ઉપરવાલા સબ દેખતા હૈ

06 September, 2019 08:46 AM IST  |  | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

ઉપરવાલા સબ દેખતા હૈ

વાતે-વાતે અને જ્યાં પણ, જ્યારે પણ લાચારીનો અનુભવ થાય ત્યારે આપણી આંખ સામે ઉપરવાળો આવી જાય છે. આંખ સામે પણ અને જીવ્હાના ટેરવે પણ. ઉપરવાળો છેને, એ બધું જુએ છે.

ઉપરવાળો. કયો ઉપરવાળો અને ક્યાંનો ઉપરવાળો?

અજાણ્યા ડરની એવી તે આદત આપણને પડી છે આપણને કે આપણે એ પણ ભૂલી ગયા છીએ કે એ અજાણ્યાના ડરના મૂલ્ય કરતાં પણ તમારા ડરનું મૂલ્ય અદકેરું હોવું જોઈશે. ઉપરવાળો જુએ એ નહીં ચાલે, જોવું તમારે પડશે. જોવું પણ પડશે અને પગલાં પણ તમારે લેવાં પડશે. ઉપરવાળો શું કામ જુએ અને ઉપરવાળો શું કામ પગલાં લે? જવાબ તો આપો એક વખત તમારી જાતને. તેણે કોઈ ઠેકેદારી નથી લીધી કે તે બધું જોઈને દર વખતે કર્મના સિદ્ધાંતો મુજબ પગલાં લે. જરા પણ નહીં, ઉપરવાળો કશું જોવાનો નથી અને ઉપરવાળો કશું જોતો પણ નથી. જોવાનું પણ તમારે છે, કરવાનું પણ તમારે છે અને કર્યા પછી એનું જે પરિણામ આવે એ ભોગવવાનું પણ તમારે છે. ઉપરવાળો ક્યાંય વચ્ચે આવવાનો નથી.

જેને વાતે-વાતે ઉપરવાળો યાદ આવે છે તે હકીકતમાં કશું નહીં કરવાની માનસિકતા ધરાવતા હોય છે. કશું નહીં કરવાની માનસિકતા અને કશું નહીં કરી શકવાની લાચારી પણ. નાસીપાસ રહેવાની આ માનસિકતાને કાઢવાની જરૂર છે. અજાણ્યો ડર મનમાંથી હાંકી કાઢવાની જરૂર છે. ક્યાં સુધી ઉપરવાળાને બધી વાતમાં તસ્દી આપવાની? ક્યાં સુધી દરેક વાતમાં એને સીસીટીવીની જવાબદારી આપવાની? ભલા માણસ, તે ભગવાન છે, વૉચમૅન અને સિક્યૉરિટી ગાર્ડ થોડો છે કે તમારા માટે આંખો માંડીને બેસી રહે અને તમે કહો ત્યારે તમારે જે જોવું નથી કે તમે જેમાં રસ્તો નથી કાઢી શકતા એનો હિસાબ માંડવા ચોપડો ચીતરવાનું ચાલુ કરી દે? ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. તે એવું કામ કરતો પણ નથી અને તેને એવું કામ સોંપવાનું પણ ન હોય. જો તમને કોઈ માણસ ગણવા રાજી ન હોય તો નૅચરલી તમને ગુસ્સો આવે. એવું જ તેને પણ લાગુ પડેને? તમે તેને ભગવાન ગણો છો તો પછી તેમનો ભગવાનનો દરજ્જો પણ અકબંધ રાખો. તે હિસાબકિતાબ માટે નથી. તે તમારા મનોબળ માટે છે, તે તમારી આંતરિક શક્તિ વધારવા માટે છે. તમારી સાથે થનારા અન્યાયનો હિસાબ કરવા માટેની જવાબદારી તેને સોંપવામાં નથી આવી કે નથી તમારા હિત માટે લડવા તેનું સર્જન થયું. આવી માનસિકતા રાખવી એ હકીકતમાં તો જાતને નબળી પાડવાની પ્રક્રિયા છે.

