વાહિયાત ચૅનલોના ધંધાને ધમધોકાર ચલાવવાનો ઠેકો આપણે ક્યાં લીધો છે?

10 September, 2019 03:47 PM IST  |  | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

વાહિયાત ચૅનલોના ધંધાને ધમધોકાર ચલાવવાનો ઠેકો આપણે ક્યાં લીધો છે?

‘અતિની ગતિ નથી’ કે ‘એવરીથિંગ ઇઝ ગુડ ઇન લિમિટ’ જેવા શાણપણના શબ્દો વાંચતા અને વાપરતા આપણે સૌ અત્યારે મીડિયા પર જે જોઈ કે સાંભળી રહ્યા છીએ એ આનાથી તદ્દન વિરુદ્ધનું છે? કોઈ પણ નજીવી વાતને વળ ચડાવીને, પાર વગરનું મરચું-મીઠું ભભરાવીને ‘બ્રેકિંગ ન્યુઝ’ અને ‘સનસનીખેજ સમાચાર’ બનાવી દેતી ન્યુઝ ચૅનલો ક્યારેક-ક્યારેક તો અતિરેકની, નકરા અતિરેકનીય હદ કરી દે છે. ગયા અઠવાડિયે એક ચૅનલ પર એક સમાચાર જોતાં અને સાંભળતાં આ જ લાગણી અનુભવી. ઍન્કર ભાવાવેશમાં બોલતી હતી. કંઈક ગંભીર બની ગયું હોય એ રીતે તે સમાચાર આપી રહી હતી. તેણે જે કહ્યું એ કંઈક આ પ્રકારનું હતું : આમિર ખાન પર કોઈ આફત આવી હોય એમ લાગે છે. તેણે તાજેતરમાં જે કંઈ ટ્વીટ કર્યું છે એ વાંચીને તમે ચોંકી જશો. એ વાંચતાં લાગે છે કે આમિર ખાન કોઈ તકલીફમાં છે અથવા કોઈના તરફથી તેને કંઈક ધમકી મળી છે. તેણે જે લખ્યું છે એના પરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે તેની સાથે બધું બરાબર નથી.

એના એક્ઝૅક્ટ શબ્દો યાદ નથી, પણ તેણે જે કહ્યું એનો અર્થ આ થતો હતો એટલું ચોક્કસ. અને પછી તે ઍન્કરે આમિર ખાનનું ટ્વીટ વાંચ્યું જેમાં આમિર ખાને લખ્યું હતું, ‘જાણતાં કે અજાણતાં મેં કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય કે દૂભવ્યા હોય તો શિશ નમાવી, હાથ જોડી હું એ સૌની ક્ષમા માગું છું. કૃપા કરીને મને ક્ષમા આપશો. પ્રેમ.’ એ માસ્ટર ઍન્કરે પછી જાણે કોઈ મોટું રહસ્ય છતું કરતી હોય એમ આમિર ખાનના ટ્વીટની ઉપર મૂકેલું શીર્ષક ‘મિચ્છા મિ દુક્કડં’ દેખાડીને કહ્યું કે પાછળથી અમારું ધ્યાન આ શીર્ષક પર ગયું એટલે અમને સમજાયું કે ઓહ, આ તો પર્યુષણના અંતિમ દિવસે જૈનો જેમ બધાની ક્ષમાપના કરે છે એ જૈન પરંપરાને અનુસરીને આમિર ખાને ક્ષમાયાચના કરી છે. પછી તો તેણે એ બુલેટિનમાં આમિરની આ ક્ષમાયાચનાને ટ્િ‍વટર પર લોકોએ કઈ રીતે ‘ઠગ્સ ઑફ હિંદુસ્તાન’ માટેની માફીયાચના ગણી લીધી અને એ વિશે કમેન્ટ કરી એની વિગતો પણ રજૂ કરી.

