપ કરી દે છે કે મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે માટે મને તારા કરતાં વધારે સમજ પડે છે, પરંતુ કેટલીક વાર એ જ મોટેરાંઓની નાનાઈ જોઈને આપણને નવાઈ લાગે છે. આવામાં પૂજા જેવા કિસ્સા આઇ-ઓપનર બનીને સામે આવે છે. તેમને જોઈ આપણને સમજાય છે કે ઉંમરની મોટાઈ દેખાડીને કોઈને ચૂપ કરી દેવું પરિપક્વતા નથી, પરંતુ ખરી પરિપક્વતા તો પોતાની આસપાસના વાતાવરણ તથા પોતાના સંજોગોને સમજદારીપૂવર્કા હાથ ધરવામાં રહેલી છે. આવી સમજદારી સમય સાથે વિકસતી નથી, પરંતુ વ્યક્તિએ સામે ચાલીને કેળવવી પડે છે.

આ કેળવણીદોષનો ટોપલો બીજાના માથે ઢોળવાને સ્થાને પોતાનાં કર્મોની જવાબદારી ખૂદ પોતાના ખભા પર ઊંચકવામાંથી આવે છે. ટૂંકા ગાળાના લાભો જોઈને મનફાવે એમ વર્તવાના સ્થાને દૂરંદેશી વાપરીને લાંબા ગાળાના પ્રત્યાઘાતો વિશે વિચારવાથી આવે છે. આવી વ્યક્તિઓ સમજે છે કે સુખ કંઈ ફક્ત પોતાને સુખી કરવાથી જ નથી મળતું, પરંતુ એ માટે પોતાની સાથે બીજાને પણ સાચવવા પડે છે. એથી સ્વકેન્દ્રી બનવાના સ્થાને તેઓ પોતાની જાતમાં સ્થિર રહીને બીજાના દુ:ખ-દર્દનો વિચાર કરવાનું પણ ચૂકતા નથી.

માત્ર આવા જ લોકો લાગણીઓના વહેણમાં વહી જવાના સ્થાને શાંત રહીને ભવિષ્યનો વિચાર કરી શકે છે તથા એ માટે જરૂરી યોજના બનાવી શકે છે, કારણ કે તેઓ ખોટી આશાઓમાં અટવાઈ રહેવાના સ્થાને વાસ્તવિકતાઓનો સ્વીકાર કરીને પોતાના જીવનની લગામ પોતાના હાથમાં રાખી શકે છે અને પોતાની જાતને તથા દુનિયાને કશુંક નવું આપી શકે છે.

આ પણ વાંચો : કન્ટ્રોલબાજી

આવી સમજદારી કેળવવાની તથા પોતાની જાત પ્રત્યે સભાન બનવાની જવાબદારી આપણા બધાની હોય છે. કેટલાકમાં એ સમય કરતાં વહેલી જોવા મળે છે તો કેટલાકમાં ક્યારેય વિકસતી જ નથી, કારણ કે સમજદારી એ કંઈ ઉંમરની બાય-પ્રોડક્ટ નથી. એથી ઉંમરના આધારે કોઈની પરિપક્વતાનો અંદાજ લગાડી શકાય નહીં; પરંતુ જીવનના અનુભવોમાંથી પદાર્થપાઠ લેવાનું વલણ કેળવવાથી, સમય અને સંજોગો પ્રમાણે પોતાની જાતને બદલવાથી તથા લોકો સાથેના પોતાના મતભેદોને મનભેદ બનાવવાના સ્થાને તેમના પણ દૃષ્ટિકોણને સમજવા જેવું ઉદાર હૃદય કેળવવાથી આવી પરિપક્વતા પોતાની અંદર ખીલવી ચોક્કસ શકાય છે.

columnists