ઉપરવાળાને આંખ સામે રાખીને જીવનારાઓની સૌથી મોટી નબળાઈ જો કોઈ હોય તો એ જ કે એ ક્યાંક ને ક્યાંક કોઈ અલૌકિક શક્તિથી ડરવા માગે છે. ડરવાની માનસિકતા ગેરવાજબી છે. ડર કોઈ વાતનો, કોઈ મુદ્દાનો હોવો ન જોઈએ. ડર શ્રદ્ધાનો હોવો જોઈએ, આસ્થાનો હોવો જોઈએ. બીક રાખવાનો અર્થ બહુ સરળ છે. ખબર જ છે કે ખોટું કરો છો એટલે તમને ભય છે. બહેતર છે કે એ ભયને આંખ સામે રાખવાને બદલે ખોટું કરવાનું તરછોડી દો. બહેતર છે કે ડરને આંખ સામે રાખીને રહેવાને બદલે અયોગ્ય કરવાની ભાવના મનમાંથી હાંકી કાઢો.
ઉપરવાળાએ જોવું ત્યારે જ પડતું હશે જ્યારે તેણે નક્કી કરેલા રસ્તે ચાલવાની પ્રક્રિયા નહીં થતી હોય. ઉપરવાળાએ જોવું પણ ત્યારે જ પડતું હશે જ્યારે ખોટી રીતે ચાલનારાઓની ખોટી રીત વિશે મને-તમને, આપણને ખબર હશે અને એ પછી પણ આપણે હાથમાં બંગડી પહેરીને ઉપરવાળા પર બધું છોડી દેતા હોઈશું. એવું બને ત્યારે ઉપરવાળો માત્ર એ અહિતકારી તત્ત્વને જ નહીં, તાયફા લેનારાઓને પણ જોતો હશે. બે હાથ આપ્યા, બાહુમાં તાકાત આપી, વિચારશીલતા આપી, રાડ પાડવા માટે ગળામાં સૂર ભર્યા અને એ પછી પણ એનો ઉપયોગ નહીં કરીને ભગવાનને સિક્યૉરિટી ગાર્ડની જવાબદારી આપી દેનારા પર પણ તેને ગુસ્સો આવતો જ હશેને. જરા વિચાર કરો, કલ્પના કરો, આ બધી તાકાત તમે તમારી વ્યક્તિને આપી દીધી હોય અને એ પછી પણ તે જો તાબોટા પાડતો તમારી રાહ જોઈને બેસી રહે તો તમને પણ ખીજ ચડેને? બધું શીખવ્યા પછી પણ તમારુ સંતાન જો એક્ઝામમાં પેપર કોરું મૂકીને આવી જાય તો તમારી ડાગળી ચસકેને? પ્રિન્સિપાલ દરરોજ તમને સૅલ્યુટ કરવા આવતો હોય અને તમારી વાઇફની તુવેરની દાળનો દીવાનો હોય તો પણ દીકરો પેપર કોરું મૂકીને આવે એવી માનસિકતા સાથે કે પપ્પા બધું ફોડી લેશે તો તમારી કમાન છટકી જાયને?

આ પણ વાંચો: બસ, હવે આ જ બાકી હતું, બેસ્ટ ફાર્ટ કોની...

ડિટ્ટો. ડિટ્ટો એવી જ રીતે ઉપરવાળાની પણ ડાગળી ચસકે જો તમે ઉપરવાળાની ખીંટીએ બધું ટિંગાડી દો તો. તે ક્યાંય તમારો સર્વન્ટ નથી અને આગળ કહ્યું એમ તે ક્યાંય તમારો વૉચમૅન પણ નથી કે બધું જોયા કરે. નથી તેને સીસીટીવી કૅમેરાની ભૂમિકામાં આવવું અને નથી તે પોલીસ-કમિશનરના રોલમાં આવવા માગતો નથી. તેણે એ બધી ક્ષમતા તમને આપી જ દીધી છે એટલે હવે એ ક્ષમતાનો ઉપયોગ તમારે કરવાનો છે. સીધા હિસાબ સાથે કે નથી કરવું ખોટું, નથી કરવું અયોગ્ય. સૈદ્ધાંતિક રીતે જીવવું છે અને આદર્શવાદ સાથે આગળ વધવું છે. નથી તેના ભરોસે બેસી રહેવું અને નથી તેને આધારિત રહેવું. બે હાથ, બે પગ અને એક જીભ, એક મગજ આપી દીધાં. બહુ થયું. વ્યવહાર પણ તમારે સંભાળવાનો અને વસૂલાત પણ તમારે કરી લેવાની. પ્રગતિ પણ તમારા હસ્તક આવશે અને પનિશમેન્ટ આપવાની જવાબદારી પણ તમારી જ રહેશે.માત્ર અને માત્ર તમારી. બાકી ઉપરવાળો જુએ જ છે. ખોટું કરનારાને પણ જુએ છે અને યાદ રહે, ખોટું જોઈને મૂંગા રહેનારાઓને પણ. સબ મતલબ સબ, ઉપરવાલા સબ દેખતા હૈ.

columnists gujarati mid-day