હકીકતમાં તેણે આમિર ખાનના ટ્વીટનો પહેલો શબ્દ વાંચવાનો શરૂ કર્યો ત્યાં જ પૂરો મામલો સમજાઈ જાય એવું હતું, પરંતુ ચૅનલો કોઈ પણ બાબતને સીધી રીતે રજૂ કરી દે તો તેમના ટીઆરપી ક્યાંથી વધે? એ માટે તેમણે તો મરચું-મીઠું ભભરાવીને સસ્પેન્સ ઊભો કરવો પડે અને મામલાને ચકચારી બનાવવો પડેને! એક પત્રકાર તરીકે તો મને લાગ્યું કે આમિરનું આ ટ્વીટ જૈન ધર્મની એક અત્યંત ઉમદા વિચારધારાની યુનિવર્સલ અપીલ પર મહોર મારે છે અને આમિર ખાનની સારું-સાચું જ્યાંથી પણ મળે એ અપનાવવાની ખેલદિલી દર્શાવે છે. આમિર ખાન પ્રત્યેના આદરમાં ઉમેરો કરે એવા તેના ટ્વીટથી પેલી ઍન્કરના મનમાં કેવા સવાલો ઊઠ્યા? કેવી-કેવી ધારણાઓ તેણે બાંધી? કેવાં-કેવાં અર્થઘટનો કર્યાં! બાલીશતા કંઈક આવી જ રીતે વ્યક્ત થતી હશેને!
ટીવી ચૅનલો તો હજીયે ઠીક, પરંતુ યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયાની ચૅનલો પર ખોટી ચકચાર જગાવવા અને દર્શકોને ગેરમાર્ગે દોરવા જે બેસુમાર પ્રયાસો થાય છે એ તો ભયંકર હોય છે.

‘જયા બચ્ચનની ગંભીર બીમારી’, ‘શ્વેતાના ડિવૉર્સ’, ‘અમિતાભના દીકરી સાથેના સંબંધોનો રાઝ’ જેવાં તદ્દન ગેરમાર્ગે દોરનારાં શીર્ષકો ધરાવતા સમાચારોની વિડિયોઝ યુટ્યુબ પર ફરતી રહે છે. એનાં ચકચારી ટાઇટલ્સ જોઈને એ ક્લિપ જોનારને એ જોયા બાદ સમજાય કે તે ઉલ્લુ બની ગયો છે, કેમ કે એ વિડિયોમાં એ શીર્ષકમાં જણાવ્યું હોય એવું કંઈ કરતાં કંઈ હોય જ નહીં! કૉમન સેન્સ ધરાવતી કોઈ પણ વ્યક્તિને કદી સૂઝે જ નહીં એવી ફાલતુ વાતો કેટલાક યુટ્યુબિયાઓના દિમાગમાં આવે છે અને પછી એને જૂઠના લપેડા લગાવીને તેઓ પોતાની ચૅનલો પર ચગાવે છે. હમણાં આ યુટ્યુબિયા પેલી રાનુ મંડલને ચગાવવામાં મંડી પડ્યા છે. બૉલીવુડના ખેરખાંઓ સાથે રાનુની ઇન્ટરૅક્શન થઈ હોય એવો આભાસ કરતી વિડિયો ક્લિપ બનાવે અને ગેરમાર્ગે દોરતાં ટાઇટલ આપે. પરંતુ એ ક્લિપ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે એવી કોઈ ઇન્ટરૅક્શન કે મુલાકાત થઈ જ ન હોય. માત્ર બન્નેના જુદા-જુદા ફોટો કે વિડિયોઝ જોડી દેવાયા હોય.

આ પણ વાંચો: દૂરથી દીકરા રળિયામણા?

હમણાં તો એક યુટ્યુબિયાએ હદ જ કરી દીધી. તેણે એક વિડિયોનું ટાઇટલ આપ્યું : ‘લતાજી સે ડરી રાનુ મંડલ મદદ કે લિએ દૌડી નરેન્દ્ર મોદી કે પાસ!’ અલબત્ત, આવા જોકરાના અંદાજ પર હસવાનો આનંદ જરૂર લઈ શકાય, પણ પોતાના દિમાગ કે પોતાના સમયનું જરાક જેટલું પણ મૂલ્ય હોય તે આવા કારસાબાજોની ચાલમાં ન ફસાય. આવી રજૂઆતો અને વિડિયો જોવા પાછળ સમય વેડફનારાઓ માટે દયા સિવાય શું કરી શકાય! અને પેલા ઍન્કરો તથા વિડિયોમેકર્સ વિશે શું કહેવું! અરે ભાઈ, એ તો તેમનો ધંધો કરે છે. ભલે કરતાં તેમનો ધંધો. પણ તેમના ધંધાને ધમધોકાર ચલાવવાનો ઠેકો તમે કે મેં કે આપણે ક્યાં લીધો છે? એવી વાહિયાત વસ્તુઓ જોવાનું બંધ થશે તો ક્યારેક બનવાનું પણ બંધ થશે. એ તો થાય ત્યારે, પણ એ જોવાનું બંધ કરનારનો કીમતી સમય અને આંખોનું તેજ વેડફાવાનું તો જરૂર અબઘડી બંધ થઈ જશે. ગૅરન્ટી સાથે!

columnists gujarati mid-day