કન્ટ્રોલબાજી

રશ્મિન શાહ | Feb 08, 2019, 14:26 IST

દરેક સંબંધમાં દરેક વ્યક્તિને સામેની વ્યક્તિ પર કન્ટ્રોલ રાખવો છે, કાબૂ રાખવો છે અને આ કાબૂ રાખવાની ભાવના એ હવે જિજીવિષા બની ગઈ છે. હકીકત એ છે કે સામેની વ્યક્તિ પર કન્ટ્રોલ કરવાની લાયમાં આપણે આપણા પરનો કન્ટ્રોલ ગુમાવી બેઠા છીએ

કન્ટ્રોલબાજી
દરેક વ્યક્તિને સામેની વ્યક્તિ પર કન્ટ્રોલ રાખવો

 

સોશ્યલ સાયન્સ 

યાદ રાખજો, મગજની દીવાલ પર એક ર્બોડ પર ટિંગાડી દેજો કે સામેની વ્યક્તિ પર તમારો કોઈ કાબૂ છે જ નહીં, તમે તમને જ કાબૂમાં રાખવા માટે સર્જાયા છો. આ સનાતન સત્ય છે અને આ સનાતન સત્યને સાવ વિસારી દેવામાં આવ્યું છે. દરેક સંબંધમાં, દરેક વ્યક્તિને સામેની વ્યક્તિ પર કન્ટ્રોલ કરવો છે, કન્ટ્રોલ રાખવો છે અને આ કન્ટ્રોલ રાખવાની ભાવના હવે દરેક વ્યક્તિની જિજીવિષા બની ગઈ છે પણ હકીકત એ છે કે સામેની વ્યક્તિ પર કન્ટ્રોલ રાખવાની લાયમાં આપણે આપણાï પરનો જ કન્ટ્રોલ ગુમાવી બેઠા છીએ અને એટલે જ તમે જે હતા એ આજે નથી અને જેવા તમે ગમતા હતા એવા તમે હવે રહ્યા નથી. કહ્યું એમ, કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ રિલેશનની વાત હોય.

એક સમયે દીકરી બાપને સૌથી લાડકી હતી અને વાઇસેવર્સા હતું. દીકરીને પણ બાપ તેનો પહેલો હીરો હતો પણ પછી, પછી શું થયું કે દીકરીમાં બાપને અઢળક અપલખણ દેખાય છે અને બાપ બહુ ટોક્યા કરે છે એવી રાવ સાથે દીકરીને બાપમાં હવે
નરેન્દ્ર મોદી જેવો સરમુખત્યાર દેખાય છે. હસબન્ડ-વાઇફને પણ આ જ વાત લાગુ પડે અને બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને પણ આ જ પ્રૉબ્લેમ છે. જે સંબંધોની કુમાશ હતી, જે સંબંધોમાં મીઠાશ હતી એ કુમાશ, એ મીઠાશનો ક્ષય થયો છે અને એ ક્ષય પાછળનું સૌથી મોટું કારણ છે કન્ટ્રોલ. સામેની વ્યક્તિ પર કન્ટ્રોલ કરવો છે. કન્ટ્રોલમાં તકલીફ પડી રહી છે એટલે જાત પરનો કન્ટ્રોલ હવે છૂટવા માંડ્યો છે અને જાત પરનો કન્ટ્રોલ છૂટવા માંડ્યો છે એટલે સંબંધોમાંથી વિશ્વાસ વરાળ બની રહ્યો છે.

વિશ્વાસ હશે તો કન્ટ્રોલની જરૂરિયાત નહીં રહે અને વિશ્વાસ હશે તો કન્ટ્રોલ મેળવવાનો વિચાર પણ નહીં આવે. કન્ટ્રોલ ત્યારે જ મેળવવાની ભાવના જાગે જ્યારે વિશ્વાસમાં અભાવ આવવો શરૂ થયો હોય અને વિશ્વાસમાં અભાવ આવવો ત્યારે જ શરૂ થયો હોય જ્યારે શબ્દો અને આચરણ વચ્ચે તાલમેલ જળવાતો ન હોય, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે એ પછી પણ કન્ટ્રોલ મેળવવાની વૃત્તિ આવવી જોઈએ. ના, જરાય નહીં અને ક્યારેય નહીં. પરસ્પર વિશ્વાસ રહેશે તો જ જીવવાની મજા આવશે. પરસ્પર એકબીજાને સંપૂર્ણ આઝાદીનો અનુભવ કરાવી શકાશે તો જ જીવવાનો આનંદ આવશે.

જે છોડીને જવાનું છે એને ક્યારેય તમે રોકી શકવાના નથી. જે જળોની જેમ પકડીને બેસી રહેવાનું છે એનાથી ક્યારેય તમે છૂટી શકવાના નથી. જો આ નગ્ન વાસ્તવિકતા હોય તો પછી તૂટી રહેલા કે ઘટી રહેલા વિશ્વાસનો વાંક કાઢવાને બદલે આજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને એ કરીને એના આધારે વિશ્વાસને વધુ શ્રદ્ધામય બનાવવો જોઈએ. કહેવાનો ભાવાર્થ એ છે કે મૂળ પર ઘા કરવાને બદલે ઘા એ જગ્યાએ કરો જે મૂળ બગાડવાનું કામ કરે છે. પ્રશ્નનું નિરાકરણ કરવાની માનસિકતા લાવવી પડશે. તમારે જોવું હોય તો જોઈ લેજો, પ્રશ્નની વાત જ્યારે પણ નીકળે છે ત્યારે એક પ્રશ્નની સાથે ભૂતકાળના પ્રfનોનું આખું ટોળું પણ સાથે ધસમસી આવે છે અને એ તટસ્થતાની ભાવના સાથે શરૂ કરવામાં આવેલી વાતને વિકૃતિ આપવાનું કામ કરી જાય છે. પરિણામ એ આવે છે કે વધુ એક વખત મુદ્દાઓની ચર્ચા કરવાની મળેલી તકને વેડફી નાખવામાં આવે છે. સંબંધોને તંદુરસ્ત બનાવવા માટે જ્યારે-જ્યારે પણ તક વેડફાઈ છે ત્યારે-ત્યારે એ સંબંધોમાં કન્ટ્રોલની ભાવના પ્રબળ બની છે અને પછી એ જ ભાવના આધિપત્ય જમાવવાની દિશામાં વધારે ઝડપથી આગળ વધે છે. તર્કબદ્ધ બનીને વિચારવાની જરૂર છે કે જ્યારે પણ જૂના જમાનાના રાજાઓ અન્ય રાજને પોતાનું કરવા નીકળતા ત્યારે પાછળ પોતાનું રાજ તો રેઢું મૂકીને જ જતા હતા. અહીં સંબંધોના રાજપાઠમાં પણ એ જ બને છે. બીજા પર કન્ટ્રોલ કરવા નીકળેલી વ્યક્તિ પોતાનો કન્ટ્રોલ નધણિયાત મૂકી દે છે અને પરિણામ સ્વરૂપે એ તેના પરથી પણ પોતાનો કબજો ગુમાવે છે. કંઈક પ્રાપ્ત કરવાની લાયમાં ગુમાવવામાં આવી રહેલા આ સામ્રાજ્યનો કબજો પણ હવે બીજા કોઈના હાથમાં છે, જરા વિચારો કેવી અવસ્થા કહેવાય આ.

 

આ પણ વાંચો: ઉંમર છુપાવવાની નહીં, ખંખેરવાની હોય

 

સૌથી પહેલાં તો એ નક્કી કરી લો કે કોઈનો પણ કબજો જોઈતો નથી અને બીજું એ નક્કી રાખો, જાત પરનો કન્ટ્રોલ છોડવો નથી. છૂટેલો કન્ટ્રોલ ક્યાંક ને ક્યાંક સંબંધોનું પતન કરવામાં નિમિત્ત બનશે અને એ જે સમયે નિમિત્ત બનશે એ સમયે દોષ આપવા માટે તમારી પાસે ન તો કોઈ વ્યક્તિનું નામ હોય કે ન તો કોઈ સંબંધોની આડશ હશે. જ્યારે પણ આવી અવસ્થા આવે છે ત્યારે દોષનો ટોપલો બધો જાત પર ઊતરે છે અને એવું બને છે ત્યારે જીવન અસાર બની જાય છે. સરવાળે વાંક પણ પોતાનો અને દોષ પણ પોતાને જ આપવાનો સમય આવે છે. જો એવું ન કરવું હોય તો આગળ કહ્યું એમ પહેલો અને અંતિમ નિયમ એક જ રાખો, કન્ટ્રોલબાજી જોઈતી જ નથી. ન તો હસબન્ડને કન્ટ્રોલમાં રાખવો છે કે ન તો વાઇફ પર કોઈ જાતનું આધિપત્ય જમાવવું છે. વિશ્વાસ હશે તો અનુશાસન જાતે જ મળશે અને એ પણ તાસકમાં સજાવીને આપવામાં આવશે. બહેતર છે કે કન્ટ્રોલ મેળવવાની ગડમથલમાં ઊતરવા કરતાં એકમેક પ્રત્યેના વિશ્વાસને વધુ બળવત્તર બનાવવાની દિશામાં ચાલવામાં આવે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK